લાડકી

સ્ત્રીની સાચી ઓળખ કઈ… ?

નારીની ઓળખ તો ઘણી છે, પણ જરૂરિયાત ન હોવા છતાંય પ્રવૃત્તિમય રહેવું અને મેળવેલા શિક્ષણનો સદુપયોગ ઉપયોગ કરી જાણવો એ સ્ત્રીની સૌથી મહત્ત્વની ઓળખ છે

સંબંધોને પેલે પાર -જાનકી કળથિયા

સ્ત્રીની ઓળખ શું હોઈ શકે?
પૈસા, પદ, પ્રતિષ્ઠા કે પછી પરિવાર?
ટ્વિન્કલ ખન્નાએ ૫૦ વર્ષની ઉંમરે ગ્રેજ્યુએશન પૂરું કર્યું. શું એક સેલિબ્રિટી કહી શકાય એવી વ્યક્તિને અને એમાંય પાછી સ્ત્રીને આ ઉંમરે શિક્ષણ લેવાની જરૂર ખરી? અતિ વૈભવી જીવનશૈલી જીવતા પરિવારની સ્ત્રી અડધી સદીએ પહોંચ્યા પછી નવી ડિગ્રી મેળવે ત્યારે અન્ય સ્ત્રીઓને શું મેસેજ મળે છે?

આ ઘટના મનમાં સવાલ પેદા કરે છે કે સ્ત્રીની ઓળખ શું હોઈ શકે?

આપણે ત્યાં સ્ત્રીને સારું ઠેકાણું એટલે કે સારું સાસરું અને યોગ્ય મુરતિયો મળી રહે એ કામને સૌથી વધુ પ્રાયોરિટી અપાય છે. અને એ માટે થઈને દીકરી સમજણી થાય ત્યારથી એને એ ઢબે તૈયાર કરવામાં આવે છે કે જાણે એના જીવનનું ધ્યેય માત્ર પતિ અને પરિવાર જ હોય. કડવું લાગશે, પરંતુ એક સત્ય એવુંય છે કે દીકરીને શિક્ષણ પણ એટલા
માટે આપવામાં આવે છે જેથી કરીને સારી જોબ અથવા તો સારી આવક ધરાવતું પાત્ર મળી રહે. દરેક માતા- પિતા એવું જ ઇચ્છતા હોય કે પોતાની દીકરીને યોગ્ય ખાનદાન મળી રહે. આ જરાય ખોટું નથી, પણ શું માત્ર સારી પોસ્ટવાળી નોકરી અને ઊંચું ખાનદાન મળે એ માટે થઈને જ દીકરીને શિક્ષણ આપવાનું હોય? અને જો આવું જ હોય તો શિક્ષણની પોતાની વેલ્યૂ શું? વર્ષો સુધી ભણીને પોતાનો કિંમતી સમય ખર્ચ્યો હોય એ સમયની બરબાદીનું શું?

ટ્વિન્કલ ખન્ના કરતાંય વધુ ગર્વ અક્ષયકુમાર પર થવો જોઈએ, જેણે પોતાની પત્નીના ભણતરની જરૂરિયાત ન હોવા છતાંય ડિગ્રી મેળવવામાં સહયોગ આપ્યો. બે બાળક સાથેનો એમનો નાનકડો પરિવાર આજે અતિ વૈભવી લાઈફ જીવી રહ્યો છે. એ પરિવારની એક સ્ત્રી જ્યારે ૫૦ એ પહોંચ્યા પછી શિક્ષણ લેવાનો નિર્ધાર કરે ત્યારે અન્યની સહમતિનો સવાલ જ પેદા થતો નથી. આપણે માત્ર ટ્વિન્કલ ખન્નાને અક્ષયકુમારની પત્ની કે રાજેશ ખન્નાની દીકરી તરીકે ઓળખીએ છીએ. સફળ અભિનેત્રી તરીકે કદાચ એની ઓળખ ભલે ન રહી હોય, પરંતુ એના શબ્દો થકી આગવી ઓળખ ઊભી કરવામાં બોલીવૂડની એકમાત્ર અભિનેત્રી રહી છે. ચાર ચાર પુસ્તકોની લેખિકા, દર સપ્તાહે બે કોલમ લખનાર એવી ઇન્ટરનેશનલ કોલમિસ્ટ, જેના શબ્દો વાચકવર્ગને વિચારતા કરી મૂકવા સક્ષમ છે, જેના પતિ અને પિતા સુપરસ્ટાર છે એવી સુંદર અભિનેત્રી કમ લેખિકા જો ૫૦ વર્ષે શિક્ષણની કોઈ નવી ડિગ્રી પ્રાપ્ત કરવી જરૂરી માનતી હોય તો આપણા જેવી સામાન્ય સ્ત્રી માટે શિક્ષણની અગત્યતા શું હોઈ શકે?

બીજી તરફ એવી ઘણી સ્ત્રીને જોઈ છે, જે પતિના પૈસા અને પાવરના લીધે વેંત એક ઊંચી ચાલતી હોય. પ્રસંગોપાત જવેલરી અને મોંઘાદાટ કપડાં પહેરીને પોતાના પતિની આર્થિક સ્થિતિનું પ્રદર્શન કરતી હોય. પોતાના જ્ઞાન અને શિક્ષણનો સોદો પોતાના પતિના પદ અને પૈસા સાથે કર્યો હોય એવું લાગે. વળી એવું એકેય કામ ન કરતી હોય જે એના મૂળ સ્વભાવની ઓળખ આપે- પરિચય આપે.

અરે, શિક્ષણ તો જ્ઞાન મેળવવા માટેના તમામ દ્વાર ખોલી આપે છે. અન્યાય સામે અવાજ ઉઠાવવા શિક્ષણ પોતે દહાડે છે એટલે શિક્ષિત સ્ત્રી ભલે પરિવાર જ સંભાળતી હોય, પરંતુ એના વાણી-વર્તન અને વ્યવહારમાં શિક્ષણ દેખાતું હોવું જોઈએ. આર્થિક યોગદાનની પરિવારને ભલે જરૂર ન હોય, પણ ભાવિ પેઢીને શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરવામાં શિક્ષિત સ્ત્રીનું ઘરમાં હોવું અનિવાર્ય છે.

બે ટ્વિન્સ બહેનો કોલેજમાં એડ્મિશન લેવા માટે પોતાના પપ્પા સાથે આવી. માર્કશીટ જોઈને થયું કે આટલું સરસ પરિણામ છે તો એડ્મિશનના લાસ્ટ રાઉન્ડમાં કેમ ફોર્મ ભર્યું હશે? એના પપ્પાને કારણ પૂછ્યું તો કહ્યું કે, ‘અમારામાં દીકરીઓ કોલેજ કરવા બહુ ઓછી જાય છે. આ તો ભણાવીએ તો સામે સારો નોકરિયાત છોકરો મળી જાય પછી આખી જિંદગી નિરાંત.’
આ માત્ર એક કિસ્સો નથી. આવા ઘણાંય પેરેન્ટ્સ છે જે પોતાની દીકરીને શિક્ષણ એટલા માટે આપે છે કે દીકરીને સારું પાત્ર મળે. એટલા માટે નહીં, કે એની દીકરીની ઈચ્છા છે અથવા એને કઈક ઉપયોગી થશે.

મારે ક્યાં કશી જરૂર છે, એ જ એટલું કમાય છે તો પછી…એમણે ચોખ્ખું કહ્યું હતું કે આપણે તારી નોકરીની જરૂર જ નથી, તું ઘરે બેસીને મોજ કર અને એ હું કરું છું.’
‘લગ્ન બાદ તમારી દીકરીને કમાવાની કોઈ જરૂર નથી.. ભગવાનની દયાથી આપણે ત્યાં કોઈ કમી નથી’….‘એના ભણતરમાં
રૂપિયા બગાડવાના નથી થતા, જવાનું છે તો પારકે ઘરે જ ને …’ ….‘એમપણ ભણીગણીને શું કરવાનું, રસોઈ ને બાળકો જ સાંભળવાના છે તો પછી…’ આવાં કેટકેટલાંય વાક્યો છે જે સ્ત્રીની પોતાની આગવી ઓળખ ઊભી કરવામાં વિઘ્ન બનીને આવે છે. આ વિઘ્નો કરતાં પણ મોટું વિઘ્ન છે ખુદ સ્ત્રીની ઉદાસીનતા છે. કેટલીક વસ્તુ મળી રહી છે એટલે પોતાની કેટલીક ઓળખ જતી કરવા પોતાની જાતને બહુ આસાનીથી તૈયાર કરી
લે છે. સ્ત્રી પોતાના પતિ અને પરિવારને સમર્પિત થવા માટે પોતાની ઓળખ સુધ્ધાં ભૂલાવી દેવા તૈયાર હોય છે, પણ સમર્પણમાં જાત સાથેનું કમિટમેન્ટ સૌથી અગત્યનું છે એ ભૂલી જાય છે.
પતિ-બાળક કે પરિવારની જવાબદારીની સાથોસાથ પોતાના માટે સમય કાઢી શકવો એ જ સ્ત્રીની સૌથી મોટી ઓળખ છે. પોતાને ગમતું કાર્ય કરવા માટે કોઈની પરમિશન માગવી ન પડતી હોય, ઊલટાનો ઘરેથી સપોર્ટ મળતો હોય તો એ સ્ત્રીની ઓળખ છે. જરૂરિયાત ન હોવા છતાંય પ્રવૃત્તિમય રહેવું અને સમયનો ઉપયોગ કરી જાણવો એ સ્ત્રીની ઓળખ છે. યોગ્ય વર મળે એ માટે થઈને નહીં, પણ પોતાની જાતને વધુ નિખારવા માટે થઈને ઉચ્ચ શિક્ષણ મેળવવું એ સ્ત્રીની ઓળખ છે. પોતાની વિવેકબુદ્ધિ પ્રમાણે સારા નરસાનો ફરક સમજીને સામા વ્યક્તિ સાથે ડીલ કરી શકવી-વ્યવહાર કરી શકે- એ સ્ત્રીની ખરી ઓળખ છે. મોંઘાદાટ કપડાં- દાગીના અને મેકઅપના લપેડા થકી ઓળખ પ્રાપ્ત કરવાના અભરખાઓ ત્યજી દેવા એ જ સ્ત્રીની સૌથી મોટી ઓળખ છે.
માંહ્યલાના અવાજને અનુસરીને પરિસ્થિતિ મુજબ ઘડાઈ જવું અથવા તો પરિસ્થિતિને આપણા મુજબ ઘડી દેવાની કળા શિક્ષણ પાસે છે. એ હસ્તગત કરી લેવાથી બીજી આડી-અવળી ઓળખ ઊભી કરવાની જરૂર નહીં રહે, ઓળખ આપોઆપ મળતી જશે.

ટ્વિન્કલ ખન્નાના ઉદાહરણ પરથી સ્ત્રીઓને અને એમાંય ખાસ કરીને અપર મિડલ ક્લાસ સ્ત્રીને કેટલીક વસ્તુ શીખવા મળે છે. શિક્ષણ અને ઉંમર વચ્ચે કોઈ જ સંબંધ નથી. ઈચ્છા પડે ત્યારે એ પ્રાપ્ત કરી શકાય છે. પરિવાર ગમે એટલો પૈસાદાર હોય, પોતાને ગમતું કામ કરીને જે આનંદ મળે છે એ પદ કે પૈસા થકી નથી મેળવી શકાતો. સાચો સાથી એ છે જે તમારા દરેક નિર્ણયમાં તમારી સાથે હોય. તમારી મરજી અને ઈચ્છાઓનું ધ્યાન રાખતો હોય, એને સુખ સમૃદ્ધિ તળે દબાવી ન દેતો હોય.

સુંદર હોવું અને જ્ઞાની હોવું- આ બેમાંથી એક જ વિકલ્પ પસંદ કરવાનો થાય ત્યારે જ્ઞાન જ બાજી મારી જાય છે અને એમાંય સૌથી અગત્યનું એ કે જ્યાં પોતાના મનના અવાજને અનુસરી શકાતો હોય એ જ વ્યક્તિની સૌથી મોટી ઓળખ છે.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker