લાડકી

વેર – વિખેર પ્રકરણ-1

જગમોહન દીવાન, જીવનમાં તેં ખરેખર એવું કંઈ નથી કર્યું કે લોકો તને પ્રેમ કરે- તારા મૃત્યુ બાદ તને યાદ કરે કે તારી પાછળ શોક કરે. ધૂળ પડી તારા જીવનમાં.!

કિરણ રાયવડેરા

‘હું જગમોહન વ્રજલાલ દીવાન પૂરા હોશહવાસ સાથે જણાવું છું કે હું મારા જીવનથી કંટાળી ગયો છું. મેં અંગત કારણોસર મારી જિંદગીને ટૂંકાવવાનો નિર્ણય લીધો છે. મારા આત્મહત્યાના નિર્ણય માટે હું કોઈને જવાબદાર ગણતો નથી. આ મારો અંગત ફેંસલો છે અને એના માટે હું પોતે જગમોહન વ્રજલાલ દીવાન જ મારા મોત માટે જવાબદાર છું.’

ડાયરીનાં પાનાંની નીચે પોતાની સહી કર્યા બાદ છટાથી લાંબી લાઈન ખેંચી ત્યારે જગમોહનને ફાંસીની સજા સુણાવ્યા બાદ જજની જેમ કલમ તોડી નાખવાની ઈચ્છા થઈ આવી.

જગમોહને પણ મોતની સજા જ ફટકારી હતી. જજ ગુનેગારને સજા આપે, જ્યારે જગમોહને પોતાની જાતને જ સજા સુણાવી હતી. આમેય પોતે પણ અપરાધી જ હતો ને!

જિંદગી જીવતાં ન આવડવી એ પણ અપરાધ કહેવાય, અક્ષમ્ય અપરાધ. અને જે કામ સારી રીતે કરતાં ન આવડે એ કાર્ય શા માટે ચાલુ રાખવું?…

જગમોહનને બે હાથ ટારઝનની જેમ મોઢા પર રાખીને ચીસો પાડવાની ઈચ્છા થઈ આવી. ‘જગમોહન, દીવાન… કરોડો રૂપિયા કમાયા બાદ જે. ડી. ગ્રુપ ઑફ ઈન્ડસ્ટ્રીઝને ભારતની અગ્રગણીય કંપનીમાં સ્થાન આપ્યા બાદ ૪૭ વરસે તારે આત્મહત્યા કરવાનો નિર્ણય લેવો પડે એ ખૂબ જ શરમજનક છે. તારી હાર છે. ધિક્કાર છે. જગમોહન તને!’

જગમોહને ચીસ પાડી નહીં, પણ એ ડરી ગયો. એરકન્ડિશન્ડ બેડરૂમમાં પણ એની હથેળીમાં પરસેવો ફૂટી નીકળ્યો.

જગમોહને કદાચ સાચે જ ચીસ પાડી હોત તો પણ વિશાળ બેડ પર સૂતેલી એની પત્ની પ્રભાની ઊંઘમાં ખલેલ ન પડત. પ્રભા જાગતી હોત તો ઊભી પણ ન થાત. પૂછત પણ નહીં, ‘શું થયું? મધરાતે ઘાંટા શેના પાડો છો?’ જગમોહને વિચાર્યું.

જગમોહને પત્ની તરફ જોયું નહીં. એણે ડાયરીનાં પાનાં તરફ તાક્યા કર્યું. કોણે કહ્યું કે આપઘાત કરવો એ કાયર માણસનું કામ છે? સ્વેચ્છાએ એક અત્યંત સફળ જિંદગીને સંકેલી લેવી એ બહાદુરીનું કામ છે. કાલે સવારના જ્યારે છાપાનાં મથાળાં ચમકશે: દેશના અત્યંત ધનાઢ્ય અને ટોચના ઉદ્યોગપતિ જગમોહન દીવાને કરેલી આત્મહત્યા?… ત્યારે લોકો મારા વિશે કેવી અટકળો બાંધશે?! કેવી કેવી અફવા ફેલાવશે!

બની શકે કે ઘણાં સનસનાટી ફેલાવતાં અખબારો જગમોહનની આત્મહત્યામાં રહસ્યનું મિશ્રણ કરશે: જગમોહનના અકાળે થયેલા મોતનું ઘૂંટાતું રહસ્ય. આત્મહત્યા કે હત્યા!

ભારેખમ વાતાવરણ વચ્ચે પણ જગમોહનને હસવું આવી ગયું.

એક સફળ શ્રીમંત માણસની નિર્દોષ આત્મહત્યામાં પણ લોકો હત્યાનો આશય જોવાની કોશિશ કરશે!

શું એક સફળ વ્યક્તિ જીવન અર્થહીન, ઉદ્દેશ્યહીન લાગતાં આપઘાત કરવાનો વિચાર ન કરી શકે?શું એને એટલો પણ અધિકાર નહીં?

અને હવે શું બાકી રહી ગયું છે આ લાઈફમાં? એક કોહવાઈ ગયેલા શબને સુંદર વસ્ત્રો પહેરાવવામાં આવ્યાં છે એટલું જ. લાશમાંથી દુર્ગંધ વછૂટે છે પણ એ એને જ ગૂંગળાવે છે. બહારની દુનિયાને કંઈ જ નથી દેખાતું.

લોકો કહેશે – જગમોહન શેઠને કઈ વાતનું દુ:ખ હતું? ભગવાનનું દીધેલ બધું જ હતું. સુંદર પત્ની હતી, બે જુવાન વિનય-વિવેકી એવાં કરણ ને વિક્રમ જેવા બે પુત્રો, મહેલમાં શોભે એવી પુત્રવધૂ, દીકરી રેવતી સાસરે સુખી હોય, હાં… જમાઈમાં વાંધાવચકા કાઢી શકાય. બાકી તો સોનાના હીંચકે ઝૂલ્યા હતા જગમોહન દીવાન… નક્કી કોઈ શત્રુએ એમનું કાસળ કાઢી નાખ્યું હશે!
આવતીકાલથી તરેહતરેહની વાતો વહેતી થશે. અલીપુરના એના ફલેટથી જેવા સત્તાવાર સમાચાર મળશે કે ગ્રુપના સેંકડો કર્મચારીઓ શોકમાં ડૂબી જશે. એક દિવસ દેશભરની એમની બ્રાંચ ઑફિસો બંધ રહેશે. કદાચ ત્રણ દિવસ શોક પણ પાળવામાં આવે.

જે. ડી. ગ્રુપના શૅરના ભાવ ગગડી જશે. પણ કંપનીનો ફાઈનાન્સિયલ એડ્વાઈઝર વિજય કામથ બાહોશ છે. એ બીજા દિવસથી જ બધું સંભાળી લેશે, જાણે જગમોહન શેઠ ગયા જ નથી. શકય છે કે એકાદ અઠવાડિયામાં તો બધું થાળે પડી જાય.

પ્રભા જગમોહનના મૃતદેહને ગળે વળગીને પોક મૂકશે: તમે અમને આમ નોંધારા મૂકીને કેમ ચાલ્યા ગયા… હવે અમે કોના આધારે જીવશું. રડતાં રડતાં એ સભાનતાથી કોશિશ કરશે કે હાજર રહેલાં બધાં એનું રુદન સાંભળે. આંસુથી ખરડાઈને ચહેરાનો મેકઅપ બગડે નહીં એની તકેદારી પણ એ લેશે. એની સફેદ સાડી પણ નવીનકોર અને કરચલી વગરની હોય એની ખાસ ચીવટ લેવામાં આવશે. હમણાં જેટલી સુંદર લાગે છે એના કરતાં વધુ જાજરમાન પ્રભા વિધવાના લિબાસમાં લાગશે.

મોટો દીકરો વિક્રમ થોડો સંવેદનશીલ ખરો એટલે આઘાત જીરવી નહીં શકે પણ એની પત્ની પૂજા કાનમાં ફૂંક મારશે – ‘એક અબજોપતિ આ રીતે જાહેરમાં રડે એ સારું લાગે? કોઈ દિવસ કોઈ ઉદ્યોગપતિના વારસદારોને જાહેરમાં રડતાં જોયા છે? શ્રીમંતના ફરજંદે એક જવાબદાર વારસદાર તરીકે વર્તવું જોઈએ, નહીં કે એક બિનજવાબદાર, કડકાબાલુસ સેન્ટિમેન્ટલ દીકરાની જેમ.’
કરણ વધુ કંઈ બોલી નહીં શકે. એ કદાચ વધુ સમજી પણ નહીં શકે. બાપના મોત જેવી જબરદસ્ત ઘટના અને એના પરિણામને એ પૂરેપૂરી સમજી શકે એવી એની ઉંમર નથી કદાચ. એ થોડી વાર બાઘાની જેમ બાપના મૃતદેહને જોયા કરશે અને પછી મન પર ભાર વધી જતાં પોતાના કમરામાં ચાલ્યો જશે અને કોઈ મિત્રને મોબાઈલ પણ જણાવશે – યાર, માય ડૅડ ઈઝ ડેડ…!

દીકરી રેવતીને લાગી આવશે, પણ રડતી વખતે એને એ ફિકર હશે કે જમાઈરાજ જતીનકુમાર કંઈ આડુંઅવળું નથી કરતા ને! રેવતીના લગ્ન થયાં ત્યારે તો જતીનકુમાર રૂડારૂપાળા લાગતા હતા. ખાનદાન પણ ઊંચું. મોટા ઘરનો એકમાત્ર વારસદાર એટલે શરૂઆતમાં બધાને રેવતીની પસંદ પર માન થયું હતું. પણ ધીરે ધીરે સાચી વાત બહાર આવવા લાગી. જતીન ક્યારેક બે બે દિવસ સુધી ગાયબ રહે. પહેલાં તો બધાને લાગ્યું કે કામ અંગે એમને બહાર રહેવું પડતું હશે. પછી એક દિવસ રેવતી ઘરે આવી ને ખૂબ રડી ત્યારે બધાનાં હાજાં ગગડી ગયાં.

રેવતીના કહેવા પ્રમાણે જતીનમાં પાગલપણાની અસર ક્યારેક ક્યારેક જણાતી હતી. આમ નોર્મલ માણસ જેવા લાગે, પણ જ્યાં બેઠા હોય ત્યાં બેઠા જ રહે. જ્યારે ઊભા થવાનું કહે ત્યારે ઊભા થાય. ત્યારે ફરી એવી રીતે વ્યવહાર કરે જાણે કંઈ બન્યું જ નથી. સતત બે-ત્રણ દિવસ ગુમ થઈ જાય, આવીને કહે કે બે કલાક માટે બહાર ગયો હતો. એમને એટલી પણ ખબર ન હોય કે એ બે કલાક માટે નહીં, પણ બે દિવસ માટે ગાયબ રહ્યા હતા. બહુ મહિનાઓ પછી ખબર પડી કે જતીનના દાદા પર પણ છેલ્લે છેલ્લે પાગલપણાની અસર વર્તાવા લાગી હતી. પૈસેટકે તો જતીનકુમારનું ખાનદાન ઘસાઈ ગયું હતું પણ વારસામાં માનસિક અસ્થિરતા જરૂર મળી.

જગમોહનને અફસોસ રહી ગયો કે પૂરતી તપાસ ન કરાવી અને દીકરી દુ:ખી થઈ ગઈ. પ્રેમલગ્ન હોય તો શું થઈ ગયું, તપાસ તો કરાવી જ શકાત. પણ કદાચ રેવતીની જીદ અને એની માની ઉશ્કેરણીને કારણે જગમોહનનું મન ખાટું થઈ ગયું હતું. જે પણ હોય, રેવતીનાં લગ્ન હવે એક છૂટેલું તીર બનીને રહી ગયું હતું.

રેવતીના નસીબમાં પણ બાપની જેમ અણગમતા સાથી સાથે નિભાવવાનું હતું.

જગમોહનના મૃત્યુ બાદ રેવતી જતીનને કારણે એટલી સભાન થઈ જશે કે એને શોક કરવાનું સૂઝશે નહીં. લગ્ન બાદ એ થોડી ચિત્તભ્રમ થઈ ગઈ હતી.

ઘરની દેખરેખ રાખતા લક્ષ્મણકાકા ફક્ત છાનું રડ્યા કરશે. જાહેરમાં રડતાં એમને પ્રભા શેઠાણીનો ડર લાગશે. જગમોહન ઘણી વાર લખુકાકાને કહેતો, ‘તમે હિંદી ફિલ્મના રામુકાકા નથી, એટલે વાતવાતમાં વાતાવરણને રોતલ નહીં બનાવી નાખો.’ હવે જ્યારે સાચે રડવાનો વખત આવશે ત્યારે એ ખુલ્લા મને રડતાં પણ અચકાશે.

જગમોહને ડાયરી પરથી નજર હટાવીને એના દરિયા જેવડા બેડરૂમ પર ફેરવી, ટૂંકમાં બધાને એનું મોત પણ નડશે, એની જિંદગીની જેમ.

હકીકતમાં ઘણાં વરસો બાદ એને સમજાયું કે એના હોવા કે ન હોવાથી કોઈને ફરક નહોતો પડતો. જાણે એ જીવે છે કે મરી ગયો છે એ બન્ને વચ્ચે કોઈ ભેદરેખા જ નહોતી. કોઈ એને મિસ નહોતું કરતું. એના અવસાન બાદ કોઈ એને યાદ પણ નથી કરવાનું. દર વરસે ગ્રુપના મોભાને છાજે એવી પૂરા પાનાની શ્રદ્ધાંજલિ દેશના દરેક અખબારમાં પ્રગટ કરવામાં આવશે. એ જાહેરખબરમાં એની જૂઠી પ્રશંસા કરવામાં આવશે. ઘરે પૂજાપાઠ કરવામાં આવશે. ગરીબ-ગુરબાંને દાન કરવામાં આવશે. ‘જગમોહન શેઠ જેવા તો માણસ ગોત્યા ન જડે…’ કોઈ એવું ગણગણશે… અને જગમોહન પાછો ભુલાઈ જશે. ફરી પાછું બધું રાબેતા મુજબ ચાલવા લાગશે.

પ્રભા એના મિત્રો સાથે રમીની બાજીમાં ફરી ઓતપ્રોત થઈ જશે, અને દીકરા એમના અંગત જીવનમાં.

‘જગમોહન દીવાન…’ જગમોહન મોટેથી બોલ્યો, ‘જીવનમાં તેં ખરેખર એવું કંઈ નથી કર્યું કે લોકો તને પ્રેમ કરે, તારા મૃત્યુ બાદ તને યાદ કરે, કે તારી પાછળ શોક કરે. ટૂંકમાં તારી હાજરી માટે ઝૂરે અને તારી ગેરહાજરી બાદ કોઈ તારા માટે તડપે એવી એક વ્યક્તિને તું મેળવી નથી શક્યો. ધૂળ પડી તારા જીવનમાં. તું એક જણને પણ પોતાનો ન કરી શક્યો. એક મામૂલી જિંદગી જીવતા માણસ પાસે પણ કોઈ તો એવું હશે જે એની વિદાય બાદ એ પાછો આવે એની વાટ જોતું હોય. અને કદાચ એ માણસના નિધન બાદ પોતે પણ જાન આપી શકે એવો પ્રેમ અને નિષ્ઠા પણ હોય એ વ્યક્તિમાં.’

જ્યારે જાતમહેનતથી ઉપર આવેલા શેઠ વ્રજલાલનો સુપુત્ર જગમોહન આજે એક સફળ ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ બન્યો, પણ એનાથી વિશેષ કશું જ નહીં.

શું જગમોહન પોતે ઘરવાળાથી દૂર ચાલ્યો ગયો હતો કે પરિવારજનો કદી એની પાસે ફરક્યા જ નહીં?

હવે જિંદગીને ટૂંકાવી નાખવાનું નક્કી કર્યા બાદ જીવનનું પોસ્ટમોર્ટમ કરવાનો કોઈ અર્થ નથી સરવાનો. પોસ્ટમોર્ટમ તો આમેય એનું મર્યા બાદ થવાનું જ છે. કોણ સાચું. કોણ ખોટું, એ બધા પ્રશ્ર્નોનો કોઈ અર્થ નથી હવે. એની જ ભૂલ થઈ હશે ક્યાંક… નહીંતર એવું કેમ બને કે ૫૭ વરસના જીવનમાં એક વ્યક્તિ માટે પણ એ એવું ન કહી શક્યો કે તારા માટે મને જીવવાની ઈચ્છા થાય છે. તારા લીધે મને મરવાનો ડર લાગે છે.

આજે જગમોહન વ્રજલાલ દીવાનને મોતનો ડર નથી લાગતો. હા, જીવવાનો ડર લાગે છે ખરો.

આમેય એણે હંમેશાં એવું જ કાર્ય કર્યું છે જેમાં એને આનંદ આવતો હોય, જેમાં એ પોતાની જાતને ભૂલીને રચ્યોપચ્યો રહે. જીવવું પણ એક કાર્ય છે અને હવે આ કાર્યમાં કોઈ આનંદ, સુખ કે સંતોષ રહ્યાં નથી એટલે જગમોહને નક્કી કર્યું છે કે આવતી કાલે એના જીવનને ખતમ કરી નાખવું.

જાણે કોઈ બિઝનેસ પ્રોજેક્ટના બારામાં નિર્ણય લેવાનો હોય એટલી સહજતા અને સાહજિકતાથી એણે ડિસીઝન લઈ લીધું હતું.

જગમોહન, યુ આર ક્ધડેમ્ડ ટુ ડાઈ…!

વિચાર તો ઘણા મહિનાથી મનમાં આકાર લેતો હતો, પણ છેલ્લા સાત દિવસમાં તો એને ખુદ પર ચીડ ચડતી હતી કે આ મરવાના પ્લાનને વહેલો અમલમાં શા માટે ન
મૂક્યો? (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?