જરૂરી શું – પેરેન્ટ્સનું પ્રોટેકશન કે તરુણોની ટ્રાન્સપરન્સી?

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી
ડોરબેલ સાંભળતા જ સુધાએ ઘડિયાળ તરફ નજર કરી. ઓહ! સાડા સાત? કેટલો બધો સમય નીકળી ગયો આજે એનો ખ્યાલ જ ના રહ્યો. ‘નક્કી મિશ્કા જ હશે…’ વર્ષો બાદ પુસ્તક વાંચવામાં મશગૂલ બનેલી સુધાને આજે પહેલીવાર મિશ્કાની પોતે રાહ ના જોઈ એનો વસવસો થયો પણ દીકરી મિશ્કા બહુ ડાહી છે. હંમેશાં સમયસર ઘેર આવી જાય. પોતાની જાતને નસીબદાર માની સુધા પુસ્તક વચ્ચે બુકમાર્ક મૂકી હસતા ચહેરે મિશ્કાને આવકારવા ઊઠી. એને યાદ આવ્યું કે પોતે જ્યારે નાની હતી ત્યારે સમય સાચવવાની આદી ક્યારેય નહોતી. સોસાયટીમાં રમવા ગયેલી પોતે ક્યારેય સમય પર ઘેર આવતી નહીં. એની મા હંમેશાં ગુસ્સો કરતી, ઘાંટા પણ પાડતી.
અરે, ક્યારેક તો નાની મોટી ધોલ-ધપાટ પણ કરી લેતી તો પણ સમયસર પાછી આવે એનું નામ સુધા નહીં. પણ પોતે મા બન્યા પછી સમજાય છે કે, સંતાન જો વધારે સમય ઘરની બહાર રહે તો માના મનની હાલત કેવી થતી હશે. જો કે, તુરંત એને વિચાર આવી ગયો કે પોતે જ્યારે નાની હતી ત્યારે જમાનો જુદો હતો. આજે કેવા કેવા કિસ્સાઓ બને છે, દુનિયા કેટલી ખરાબ થઈ ચૂકી છે આવામાં મિશ્કા જેવી દીકરીને કઈ રીતે એકલી મૂકવી એ પ્રશ્ર્ન થાય અને આમ પણ પોતે જે બેફિકરાઈભર્યું જીવન જીવેલી એની સરખામણીએ મિશ્કા ખૂબ પ્રોટેક્ટિવ વાતાવરણમાં ઉછરી છે. હંમેશાં માતા-પિતા સાથે બહાર જવું, નાની-નાની વસ્તુઓમાં વધુ પડતું ધ્યાન રાખવું, ના કોઈ મોટું મિત્ર વર્તુળ ને ના કોઈ રમતની દુનિયા. આ મહિને મિશ્કા પંદર વર્ષની થવાની છે ત્યારે આ પંદર વર્ષમાં પંદર વખત પણ એને મિશ્કાને રેઢી મૂકી નહીં હોય. ના તો એ સ્કૂલે એકલી જાય કે ટ્યુશનમાં. કોઈ મિત્ર સાથે પણ એકલા બહાર જવાની
આદત મિશ્કાને છે નહીં , કારણકે પોતે નાનપણથી એને ડરાવીને રાખેલી કે બહારની દુનિયા બહુ જ ખરાબ છે.
‘મમ્મા કયા વિચારે ચડી ગઈ તું?’ મિશ્કાએ એને ઢંઢોળીને આવું પૂછ્યું ત્યારે છેક સુધાના મનમાં આવા બધાં લગભગ બિનજરૂરી કહી શકાય એવા વિચારોની હારમાળા અટકી.
‘અરે બેટા, બસ કંઈ નહીં એમ જ.’ સુધા પોતાના વિચારોના વમળમાં મિશ્કાને ખેંચવા માગતી નહોતી.
ઓકે, પણ તું સાંભળ, મમ્મી.. હું હવેથી જાતે ટ્યુશનમાં જઈશ..
આ સાંભળતા જ સુધા અંદરથી થરથરી ઊઠી.
‘ઓહ, પણ કેમ બેટા?’
‘મમ્મી , હવે હું મોટી થઈ છું. આમ પણ બધે સિક્યુરિટી ગાર્ડઝ છે, સીસીટીવી કેમેરા છે, મારી પાસે મોબાઇલ ફોન હશે એમાંથી મારું લાઈવ લોકેશન તને મોકલી આપીશ, તું મને ટ્રેક કરી શકે છે. આ બધા સેફ્ટી મેઝર્સ છે પછી એકલા જવામાં શું વાંધો?’
સુધા પાસે આ દલીલનો કોઈ ઠોસ જવાબ હતો નહીં એટલે ‘હમ્મમ.. સાચી વાત છે’ કહી થોડીવાર વિચાર્યા બાદ એ બોલી; પણ તને ખબર છે ને કે છોકરીઓની સાથે કેવું-કેવું બને છે. એની ઉપર જાતીય સતામણીથી માંડીને જીવલેણ હુમલાઓ થાય છે. મને આ દુનિયા પર લેશ માત્ર ભરોસો નથી. સમાજમાં કેવા કિસ્સાઓ બને છે એનો તને ખ્યાલ નથી પણ મને એ બધાનો ડર લાગે છે, બેટા એટલે એમ એકલા જવાનું રહેવા દેજે.’
મમ્મા, ક્યાં સુધી તું મને આમ પકડી રાખીશ? એક દિવસ તો મારે શીખવું જ પડશે ને? ત્યારેજ તો તું જેને દુનિયાદારી કહે છે તેની મને ખબર પડશે. તું સતત મને સુરક્ષા કવચમાં બાંધી રાખીશ તો હું ક્યારે મારી જાતને લડતા શીખવીશ? ત્યારે એકના એક દિવસે તો મને તારે જવા દેવી પડશે ને. મને જીવવા દે, જાણવા દે, ગ્રો થવા દે મારી મેળે આ દુનિયા સામે લડવાની તાકાત કેળવવા દે. આવા ડર સાથે તો તું પણ તારી ટીનએજમાં નહીં જીવી હોય.
‘હા ભાઈ હા, સાચી વાત છે કાલથી તું એમ એકલી જતી રહેજે, બસ?’ સુધાના આવા જવાબમાં થોડો કંટાળો હતો ને થોડી સમજ હતી એ બન્ને ભેગા મળી અંતે મિશ્કાના ભાગે જીત લઇ આવે છે.
આ ઘટના બન્યાના થોડા દિવસ તો બધું બરાબર ચાલ્યું, પણ એક દિવસ અચાનક કોઈ અજાણ્યા વાહનચાલકની અડફેટે મિશ્કા ચડી બેસી. જોરથી લાગેલી એ ટક્કરે મિશ્કાને ગભરાવી મૂકી. જેમતેમ ઘેર પહોંચેલી મિશ્કાના હાલહવાલ જોઈને સુધાને લગભગ ચક્કર આવવાના જ બાકી રહ્યા. મિશ્કાના ચહેરા પર આંસુઓ દડદડ વહી રહ્યા હતા. આંખો ડરેલી ને વાળ વિખરાયેલા હતા, ‘પણ બેટા શું થયું’ ના જવાબમાં મિશ્કાએ પોતે રસ્તાના કિનારે ચાલી રહી હતી ને તો પણ કઈ રીતે અકસ્માતનો ભોગ બની એ કહેવું જોઈતું હતું,
પરંતુ એ કંઈજ બોલી નહીં એટલે સુધાનો બબડાટ ચાલુ થયો: ‘હું તને ના જ પાડતી હતી એકલું જવાય જ નહીં પણ તું માની નહીં.
પંદર વર્ષ એ કઈ ઉંમર કહેવાય?’ એવું સતત બબડતી બબડતી જાય પણ સામે મિશ્કા સાવ ચૂપ થઈ ગયેલી કશું બોલતી નહોતી કારણકે એને ડર હતો કે મમ્મી હવે આ બહાનાસર એના એકલા બહાર જવા પર ફરી પ્રતિબંધ મૂકી દેવાની. એ ડરના માર્યા મિશ્કા પોતાની જ મા પાસે સાચું બોલતા અચકાય રહી હતી . એને ખ્યાલ નહોતો કે, પોતાની આ ભૂલ આગળ જતાં બહુ ભારે પડવાની છે. એ માથામાં વાગેલા મૂઢમારની અસર ધીમે ધીમે સારવારના અભાવે એ રીતે વધી કે મિશ્કા બીજા દિવસની સવાર સુધીમાં બેભાન થઈ ઢળી પડી.
ખેર, મિશ્કાના કિસ્સામાં ત્યારબાદ સમયસરની સારવાર મળવાથી કોઈ અઘટિત બનાવ બનતા પહેલા નિવારી શકાયો, પણ પ્રશ્ર્ન એ થાય કે મિશ્કા જેવા સતત અને સખ્ત સુરક્ષિત વાતાવરણમાં રહેલા તરુણોના પેરેન્ટ્સ એમનામાં આ ઉંમરે અતિ આવશ્યક એવી ટ્રાન્સપરન્સી એટલેકે, પારદર્શકતાનો ગુણ કેળવવામાં શા માટે નિષ્ફળ રહે છે?