લાડકી

કવિતા કરીએ તો શું થાય?

લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી

સવારે પથારીમાંથી ઊઠવાનો કંટાળો આવતો હતો. કારણ કે બે ચાર બૂમો સાંભળ્યા બાદ ઊઠવાની મજા કંઈ ઓર જ હોય છે. હું રોજ સાત વાગ્યાનું એલાર્મ મૂકીને સૂઈ જાઉં છું. સૂતી વખતે, એટલે કે રાતના બાર વાગ્યે પરાણે ઊંઘવાની કોશિશ કરું છું. કારણ કે રોજ સવારે ઘરના સભ્યોની શિખામણ સાંભળીને હું કંટાળી ગઈ છું. ‘સાત વાગે ઉઠાતું જ ન હોય, તો એલાર્મ મૂકીને બીજાની ઊંઘ શું કામ બગાડે છે? જરા બીજાનો વિચાર પણ કરવો જોઈએ.’ (આ ડાયલોગ ઘરના સહુનો ફેવરીટ! આપણે શું? પાછું ફરીને સૂઈ જવાની અને સાંભળ્યું, ન સાંભળ્યું કરવાની પણ કેવી મજા હોય છે!) મારા નહીં ઊઠ્યાં પછી ઘરના સુજ્ઞ લોકોનું એલાર્મ કંઈક આમ આમ બોલતું રહે છે. આપણે શું?

‘તે ક્યાંથી ઊઠવાની? રાત્રે બાર-એક વાગ્યા સુધી જાગવાની ટેવ છોડીને દસ વાગ્યે સૂઈ જતી હોય, તો સવારે એલાર્મ મૂકવાની જરૂર જ નહીં પડે.’

‘કાલથી હવે વહેલી ન ઊઠે તો તારી વાત છે. બાજુવાળાં રમાબેન, શોભનાબેન વગેરેને જો જરા. એ લોકો સવારે પાંચ વાગ્યે ઊઠીને, સ્નાન કરીને, ગરમ ગરમ ચા-નાસ્તો ટેબલ ઉપર મૂકી દે છે. છોકરાંઓને તૈયાર કરી, શાળાએ મૂકી આવવાથી લઈને સાંજ સુધી કામ કરવાની ચપળતા જુઓ તો ખબર પડે. (એમાં શું ધાડ મારી એમણે. શારીરિક કામ તો ગમે તે કરી શકે. માનસિક કામ કરીને બતાવે તો જાણું. ખરું ને?)’
મને ઘણીવાર સવારે ચાલતાં ભાષણોના જવાબ આપવાનું ઘણું મન થઈ આવે. પણ હું મનને કાબૂમાં રાખું છું. જવાબ આપવા પાછું મારે જલદી ઊઠી જવું પડે અને જલદી ઊઠી જાઉં તો મારે ચા-નાસ્તો બનાવવો પડે. જો કે હું મોડી ઊઠું તો પણ ચાની તપેલી સુધ્ધાં કાઢવાની તસ્દી ઘરમાં કોઈએ ના લીધી હોય. (મારી ઉપર ભાષણ કરવામાં નવરા પડે તો ચા મૂકે ને?)

‘રાત્રે સૂતી વખતે કવિ શ્રી જયંત પાઠકની કવિતા વાંચેલી. કવિએ લખ્યું હતું, ‘કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય… સરોવરો સુકાઈ જાય? નદીઓ વહેતી થંભી જાય?…’ મને પણ બ્રશ કરતાં કરતાં કવિતા કરવાનું મન થયું અને મેં બ્રશ કરતાં કરતાં મનમાં કવિતા લખવી શરૂ કરી…

‘સવારે વહેલાં ના ઊઠો તો શું થાય? સૂરજ પાછો જતો રહે? નોકર-ચાકર આજે રજા છે એમ માનીને પાછા જતા રહે? ઘરના પોતાની જાતે પોતાની રસોઈ ન બનાવી લે? કે પછી મારા માટે પણ ચા-નાસ્તો તૈયાર રાખે?’

અંતે મને કવિની છેલ્લી પંક્તિ યાદ આવી. ‘આમ તો કશું ના થાય… એટલે કે કશું થાય જ નહીં!’

ત્યાં જ બહારથી બાથરૂમનું બારણું ખખડાવતાં, પતિદેવ ઉવાચ: “એક તો મેડમ ઊઠ્યાં મોડાં અને હવે બાથરૂમમાં બ્રશ કરે છે, કે ક્યારનાં કવિતા કરે છે? આ ચા ને નાસ્તો કોણ બનાવશે? ખરેખર, સવારે વહેલા ના ઊઠો તો એનો સાચો જવાબ એક જ આવે. તમને જોરદાર ઠપકો મળે અને ચા-નાસ્તા માટે આંટા મારતાં, ઘરના લોકોનો ગુસ્સો જોવા મળે.

વરસો બાદ હવે ઘરના દરેક સભ્યોના મુખના ભાવ પરથી એ લોકો આપણા વિશે શું વિચારે છે, એ નીચે મુજબ છે.

“કવિતા કરવાથી શું મહાન થઈ જવાની છે? આખો દિવસ કવિતા કરવામાં ટાઇમ બગાડે છે, એના કરતાં એટલો સમય સવાર-બપોર-સાંજે શું બનાવવું એ વિચારતી હોય, તો કમ સે કમ રોજ નવી નવી વાનગી તો ખાવા મળે.

“કાશ! લગ્ન પહેલાં ચોખવટ કરી લીધી હોત કે મને ચાર વખત નવું નવું ખાવાનું જોઈશે. મને તો ખાવાનું સારું બનાવે એવી જ પાર્ટનર ગમે છે. એમ ચોખવટ કરી હોય તો કેવું સારું થાત!
“મારો ખુદનો લાડલો જ કવિતા કરનારીની મહાનતાનાં વખાણ કરતાં થાકતો નથી. એટલે આપણે શું કામ બૂરા થવાનું!
(આ બધા વાક્યો કોણ બોલતાં હશે, એ મારે તમને કહેવાનું હોય?)

“મારી વાઇફ જો આમ રોજ રોજ કવિતા બોલવા નીકળી પડે, તો હું જરાય ન ચલાવું.” (ભલે એવું બોલનારા ભાઈ રોજ મારી કવિતા સાંભળવા આવતા કેમ ન હોય!)

“હું તો મારી વાઇફને હંમેશાં કહેતો આવ્યો છું કે જો, કેવી મસ્ત કવિતાઓ લલકારે, ને ઘરમાં કામકાજ, નોકરી, છોકરાં બધું સંભાળે. (‘કાશ! આવી પત્ની મને મળી હોત!’ આટલું તેઓ મનમાં જ બોલ્યાં.)
“કુદરતની મહેરબાની હોય, તો જ કલમ ચાલે. બાકી એમ કંઈ કવિતા આવડી જતી નથી. (રાતનો ઉજાગરો જોવા આવો ભાઈ, ખબર પડે.)

ઘણા વરસો પછીના અંતરાલ બાદ પાછળ ફરી સરવૈયું કાઢું છું, તો લાગે છે કે કવિ શ્રી જયંત પાઠકે લખેલી કવિતા, ખરેખર ઘણું બધું કહી જાય છે. (પણ એ સમજવા આંખ, કાન, હૃદય પણ તો જોઈએ ને?) બાકી અહીં તો કેવું છે, કે બેન્કમાં મેનેજર પોસ્ટ પર આરૂઢ પતિ બેન્કનો કંઈક સરપાવ લઈને આવે કે કોઈ સરસ વાત કહેવા પત્ની પાસે આવે, તો પત્ની રોજની જેમ જ કહેશે, “તમારી આ બેન્કની ખાતાવહી મારી હામે તો ખોલતા જ નહીં. મને તમારા એ જમા-ઉધાર, મુદ્દલ-વ્યાજ, કશામાં જરા સરખો ઇન્ટરેસ્ટ પણ નથી અને હમજણ હો પડતી નથી.

અમે પણ જમતી વેળા જેવી અમારી નવી કવિતા પેશ કરવા જઈએ, કે બે ત્રણ જણા સામટા બોલી ઊઠે, “હમણાં જરા ખાવાનો સ્વાદ માણવા દેજો. બાકી અમને તો ભાઈ, એ કવિતા બવિતામાં કઈ હવાદ આવતો નથી. એક કવયિત્રીની રસોઈ ખાતી વેળા કોઈ એકાદ જણ, એની એકાદ કવિતા હસતા મુખે સાંભળી લે, તો એમાં ક્યાં કોઈ પૈસા લાગવાના હતા? અને મને કવિની પહેલી અને છેલ્લી પંક્તિ ફરી યાદ આવી કે… ‘કવિતા લખવાનું બંધ કરીએ તો શું થાય?’ અને છેલ્લી પંક્તિ, ‘એટલે કે કશું જ ન થાય.’ (ફક્ત બીજા દિવસથી દાળ શાકમાં મીઠું-મરચું ક્યાં તો વધારે, ક્યાં તદ્દન ઓછું પડતું થાય… બીજું કશું જ ના થાય.)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button