જે થાય છે તે સારા માટે જ થાય છે
કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય
(ભાગ: ૩)
નામ: આશા પારેખ
સ્થળ: જુહુ, મુંબઈ
સમય: ૨૦૨૪
ઉંમર: ૮૧ વર્ષ
આપણે બધા નાનકડી નિરાશાથી હારી જઈએ છીએ. એકાદ વ્યક્તિ આપણને ન સ્વીકારે કે, આપણા આત્મવિશ્ર્વાસને તોડી નાખે તો આપણે તરત જ એને મહત્ત્વનું માનીને આપણી પાછલી સફળતા, વખાણ કે આપણી આવડત અને આત્મવિશ્ર્વાસ ભૂલી જઈએ છીએ. મારી સાથે પણ એવું થયું છે. હું નાની હતી. સ્વપ્નો મોટાં હતાં! વિજય ભટ્ટ જેવા દિગ્દર્શક જ્યારે એમની મહત્ત્વની ફિલ્મ માટે ‘જ્યુબિલી કુમાર’ કહેવાતા સફળ સ્ટાર રાજેન્દ્ર કુમાર સામે મારા જેવી છોકરીને સાઈન કરે, પાંચ દિવસ શુટિંગ થાય ત્યારે સ્વાભાવિક રીતે જ એમ લાગે કે હવે ફિલ્મી દુનિયા પર રાજ કરવાનો સમય શરૂ થયો છે… પરંતુ, એમણે પાંચ દિવસ પછી મુખ્ય અભિનેત્રી બદલી
નાખી. હું નિરાશ થઈ ગઈ ત્યારે મારી
માએ કહ્યું, ‘જે થાય છે તે સારા માટે
થાય છે.’
આજે લાગે છે કે સાચે જ એ સમયે મેં જે નિષ્ફળતા કે રિજેક્શન જોયા એનાથી મારો આત્મવિશ્ર્વાસ મજબૂત થયો. હું નમ્ર બની એવું સમજી શકી કે, અન્ય લોકો સાથે એવું થાય તો એમને કેટલી તકલીફ થતી હશે!
જિંદગીનો બીજો અધ્યાય શરૂ થયો. અમે ‘બેહરૂપિયા’ નામની ફિલ્મના મુહૂર્તમાં ગયા હતા. રણજીત સ્ટુડિયોમાં એ મુહૂર્તમાં મને શશધર મુખર્જી (કાજોલના દાદાજી)એ જોઈ. એમણે મને અને મારી મમ્મીને સાંતાક્રૂઝમાં આવેલા એમના બંગલા ‘ગ્રોટો વિલા’ પર મળવા બોલાવ્યા. ત્યાં એમણે અભિનયની ઈન્સ્ટ્યિૂટ શરૂ કરી હતી. તેજસ્વી લાગે એવા યુવા અભિનેતાઓને તાલીમ આપીને એમની જ ફિલ્મમાં ચાન્સ આપવામાં આવતો. એમણે મારી મમ્મીને સલાહ આપી કે, મને એ ઈન્સ્ટ્યિૂટમાં દાખલ કરી દેવી જોઈએ. મમ્મીએ એડમિશન તો લીધું, પરંતુ મને કોણ જાણે કેમ ‘ફિલ્માલયા સ્કૂલ ઓફ એક્ટિંગ’માં જવામાં બહુ રસ પડતો નહીં.
મેં દલીલ કરેલી, ‘એક્ટિંગ કંઈ શીખી શકાય? એ તો આવડે અથવા ન આવડે.’ પ્રામાણિકતાથી કહું છું. હું બે દિવસ ગઈ ને પછી મેં ક્લાસીસમાં જવાનું છોડી દીધું. મારી મમ્મીએ પૂછ્યું ત્યારે મેં એને કહ્યું, ‘ત્યાં જે શીખવે છે એ બધું મને આવડે છે.’ થોડા દિવસો સુધી હું ક્લાસમાં ન ગઈ
એટલે શશધર સાહેબે ફરી સંદેશો મોકલાવ્યો. એમને ખરેખર લાગતું હતું કે, હું હિરોઈન બની શકું એમ છું, જ્યારે મને લાગતું હતું કે, એક્ટિંગ શીખી શકાય
નહીં…
એ સમયે નાસિર હુસૈન (આમિર ખાનના મામા) એક રોમેન્ટિક મ્યુઝિકલ ફિલ્મ બનાવતા હતા. એમણે ‘ફિલ્મિસ્તાન’નું બેનર છોડી દીધું હતું. એમની ફિલ્મ ‘તુમસા નહીં દેખા’ ખૂબ સફળ થઈ હતી. હવે નવી ફિલ્મમાં શમ્મી કપૂર અને નૂતન એ ફિલ્મમાં હીરો-હિરોઈન હતાં, પરંતુ નૂતનજી સાથે ‘ફિલ્માલયા’ના નિયમો અને બીજી બાબતો ગોઠવી શકાઈ નહીં. શમ્મીજીએ સૂચન કર્યું કે, કોઈ નવી છોકરીને હિરોઈન તરીકે લેવી જોઈએ.
એ વખતે ‘ફિલ્માલયા’માં સાધના મારી સાથે એક્ટિંગ સ્કૂલમાં અભ્યાસ કરતાં હતાં. સાધનાના કાકા, હરિ શિવદાસાની અભિનેતા હતા. એ શશધર સાહેબને સારી રીતે ઓળખતા. એમણે પોતાની ભત્રીજી માટે ભલામણ કરી. શશધર સાહેબ લગભગ માની જ ગયેલા, પરંતુ એ જ વખતે આર.કે. નૈયરને ફિલ્મ ડિરેક્ટ કરવા માટે ‘ફિલ્માલયા’ સ્ટુડિયોએ આમંત્રિત કર્યા. આર.કે. નૈયર સાહેબ સાધનાના વ્યક્તિત્વથી ખૂબ ઈમ્પ્રેસ થઈ ગયેલા. એક રીતે જોવા જઈએ તો એ લગભગ સાધનાના પ્રેમમાં પડી ગયેલા. એમણે નાસિર સાહેબને વિનંતી કરી, ‘હું સાધનાને મારી ફિલ્મમાં લેવા માગું છું.’ નાસિર સાહેબે ખેલદિલીપૂર્વક હા પાડી અને સાધનાને બદલે મારો સ્ક્રીન ટેસ્ટ લેવામાં આવ્યો. એક જાણીતા દિગ્દર્શક બિભૂતિ મિત્રાએ મારો સ્ક્રીન ટેસ્ટ લીધો. જોકે, એમને હું ગમી નહીં. એમણે નાસિર સાહેબને કહ્યું કે, હું ‘ફાંગી’ હતી અને હિરોઈન મટિરિયલ બની શકું એમ નહોતી.
હવે વિચારું છું તો સમજાય છે કે, એ સમયની હિરોઈનના પ્રમાણમાં હું ખૂબ પાતળી હતી. એથી આગળ વધીને મારામાં એક સાદગી હતી જે એ સમયે હિરોઈન હોવા માટે ગુણ નહીં, પરંતુ ‘અવગુણ’ મનાતો હોવો જોઈએ. બિભૂતી મિત્રાના અભિપ્રાયને નાસિર સાહેબે ગંભીરતાથી લીધો નહીં એ મારું સદનસીબ! સાદા સલવાર કમીઝમાં મેં આપેલા સ્ક્રીન ટેસ્ટને બીજા એક જાણીતા દિગ્દર્શક નંદલાલ જસવંતલાલે જોયો. મેં મિડ શોટ અને ક્લોઝમાં અમુક ડાયલોગ્ઝ બોલીને સ્ક્રીન ટેસ્ટ આપ્યો. નાસિર સાહેબ એ સ્ક્રીન ટેસ્ટથી ખૂબ રાજી થયા અને એમણે મને ફિલ્મ માટે પસંદ કરી લીધી. ફિલ્મનું નામ હતું ‘દિલ દે કે દેખો’.
આર.કે. નૈયરની ફિલ્મ ‘લવ ઈન શિમલા’ માટે સાધનાની પસંદગી થઈ. સાધના અને મારા બંનેના નસીબમાં આ એક જબરજસ્ત ફાયદાનો નિર્ણય પુરવાર થયો. મને ત્રણ ફિલ્મો માટે ‘ફિલ્માલયા’ એ સાઈન કરી. મારી મમ્મીની સમજદારીને કારણે અમારો કોન્ટ્રાક્ટ બન્યો ત્યારે જ એણે નાસિર સાહેબ પાસેથી અને શશધરજી પાસેથી રજા લઈ લીધી કે, હું આ ત્રણ ફિલ્મો પૂરી થાય એ પહેલાં પણ બીજી ફિલ્મો સાઈન કરવા માટે મુક્ત છું.
હવે મારું નામ પાડવાનો સવાલ હતો… નવાઈ લાગે છે ને? એ સમયે હિરોઈનનું નામ એનું મૂળ નામ ન હોય એવો એક ટ્રેન્ડ હતો. મેહજબીનનું નામ મીનાકુમારી, અને મુમતાઝ જહાન દહેલવીનું નામ મધુબાલા પાડવામાં આવ્યું હતું.
યુસુફ ખાન દિલીપ કુમાર હતા અને ધરમદેવ આનંદનું નામ દેવ આનંદ હતું! શશધરજી સાથે દિલીપ કુમારનો ખૂબ સારો સંબંધ હતો. એમણે મારું નામ ‘આશા પરી’ રાખવાનું સૂચન કર્યું, પરંતુ મને લાગ્યું કે મારે નામ બદલવાની જરૂર નથી. મેં મારું નામ ‘આશા પારેખ’ જ રાખવાનો આગ્રહ કર્યો. એક-બે દિવસની ચર્ચા પછી એ સ્વીકારી લેવામાં આવ્યું.
શમ્મીજી એ વખતે બહુ મોટા સ્ટાર હતા. એમની સાથેનો પહેલો સીન-મારે માટે સાચે જ નર્વસ કરી દે એવી પરિસ્થિતિ હતી. નાસિર સાહેબ ત્યાં આવ્યા અને એમણે કહ્યું, ‘તારા પરિવારની સામે કેવી રીતે મજાથી નૃત્ય કરતી અને મિમિક્રી કરતી? બસ! એમ માની લે કે અહીં તારો પરિવાર જ છે…’ મેં પહેલો સીન ભજવ્યો અને યુનિટે તાળીઓ પાડી. મારો આત્મવિશ્ર્વાસ મજબૂત થઈ ગયો.
૩૦ દિવસનું રાનીખેતમાં શુટિંગ શેડ્યુઅલ હતું. મુંબઈથી દિલ્હી અમે વિમાનમાં ગયા. મારે માટે એ પહેલી વિમાનની મુસાફરી હતી.
રાનીખેતમાં શુટિંગના પહેલા દિવસે મારો મેક-અપમેન ન પહોંચ્યો, પરંતુ ગીતાબાલી પોતાના પતિ શમ્મી કપૂર સાથે ત્યાં આવ્યાં હતાં. એમણે મારો મેક-અપ કર્યો. શમ્મી સાહેબ ગજબના ડાન્સર અને હું, ડાન્સર ખરી, પણ એમની સાથે મેચ કરવું અઘરું. અમે રિહર્સલ કરીએ ત્યારે એ કંઈ જુદું જ કરે અને પછી શોર્ટમાં કંઈ અલગ જ સ્ટેપ કરે… હું ગૂંચવાઈ જાઉં એટલે એ હસે! મને કહે, ‘હું કંઈ તારી જેમ ટ્રેઈન્ડ ડાન્સર નથી. હું તો મનમાં આવે તે કરું!’ પરંતુ, ધીરે ધીરે અમારા સ્ટેપ મેચ થઈ ગયાં. એમણે મને લિપ સિંક શીખવાડ્યું. હું એટલી નાની હતી કે ગીતાજી મને કહેતા, ‘તું અમને ચાચા અને ચાચી કહીને બોલાવ!’ મને બહુ ઓડ લાગતું… જે હીરો સાથે હું રોમેન્ટિક ગીત ગાતી હોઉ એને ચાચા કઈ રીતે કહું!
અમારી ફિલ્મનો વિલન સિધ્ધુને હું બહુ ગમતી નહીં. એને કદાચ ‘દિલ દે કે દેખો’માં સાધના કાસ્ટ થાય એવી ઈચ્છા હતી. એ મારી સાથે ભાગ્યે જ વાત કરતા, પરંતુ મને એનાથી ખાસ તકલીફ નહોતી થતી કારણ કે, બાકીની કાસ્ટ અને યુનિટ, ખાસ કરીને શમ્મીજી અને ગીતાજીએ મને ખૂબ સપોર્ટ કર્યો. નાસિર સાહેબે પણ મને બહુ શીખવ્યું. ‘દિલ દે કે દેખો’નું પ્રીમિયર બોમ્બેના નોવેલ્ટી સિનેમામાં યોજાયું. શો પછી ઓડિયન્સ પાગલ થઈ ગયું. હું ભાગી જવા માગતી હતી, પણ શમ્મીજીએ મને હાથ પકડીને રોકી અને કહ્યું, ‘ફેનથી ભાગવાનું નહીં. હવે તો તારે આની ટેવ પાડવી પડશે!’
બીજી ઓક્ટોબર, ૧૯૫૯-મારા ૧૭મા જન્મદિવસે ‘દિલ દે કે દેખો’ એક સુપરહિટ ફિલ્મની મને ભેટ મળી. હું ઈશ્ર્વર પાસે આનાથી વધુ સારી ભેટ માગી શકું એમ નહોતી. બીજા દિવસનાં અખબારોમાં અનેક રિવ્યૂ છપાયા હતા, પણ એક રિવ્યૂ મને સ્પર્શી ગયો ‘એક સ્ટારનો જન્મ થયો છે’… આ વાંચીને વિજય ભટ્ટ સાહેબે કહેલી વાત મારા મનમાંથી નીકળી ગઈ અને મારી મમ્મીએ જે કહ્યું હતું એ વાત મેં જીવનભર યાદ રાખવાનું નક્કી કર્યું, ‘જે થાય છે તે સારા માટે જ થાય છે’.
(ક્રમશ:)