લાડકી

વેર- વિખેર -પ્રકરણ ૭

અચાનક મારૂતિ જિપ્સીના ડ્રાઈવરે જગમોહનને રસ્તો ક્રોસ કરતા જોઈને જોરથી બ્રેક મારવી પડી. ‘મરના હૈ ક્યા?’ ડ્રાઈવર ખિજાયો.જગમોહને ડોકું હલાવીને હા પાડી. ડ્રાઈવરે જગમોહનને હા પાડતાં જોયો હોત તો વધુ ગિન્નાયો હોત!

કિરણ રાયવડેરા

ના, હવે છેલ્લે છેલ્લે મજબૂત ઈરાદાને ઢીલો પડવા નથી દેવો. મન પર વજન લઈને એ દરવાજા તરફ વળ્યો. પાછળ કોઈ ખંજર ભોંકાતું હોય તેમ પ્રભાના શબ્દો અફળાયા:
‘રાતના મને આવતાં મોડું થશે. લખુકાકાને કહી જમી લેજો…’

‘ક્યાં નવી વાત છે?’ એણે વિચાર્યું અને લાંબા ડગ ભરતો બહાર નીકળી ગયો.

લિફ્ટમેને સલામ કરીને દરવાજો ખોલી આપ્યો. જગમોહનને ડર લાગ્યો કે લિફ્ટમેન એને ધારીધારીને જોતો હતો. લિફ્ટની બહાર નીકળ્યો કે જાદવે એના હાથમાંથી બેગ લઈ લીધી. ગાડીમાં એ ગોઠવાયો ત્યારે એને પ્રશ્ર્ન થયો કે ભૂગર્ભ રેલવેના ક્યા સ્ટેશને ઊતરવું? જાદવને શું કહેવું? એ પૂછપરછ કરશે તો? એને અજુગતું નહીં લાગે?

મનોમન જગમોહને નક્કી કરી લીધું કે ચૌરંઘી અને એ.જે.સી. બોઝ રોડના ખૂણા પર આવેલા રવીન્દ્ર સદન મેટ્રો સ્ટેશન પાસે ઊતરી જવું.

હજી ચૌરંઘી પહોંચતાં બીજી વીસેક મિનિટ લાગશે, એણે વિચાર્યું. ત્યાં સુધી કોઈ ને કોઈ રસ્તો સૂઝી આવશે એવું વિચારીને એ બારી બહારનાં દૃશ્યો જોવામાં લીન થઈ ગયો.
દુનિયા રાબેતા મુજબ ચાલતી હતી. એની વિદાય બાદ પણ આમ જ ચાલતી રહેશે. બધું એમનું એમ જ રહેશે. એનો અહમ્ ઘવાતો હતો. જગમોહન દીવાન જેવા એક ટોચના ઉદ્યોગપતિની ગેરહયાતીથી કોઈને ફરક નહીં પડે.

જગમોહન બારી બહારનાં દૃશ્યોને જોયા વિના તાકી રહ્યો.

એને અચાનક શિંદેનું નામ યાદ આવ્યું.

કબીર કાલે રાતના કહેતો હતો કે એનો કોઈ પોલીસ મિત્ર શિંદે કોલકાતા આવ્યો છે. ‘જાદવ, તું એક કામ કર, તું મને રવીન્દ્ર સદન મેટ્રો સ્ટેશન પાસે ઉતારી દેજે. મારો એક મિત્ર મુંબઈથી આવ્યો છે શિંદે, એની સાથે મારી દસ વાગ્યાની એપોઈન્ટમેન્ટ છે.’

બીજું કંઈ ન સૂઝતાં જગમોહને શિંદે સાથેની એપોઈન્ટમેન્ટની વાત ઉપજાવી કાઢી. ખોટું બોલવું પણ એક કળા છે. ફાવટ ન હોય તો માણસ ક્ષણવારમાં પકડાઈ જાય.

‘સાહેબ, રવીન્દ્ર સદન મેટ્રો સ્ટેશન પાસે પાર્કિંગ કરવા નથી દેતા પણ તેની બાજુની ગલીમાં પાર્કિંગ કરવા દે છે, ત્યાં હું તમારી રાહ જોઉં કે પછી ગાડીને લઈ રાઉન્ડ મારતો રહું કે પછી તમે કહો તેમ કરું.’ જાદવને આજે શેઠની વર્તણૂકથી અચરજ થતું હતું. આ શેઠનો મિત્ર અચાનક ક્યાંથી ફૂટી નીકળ્યો?

‘ના…’ જગમોહનને લાગ્યું કે એના અવાજમાં જરૂરત કરતાં વધુ સખ્તાઈ ભળી હતી.

‘શિંદે પોલીસનો સિનિયર ઑફિસર છે. એની પાસે પોતાની જીપ હશે જ. તું ગાડી પાર્ક કરીને ઑફિસે જતો રહેજે અને મારી સૂચનાની રાહ જોજે. જરૂર પડશે તો તને બોલાવી લઈશ.’

‘જેવી તમારી મરજી.’ જાદવ કચવાતા મને રાજી થયો. રવીન્દ્ર સદન મેટ્રો સ્ટેશન પાસે લાલ લાઈટને કારણે ટ્રાફિક થંભેલો હતો એટલે એને ગાડી અટકાવવી જ પડી. ડાબી બાજુ એક કાર લગોલગ આવીને ઊભી રહી જતાં જગમોહનને જમણી બાજુથી ઊતરવું પડ્યું. જાદવને આંખના ઈશારાથી જવાનું કહી જગમોહને મેટ્રો સ્ટેશન તરફ જવા રસ્તો ક્રોસ કરવાનું શરૂ કર્યું. ત્યાં જ લાલ લાઈટની જગ્યાએ લીલી બત્તી થઈ અને થંભેલા ટ્રાફિકની વણઝાર શરૂ થઈ ગઈ.

શેઠને પગપાળા રસ્તા પર ચાલતા જોઈને જાદવે ગાડી સ્ટાર્ટ કરી.

ટ્રાફિક શરૂ થઈ જતાં જગમોહન એક ક્ષણ માટે ખચકાયો પણ પછી આગળ પાછળ સરકતી ગાડીઓથી બચતો એ રસ્તો ઓળંગવા લાગ્યો. અચાનક મારૂતિ જિપ્સીના ડ્રાઈવરે જગમોહનને રસ્તો ક્રોસ કરતા જોઈને જોરથી બ્રેક મારવી પડી.

‘મરના હૈ ક્યા?’ જિપ્સીનો ડ્રાઈવર ખિજાયો.

જગમોહને ડોકું હલાવીને હા પાડી. મારૂતિના ડ્રાઈવરે જગમોહનને હા પાડતાં જોયો હોત તો વધુ ગિન્નાયો હોત! મેટ્રો સ્ટેશનના મુખ્ય દ્વાર પાસે પહોંચ્યો ત્યારે જગમોહન હાંફી ગયો હતો. એણે પાછળ જોયું. જાદવ કે એની ગાડી દૂર સુધી દેખાતાં નહોતાં.

ટ્રાફિકમાં બધી ગાડી ભેળસેળ થઈ ગઈ હતી અને ટ્રાફિક પાણીના રેલાની માફક સડસડાટ વહેતો હતો.

કોઈ એને મેટ્રો સ્ટેશનમાં દાખલ થતાં જોઈ જશે તો! જાણે મોઢું છુપાવવું હોય એમ એક હાથ ચહેરા પર ફેરવતાં જગમોહન અન્ય પેસેન્જરો સાથે મેટ્રોની વિશાળ સીડી ઊતરવા લાગ્યો. દૂર ડિજિટલ ડિસ્પ્લેમાં ટ્રેનનો આવવાનો સમય અંકિત થયો હતો: ૧૦:૨૦.

જગમોહન ટિકિટબારી પાસેની કતારમાં ઊભો રહી ગયો. એનો વારો આવ્યો ત્યારે જાળીની પેલી બાજુના ચહેરાએ ઉપર જોયા વિના પૂછ્યું: બોલૂન…
ક્યાંની ટિકિટ લેવી? ટોલિગંજ કે ડમડમની! શું ફરક પડે છે?

‘ટોલિગંજ…’ એના મોઢામાંથી નામ સરી પડ્યું. પેલાએ જગમોહનના હાથમાંથી રૂ. ૧૦ની નોટ લઈને ટિકિટ અને પરચૂરણ એની દિશામાં ફેંક્યાં.

જગમોહને ટિકિટ અને પૈસા ગજવામાં સેરવીને પ્લેટફોમર્ર તરફ પ્રયાણ કર્યું. હજી થોડાં પગથિયાં ઊતરવાનાં હતાં. પછી ટોલિગંજ તરફ જતી ટ્રેન ધસમસતી આવશે અને જગમોહન એ ટ્રેનની સામે કૂદી પડશે. પછી વિચાર્યું કે ટોલિગંજની ટ્રેન હોય કે ડમડમની? શું ફરક પડે છે!

પહેલી વાર ભયનું એક લખલખું એના શરીરમાંથી પસાર થઈ ગયું. એનું શરીર ઠંડું પડી રહ્યું હતું. જગમોહનને લાગ્યું કે આજુબાજુના લોકો એની સામે ધારીધારીને જોતા હતા, જાણે બધા લોકોને એના પ્લાનની ખબર પડી ગઈ હોય અને થયું કોઈ એને બાવડું ઝાલીને અટકાવતું કેમ નથી? કોઈ ધમકાવતું કેમ નથી કે ખબરદાર, આત્મહત્યા નથી કરવાની.

પગથિયાં ઊતરીને પ્લેટફોમર્ર પર લગાડેલા ટી.વી. મોનિટર પર એ ઉત્તમકુમારની બંગાળી ફિલ્મ જોવા લાગ્યો. દૃષ્ટિ ફિલ્મ પર હતી પણ ધ્યાન દૂર ટ્રેનના પાટા તરફ. હમણાં મેટ્રો સ્ટેશનમાં ધમાલ મચી જશે. કોઈએ આત્મહત્યા કરી એવી એક બૂમ ઊઠશે. ટ્રેનની અવરજવર એક કે બે કલાક માટે સ્થગિત થઈ જશે. જગમોહનની લાશને ટ્રેક પરથી હટાવી લેવામાં આવશે. પછી ફરી બધું રાબેતા મુજબ ચાલવા માંડશે. ટ્રેન-પેસેન્જરો, એનું કુટુંબ, એનું ઘર, પ્રભા, કરણ, વિક્રમ, કબીર, દુનિયા, જીવન બધું ફરી યથાવત્ થઈ જશે. ફક્ત જગમોહન દીવાન માટે ચોતરફ અંધકાર ફેલાઈ જશે. જગમોહન દીવાનનું નામ આ દુનિયામાંથી કામય માટે ભૂંસાઈ જશે.

અચાનક ટ્રેન આવતાં પહેલાં ચહલપહલનું એક મોજું ફરી વળે એમ આજુબાજુના પેસેન્જરોમાં એક સંચાર થયો. જગમોહન ધીરેથી સરકીને પ્લેટફોર્મર્ની નજદીક આવ્યો. હજી ટ્રેન દેખાતી નહોતી પણ દૂર સ્ટેશનની ઘડિયાળ ૧૦.૨૦નો સમય દેખાડતી હતી. હવે કદાચ અડધી કે પછી એક મિનિટ!

દૂરથી ટ્રેનને આવતી જોઈ જગમોહનનું હૃદય બમણી ગતિથી ધબકવા માંડ્યું. અંતિમ ઘડી આવી પહોંચી હતી. એણે ઈશ્ર્વરનું સ્મરણ કરવા આંખ બંધ કરી. ટ્રેન નજીક આવતી હતી. હવે થોડી જ ક્ષણો બાદ એને કૂદવાનું હતું.

કૂદી પડ… જગમોહન… કૂદી પડ. એણે મનોમન ચિત્કાર કર્યો.

અચાનક એની બંધ આંખો સામેથી કરણનો ચહેરો પસાર થઈ ગયો. જગમોહન ગભરાઈને પાછળ ખસી ગયો. આ શું થયું? છેલ્લી ઘડીએ નાના પુત્રનો ચહેરો શા માટે યાદ આવ્યો? કરણનો મૂંગો ચહેરો એના મસ્તિષ્કમાં એક ક્ષણ માટે ઊપસ્યો અને પછી જાણે વિલીન થઈ ગયો.

ટ્રેન પ્લેટફોમર્ર પર આવીને ઊભી રહી ગઈ. જગમોહનના હાથમાંથી તક સરકી ગઈ હતી. પેસેન્જરો એને હડસેલો મારીને ચડ-ઊતર કરતાં હતાં. જગમોહન હારેલા યોદ્ધાની જેમ પીછેહઠ કરતો દૂર ઊભો રહી ગયો.

આમ કેમ થયું? આખી રાત કોઈ યાદ ન આવ્યું અને હવે છેલ્લી પળે નાનો પુત્ર યાદ આવી ગયો?

‘ના, જગમોહન, આ તારો ફેંસલો છે.’ જગમોહને એના મનને લલકાર્યું: જો આજે તું આ નિર્ણયને અમલમાં નહીં મૂકી શકે તો જીવતો રહેજે તારી દોઝખ જેવી જિંદગીમાં.’
જગમોહનનું મન જાણે આહત થઈ ગયું. એક ચાન્સ વધુ આપ.

આ વખતે હું નબળો નહીં પડું. એણે મનને યાચના કરી.

જગમોહને સામે ડિજિટલ ડિસ્પ્લેમાં ફરી જોયું. દસ મિનિટ પછી ડાબી બાજુના પ્લેટફોમર્ર પરથી ડમડમ જતી ટ્રેન પસાર થશે.

ગજવામાં ટિકિટ ટોલિગંજની હતી. હું કેર્સ, ટિકિટ ટ્રેનની અંદર બેસવા માટે હોય છે! ટ્રેન સાથે અથડવા માટે નહીં.

એ ફરી સરકીને ડાબી બાજુના પ્લેટફોમર્ર પર આવી ગયો. પ્લેટફોમર્ર ફરી શાંત પડી ગયું હતું. ટી.વી. સ્ક્રીન સામે ફરી એક નાનકડું ટોળું ઊભું રહી ગયું હતું.

જગમોહન ત્યાં ઊભો રહી ગયો. એણે એક વાર ઘરના દરેકને યાદ કરી લીધાં. વિક્રમ, કરણ, પ્રભા, લખુકાકા, કબીર, મા, દીકરી, જમાઈ. બસ હવે એ નિષ્ફળ નહીં જાય.

થોડી મિનિટો વીતી ગઈ.

એ પ્લેટફોર્મની નજીક જવા આગળ વધ્યો. હવે એક જ મિનિટ બાકી હતી. દૂરથી ટ્રેનનો આવવાનો અવાજ સંભળાતો હતો.

ભૂગર્ભ રેલ જેવી નજીક આવશે કે એ છલાંગ લગાવી દેશે.

ત્યાં જ કોઈએ એનું બાવડું ઝાલીને એની તરફ ખેંચ્યો. ‘કાકુ તમે આપઘાત કરવા માગો છો ને?’

જગમોહને ચોંકીને બોલનાર વ્યક્તિ સામે જોયું. ૨૨-૨૩ વરસની એક ખૂબસૂરત યુવતીએ એનો હાથ પકડી રાખ્યો હતો. એની આંખમાં આજીજી હતી, કરડાકી કે અવિવેક નહોતાં.

‘આ શું મજાક છે? મારો હાથ છોડો!’ જગમોહને જોયું ટ્રેન દૂરથી દેખાતી હતી. ટ્રેન પાસે આવશે કે એ છોકરીનો હાથ છોડાવીને કૂદી પડશે.

‘કાકુ, તમે મરવા જ માગો છો ને… ભલે, હું તમને નહીં અટકાવું. પણ મારી એક રિકવેસ્ટ છે. જતાં જતાં મારી એક વાત તો માનતા જાઓ.’ એ છોકરીની આંખો ભીની થતી હતી.

જગમોહને જોયું ટ્રેન નજીક આવતી જતી હતી. આ કુદરત પણ ગજબ છે, ૫૭ વરસ સુધી કોઈએ અટકાવ્યો નહીં અને હવે છેલ્લી ઘડીએ આ અજાણી છોકરી એનો હાથ પકડીને કંઈક યાચી રહી છે. એણે છોકરી સામે પ્રશ્ર્નાર્થભાવે જોયું.

‘કાકુ, તમે મરી જશો તો કદાચ એક… બે કલાક માટે ટ્રેન સેવા ખોરવાઈ જશે. બની શકે લાંબા સમય સુધી ટ્રેન ન ચાલે. પણ મને ઉતાવળ છે!’ યુવતીએ જગમોહનના હાથની પકડ મજબૂત કરી.

‘ઓહ, તો તમારે તાત્કાલિક ક્યાંક પહોંચવું છે એમ કહોને! ક્યાં જવું છે?’ જગમોહનને ગુસ્સો ચડતો હતો કે આ છોકરીને ક્યાંક જલદી પહોંચવું છે એટલે એનું મૃત્યુ મુલતવી રાખવા વિનંતી કરે છે. ટ્રેન પાસે આવી રહી હતી.

‘ના, મારે ક્યાંય નથી જવું.’ પેલી છોકરીએ જગમોહનને ફરી ચોંકાવી દીધો. એ છોકરીની મોટી મોટી આંખોમાં આંસુ તગતગતાં હતાં.

‘તો… પછી?’ જગમોહનને હવે ખરેખર ગુસ્સો આવતો હતો.

‘કાકુ, મારે પહેલાં આત્મહત્યા કરવી છે!’

પેલી યુવતીએ ધડાકો કર્યો. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button