લાડકી

તરુણાવસ્થાએ આ તે કેવું સ્નેહનું સમાધાન?

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી

ગર્લ્સ હોસ્ટેલના ગેસ્ટરૂમમાં મૂકેલા બંન્ને ફોન સવારથી સતત રણકતા રહેલા. રવિવારનો દિવસ એટલે પેરેન્ટ્સ સાથે વાત કરવાનો અઠવાડિયે મળતો એક મીઠો મોકો. સાક્ષી સિવાય બધા રવિવારની કાગડોળે રાહ જોઈ બેસી રહેતા. સાક્ષીને ખ્યાલ રહેતો કે ઘેરથી ફોન આવશે એટલે મમ્મી નાની બહેન સયોની વિશે વાતો કરવામાં જ સમય ખર્ચી નાખશે. એમાં આજે તો સયોનીના ગુણગાન એટલાં ચાલ્યાં કે સાક્ષીએ કંટાળીને ફોન કાપી નાખ્યો. રૂમમાં પહોંચી સાક્ષી વિચારમાં ડૂબી ગઈ. વર્ષોથી એકનું એક રટણ સાંભળતી આવેલી સાક્ષી માટે એ કોઈ નવી વાત નહોતી. સયોની તો નાની છે, એને કંઈ ખબર ના પડે, એ બિચારી થાકી જાય. મમ્મીને સાક્ષી નાનપણથી સુપરહ્યુમન લાગતી અને સયોની બાપડી બિચારી. બન્ને વચ્ચે ઉંમરનો તફાવત માંડ ત્રણ-ચાર વર્ષનો, પણ સાક્ષી જાણે જન્મે જ પીઢ હોય ને સયોની નાદાન એ રીતે મમ્મી વર્તતી.

હકીકતે અવનીએ નાની દીકરી સયોનીને ક્યારેય મોટી થવા જ નહોતી દીધી. સવારે સ્કૂલ જવા માટે સાક્ષી સૌથી પહેલા ઊઠે. જાતે નાહી ધોઈને તૈયાર થઈ જાય. નાસ્તો બનાવવામાં મદદ કરે, પણ પહેલા પીરસાય સયોનીને. અને એ પછી નાનો ભાઈ તો ખરો જ.

સાક્ષી તો બિચારી રાહ જોતી રહી જાય કે પોતાનો વારો ક્યારે આવશે. છેલ્લે દોડાદોડીમાં ક્યારેક એ નાસ્તો કરી શકે તો ક્યારેક એમને એમ ભૂખ્યું જ ભાગવું પડે. મમ્મીનો તર્ક એ રહેતો કે તું તો મોટી છો. એ બન્ને નાનાં છે ને એટલે તારે થોડું સમજી જવાનું.

સાક્ષીને ક્યાંય જવું હોય તો સયોની સાથે થાય. એની ફ્રેન્ડ્સને ત્યાં પાર્ટી હોય કે ગ્રૂપ સ્ટડી. સયોની આવ્યા વગર રહે નહીં. અવની પણ બહાર જાય એટલે સયોનીનો સંગાથ કરે. સાક્ષીને ઘેર કામકાજ કરવા, નાના ભાઈને સંભાળવાનો વખત આવે. સાક્ષી સ્કૂલથી પાછી ફરતાંવેંત અવનીને મદદ કરાવવા લાગે. થાકેલી હોય તો એના માટે ચા પણ બનાવે. ક્યારેક કહે પણ ખરી કે, મમ્મી, સયોનીને કહેતી હોય તો કે તને થોડી મદદ કરે? તો જવાબમાં અવનીનો એ જ તર્ક: ‘અરે, એ તો નાની છે. તું મોટી બહેન છો. આમ પણ એ ક્યાં મારી કોઈ વાત કાને ધરે છે. તું તો મારી ડાહી દીકરી છો.’ આવું સાંભળતી સાક્ષીનો ડહાપણમાં બાળપણનો ભોગ લેવાય ગયો. એ નાનપણમાં જ અચાનક મોટી બની ગયેલી. ઘરમાં સયોની માટે રમકડાં, કપડાં, નાની-મોટી વસ્તુઓ આવતી પણ સાક્ષી તો મોટી છે એટલે એને કહી દેવામાં આવતું કે ઘરની આર્થિક હાલત સમજતી જા. એકાદવાર તો એવું બનેલું કે એના માસીએ કંઈક ગિફ્ટ ખાસ સાક્ષી માટે મોકલેલી. એમાં તો સયોનીએ જે રોકકકળ કરી છે. અંતે અવનીએ કજિયો બંધ કરાવવા ફરી એજ ઉપાય અજમાવ્યો, ‘ સાક્ષી બેટા, તું સયોનીને આપી દે જોઉં. એ નાની છે ને એટલે નહીં સમજે. તું તો મારી ડાહી દીકરી છો ને? સાક્ષીએ કોઈ પ્રતિભાવ આપ્યા વગર ચૂપચાપ એ ગિફટ સયોનીને આપી દીધેલી એ પછી સયોનીને ફાવતું પડી ગયેલું. પોતાનું ધાર્યું ના થાય એટલે ધમપછાડા કરી, રોઈ-ધોઈ ને દેકારા કરી એ પોતાની વાત યેનકેન પ્રકારે મનાવી લેતી.

પણ, ઈશ્ર્વરે સાક્ષીને બુદ્ધિથી નવાજેલી. ઘરમાં જવાબદારી નિભાવતા એ રાત્રે ભણવાનો સમય કાઢી ક્લાસમાં હંમેશા અવલ્લ આવતી. સામે પક્ષે સયોની હરવા-ફરવામાં, ટીવી-મોબાઈલ જોવામાં પોતાનો મોટાભાગનો સમય વેડફી નાખતી. સયોની બધાની લાડલી એટલે કોઈ એને કશું જ ના કહે પણ હવે ટીનએજમાં પ્રવેશેલી સાક્ષીને આ વાત જોરદાર ખટકતી. એને એવું લાગવા લાગ્યું હતું કે પોતે ઓરમાય દીકરી છે કે શું? માએ એને દત્તક લીધી છે કે? આવું એ હવે વારંવાર સહુને પૂછવા લાગેલી? એક દિવસ એની ખાસ ફ્રેન્ડ માયરા એની મમ્મી સુધા સાથે એમને ત્યાં અચાનક આવી ચડી. જુએ છે તો સયોની આરામથી સોફા પર પગ લંબાવી ટીવી જોવામાં મસ્ત અને સાક્ષી રસોડામાં વ્યસ્ત. આ વાત સુધાની અનુભવી આંખોથી છાની રહી નહીં. એનાથી બોલાય ગયું:,’ અરે ક્યારેક સયોની પાસે પણ કામ કરાવો. જ્યારે જુઓ ત્યારે સાક્ષી એકલી જ કેમ બધુ કર્યા કરે? સયોની જવાબદારી લેતા ક્યારે શીખશે?

અવનીનો ફરી એ જ જવાબ. અરે, એ તો હજુ નાની છે. સાક્ષીની તો હથોટી સરસ છે. જો,તે જ બધું કામકાજ સંભાળી લે છે. આ સાંભળી સુધાથી રહેવાયું નહીં. એણે ઘસીને કહી દીધું કે આમ તો ઠીક છે આ તમારા ઘરનો મામલો છે. પણ આવું કર્યા રાખશો તો સયોની કંઈજ નહીં શીખે. આગળ જતાં પચાસની થશે તો પણ સાક્ષીથી નાની રહેવાની. આ સાંભળી પહેલીવાર અવનીનું મોંઢુ સિવાઈ ગયું હોય એમ એ કશું બોલી નહીં. અને સાક્ષીને જાણે પહેલીવાર જીભ આવી હોય એમ એ ફટાક્ દઈને બોલી ઊઠી:

‘મમ્મી, હકીકત તો એ છે કે હું તને ગમતી નથી. સયોની તને વધુ વહાલી છે. ખબર નહી હું તારી સગી દીકરી છું કે નહીં. તેં મને હંમેશાં અન્યાય કર્યો છે.’ આવું એ રોતી જાય ને બોલતી જતી સાક્ષી ત્યારે બંધ થઈ જ્યારે એના ગાલ પર જોરથી તમાચો પડ્યો. ત્યાં રહેલા દરેક જણ અવાક રહી ગયા. એ તમાચાની અસર સાક્ષીના ટીનએજ મન પર એવી પડી કે એણે ઘરથી દૂર હોસ્ટેલમાં ભણવા જવા રીતસર જિદ્દ પકડી. ઘરમાં કાળો કેર વર્તાવ્યો.

અવનીને આજદીન સુધી એ ખ્યાલ નથી આવ્યો કે એની ડાહી દીકરી અચાનક કેમ આટલી વિદ્રોહી બની ગયેલી? તરુણાવસ્થામાં પ્રવેશેલી સાક્ષીના મનમાં એ ભાવ દ્રઢ થઈ રહ્યા કે આ દુનિયામાં એને વહાલ કરનારું કોઈ છે જ નથી અને ફરી એકવાર વધુ એક ટીનએજરની તરુણાવસ્થાના ઘોડાપૂરમાં તણાય ગઈ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button