લાડકી

રિટાયર્ડ થયા પછી શું?

લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી

અમે નાનાં હતાં ત્યારે ખેતરે ચલ્લાં ઉડાડવા જતાં. ગોફણમાંથી ઢેફો છૂટે ને તરત જ ચલ્લાં કણસલાં છોડીને આકાશે ઊડવા માંડે. વહેલી સવારે ઊડતાં પંખીઓના કલરવથી ભરાયેલું આકાશ જોવાની ખૂબ મજા આવતી.
હું નાની હતી ત્યારથી બા ને બાપુજી કહેતા, અક્ષર સુધાર… આવા ગંદા અક્ષરવાળી નોટબુક કોણ વાંચશે? આ જ સલાહ શિક્ષક બન્યા બાદ રોજ જ હું મારા વિદ્યાર્થીઓને આપતી આવી છું. પણ જેમ વર્ષો સુધી મેં મારાં બા-બાપુજીની આમન્યા જાળવેલી, તેમ બાળકોએ મારી જાળવી. પણ એક દિવસ મેં બાને કહ્યું હતું, બા, શિખામણ આપનારે પણ પહેલાં સુધરવું પડે. પહેલાં તું તારા અક્ષર જ સુધારે તો સારું.
બા તાડૂકી: કેમ, કેમ ? મારા અક્ષર તો આટલા સુંદર છે…! અને પછી બાપુજી તરફ ફરીને બોલી, સાચું કહેજો, મારા અક્ષર કેવા છે ? બાપુજી બોલ્યા: તું સાચું કહેવાનું કહે છે એટલે હવે શું થાય…?
વાતમાં મોણ નહીં નાખો… જલદી કહો, મારા અક્ષર કેવા છે ?
તો સાંભળ, રોજ સવારે ગોફણમાંથી પથ્થર છૂટે ને જે ચલ્લાં ઊડાઊડ કરે એવી ઊડાઊડ કરતા તારા અક્ષરો છે! અને પછી બળતામાં ઘી હોમતાં બોલ્યા, ઘરના હિસાબમાં તો એવાં ચલ્લાં ઉડાડે, એવાં ચલ્લાં ઉડાડે કે ભલભલો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જીવનભર ગોથાં ખાયા કરે પણ અક્ષરોનો ભેદ, એટલે કે, હિસાબનો તાળો ન જ મેળવી શકે તે ન જ મેળવી શકે…!
જીવનભર બાને હિસાબના ગોટાળા કરવામાં ને કટકી કાઢવામાં અક્ષર જ કામ આવ્યા છે. ને બાપુજી? તો તો હવે મારા ખરાબ અક્ષર પણ મને જીવનમાં ક્યાંક ને ક્યાંક તો કામ આવશે જ આવશે. ખરું ને બા?
ત્યાં બા વચ્ચેથી મારી વાત કાપતાં તાડૂકી, આ તારા બાપુજીના અક્ષર વળી ક્યાં સારા છે તે મારા અક્ષરની સમીક્ષા કરવાના? પોતાના અક્ષર અઢારે અંગ વાંકાંવાળા ઊંટ જેવા છે. લગન પહેલાં ઢગલો કાગળ લખતા, પણ ટપાલીથી લઈને આખા ગામનાં જુવાનિયાં-ઘરડાં-વરડાં બધાં ને બિલ્લોરી કાચનાં ચશ્માં આવી ગયાં પણ એકે કાગળ ઉકેલી શક્યાં નહોતાં…. ને ત્યારે હું પેલી ભગવતીકુમાર શર્માની કવિતા ગાઈ ગાઈને મન મનાવી લેતી હતી કે, કે કાગળ હરિ લખે તો બને… અવર લખે તો એકે અક્ષર નથી ઊકલતો મને, કે કાગળ હરિ લખે તો બને! અરે, અમારા પડોશનો છોકરો એટલે કે મારો ખાસ ફ્રેન્ડ તો મારી બાને કહેતો પણ ખરો કે આજીબા, તમારી આવી હીરા જેવી લાખ રૂપિયાની દીકરી હારુ આવા ગંદા અક્ષરોવાળો જમાઈ તે કાંઈ હોધાતો હોય…! અરે, જેના અક્ષર નથી ઊકલતા એવા માણસનું મન કેવી રીતે ઉકેલાહે…? એટલે વળી બાપુજી તાડૂક્યા, તે હેં, પેલો તારી બાજુવાળો ભગલો, એવું બોલતો હતો…? તે મને વે’મ તો ગયેલો જ કે એની દાનત તારા તરફ કંઈ હારી નથી…
મારો કાગળ તારે એ ભગલાને હું કામ વાંચવા આપવો જોઈએ ? એમ પણ મારો કાગળ વાંચવા, તારી પાસે દિવ્ય દૃષ્ટિ હોવી જોઈએ, સમજી ? તારા ગામનાં અભણ જુવાનિયાં પાસે એવી દૃષ્ટિ જ નથી કે એ લોકો મારો કાગળ ઉકેલી શકે…! બન્ને તરફ યુદ્ધનાં મંડાણ એવાં જામ્યાં એવાં જામ્યાં કે એમાં મારા અક્ષર તો પૂંછડી દબાવીને છૂમંતર થઈ ગયા-લ્યો, ત્યારે તમતમારે લડો, આ અમે તો ચાલ્યાં રમવા…!
પછી વિદ્યાર્થીઓના નસીબને ભોગે હું ટીચર બની ગઈ અને હિસ્ટરી ફરી રિપીટ પર રિપીટ થવા લાગી. નિબંધની નોટ તપાસતી વેળા મારામાં બિલકુલ હિટલરશાહી સવાર થઈ ગઈ. દરેક નોટમાં ચકરડાં પર ચકરડાં અને દરેકમાં જાતજાતનાં સૂચનો… ગંદા અક્ષર, અસ્વચ્છ લખાણ… નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે… આ તે કાંઈ અક્ષર છે…? ને દરેકને દશમાંથી માંડ માંડ ત્રણ ચાર ગુણ જેમ તેમ આપ્યા.
બીજે દિવસે બાળકો નોટબુક લઈને ધસી આવ્યાં. : ટીચર, આટલા સુંદર અક્ષર છે ને તમે અક્ષર સુધારવાનું કહો છો?
હું-આને તમે સુંદર અક્ષર કહો છો? આટલા ગંદા અક્ષર હશે તો તમારી નોટ કોણ તપાસશે? એસ.એસ.સી. પાસ કરવાનાં પણ ફાંફાં પડી જશે…! અને આજે એસ.એસ.સી. ભણેલાને પણ પટાવાળાની નોકરી સુધ્ધાં મળતી નથી, તો તમે શું ઢોર ચારવાના છો? સોરી, તમને તો ઢોર એટલે શું, એ પણ નથી ખબર! આમ ચલ્લાં ઉડાડવાથી કંઈ હું માર્ક્સ થોડા આપી દેવાની…? જાવ, સારા અક્ષરે દસેદસ નિબંધ બબ્બે વાર લખીને લાવો… પછી તમને પૂરા માર્ક્સ આપીશ.
જેમ મેં ઘણે વર્ષે બા સામે બોલવાની હિંમત કરેલી કે તારા અક્ષર પણ ક્યાં સારા છે, તેમ એક વિદ્યાર્થી પાછળથી બોલ્યો: આપણને શિખામણ આપ આપ કરે છે, જરા જાતે અમલ કરે તો કાંઈ વાંધો છે? કાલે બોર્ડ ઉપર જ નિબંધ ટીચરે લખ્યો હતો તે ઘરે જઈને નોટ ઊંધી કરીને વાંચ્યો ત્યારે સમજાયો કે ટીચરે આપણને શું ચીતરાવેલું…! ટીચર પણ સાવ ચલ્લાં જ ઉડાડે છે…!
બાળકો દસ નિબંધ બે બે વાર એટલે કે, વીસ વાર નિબંધ લખવાની સજા પામ્યાં, એટલે છંછેડાયાં… એક-બે બાળકોએ રિક્વેસ્ટ પણ કરી જોઈ… : પ્લીઝ, ટીચર, એમ પણ બધા જ વિષયમાં પુષ્કળ લેસન છે, તેમજ ઑલરેડી ટ્યૂશનનું લેસન તો ખરું જ ખરું… ઉપરથી વીસ વાર નિબંધ… પ્લીઝ, ટીચર, કંઈ ઓછું કરોને… પ્લીઝ ટીચર, સોરી ટીચર, પ્લીઝ ટીચર… હવે અમે તમને ક્યારેય ફરિયાદ નહીં કરીએ કે નિબંધમાં કેમ માર્ક્સ ઓછા મૂક્યા… બસ? ત્યાં પાછળથી એક બોલ્યો, આપણી સરકાર હો ધીરે ધીરે ગુજરાતી કાઢી જ નાખવાની છે, થોડી ધીરજ રાખો… હાયર સેક્ધડરી, સાયન્સમાંથી તો ગુજરાતી ગઈ… ત્યાં બીજો બોલ્યો, ને આ ટીચર હો હવે રિટાયર્ડ થવા પર જ છે… ત્યાં ત્રીજો બોલ્યો, રિટાયર્ડ થવાનાં તો હો હજી અક્ષર સુધર્યા નથી ને પાછાં આપણને મોટાં… ત્યાં ચોથો ઉવાચ: તમે ટીચર કે કમળનો ક કાઢે તે જોયલો, કે જાણે કની કમર કરીના કપૂર જેવી પતલી પતલી ને આગલી કમાન ફંફાડા મારતા અજગર જેવી… ને ખ તો જાણે આખેઆખો ખટારો ભરેલો હોય એમ ચોતરફથી લદાયેલો…
અને એ સાથે મારામાં લદાયેલો ક્રોધે પણ માઝા મૂકી અને હું બરાડી, વડીલો શું કરે કે પછી ગુરુજન શું કરે તે તમારે જોવાનું નથી, તેઓ શું કરવાનું કહે છે તે આંધળા ભક્તોની જેમ કરવાનું છે… જેમ કે, ગાંધીજીના અક્ષર ભલે ખરાબ હતા, પણ એમણે કહેલું કે નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે, તો છે ને છે, બસ, વાત અહીં પતી જાય છે… ગાંધીજી સામે કંઈ રકઝક થાય ? પણ ગાંધીજીની ભૂલ કંઈ કઢાય છે? ગાંધીજી ગમે તેટલી ભૂલો કરે, તો પછી મારા અક્ષર ઉપર ન જતા, હું શું કહું છું, હું શું શીખવું છું, તેના તરફ તમારે ધ્યાન આપવાનું છે, સમજ્યા? મોટા માણસની ભૂલોમાંથી જ તો આપણે શીખતા રહેવાનું છે. કૃષ્ણ કરે તે લીલા એ વાત હજી ગઈ કાલે જ તમને શીખવી હતી અને આજે ભૂલી પણ ગયા…! ખેર, હવે વધારે ગુસ્સો કરવો શરીર માટે હાનિકારક છે…. બી.પી. જેવા રોગ પણ એમાંથી જ થાય છે, સમજ્યા? ટીચર, જો હું ખોટો ન હોઉં તો જીવવિજ્ઞાનનો તાસ તો હવે પછી છે.. આ તો ગુજરાતીનો તાસ છે. ચૂપ ચૂપ… ચાંપલા… તારું જ્ઞાન તારી પાસે રાખ, સમજ્યો…? આપણે નેતાજીને રિક્વેસ્ટ કરીએ તો કેવું…? આપણે એમને કહીએ કે, ‘વાયબ્રન્ટ ગુજરાત’માં ‘વાંચે ગુજરાત… રમે ગુજરાત’, બસ, એમ જ લખે. ગુજરાત અંતર્ગત… અક્ષર સુધારે ગુજરાત એવો એક આખા વર્ષનો કાર્યક્રમ જ ફાળવી દે.. અને એ માટે મોટી રકમનું વિકાસફંડ પણ ફાળવી દે તો… અક્ષરના અક્ષર સુધરે અને અભિયાન ચલાવનારનાં ઘર પણ સુધરે…
ચલો ચલો… હવે બહુ શિખામણ આપી… એ તો સોટી મારવાની સરકારે મનાઈ ફરમાવી છે એટલે… બાકી, એકેએક આજે મારી અડફેટે આવી જાત, સમજ્યા? અને ધ્યાનથી સાંભળો, બજારમાં અક્ષર સુધારવાની એક બુક બહાર પડી છે, બધાં કાલે બજારમાંથી વેચાતી લઈ આવજો અને હા, એક વધારાની કોપી મારા માટે પણ લઈ આવજો… પણ ટીચર તમે તો હવે રિટાયર્ડ થવાનાં…!
રિટાયર્ડ થયા બાદ ઘરે બેસીને શું કરીશ…? એટ લિસ્ટ, અક્ષર તો સુધારીશ… ખરું ને?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button