લાડકીસ્પેશિયલ ફિચર્સ

વેર- વિખેર -પ્રકરણ -૭૭

પપ્પા, તમે મારું ઈન્સલ્ટ કરો છો. હું તમને અમારાં લગ્નની ખબર આપું છું અને તમે હસી રહ્યા છો?!

કિરણ રાયવડેરા

રુપા સાથે કરણ જ્યારે ખુશખુશાલ એમનાં મેરેજની વાત કરી રહ્યો હતો ત્યારે એને ખબર નહોતી કે એના બેડરુમમાં એક ઘટના આકાર લઈ લેવાની તૈયારીમાં છે.

આ બાજુ , ગાયત્રીને બૂમ મારીને ગાયત્રીને બોલાવીને કહ્યું :
‘ગાયત્રી’, થોડી વાર પહેલાં કબીરનો ફોન હતો.’
‘શું કહ્યું કબીર અંકલે, કાલે આવે છેને?’ ગાયત્રીએ ઉત્સાહભેર પૂછ્યું.

‘હા, એ તો આવે છે…’ જગમોહન અટકી ગયો.

‘શું થયું કાકુ, આવું ઢીલું ઢીલું કાં બોલો છો? શું થયું, મને કહો ને…’
‘ગાયત્રી, મારાથી કબીરને કહેવાઈ ગયું કે કોણ જાણે એમ લાગ્યા કરે છે કે તું આવીશ ત્યારે હું તને મળી નહીં શકું.’ જગમોહન ભાંગી પડવા નહોતો માગતો છતાં એના અવાજમાં ભીનાશ પ્રવેશી ગઈ.

‘શું, તમે પણ!’ ગાયત્રી ઊભી થઈને જગમોહન પાસે આવીને એનો હાથ પકડી લીધો :
‘જે માણસ બીજા માટે ઉદાહરણરૂપ હોય એણે તો નબળા પડાય જ નહીં. આજે દુનિયા તમારી સફળતા પર ગર્વ લે છે. તમારી જગ્યાએ, તમારા સ્તર પર બધા પહોંચવા ઇચ્છે છે. તમે આમ કમજોર પડો એ ન ચાલે, કાકુ, હિંમત રાખો, હું છું ને…’

જગમોહન ફિક્કું હસ્યો :
‘ગાયત્રી, બીજા સામે હું મારી નબળાઈ જાહેર ન થવા દઉં. પણ તું હવે મારી ડોક્ટર જેવી થઈ ગઈ છો. તે મને મારા જીવનની સૌથી નબળી ક્ષણે જોયો છે એટલે જ તારી સામે કબૂલું છું કે તારી મુલાકાત થયા બાદ ભગવાન જો મને લઈ લેશે તો મારી સાથે અંચાઈ થઈ ગણાશે.’

ગાયત્રીને શું બોલવું એ સૂઝ્યું નહીં.

‘ગાયત્રી, કરણ પાસે મારી ડાયરી છે. એ લઈ આવને. હું નથી ઇચ્છતો કે મારી ગેરહાજરીમાં એ કોઈ બીજાના હાથમાં આવે.’ જગમોહને વાત બદલતાં કહ્યું.

‘વળી એ જ વાત. તમે ક્યાંય જવાના નથી તો તમારી ગેરહાજરીની વાત જ ક્યાં આવી?’

‘ઓ.કે. હું ક્યાંય નહીં જાઉં પણ તું એ ડાયરી તો તારા કબજામાં લઈ લે. એ ડાયરી મારી સૌથી નબળી ક્ષણનો પુરાવો છે.’

‘હા, પણ કરણ એના રૂમમાં નથી. એ આવે પછી લઈએ તો…’

‘ના ગાયત્રી, મારી પાસે સમય નથી. પ્લીઝ ગો, તું એના કબાટને અડીશ તો કરણ માઇન્ડ નહીં કરે.’

‘ઓ.કે. કાકુ’ કહેતી ગાયત્રી બહાર નીકળીને કરણના રૂમમાં દાખલ થઈ. એના કબાટમાં ચાવી ઝૂલતી હતી. ગાયત્રીએ કબાટ ખોલ્યો અને ડ્રોઅર ખેંચ્યું. સામે જ રૂપાનો ફોટો પડ્યો હતો. ગાયત્રીને હસવું આવી ગયું. રૂપાને આ છોકરો કેમ ઓળખી નહીં શકતો હોય! આમેય કરણ એટલો ગળાડૂબ પ્રેમમાં છે કે બીજું સમજાવશે તો પણ એ એનો દુશ્મન બની જશે. આમેય પ્રેમમાં પડેલી વ્યક્તિને વારવી કે મનાવવી લગભગ અશક્ય હોય છે..

ગાયત્રીએ બીજું ડ્રોઅર ખોલ્યું. એમાં પણ ડાયરી નહોતી. કરણે ક્યાં ડાયરી રાખી હશે? ગુસ્સામાં ગાયત્રીએ સામે રાખેલાં કપડાં બહાર ફેંક્યાં. અચાનક એક અવાજ સાથે નીચે કંઈક પડ્યું. ગાયત્રીએ નીચે જોયું. નીચે ડાયરી પડી હતી, પણ ડાયરી પડવાથી આટલો અવાજ ન આવે. ગાયત્રીએ આજુબાજુ જોયું.

ડાયરીથી થોડે દૂર રિવોલ્વર પડી હતી !

ગાયત્રી ચમકી ગઈ. આ કદાચ એ જ રિવોલ્વર હતી જે કાકુના વોર્ડરોબમાંથી ચોરી થઈ હતી તો કરણે આ ગન ચોરી હશે?

ગાયત્રીએ રિવોલ્વર ઉપાડી. પિસ્તોલ આટલી ભારે હોય એ એને પહેલી વાર ખબર પડી.

કાકુને રિવોલ્વર નથી આપવી. રિવોલ્વર એ પોતાની પાસે રાખશે. એને રિવોલ્વરનું વધુ કામ પડશે…એવું એણે વિચાર્યું.

ગાયત્રીએ ડાયરી પણ ઉપાડી લીધી. આસ્તેથી એણે કપડાં જેવી રીતે રાખ્યાં હતાં એવી રીતે ગોઠવી દીધાં. કબાટ બંધ કરીને એ કમરાની બહાર નીકળી ગઈ.

જગમોહન દીવાન પાસે જવાને બદલે એ સીધી ગેસ્ટરૂમમાં આવી, જ્યાં એનો સામાન પડ્યો હતો.

ગાયત્રીએ પોતાની સૂટકેસ ખોલીને પોતાનાં વસ્ત્રો વચ્ચે રિવોલ્વર એ રીતે રાખી દીધી કે પહેલી નજરે એ કોઈની નજરે ન ચઢે. એ પછી સૂટકેસ બંધ કરીને પલંગ નીચે સરકાવી દીધી અને હાથમાં ડાયરી લઈને એ જગમોહન પાસે આવી.

‘કાકુ, આ લ્યો તમારી ડાયરી’ જગમોહનના હાથમાં ડાયરી મૂકતાં ગાયત્રીએ સ્મિતસહ કહ્યું.

‘થેન્ક ગોડ, તેં મારી ચિંતા દૂર કરી દીધી. સાચે જ તારા હાથમાં જાદુ છે. તને મેં રિવોલ્વર શોધવાનું કહ્યું હોત તો તું એ પણ શોધીને લાવત એની મને ખાતરી છે.’
ગાયત્રી આડું જોઈ ગઈ.

‘તું એક કામ કરીશ? મને કંઈક થઈ જાય તો મારા નાના દીકરાને ખાસ કહેજે કે એનો બાપ એને બહુ ચાહતો હતો.’

‘કાકુ, પ્લીઝ,’ ગાયત્રી વાક્ય પૂરું કરે એ પહેલાં જ કરણ વાવાઝોડાની જેમ અંદર પ્રવેશ્યો.

‘પપ્પા, મારે તમારી સાથે એક વાત કરવી છે.’ ગાયત્રીએ જોયું કે કરણ ઉત્તેજિત હતો. બાપ-દીકરા વચ્ચે કોઈ પણ જાતની તંગદિલી ન સર્જાય તો સારું.
‘કરણ, હું બહાર જાઉં?’ ગાયત્રીએ પૂછ્યું.

‘તારી ઇચ્છા, મને કોઈ ફરક નથી પડતો…’ કરણે સહજ તોછડાઈથી જવાબ આપ્યો.

‘કેમ, દીકરા, ગાયત્રી સામે આ રીતે બોલે છે?’ જગમોહન સહજ રીતે કરણને સમજાવે એ પહેલાં કરણે ધડાકો કર્યો.

‘પપ્પા, મેં લગ્ન કરી લીધાં છે….! ’

જગમોહનને લાગ્યું કે એના હૃદયને કોઈ મુઠ્ઠીમાં લઈને મસળી રહ્યું છે. એના કપાળ પર પરસેવો વળી ગયો. ચહેરા પર પીડાની રેખાઓ અંકાઈ ગઈ. એણે ઝળઝળિત આંખે ગાયત્રી સામે જોયું. હજી એક મિનિટ પહેલાં જ એણે ગાયત્રીને એના નાના દીકરાને બાપનો સંદેશો આપવા કહ્યું હતું.

દીકરાએ એના પ્રેમનો સારો બદલો ચૂકવ્યો હતો.

જગમોહનને શું બોલવું એ સમજાયું નહીં. એ ધારત તો કરણને એક થપ્પડ જડી દેત. એ ઇચ્છત તો ચીસો પાડીને ઘર માથે લેત, કરણ પણ ગુસ્સે થઈને એને ન કહેવા જેવાં વેણ કહેત.
પણ ના, એણે કંઈ કર્યું નહીં.

કેમ કે કરણે આવી જ પ્રતિક્રિયાઓની એની પાસેથી અપેક્ષા રાખી હતી.

કરણે કદાચ ધાર્યું હતું કે એનો બાપ એને મારશે, ગુસ્સે થશે અને બધાંને ભેગાં કરશે….પણ ના, કરણની અપેક્ષા પૂરી નથી કરવી.

જગમોહન હસ્યો. ફિક્કું હાસ્ય.

‘પપ્પા, હું તમને કહું છું. સાંભળો છો? મેં અને રૂપાએ મેરેજ કરી લીધાં છે.’
જગમોહન હસતો રહ્યો. ગાયત્રી પણ દિગ્મૂઢ થઈને જગમોહનની સામે જોઈ રહી. જગમોહનના ચહેરા પર નિસ્તેજ હાસ્ય ફરકતું હતું.

‘પપ્પા, તમે મારું ઇન્સલ્ટ કરો છો. હું તમને અમારાં લગ્નની ખબર આપું છું અને તમે હસી રહ્યા છો?’ કરણ ગિન્નાયો.

‘બેટા, દીકરાનાં લગ્નના ખબર સાંભળીને કયો બાપ રડે? મારા માટે તો આ ખુશીના સમાચાર છે. એટલે હું હસું છું. એમાં મેં તારું ઇન્સલ્ટ ક્યાં કર્યું દીકરા?’ જગમોહનના અવાજમાં ભારોભાર પીડા છલકાતી હતી. ગાયત્રીનું હૃદય વલોવાતું હતું.

‘કરણ, તું કાકુને આ રીતે ખબર આપીને એમનું અપમાન કરી રહ્યો છે. ઊલટું તારે એમની માફી માગવી જોઈએ. એના બદલે તું એમના પર તારું ઇન્સલ્ટ કરવાનો આક્ષેપ કરે છે.’ ગાયત્રીએ રડમસ અવાજે કરણને ઠપકો આપતાં કહ્યું.

‘ગાયત્રી, પ્લીઝ… આઈ રિસ્પેક્ટ યુ એટલે તને કહું છું, આ અમારી અંગત બાબત છે એટલે એમાં વચ્ચે ન પડ તો સારું રહેશે.’ કરણે ગાયત્રી સામે જોયા વિના કહ્યું.
ગાયત્રી ડઘાઈ ગઈ.

‘કરણ’ જગમોહનને ગાયત્રી સામે એક દૃષ્ટિ ફેંકીને કહ્યું:
‘તેં મારું અપમાન કર્યુ ત્યાં સુધી હું કંઈ ન બોલ્યો. પણ તેં આજે ગાયત્રીનું અપમાન કર્યું છે, ગાયત્રીનું… તને ભાન છે આ છોકરીએ તારા બાપ માટે શું શું નથી કર્યું ?’

‘પપ્પા, એણે તમારી લાઇફ બચાવી હશે, મારી નહીં. મારી મદદ કરવા એ ઇચ્છત તો તમને મારા અને રૂપાના મેરેજ માટે મનાવી શકત, પણ એણે એવું કર્યું નથી. એની વે પપ્પા, એ મહત્ત્વનું નથી. મેં રૂપા સાથે લગ્ન કરી લીધાં છે અને આવતા અઠવાડિયાથી એ અહીં રહેવા આવશે, મારી સાથે.’
‘કરણ, તું હજી મારા ઘરમાં રહે છે, નહીં કે હું તારા ઘરમાં. દીકરા, મેં એક ભાડૂતને ભલે જગ્યા આપી હોય પણ એ ભાડૂત કોઈ પેટા ભાડૂતને તો જગ્યા ન જ આપી શકે.’ જગમોહનના ચહેરા પર કડવાશ સાથે પીડાના ભાવ ફેલાઈ ગયા.

‘એટલે પપ્પા, હું તમારો ભાડૂત છું, દીકરો નહીં? જો ગાયત્રી, હવે તારા કાકુ મારું અપમાન કરે છે !’
‘બેવકૂફ, તારા મોઢે ગાયત્રીનું નામ લેતો નહીં. અને એક વાત સાંભળ, તેં જો મારી વિરુદ્ધ લગ્ન કરી નાખ્યાં હોય તો ભલે કરી નાખ્યાં એક ભાડૂતનાં લગ્નની હું ચિંતા શા માટે કરું? ગાયત્રી, મને સમજણ નથી પડતી કે હું કેટલીવાર મારું વસિયતનામું બદલું?’
‘પપ્પા, તમે મને ધમકી આપો છો?’ કરણનો અવાજ ઉગ્ર થઈ ગયો.

બાપ-દીકરાની આ ઉગ્ર બોલચાલમાં ન સંડોવાવું પડે એ માટે ગાયત્રી બહાર જવા ગઈ પણ સામેથી આવતી પ્રભા સાથે ભટકાઈ ગઈ.

‘આ શું માંડ્યું છે? આ બૂમબરાડા કોણ પાડે છે?’ પ્રભાએ આવતાવેંત જ બધાને ઊધડો લીધો.

‘આ બૂમબરાડા નથી, શરણાઈના સૂર છે. તમારો દીકરો પરણીને આવ્યો છે. એમને વધાવો.’ જગમોહને કટુતાથી કટાક્ષ કર્યો.

‘સાચે જ કરણ, વાહ મારા લાલ, તેં તો મને ખુશ કરી દીધી ! ’

ગાયત્રીને સમજાયું નહી કે પ્રભાને સાચે જ એને આનંદ થયો હતો કે જગમોહનને ટોંટ મારવા કરણને એ વધાવતી હતી …
‘લ્યો પપ્પા, હવે મમ્મી પણ મારી સાથે છે. હવે બોલો, કેટલીવાર વસિયતનામું બદલશો?’
જગમોહન ફરી ફિક્કું હસ્યો :
‘તારા પપ્પા તો રોજ રાતના વિલ બદલ્યા કરે છે. હમણાં એક નવું નામ ઉમેરાશે એટલે આપણા બધાની બાદબાકી થઈ જશે.’ પ્રભાએ સૂચક રીતે ગાયત્રી સામે જોઈને કહ્યું.

‘કરણ- પ્રભા એક વાત કાન ખોલીને સાંભળી લો. મારો પૈસો મેં પરિશ્રમથી બનાવ્યો છે. આ આ રૂતબો, આ મોભો મેં જાતમહેનતથી મેળવ્યાં છે. એને હું નાલાયકો વચ્ચે વહેંચવા કરતાં દાન આપી દેવાનું ઇચ્છીશ.’ જગમોહન મક્કમતાથી બોલ્યો.

‘પપ્પા, તમે પણ અમારી વાત સાંભળી લ્યો. જો અમને અમારા હકનો હિસ્સો નથી મળ્યો તો સારું નહીં થાય.’ કહીને કરણ કમરાની બહાર નીકળી ગયો.

‘હવે સમજાયું કે તમારા દુશ્મનો કેવી રીતે ઊભા થાય છે કે હજી સમજાવવું પડશે?’ બોલતી પ્રભા પણ બહાર નીકળી ગઈ.

જગમોહન પાસે આવીને ગાયત્રી એના ખભા પર માથું મૂકીને રડવા માંડી. કાકુ, આઈ એમ સોરી, હું તમારો આ પ્રોબ્લેમ સોલ્વ નથી કરી શકતી.’
‘ના ગાયત્રી, આ કદાચ મારાં કર્મોનો ભાર છે, એને તો મારા સિવાય બીજું કોઈ નહીં ઊંચકી શકે. એની વે, કરણે તારું અપમાન કર્યું એ બદલ સોરી.’
સહેજ અટકીને જગમોહને ઉમેર્યું :
‘ગાયત્રી, ઘણી વાર ઇચ્છા થાય છે કે મારી બધી સંપત્તિ તારે નામ કરી નાખું તું જ મારો બિઝનેસ ચલાવજે અને ઇચ્છા થાય તો આ લોકોને એમનો હિસ્સો આપજે.’
‘ના કાકુ, એવું નહીં કરતા. તમારી દોલત પર એમનો પહેલો અધિકાર છે. એમને એમનો હક મળવો જ જોઈએ.’
‘હવે તો હું પણ જોઉં છું કે એમને એમનો હક કેવી રીતે મળે છે.’
ગાયત્રીને લાગ્યું કે જગમોહન આજે ખૂબ જ ગુસ્સામાં છે.

‘હું મારા ખૂનીને નામે મારી ધનદોલત કરી દઈશ પણ આ લોકોને તો ફૂટી કોડી નહીં આપું.’


જગમોહન અને ગાયત્રીની વાતચીત બાદ ચાર એવી ઘટના બની કે જગમોહન વધુ અસ્વસ્થ થઈ ગયો. લખુકાકા દોડતા આવીને કહેવા લાગ્યા હતા :
‘ભાઈ, ઘરની બહાર કોઈની બ્રીફકેસ પડી છે.’ જગમોહન દોડ્યો હતો. ગાયત્રીએ બૂમ પાડી કે બેગને હાથ લગાડતા નહીં…’ .

એક વાર તો જગમોહનને વિચાર આવ્યો કે લાલબઝાર બોમ્બ સ્કવોડમાં ફોન કરીને જાણ કરુ. ગાયત્રી અને લખુકાકા ના પાડતા રહ્યા, પણ પછી શું થયું કે એણે બ્રીફકેસ ઊંચકીને ખોલી.
બેગ ખાલી હતી. ફક્ત એક નાનકડી ચબરખી એમાં પડી હતી. જેમાં લખ્યું હતું:
‘આ બ્રીફકેસમાં અમે બોમ્બ પણ રાખી શક્યા હોત…!’

બીજી ઘટના એ હતી કે સન્યાલનો થાણાથી ફોન આવ્યો હતો. સન્યાલ સાહેબના કહેવા પ્રમાણે જગમોહનના મકાનની આજુબાજુ એક બે શંકાસ્પદ માણસ દેખાયા હતા : ડોન્ટ વરી મિ. દીવાન, મારા માણસો દરેક પર નજર નાખી રહ્યા છે. જરૂર પડે અને શંકાસ્પદ વ્યક્તિઓને અટકમાં પણ લેશું. આ તો તમને એ જ કહેવા ફોન કર્યો કે ધ્યાન રાખજો.’
આ સાંભળીને જગમોહને ફોન પટક્યો હતો: ‘બેવકૂફો, મારું ધ્યાન તો તમારે રાખવાનું છે…! ’

ત્રીજી ઘટના એવી બની કે ઑફિસે ફોન કરીને બપોરના એ આડો પડ્યો હતો ત્યારે એણે બહાર કોરિડોરમાં કશો અવાજ સાંભળ્યો. એ બહાર આવ્યો ત્યારે જોયું કે પૂજા એકલી એકલી કોરિડોરમાં આંટા મારતી હતી. પૂજા પાસે જઈને એણે પૂછ્યું:
‘કેમ બેટા ચિંતામાં લાગો છો?’

ત્યારે પૂજાએ એની સામે જોયું પણ નહોતું અને એ ફક્ત આંટા મારતી રહી હતી ત્યારે જગમોહન મૂંઝાઈ ગયો હતો : આ બધું શું થવા બેઠું છે!
ચોથી ઘટના મોડી સાંજના બની. જગમોહનનો સેલ રણક્યો. સામે છેડે એ જ માણસ હતો :
‘સાહેબ હિન્દી ફિલ્મોમાં એવું બોલે
છે કે આજકી રાત આખરી રાત હૈ. હું
એવું કંઈ બોલીશ નહીં.’ હા. એટલું જરૂર કહીશ કે આજ પછી હંમેશાં તમારા જીવનમાં રાત રહેશે…. કોઈ દિવસ સવાર નહીં પડે. કેવી મઝા, મિ. દીવાન, હવે તમારે
હંમેશાં સૂતા રહેવાનું – હંમેશ માટે સૂતા રહેવાનું.
‘અલવિદા, મિ. દીવાન, આવતા જન્મે મળીશું!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ખબરદાર, આ દેશમાં એક્સિડન્ટ કે દુર્ઘટનાનો વીડિયો બનાવ્યો છે તો… ચાથી લઈને શૌચાલય વિભાગ સુધી જાણો દુનિયાભરના અજીબો ગરીબ મંત્રાલય મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker