ચહેરામાં તે વળી શું જોવાનું?
લાફ્ટર આફ્ટર – પ્રજ્ઞા વશી
પહેલાંના જમાનામાં બાળક જન્મતું એટલે તરત જ બધાં સગાં-વહાલાં બાળકના ચહેરાને વાંચવા લાગતાં તેમ જ એનો ચહેરો કોને મળતો આવે છે એની ચર્ચા પણ એમની વચ્ચે શરૂ થઈ જતી. એ સમયે ચહેરો જોવાનો મહિમા ઘણો હતો અને પાછું મુખદર્શન એમ ને એમ મફતમાં નહીં, પણ ફૅમિલી સ્ટેટસ પ્રમાણે રકમ મૂકીને કરવામાં આવતું. `અલલલલ… ઉલુલુલુલુ… કેવો મીઠડો છે! દેસાઈ ફૅમિલીનો વારસદાર આવ્યો.’
`પહેલે જ ખોળે વહુએ દીકરો જણ્યો. જે રાજકુમાર જેવો ગોરો ગોરો (પછી બાજુમાં કોણ ઊભું છે જોઈને વાક્યરચના બનાવીને) અને અદ્દલ એના પપ્પા જેવો રાજવી રૂપાળો ચહેરો ધરાવે છે. (પછી દાદા તરફ નજર પડતાં) ઉલુલુલુ… નાક ને નકશો તો
એના મહાપ્રતાપી દાદા જેવો છે! દેસાઈ ખાનદાનનો વારસ છે. (પછી દાદીનું નાકનું ટેરવું ચડેલું જોયું કે તરત ફરી) ઉલુલુલુ… કેવું સરસ દાદી જેવું સ્મિત આપે છે! દાદીની દુઆ, પ્રાર્થનાઓ ફળી. દાદીના ખોળે શોભે એવો પાટવી કુંવર છે.’
ફોઈબાએ એક પછી એક પ્રસ્તુતિ ગાન કરીને, વાતાવરણમાં ફોઈબાનું મહત્ત્વ અને પ્રભુત્વનો પ્રકાશ પાથરીને છોકરાના હાથમાં કવર મૂક્યું. (કવર ખોલશે, ત્યારે જ ખબર પડહે.) અને હવે ફોઈબાને વજનવાળું વળતું કવર ભાઈ આપહે જ, એવી આશે કમુફોઈ બોલ્યાં: આપણા પિતરાઈના રાહુલિયાએ તો મને અગાઉથી ફોન કરીને કહી દીધેલું કે
ફોઈ, દીકરો આવે કે દીકરી. ખુશખબર મળે, એટલે રહેવાય તેમ આવી રહેજો. તમારા માટે આ વખતે તમારી પસંદગીની સાડી માર્કેટમાં જઈને લઈ આવીશું. એકની એક ફોઈ છે…’ પિતરાઈભાઈના ઘરમાં હો મારું તો એટલું માન-પાન કે મારી તો આંખમાં પાણી આવી ગયેલાં!’
ગ્લિસરીન આંસુ પણ એક સેક્નડ દેખાયાં. એ જોઈને દાદીએ ઊભાં થઈને એક કવર ફોઈબાને આપતાં કહ્યું કે, `બેનબા, તમને ગમે તેવી સાડી લઈ લેજો.’ મેલોડ્રામાનું પૂર ત્રાટકે, તે પહેલાં ફોઈબાને એમનો લાગો આપીને વાતાવરણ ખુશહાલ બનાવી દીધું.હમણાં હૉસ્પિટલના કાયદા પ્રમાણે એક પેશન્ટ અને એની સાથે એક બીજી વ્યક્તિ રહી શકે. પહેલાં તો હૉસ્પિટલો જાણે જાહેર બગીચો કે પછી ચોપાટી હોય, એમ એકસાથે એમાં ગામેગામનાં બળદગાડાં કે બસો ઠલવાતી. એમાં ગામડામાં તો જન્મ હોય, મરણ
હોય કે લગન હોય… સમૂહમાં હલ્લાબોલ કરવાનો રિવાજ હતો.
રામુભાઈના દીકરાને ત્યાં દીકરો જન્મ્યો.’ એમ ખબર પડતાં જ ગાડે ગાડા હૉસ્પિટલની બહાર ઠલવાતાં. રસ્તે ખાવાનાં પૂરી-શાક, લાડવા વગેરે અને હૉસ્પિટલનાં પડીકાંઓનો પૂરતો પુરવઠો લઈને બે-ચાર ગાડાં હુરતના ટેશન પર આવેલી હૉસ્પિટલ પર ઠલવાતા. ડૉક્ટરે માતા તેમ જ બાળકને આરામ આપવાનું કહીને વિદાય લીધી ન લીધી, કે તરત જ ગામે ગામનાં, અતિ દૂરનાં એવાં સગાં-વહાલાં કે પછી (હારે હારે બુધવાર કરનારાં)ગાડું જોડેલું છે, તો તું હો બેહી જાને! એમાં હું થેઈ ગયું? આપણા પેલા મગનદાદાના બીજા નંબરના રામુના પોયરાને પોયરો આયવો છે. તું હો દૂરની ફોઈ જ કહેવાય.
ચાલની હવે, હુરત હુધીનો હંગાત છે… ચાલની, તને તો હાલરડાં હો આવડતાં છે. તું ગવડાવજે, અમે ઝીલહું. હુરતના લોકોને હો ખબર તો પડવી જ જોઈએ ને કે ગામવાળા આવ્યા છે.’`જમની, તેં ગુંદર પાક લીધો કે ની? ને મોટીબા, તેં હુવાનો મુખવાસ ને રાબડીનો પાવડર… ને ફોઈબા, તમે મેથીપાક બનાવવાનાં હુતાં, તે હું થીયું? આમ તો મારો ભાઈ, મારો ભાઈ કરતી ફરે છે. હવે ભાઈને ઘેરે વારસદાર આવ્યો છે, તે ઘી, કોપરા, મેથીપાક, મુખવાસ ને ચહેરો જોવાનું ડાફૂ લીધું છે કે?’
આખે રસ્તે કોણે હું લીધું ને કોણે હું કરવાનું, એની રામાયણ ચાલે. વચ્ચે વચ્ચે એકાદ લડાકુ મંથરા પોતાનો જૂનો ડૂમો બહાર કાઢે અને વાતાવરણમાં સામસામે બે પક્ષ પડવાની તૈયારી થાય કે એકાદી ડહાપણની ખાણ સમી દાદી, મહાભારત શરૂ થાય તે પહેલાં નરો વા કુંજરો વા' કરતી બોલે:
બધીઓ લડવાની હોય અને આગલું-પાછલું ઉખેડવાની હોય તો મને અહીંયા જ ઉતારી દેજો. હું ગામ ભેગી થેઈ જાવાં.’
ગાડાવાળા હારે બેઠેલ દાદા હવે પોતાનો રૂઆબ બતાવતાં એક મોટો ખોંખારો ખાવાનું શરૂ કરે એટલે બધી કાબરો શાંત થઈ જાય. (કાનુડાનો ચહેરો જોવા જતી કાબરો, એકબીજાનો ચહેરો જોવામાં હામ હામે આવી જતે, પણ એ બધીઓને બેલેન્સ કરવા દરેક ગાડામાં એક એક દાદા પણ મૂકવામાં આવેલા હતા. હજી કાનુડાનાં હગ્ગાં દાદા-દાદી, મામા-મામી, કાકા-કાકી કાનુડાનો ચહેરો જુએ, તે પહેલાં તો ગાડામાંથી ઠલવાયેલા બધા એક પછી એક ઉલુલુલુ… કરીને જાતજાતની ઉપમા, વિશેષણ અને આશીર્વાદ આપીને હૉસ્પિટલને ખરા અર્થમાં ગોકુળિયું બનાવી દે… અને
એકાદી તો વળી, `નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી’ની જય બોલાવીને… કનૈયા કુંવરનાં હાલરડાં શરૂ કરી દે.
આજુબાજુ નિરાંતે ઊંઘવાની તૈયારી કરતાં ટાબરિયાં જાગી જઈને ઉં… ઉં… ઉં… કરી રડવાનું શરૂ કરે. (બાજુના ઓરડે શહેરી માતાનું બાળક રડતાં રડતાં કહે છે, `અમારાં હાલરડાં તો કોઈ ગાતું જ નથી!’) ભલી ભોળી ફોઈઓ, કાનુડાની ખોઈમાં જે મળે તે મૂકતી જાય અને કાનુડાનો ચહેરો જોવા આવી એનો આનંદ વ્યક્ત કરતી જાય. ભાઈની એક હાડી કરતાં ભાઈના ઘરનો વારસદાર જોઈને રાજીની રેડ થયેલ ફોઈ હોય કે પછી ઘણીવાર અનેક માનતા પછી આવેલ ભાઈના વારસદારને લાડ લડાવતી ફોઈ હોય, જે ખરેખર સુગરીની જેમ કુટુંબના માળાને પણ સંબંધોનાં તાણાવાણામાં ગૂંથતી રહે છે અને ચહેરાઓની રેખાઓ વાંચતી રહે…