લાડકી

વેર- વિખેર -પ્રકરણ -૪૯

અરે, હું જગમોહન દીવાનને મારવાની વાત ક્યાં કરું છું? કાલે સવારના એ કોઈ કારણસર હયાત ન રહે તો આપણને લૉટરી લાગી જાય ને..!

કિરણ રાયવડેરા

વિક્રમના ગયા બાદ શ્યામલીએ કુમારને ફોન કરી દીધો હતો.
કુમાર… એટલે કે શ્યામલીનો ભાગેડુ પતિ. ગામનાં લેણાથી ભાગતો ફરતો કુમાર ચક્રવર્તી સરકારી ચોપડે મૃત ઘોષિત થઈ ચૂક્યો છે. પતિ-પત્ની બંનેએ મળીને યોજના બનાવી કે લેણદારોના વધતા જતા દબાણથી બચવા એક માત્ર આ જ ઉપાય બચ્યો હતો: કુમારને ‘મારી’ નાખવાનો.

ફોન કર્યા બાદ પોણા કલાકે કુમારે ઘરની ડોરબેલ વગાડી હતી.
શ્યામલીએ બારણું ખોલ્યું.

સામે ફ્રેન્ચકટ સ્ટાઈલ દાઢીવાળો સોહામણો યુવાન ઊભો હતો. કોઈ ઓળખી ન જાય એ માટે કુમારે દાઢી વધારી લીધી હતી – ચશ્માં પહેરી લીધાં હતાં. ખભ્ભા પર એક બગલથેલો પણ લટકાવી રાખતો હતો. દેખાવ પરથી કોઈ બુદ્ધિજીવી અલગારી લેખક જેવો લાગતો હતો.

કુમારનો ‘મોત’ બાદનો દેખાવ શ્યામલીને વધારે પ્રભાવશાળી લાગતો હતો. એણે કુમારને એક બેવાર કહ્યું હતું: ‘તારા બીજા જન્મમાં તું વધુ હેન્ડસમ લાગે છે.’ આજે પણ કુમાર એટલો જ આકર્ષક લાગતો હતો.
‘કોનું કામ છે?’ શ્યામલીએ પૂછ્યું અને પછી આજુબાજુ જોઈને કુમારને પ્રવેશ આપ્યો.

દરવાજો બંધ કરીને બંને પલંગ પાસે આવ્યાં. વિક્રમની બેગ ખોલીને કુમારે પાંચ લાખ રૂપિયાનાં બંડ્લ હાથમાં લીધા.
‘શ્યામલી, વી મેડ ઈટ!’ કુમારે હર્ષોલ્લાસમાં બંને હાથ ઊંચા કરીને કહ્યું.

શ્યામલીએ કોઈ પ્રતિભાવ આપ્યો નહીં. એ ચૂપચાપ રૂપિયાને જોતી રહી.

‘સોરી, શ્યામલી, આઈ કેન અન્ડરસ્ટેન્ડ હાઉ યુ મસ્ટ બી ફીલિંગ… હું તારી સ્થિતિ સમજી શકું છું.’ કુમારે ક્ષોભપૂર્વક કહ્યું.

‘નહીં કુમાર, હવે મને કંઈ ફીલ નથી થતું, ખુશી નથી થઈ કે અફસોસ પણ નથી થતો. મને ખાતરી હતી કે આપણું કામ પૂરું થશે જ. પણ કોને ખબર શા માટે પણ એવું લાગ્યા કરે છે હું એવી સ્થિતિ-એવા સ્તર પર પહોંચી ગઈ છું કે હવે વિજયની ખુશી નથી કે ગુનો કર્યાની લાગણી સ્પર્શતી નથી.’ શ્યામલી બોલતી રહી.
કુમાર એને જોઈ રહ્યો.

છેલ્લા એક વરસમાં શ્યામલી ખૂબ બદલાઈ ગઈ હતી. એમાંય છેલ્લે છેલ્લે એને જે કડવા અનુભવો થયા એના કારણે થોડી કઠોર થઈ ગઈ હતી.

પૈસાની અછત અને એનો અતિરેક ભલભલા માણસને બદલી નાખે છે. નહીંતર શ્યામલી જેવી પત્ની પૈસા માટે પરપુરુષને લલચાવવાના પ્લાન માટે રાજી ન થાય.

‘શ્યામલી, મને સમજાતું નથી કે મારે ખડખડાટ હસવું કે તારો વિચાર કરીને ઉદાસ રહેવું… ગમે તે કહે શ્યામલી, આપણો પ્લાન આબાદ રીતે પાર પાડ્યો.’ કુમાર પોતાની ખુશીને છુપાવી ન શક્યો.

‘યસ… પણ આટલી રકમ પૂરતી નથી. મારે હવે ફક્ત ખર્ચ કાઢવા અને લેણદારોનું કર્જ પૂરું કરવા રૂપિયા નથી જોઈતા. આપણા માટે પણ જોઈએ છે. આપણી જિંદગી માટે, આપણાં બાળકો માટે. અને તને ફરી ‘જીવતો’ કરવા માટે…’ શ્યામલીના ચહેરા પર દૃઢ સંકલ્પ ઝળકતો હતો.

‘સાચે જ, શ્યામલી’ ધીસ ઇઝ નોટ ઇનફ. રૂપિયા વિના જે જિંદગી કાઢી છે એ યાદ આવે છે ને ધ્રૂજી જવાય છે. હવે રૂપિયાને પકડી રાખવા છે, હાથમાંથી છટકવા નથી દેવા. શ્યામલી, આ રૂપિયામાંથી કોઈને ચુકવણી કરવી છે?’ કુમારે પૂછ્યું.

‘પાગલ છો કુમાર, એક બિચારી ‘વિધવા’ માંડમાંડ પોતાનું પૂરું કરતી હોય એમાં ચૂકવવાની ક્યાં વાત આવી? આમેય કુમાર, ઘર બાળીને કોઈ નથી ચૂકવતું. આને સાચવીને રાખી દઈએ. આ તો હજી પહેલું ઇન્સ્ટોલમેન્ટ છે. ઘણાંબધાં આવશે પછી વિચારશું. બાકી લેણું ચૂકવવાનું તો ભૂલી જ જજે.’ શ્યામલીના ચહેરા પર સ્મિત ફરક્યું .

‘થેન્ક ગોડ, તું હસી તો ખરી. આ પૈસાની લાયમાં તું હસવાનું પણ ભૂલી ગઈ છો.’
શ્યામલીએ અચાનક પૂછ્યું :
‘કુમાર, આ વિક્રમનો બાપ કોણ છે?’

‘જગમોહન દીવાન એમનું નામ છે. શહેરના અગ્રણી ઉદ્યોગપતિ છે અને બહુ જ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. કેમ? તારે પોતાને માટે માગું નાખવું છે?’ કુમારે મશ્કરી કરી.

‘વિક્રમ જો મોટો પુત્ર હોય તો જગમોહનની મિલકતનો મોટો હિસ્સો એના હાથમાં આવે ખરું? ’

‘શ્યામલી… શ્યામલી… શ્યામલી… તારા વિચારો ૧૦૦ માઈલની ઝડપે જતી ગાડીની જેમ દોડે છે અને બહુ જ સ્પીડથી જતી ગાડી પર આપણો કંટ્રોલ ન હોય તો અકસ્માત સર્જાઈ શકે છે.’ કુમાર હજી હસતો હતો.
‘ના, મને કહેને, વિક્રમ સિવાય કોના કોના હાથમાં વારસો આવે?’ શ્યામલીએ જાણે હઠ પકડી હોય એ રીતે પ્રશ્ન પૂછતી રહી.
‘શ્યામલી… યુ આર ગોઇંગ ટુ ફાર… એની વે સાંભળી લે, વિક્રમ ઉપરાંત જગમોહન દીવાનના ઘરમાં વિક્રમની પત્ની, વિક્રમનો નાનો ભાઈ, બહેન, બનેવી અને એક નોકર છે. પોતાની પત્ની પ્રભાદેવી તો ખરી જ. અને જગમોહન દીવાન જેવો મોટા દિલનો માણસ દરેક માટે કંઈ ને કંઈ મૂકી જાય તેમ છે. પણ એક વાત કહીં દઉં કે દરેકને આપ્યા બાદ પણ વિક્રમ દીવાનમાં હાથમાં જે આવે એનાથી આપણી સાત પેઢી તરી જાય…’

‘કુમાર, હું મારી ત્રીજી કે ચોથી પેઢીની ચિંતા નથી કરતી. હું આપણી અને આપણાં છોકરાઓની જ ફિકર કરીશ. એના પછીની પેઢી પાણીદાર હશે તો પથ્થર ફોડીને કમાઈ લેશે, નહીંતર આપણી જેમ દેણામાં સબડ્યા કરશે.’

કુમાર સમસમી ગયો. શ્યામલીએ અજાણતાં એને સંભળાવ્યું હતું કે પછી ઈરાદાપૂર્વક મહેણું માર્યું હતું. જે પણ હોય, હમણાં શ્યામલીને છંછેડીને ફાયદો નથી. કુમારે શ્યામલીની વાતને અવગણીને પ્રશ્ન કર્યો.
‘શ્યામલી, બહુ જ જૂની વાતો છે, સાંભળી જ હશે. સોનાનાં ઇંડાં દેતી મુરઘીને મારી દેનાર માણસ બંને ખોઈ બેસે છે.’
‘કુમાર, તારું તો માથું ખરાબ થઈ ગયું છે. અરે, સોનાના ઇંડાં આપતી મુરઘીને મારવાની કોણ વાત કરે છે? હું તો ફક્ત એ કહેવા માગું છું કે કૂકડીનો બાપ ન રહે તો કૂકડી સોનાનાં ઇંડાંને બદલે સોનાની ખાણ આપતી થઈ જાય કે નહીં. ’

કુમાર સ્તબ્ધ થઈ ગયો.

‘આર યુ મેડ? તું શું બોલે છે એનું તને ભાન છે? જગમોહન દીવાન જેવી વ્યક્તિને…’ પછી વાક્ય અટકાવીને કુમારી ફરી બોલ્યો :

   ‘શ્યામલી, યુ આર રિયલી મેડ... તું ખરેખર પાગલ થઈ ગઈ છો.’ બે વરસ પહેલાંની અને અત્યારની શ્યામલીમાં કેટલું પરિવર્તન દેખાય છે. એને શ્યામલીનું આ સ્વરૂપ ખટકયું, પણ હમણાં કંઈ બોલીને  શ્યામલીને ઉશ્કેરશે તો પત્ની બોલી ઊઠશે,    

‘જ્યારે દેણું વધતું જતું હતું ત્યારે ડહાપણ ક્યાં ગયું હતું?’ શ્યામલી કદી કડવું બોલી નથી પણ અતયારના સંજોગોને કારણે કુમાર ડરી ગયો હતો અને એક બોજની નીચે જાણે દબાઈ ગયો હતો.
‘યાર , તું પણ શું મનમાં આવે તે બાફે રાખે છે! અરે હું જગમોહન દીવાનને મારવાની વાત ક્યાં કરું છું? હું તો એ કહેવા માગું છું કે કાલે સવારના જગમોહન દીવાન કોઈ કારણસર હયાત ન રહે તો આપણને લોટરી લાગી જાય…’ શ્યામલીની આંખમાં એક અજીબ ચમક હતી.

‘શ્યામલી, આ મોટા માણસો પૈસાના
જોરે લાંબું જીવતા હોય છે. જગમોહન
દીવાન પણ એમ જલદી મરે એમ દેખાતું નથી એટલે હવામાં મહેલ ચણવાનું રહેવા દે. અને હવે ઊભી થા, જગમોહન દીવાન તો ઠીક પણ હું ભૂખનો માર્યો મરી જઈશ એવું લાગે છે.’ કહીને કુમાર ઊભો થયો જેથી શ્યામલી પણ આ વિષય મૂકીને રસોડામાં ગઈ.

કુમારને શ્યામલીની વાત રૂચી નહોતી. સંજોગોના દબાણને કારણે ગુનો આચરવો અને અપરાધી માનસ ધરાવવું એ બંનેમાં ફરક છે. જીવ બચાવવા માટે કરેલો અપરાધ કદાચ ક્ષમ્ય હોઈ શકે, પણ એક વાર જાન બચી ગયા બાદ ગુનાનો વિચાર કેટલી હદે યોગ્ય છે?

એક વાર શ્યામલી સાથે બેસીને નિરાંતે વાત કરવી પડશે. ત્યારે રસોડામાં પ્રવેશતી શ્યામલી વિચારતી હતી : ‘હવામાં મહેલ બહુ ચણ્યા, હવે જમીન પર મહેલ બાંધવા છે અને એ માટે, કોઈની કબર ચણી દેવી પડે તો ખોટું શું છે?’


હવે બહુ થયું, પૂજાને ખબર પડી જાય એ પહેલાં આ શ્યામલી પ્રકરણ પર પડદો પાડી દેવો પડશે, નહીંતર અમારા ત્રણમાંથી કોઈ એકની જિંદગી પર પડદો પડી જશે.
વિક્રમ કાર ચલાવતાં વિચારતો હતો.

પૂજા જે સ્ત્રીનું વર્ણન કરતી હતી એ શ્યામલી છે એ ખ્યાલ આવતાં એ ખળભળી ઊઠ્યો હતો. પૂજાને એ પકડી ન પાડે એ માટે – ‘હું થોડી વારમાં આવું છું’ એમ કહીને બહાર નીકળી ગયો હતો.
સામાન્ય રીતે શ્યામલીના ઘરેથી આવ્યા બાદ એ હંમેશાં એક-બે દિવસ વ્યગ્ર રહેતો. જાણે કોઈ મોટી ભૂલ કરીને આવ્યો હોય એવો ભાર એના ખભા પર લદાઈ જતો.

ધીરે ધીરે, બે-ત્રણ દિવસો બાદ એ ગુનાનો બોજ હળવો થતો જાય અને શ્યામલીનો ચહેરો ફરી મસ્તિષ્કમાં ઊભરાતો જાય. ફરી એક દિવસ એવો આવે કે એ પોતાની જાત પર સંયમ ન રાખી શકે અને પગ આપોઆપ શ્યામલીના ઘરના રસ્તા પર મંડાઈ જાય.

દારૂ પીધા બાદ બીજા દિવસની સવારનું હેંગઓવર પણ ગુનાની લાગણી મિશ્રિત હોય, પણ એ તો એક-બે કલાકોમાં દૂર થઈ જાય. શરાબ સેવન અને પરસ્ત્રી સાથેના સંબંધ વચ્ચે ફરક છે. દારૂ પીધા પછીની સવારમાં એક અજાણી ઉદાસી વળગી રહે, જ્યારે અન્ય સ્ત્રી સાથેના સંબંધમાં કોઈને અન્યાય કર્યાની લાગણી મનને કોરી ખાય. બંને વચ્ચે એક સામ્યતા પણ છે. બંને ઢોળાવ છે. એક વાર ઊતરવાનું શરૂ કરો કે પગ આપોઆપ દોડતા થઈ જાય, પડી જવાય એટલી ઝડપથી.એ ઢોળાવથી પાછા ફરવું મુશ્કેલ છે, લગભગ અશક્ય છે. જોકે આજે પૂજાએ જે આબેહૂબ ચિત્ર ઊભું કર્યું ત્યાર બાદ વિક્રમ ઢોળાવ ચડવાનો વિચાર કરવા લાગ્યો હતો.

બહુ થયું, હવે લાંબું ન ખેંચવું જોઈએ. એ જો શ્યામલીને મળતો રહેશે તો શક્ય છે કે પૂજાને શ્યામલીના ચિત્ર સાથે બીજી એક આકૃતિ પણ દેખાશે અને બીજો ચહેરો ચિરપરિચિત હશે.
શ્યામલીને મળવાનું બંધ કરશે તો બની શકે કે સમય જતાં પૂજાના સુષુપ્ત મગજમાંથી આ વાત નીકળી જાય.

‘યસ… યસ… આ જ એક રસ્તો છે’ વિક્રમ વિચારતો હતો. ઢોળાવ ચડતાં ભલે શ્રમ પડે, હાંફી પણ જવાય પણ હવે ચઢાણ ચડવું પડશે. પાછા ફરવું પડશે.
નહીંતર ઉપરથી નીચે પટકાશે.

શ્યામલીને કહી દેવું જોઈએ કે તારે રૂપિયાની જરૂર હોય તો સંકોચ વિના મગાવ્યા કરજે, પણ હવે મળવું મુશ્કેલ લાગે છે.
વિક્રમે સેલ કાઢીને શ્યામલીના ઘરે ફોન જોડ્યો.

પહેલી રિંગ વાગતાં જ ફોન ઊંચકાઈ ગયો. શ્યામલી મારા ફોનની જ રાહ જોતી હશે?
‘હલ્લો,’ વિક્રમ બોલ્યો.

સામે છેડે કોઈ બોલતું નહોતું. લાઈનમાં કદાચ ગડબડ હતી, પણ દૂરથી વાસણનો તો અવાજ આવે છે. વિક્રમને આશ્ચર્ય થતું હતું.
‘હલ્લો,’ એણે બીજી વાર કહ્યું.

થોડી સેક્નડો બાદ શ્યામલીનો માદક અવાજ ફોનના તાર પર તરતો વિક્રમના કાન પર અફળાયો :
‘શું વિક્રમબાબુ, હજી તો હમણાં જ ગયા અને આવતા અઠવાડિયે આવીશ એમ કહેતા ગયા. બે કલાકમાં જ હું યાદ આવી ગઈ! ’
‘ના… શ્યામલી, એવી વાત નથી. મારે તને એક વાત કહેવી છે.’
વિક્રમે બોલવાનું શરૂ કર્યું ત્યારે એને અચાનક લાગ્યું કે એ બે ઉપરાંત એક ત્રીજી વ્યક્તિ પણ છે જે એ લોકોની વાતચીત સાંભળી રહી છે.
કોણ છે એ વ્યક્તિ?
(ક્રમશ:)


દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button