લાડકી

ગૃહિણી અને વર્કિંગ વિમેન્સના કામના કલાકોની ગણતરી ક્યારે કરીશું?

સંબંધોને પેલે પાર -જાનકી કળથિયા

શું સ્ત્રી માટે કામના કલાકો નિર્ધારિત છે? વર્કિંગ અવર્સ ૮ માંથી ૧૨ કરવાનો વિચાર કરતાં પહેલાં ઘરની ગૃહિણી કેટલાં કલાક કામ કરે છે એના વિશે કોઈએ વિચાર્યું? કામના કલાકોની વધઘટ નક્કી કરતાં પહેલાં વર્કિંગ લેડીની ભૂમિકા વિશે જાણવાની કોશિશ કરી?

નારાયણ મૂર્તિના ૭૦ કલાક કામ કરવાના વિધાનને જો ગૃહિણી અને વર્કિંગ વિમેન્સ પર લાગુ પાડીએ તો એ આંકડો ૧૦૦ ને વટી જાય, પરંતુ આપણે ત્યાં હંમેશાં આંકડાકીય બાબતોને વધુ પ્રાધાન્ય અપાય છે. માની શકાય કે મનીની મોનોપોલી વગર બધું જ નકામું છે. પણ શું એ મનીમાંથી મનને ગમતું કરી આપનાર ઘરની સ્ત્રીના કામના કલાકોનું શું? એ પછી ગૃહિણી હોય કે પછી ડબલ કે ત્રિપલ ભૂમિકા ભજવનાર વર્કિંગ વિમેન્સ હોય, એમની કામગીરી બાબતે ક્યારેય કોઈ કાર્યક્રમો નથી થતાં કે નથી કોઈ સ્પર્ધાઓ યોજવામાં આવતી.

આપણા ઘરમાં ઘરને સજાવીને રાખનાર ગૃહિણી કે જે સૌથી પહેલાં ઊઠીને સૌથી છેલ્લે ઊંઘે છે. આપણે સૌ જાણીએ છીએ કે એ ઘરની ધરોહર ક્યારેક બીમાર પડે કે પછી બહારગામ જાય ત્યારે ઘરની હાલત શું હોય છે. ન તહેવારની કોઈ રજા કે ન અન્ય જાહેર રજા, મોં પર સતત હાસ્યની લકીર સાથે રાખીને મથે રાખે છે પોતાના કરતાં ‘પોતાનાઓ’ માટે… જીવ્યે રાખે છે ‘પોતાનાઓ’ માટે… સપનાં હોય કે સુકૂન, એને તો ફિકર છે પોતાની નહીં, પણ ‘પોતાનાઓ’ ની. આવી ઘરના આધારસ્તંભ સમી સ્ત્રીના કામના કલાકોની ગણતરી કરવા બેસીએ અને એ મુજબ જો વેતન આપવાનું નક્કી થાય તો એ ઘરના કમાઉ માણસને સો ટકા વટી જાય.

શહેરી સ્ત્રીઓ તો થોડાઘણા અંશે પોતાની ભૂમિકા પ્રત્યે સજાગ પણ છે, પરંતુ ગ્રામીણ ક્ષેત્રની સ્ત્રીઓ સદીઓથી ઘર તો સંભાળે જ છે, સાથોસાથ પતિને આર્થિક સહયોગ આપવા અર્થ ઉપાર્જનની પ્રવૃત્તિ પણ કરે છે. એટલે ગ્રામીણ અને શહેરી સ્ત્રીઓ બંને અઢળક કામગીરી સાથે જોડાયેલી છે. ફર્ક માત્ર એટલો છે કે શહેરની મિડલ અને અપર મિડલ કલાસ સ્ત્રીઓ શોખથી અને શિક્ષિત છે એટલે ડબલ ભૂમિકા ભજવે છે. અહીં કદાચ એ આર્થિક પ્રવૃત્તિ નહીં કરે તો મોટો ફર્ક નહીં પડે. અને જો આર્થિક પ્રવૃત્તિ કરે તો ઘરના થોડાં કામો માટે હેલ્પર રાખી શકાય એવી સ્થિતિ અહીં હોય છે. જ્યારે ગ્રામીણ સ્ત્રીઓ મોટાભાગે જરૂરિયાતના લીધે આર્થિક ઉપાર્જન કરે છે. અહીં એનો આર્થિક ટેકો ખૂબ મહત્ત્વનો પુરવાર થાય છે. જો પોતે પોતાના પતિને આર્થિક સહયોગ નહીં આપે તો ઘર ચલાવવું અઘરું થઈ પડે એવું હોય છે. એટલે ઘણીવાર અનિચ્છાએ પણ ગૃહિણી ઉપરાંતની ભૂમિકા ભજવવી પડતી હોય છે. આ બંને સ્થિતિમાં એટલે કે ઈચ્છાથી કે અનિચ્છાથી સ્ત્રી ડબલ કે ત્રિપલ રોલ ભજવી જાણે છે એના અંગે અભ્યાસો ઓછા થયા છે.

સ્ત્રીની આ બેવડી ભૂમિકાને લઈને કોઈ ચર્ચા, સંવાદ કે સ્પર્ધાઓ નથી થતાં. એના કઠોર પરિશ્રમ અને કામના વધુ કલાકો માટે કોઈ નારાયણ મૂર્તિ આગળ નથી આવતાં. બધું મેનેજ કરવા જતાં એને પડતી તકલીફો કે અવરોધો માટે કોઈ કાયદો પણ નથી. ઘણીવાર પોતાનું શરીર સાથ ન આપતું હોવા છતાંય એ પોતાની ભૂમિકાથી એ છૂટી નથી શકતી. અને જો છૂટવાનો પ્રયાસ કરે તો એને ‘છટકવા’ નું ટેગ મળી જાય છે. પોતાની જાતની સંભાળ ન રાખવાથી ઘણીવાર ગંભીર બીમારીનો ભોગ પણ બને છે. સામાન્ય લક્ષણો ઇગ્નોર કરીને પોતાના શરીરને મોટી બીમારીનું ઘર બનાવે છે. શરીરની સાથોસાથ મગજ પર બોજ લઈને માનસિક રોગનો શિકાર પણ થાય છે. આ બધાથી એક કદમ આગળ, અઢળક પીડા અને તકલીફો વધી જાય એટલે ઘરના જ કોઈ ખૂણે ખાલી થઈને ફરી ઠરીઠામ થઈ જાય છે. એટલે શારીરિક, માનસિક તેમજ ભાવનાત્મક એમ ત્રણ પ્રકારથી એ પીડાઈ છે, પરંતુ કુદરતે કપાળમાં કૂવો આપ્યો હોય, ફરી મજબૂત થઈને પરિવારનો અડીખમ ટેકો બની રહે છે.

સમાજનું માળખું ભલે પુરૂષપ્રધાન રહ્યું, એને કોઈ જ વાંધો નથી. પણ એના કામની ગણતરી નથી થતી ત્યારે એને દુ:ખ થાય છે. એને ડબલ રોલથી પણ કોઈ જ તકલીફ નથી હોતી, પરંતુ એના સ્વાસ્થ્ય પરત્વે ઘરના લોકો જ ઉદાસીનતા સેવે ત્યારે એ દુ:ખી થાય છે. કોઈ જ રજા કે વળતર વગર તમામ ફરજો પૂરી કરવામાં એને કોઈ તકલીફ નથી. આટલું કર્યા પછી પણ ‘તું ઘરમાં કરે છે શું?’ આ સવાલથી એને પીડા થાય છે. ઘરના વડીલો, બાળકો અને પતિને સાચવવામાં હંમેશાં કાળજી રાખે છે. પણ જ્યારે એને કાળજીની આવશ્યકતા હોય અને નથી મળતી ત્યારે એ ઘવાય છે. બેવડી કે ત્રેવડી ભૂમિકા ભજવ્યા પછી ક્યારેક કોઈ ચૂક રહી જાય તો એના તરફ વ્યક્ત થતી નારાજગીથી એ પડી ભાંગે છે. નિયમો, બંધનો, રિવાજોથી એને કોઈ પ્રશ્ર્ન નથી. પણ એ બધું માત્ર એને જ લાગુ પડે છે, અન્યને નહીં, ત્યારે એ મૂંઝાઈ છે.

વાત જ્યારે વર્કિંગ અવર્સની હોય ત્યારે સ્ત્રીઓ જ એમાં બાજી મારી જાય છે એ સ્વીકારવું રહ્યું. સ્ત્રી પહેલેથી ૧૨ કલાક કરતાં વધુ કામ કરે છે તો એના થકી સમાજને જે યોગદાન મળે છે એની કિંમત નથી. કારણ કે સ્ત્રી થકી જે મળે છે એ અતિ મૂલ્યવાન છે. ઘરનો મોભી મહેનત કરીને, પરસેવો પાડીને આવક મેળવે છે. અને એ આવકમાંથી સરસ મજાની રસોઈ બનાવીને સ્ત્રી ઘરના સભ્યોને પ્રેમથી જમાડે છે. એ આવકમાંથી બાળકોની જરૂરિયાત મુજબની વસ્તુ ખરીદીને વ્હાલથી એની સંભાળ રાખે છે. પથારીમાં સ્નેહથી સુવડાવે છે. આ બધું માત્ર રૂપિયાથી નથી થતું. કારણ કે રૂપિયા ખાઈ નથી શકાતા કે નથી એના પર સૂઈ શકાતું. પુરુષની આવકમાંથી સંતોષ આપવાનું અતિ મહત્ત્વનું કામ સ્ત્રી કરે છે. એટલે સ્ત્રીના વર્કિંગ અવર્સની વાત કરવા બેસીએ તો એનો પાર જ ન આવે.

સ્ત્રી અને પુરુષ બંને સાથે મળીને ઘર ચલાવે છે, ઘર સંભાળે છે. તો મહત્ત્વ સ્ત્રી અને પુરુષનું સરખું જ થયું ને? આપણે એવા સમાજના નિર્માણ તરફ આગળ વધવાનું છે જ્યાં સ્ત્રી અને પુરુષના બાયોલોજીકલ ભેદભાવને સામાજિક ભેદભાવ ન ગણવામાં આવે. સમય બદલાઈ રહ્યો છે. એની સાથે સ્ત્રી પુરુષ સંબંધી માપદંડો પણ બદલાઈ રહ્યાં છે. ઘર ચલાવવા માટે જેમ અર્થ ઉપાર્જનની જરૂર છે અને એ પુરુષના ભાગે આવે છે એ જ રીતે ઘર સંભાળવા માટે અર્થ ઉપાર્જનનું રૂપાંતર લાગણીઓમાં કરવું પડે છે અને એ સ્ત્રીના ભાગે આવે છે. આ પ્રકારની સોચમાંથી મુક્ત થવાનો સમય આવી ગયો છે. બંનેમાંથી કોઈ એકનું કામ નાનું કે મોટું નથી, પણ અલગ છે. આ સ્વીકારીએ એટલે જેન્ડર ડિફરન્સને લગતાં પ્રશ્ર્નો આપમેળે ઘટવા લાગશે. એટલે વાત જ્યારે કામના કલાકોની આવે ત્યારે આપણા ઘરમાં રહેલી સ્ત્રીના કામના કલાકો ગણી લેવા. એટલે અન્ય કોઈના સ્ટેટમેન્ટની જરૂર નહીં પડે.

ક્લાઈમેક્સ: નથી જોતા મને સ્ટેજ કે ઇનામ, મને તો જોઈએ મારા પ્રિયજનો તરફથી સન્માન…!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…