લાડકીસ્પેશિયલ ફિચર્સ

વેર- વિખેર -પ્રકરણ -૮૩

તમારા સંબંધની આવરદા હવે પુરી થવા આવી છે… આખી જિંદગી મૃતપ્રાય સંબંધને ખભે ઊંચકીને ફરવા કરતાં એને અગ્નિદાહ દઈ દેવો સારો…!

કિરણ રાયવડેરા

‘ગાયત્રી, હું છું…કરણ…શું થયું? તું ડરી કેમ ગઈ?’ કરણ પૂછ્યું ત્યારે ગાયત્રીએ રિવોલ્વર પીઠ પાછળ છુપાવી દીધી ને કહ્યું : હું તો સમજી કોઈ ચોર ઘૂસી આવ્યો છે એટલે ડરી ગઈ …’ ગાયત્રીએ ખુલાસો કર્યો.

‘વાહ, તારામાં હિંમત છે ગાયત્રી. અંધારામાં એકલી બહાર નીકળી પડી. સાચ્ચે જ ચોર હોત તો?’

‘તો શું? મારું શું ચોરી જાત… એની વે, કરણ, તું હમણાં ક્યાં જઈ રહ્યો છે? બહારથી આવે છે કે બહાર જાય છે?’

‘હમણાં જ બહારથી આવ્યો…ગાયત્રી હમણાં જ આવ્યો. તું દરવાનને પૂછી શકે છે?’ કરણ ગેં…ગેં…ફેં…ફેં… કરવા લાગ્યો.

‘કમાલ છે, કરણ? મારે દરવાનને પૂછવાની શું જરૂર? તારા પર પૂરતો વિશ્વાસ છે. ભલે તેં મારું કાકુ સામે અપમાન કર્યું પણ મને જરા પણ ખોટું નથી લાગ્યું.’
‘સોરી ગાયત્રી, હું ઉશ્કેરાઈ ગયો હતો. શું કરું? આ મારો બાપ હંમેશાં પોતાના વિશે જ વિચાર્યે રાખે છે. આજે સાંજના જ હું એમની પાસે ગયો હતો…’ કરણે ફરિયાદના સૂરમાં કહ્યું.

‘ઓહ, શું કહ્યું કાકુએ?’ ગાયત્રીએ સહાનુભૂતિ દર્શાવી. કરણ અત્યારે અંધારામાં કોરિડોરમાં શું કરી રહ્યો હતો એ જાણવાની વિજ્ઞાસાને એણે દાબી રાખી હતી.

‘ગાયત્રી, મેં તારા કાકુને કહ્યું મેં લગ્ન કર્યા છે અને આવતા અઠવાડિયાથી રૂપા આપણા ઘરે રહેવા આવશે. તો મને પચ્ચીસ લાખ આપો પણ…’

‘પણ શું કરણ?’

‘ ધસીને ના પાડી દીધી. ફક્ત એટલું જ નહીં એમણે મારું અપમાન કરી નાખ્યું. ગાયત્રી, તું જ સમજાવને…’

‘ઠીક છે કરણ, હું જરૂર કરીશ પણ મારી વાત માને એવું લાગતું નથી. કદાચ ન માને તો…’
‘તો ગાયત્રી, હું અપમાનનો બદલો લીધા વગર નહીં રહું.’
ગાયત્રી ચૂપ થઈ ગઈ. એને લાગ્યું કે દીવાન પરિવારમાં જેને ફાવે એ બધા ધમકી જ ઉચ્ચારતા હતા.


‘પૂજા, તારા બાપાએ મારા પપ્પા પાસેથી કેટલા રૂપિયા ઉછીના લીધા છે?’ જય બહાર નીકળતાં જ વિક્રમે પૂજાને પૂછ્યું.

‘શું વાત કરો છો? મારા પપ્પા એમ કંઈ મને પૂછ્યા વિના મારા સસરા પાસેથી નાણાં ન લે.’ પૂજાએ ઊંચા સાદે કહ્યું.

‘અવાજ ધીમો રાખ. જય હજી હમણાં જ નીકળ્યો છે. સાંભળ, મારા પપ્પાએ જયની સામે કહ્યું છે કે એમણે આ અગાઉ તારા પપ્પાને એક તગડી રકમ આપી છે. એટલે જ એમણે જયને કંઈ પણ પરખાવવાની ના પાડી દીધી.’ વિક્રમે પૂજા પર પોતાની દાઝ ઉતારતાં કહ્યું.

‘જયને ખબર છે?’ પૂજાએ પૂછ્યું.

‘ના, એ કહે છે કે એને ખબર નથી.’
‘તો હવે કેવી રીતે જાણવું?’ પૂજા મૂંઝાઈ ગઈ.

‘કેમ તારી ત્રીજી આંખથી. તને બધું દેખાઈ જશે.’ વિક્રમે મ્હેણું માર્યું.

‘હવે મને ત્રીજી આંખથી ફક્ત શ્યામલીનો જ ચહેરો દેખાય છે. બોલો શું કરવું?’ પૂજાએ પરખાવ્યું.

‘પૂજા, તારા પપ્પાએ ઉછીના લીધા એમાં વાંક મારો નથી એટલે મને સંભળાવવાની જરૂર નથી.’ શ્યામલીનું નામ પડતાં જ વિક્રમ ઢીલોઢફ થઈ ગયો.

‘હું પપ્પાને ફોન કરીને પૂછી લઉં છું.’ પૂજાના સ્વરમાં ચિંતા ટપકતી હતી.

‘ના, પપ્પાએ ના પાડી છે. એમણે વિનાયકભાઈને વચન આપ્યું છે કે આ વાતની કોઈને ખબર નહીં પડે. આ તો જય માટે અમે બહુ જીદ કરી કે પપ્પાએ તારા ફાધરને રૂપિયા આપ્યાની વાત ઉચ્ચારી.’
‘એક વાર માટે માની લે કે મારા પપ્પાએ લીધા પણ હોય તો શું થયું? શું જગમોહન દીવાનના વારસદાર તરીકે તારો કોઈ હક નથી બનતો? શું તું સાળાને મદદ કરી શકવા સક્ષમ નથી?’

વિક્રમને ખબર હતી કે પૂજા અને ઉશ્કેરતી હતી પણ ઊંડે ઊંડે એને પણ લાગતું હતું કે એની વાત સાચી છે.

‘પૂજા, બસ બે દિવસ રાહ જો. મેં એક પ્લાન વિચાર્યો છે. એ પ્લાન પાર પડી ગયો તો જયના જ નહીં આપણા પણ પ્રોબ્લેમ દૂર થઈ જશે.’ વિક્રમે ઉત્સાહમાં આવીને કહ્યું.
‘અરે વાહ, મને કહેને કે તારો પ્લાન શું છે, પ્લીઝ…’ પૂજાએ કાકલૂદી કરી.

‘કેમ પ્લાન છાપામાં છપાવવો છે? બૈરાઓને કોઈ રહસ્ય કહેવું અને છાપામાં છપાવવું બંને એક જ વાત છે.’

‘એ તમારી ભૂલ છે. જે સ્ત્રી પેટમાં નવ મહિના બાળક સાચવી શકે છે એ ધારે તો અસંખ્ય રહસ્યો પણ સંઘરી શકે છે. સમજ્યા?…’

વિક્રમને લાગ્યું કે પૂજાના અવાજમાં ફરક પડી ગયો હતો અને એનો ચહેરો સપાટ થઈ ગયો હતો.

એ ડરી ગયો.


‘પપ્પા, મારે તમારી સાથે વાત કરવી છે.’
રેવતીએ પલંગ પર આરામ કરી રહેલા જગમોહનને આસ્તેથી કહ્યું.

‘હા હા, હવે તું જ બાકી રહી ગઈ હતી. થોડી વાર પહેલાં વિક્રમ આવ્યો, પછી કરણ આવ્યો અને હવે તું બાકી રહી ગઈ હતી. આજે જ મારા સંતાનોને મારા પર પ્રેમ ઊભરાઈ ગયો. ફરમાવ, તારે શું જોઈએ છે?’ જગમોહને બેઠા થઈને રેવતીને પૂછ્યું.

‘કંઈ નહીં પપ્પા, મારે કંઈ જ નથી જોઈતું.’ જગમોહનનું રૌદ્ર સ્વરૂપ જોઈને રેવતી ઝંખવાણી પડી ગઈ. પપ્પાને ચૂપ જોઈને રેવતીએ ઉમેર્યું:
‘પપ્પા, વિક્રમભાઈ અને કરણભાઈ કેમ આવ્યા હતા?’

હા, સાંભળ, તારો મોટો ભાઈ એના સાળા માટે પિસ્તાલીસ લાખ રૂપિયા ઉછીના માગવા આવ્યો હતો. કરણ એની વહુના મેકઅપ, ઘરેણાં વગેરે માટે પચ્ચીસ લાખ માગવા આવ્યો હતો અને હવે તું આવી તો હવે તું પણ કહી દે તારે પણ તારા વર માટે પચાસ લાખ રૂપિયા જોઈએ છે. ! ’

બાપરે, પપ્પાને કેવી રીતે ખબર પડી ગઈ કે એ પતિ માટે રૂપિયા માગવા આવી હતી? અને એ પણ પચાસ લાખ રૂપિયા જ રેવતી વિચારતી હતી.

‘પપ્પા…’ રેવતી આગળ બોલી ન શકી.

જગમોહનનું હૃદય દ્રવી ઊઠ્યું. બિચારી દીકરી એની સાથે બે પ્રેમના શબ્દો કહેવા આવી હશે અને એણે એના પર ગુસ્સો ઠાલવી દીધો.

‘સોરી બેટા, મને માફ કર. આ તારા ભાઈઓએ મારું માથું ખરાબ કરી નાખ્યું હતું મને ખબર છે તું રૂપિયા માગવા નહીં જ આવી હોય.’ જગમોહને દીકરીના માથે હેતથી હાથ ફેરવ્યો.

રેવતી ફફડી ગઈ. હવે શું કરવું? પતિએ ખાલી હાથે ન આવવાની ધમકી આપી હતી અને પપ્પાને એની દીકરી પર વિશ્વાસ હતો કે એ રૂપિયા માગવા તો ન જ આવે.

‘પપ્પા, હું શું કરું?’ રેવતીને કંઈ ન સૂઝતાં એ ધ્રુસકે રડી પડી.

‘અરે, તને તો માઠું લાગી ગયું. બેટા, હું તારા પર ગુસ્સો નહોતો ઉતારતો. તું તો મારી હીરા જેવી દીકરી છે. બોલ, શા માટે આવી હતી? સાચું બોલજે, નહીંતર તને તારા બાપના સમ છે.’ જગમોહને દીકરી પણ દબાણ કર્યું.

‘પપ્પા, હું પણ મારા ભાઈઓની જેમ રૂપિયા માગવા આવી હતી, મારા માટે નહીં પણ એમના માટે.’
જગમોહન હતપ્રત થઈ ગયો.

‘પપ્પા, એમણે મને ધમકી આપી છે કે તારા પપ્પા પાસેથી પચાસ લાખ અબઘડી લઈ આવ નહીંતર આખી જિંદગી અહીં જ પડી રહે…પપ્પા, મને રૂપિયા વિના લઈ જવાની ના પડે છે.’ રેવતીએ પપ્પા સામે કોઠો ખાલી કરી દીધો.

‘વાંધો નહીં દીકરી, તું મને ભારે નથી પડવાની. તને આખી જિંદગી મારી પાસે રાખીશ તો પણ પચાસ લાખથી ઓછો જ ખર્ચ આવવાનો છે અને બેટા, દીકરી સાપનો ભારો છે એવું કોણે કહ્યું? ઘણા જમાઈ અજગરના ભારા જેવા હોય છે.’

‘પપ્પા, પણ મારે એમના વિના અહીં આખી જિંદગી કાઢવી?’ રેવતીના માન્યામાં નહોતું આવતું કે એના પિતા એને પિયરે રહેવાની સલાહ આપતા હતા.

‘દીકરી, અયોગ્ય વ્યક્તિ સાથે આખી જિંદગી રિબાવું એના કરતાં એકલતાની આગમાં સળગવું સારું. જા અને કહી દે કે એને જવું હોય તો જાય…..જાહન્ન્મમાં ! પચાસ લાખ રૂપિયા તો શું હું પચાસ રૂપિયા પણ નહીં પરખાવું ! ’

‘પપ્પા, મને ડર લાગે છે, એ બહુ જીદ્દી છે. એનું માથું ફરશે તો મને હંમેશ માટે ત્યજી દેશે.’ રેવતી ભયથી ફફડતી હતી.

‘બેટા, એક વાર તું જઈને કહે તો ખરી. મેં તારા કરતાં વધુ જિંદગી જોઈ છે. મારું માનવું છે કે રૂપિયા નહીં મળે તો પણ એ તને છોડીને નહીં જાય. બીજું, કદાચ તને તરછોડી દે તો કહેજે ભલું થયું ભાંગી જંજાળ…’

‘ના, પપ્પા, હું એમના વિના રહી નહીં શકું, પતિ ગમે તેવો હોય પણ એના વિના રહેનારી સ્ત્રીની કોઈ કિંમત નથી રહેતી.’

‘બેટા, આવા જુનવાણી અને વાહિયાત વિચારો દિમાગમાંથી ફગાવી દે. પતિ લંપટ હોય તો સાથે રહેવું યોગ્ય નથી. હું તારો બાપ તને સલાહ આપું છું. એ રૂપિયાના લાલચુ જમાઈને કહી દે કે આપણા સંબંધ આજથી પૂરા. પછી જો મઝા, એ છટપટાશે પણ કંઈ કરી નહીં શકે.’ જગમોહન ઉત્તેજિત થઈને કહેતો હતો.

‘પપ્પા, એના કરતા મને થોડા રૂપિયા આપી દો ને. પચાસ લાખ નહીં તો તમને ઠીક લાગે એટલા. રૂપિયા જોશે કે એ મને છોડવાનું નહીં વિચારે.’ રેવતીએ આજીજી કરી.

‘ના બેટા, મારો નિર્ણય અફર છે. રૂપિયા માટે જો એ તારી સાથે રહેવાનો હોય તો એને કહી દે કે કાલે જતો હોય તો આજે જાય. બાકી હું એ માણસને એક ફદિયો ફરકાવવાનો નથી.. સોરી બેટા, તું જઈ શકે છે.’

રેવતી એના પપ્પાના ચહેરા સામે જોઈ રહી. જગમોહનનો ચહેરો ભાવવિહીન હતો.

‘પપ્પા, તમે આજે તમારી દીકરીને પહેલી વાર ખાલી હાથે મોકલો છો.’

‘ના, દીકરા, હું તારા હાથમાં તારી સ્વતંત્રતા મૂકું છું. જિંદગીભરની ગુલામીમાંથી મુક્તિનો વિકલ્પ તારા હાથમાં મૂકું છું. છોડી દે એને. એને જવા દે. એ માણસ તારી જિંદગીમાંથી ચાલ્યો જશે પછી પચાસ લાખ શું પચાસ કરોડ તારા હાથમાં મૂકી દઈશ, પણ મને ડર છે કે એ તારા જીવનમાંથી નહીં જાય, અમુક લગ્નજીવન કેન્સરગ્રસ્ત હોય છે. જિંદગી લંબાયા કરે પણ રોગ મટે નહીં.’

‘પપ્પા, મેં તમારી પાસે આવી આશા નહોતી રાખી.’ રેવતી ઉશ્કેરાઈ ગઈ.

‘હું જે બોલ્યો છું એ સાચું જ બોલ્યો છું, પણ સત્યથી તારું મન દુભાયું હોય તો મને માફ કરજે.’ જગમોહને નિર્લેપતાથી ઉત્તર આપ્યો.

‘પપ્પા, તમારે મને પૈસા આપવાં નથી એટલે તમે બહાનાં કરો છો. આ ઉંમરે તમારો પણ મોહ ઓછો થતો નથી. અરે, થોડા રૂપિયા આપી દેવાથી દીકરીનું લગ્નજીવન બચી જતું હોય તો શું ખોટું છે?’

‘નહીં દીકરા, મારો નિર્ણય તું બદલી નહીં શકે. બેટા, માણસની જેમ અમુક સંબંધોની પણ ઉંમર હોય છે. મને લાગે છે કે તારા અને જતીનકુમારના સંબંધની આવરદા હવે પૂરી થવા આવી છે. પછી એનો અફસોસ નહીં કરવાનો. આખી જિંદગી મૃતપ્રાય સંબંધને ખભે લઈને ફરવા કરતાં એને અગ્નિદાહ દઈ દેવો સારો…!

‘પપ્પા, ખબરદાર મારા પતિ માટે આવા શબ્દો ઉચ્ચાર્યા છે તો…! એ સાચું કહેતા હતા કે તારો બાપ તને ફૂટી કોડી નહીં પરખાવે. આવજો પપ્પા, અમે કાલે અમારા ઘરે ચાલ્યા જશું. હવે કોઈ દિવસ આ ઘરમાં પગ નહીં મૂકું.’

એ જ પળે પ્રભાએ રૂમમાં પ્રવેશ કર્યો.

‘હું જોઉં છું તને કોણ આ ઘરમાં આવતાં રોકે છે?’ પ્રભાએ ગર્જના કરી.


‘ગાયત્રી, હવે તું શા માટે આવી છે?’

જગમોહનનો શુષ્ક અવાજ સાંભળીને ગાયત્રી ચોંકી ગઈ.

‘સોરી કાકુ, હું તો એમ જ…’ ગાયત્રી થોથવાઈ ગઈ.

‘સોરી ગાયત્રી, આવ…આવ…અંદર આવ, શું કહું, એક પછી એક જે રીતે બધાં આવે છે, એવું લાગે છે જાણે બધા મારા પૈસા પાછળ જ પડ્યા છે.’ ગાયત્રીને અંદર આવવા જગમોહને કહ્યું.

‘હવે કોણ આવ્યું હતું પૈસા માગવા?’ ગાયત્રીએ પૂછ્યું.

‘વિક્રમ અને કરણ વારાફરતી આવી ગયા એ તો તને ખબર છે…અને હમણાં થોડી વાર પહેલાં રેવતી આવી હતી. કહે : મારા હસબન્ડ માટે પચાસ લાખ આપો નહીંતર એ મને તરછોડી જવાની ધમકી આપે છે ! ’

‘કાકુ, તો તમે શું કહ્યું?’ ગાયત્રીએ ચિંતાતુર અવાજે પૂછ્યું.

‘કહેવાનું શું હોય? મેં ચોખ્ખી ના પાડી દીધી. અમારા વચ્ચે થોડી બોલાચાલી થઈ અને પ્રભા રાબેતા મુજબ એનું ઉપરાણું લઈને એને અહીંથી લઈ ગઈ. આ રીતે તો મારા અને સંતાનો વચ્ચે ખાઈ જેવું અંતર વધતું રહે છે.’ જગમોહને નિસાસો નાખ્યો.

‘કાકુ, વિક્રમ કે કરણને તમે કંઈ ન આપો એ સમજી શકાય છે, પણ રેવતીબહેનને ખાલી હાથે પાછાં મોકલ્યાં એ સારું ન કર્યું. એમનો શું વાંક હતો?’
        (ક્રમશ:)

આ પણ વાંચો : વેર- વિખેર -પ્રકરણ -૮૧

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button