વેર- વિખેર -પ્રકરણ -૪૩
રેવતી, હવે મારે સફળ થવું છે. તારા પપ્પાની જેમ મોટા માણસ થવું છે, પણ મને ડર લાગે છે કે હવે બહુ મોડું થઈ ચૂકયું છે…
કિરણ રાયવડેરા
રેવતી લમણે હાથ દઈને બેઠી હતી. થોડીવાર પહેલાં જતીનકુમાર છણકો કરીને ગયા હતા.
‘તું ક્યારની કીધા કરે છે બહાર આંટો મારી આવો, એટલે બહાર જાઉં છું. પછી કે’તી નહીં કે મારી વાત માનતા નથી.’ રેવતી કંઈ બોલી નહોતી.
‘કેમ બેટા, લમણે હાથ દઈને બેઠી છો?’
મમ્મીના અણધાર્યા પ્રવેશથી રેવતી ઝબકીને વિચારોમાંથી જાગી ગઈ. અચાનક સૂકીભઠ્ઠ જમીન પર વરસાદના છાંટણાં થાય એવી અનુભૂતિ એને મમ્મીના આગમનથી થઈ.
‘કેમ બેટા, જવાબ ન આપ્યો? શું ચિંતા છે?’ પ્રભાએ દીકરીના માથે હાથ પસવારતા કહ્યું.
રેવતીના મનમાં એક વિચાર અચાનક જાણે તૂટેલા તારાની જેમ એક લિસોટો કરી ગયો. દુનિયામાં મા અને સંતાનના સંબંધ સિવાય કોઈ પણ સંબંધો ન હોવા જોઈએ.
‘કંઈ નહીં મમ્મી, આ તો એમ જ… જીવ બળતો હતો એટલે બેઠી હતી!’ રેવતીને કંઈ ન સૂઝયું એટલે બોલી નાખ્યું.
‘સમજું છું દીકરા, તારા મન અને મગજ પરનો ભાર હું સમજું છું એમાંય જ્યારે આપણો વર બિનજવાબદાર અને લાગણીહીન નીવડે ત્યારે જીવ બહુ જ દુભાય.’ દીકરીનો ભાર હળવો કરવાના આશયથી પ્રભા બોલી.
‘મમ્મી, પ્લીઝ… તું એમના માટે કંઈ જ ન બોલ. મારા એ બિનજવાબદાર નથી અને મને બહુ જ પ્રેમ કરે છે. આ તો આજકાલ તબિયત ખરાબ રહે છે એટલે એ ઘણીવાર વિચિત્ર વર્તન કરી બેસે છે.’ મમ્મીના શબ્દોથી રેવતી નારાજ થઈ ગઈ હતી.
મારા પતિ સાથે ભલે મારે ન બનતું હોય પણ કોઈ બીજું એમના વિશે ઘસાતું બોલે એ તો ક્યારેય સહન ન થાય.’
દીકરીના અણધાર્યા હુમલાથી પ્રભા ડઘાઈ ગઈ.
‘મારો કહેવાનો મતલબ એવો નહોતો…’
પ્રભા ખુલાસો કરવા ગઈ પણ રેવતીએ એને વચ્ચે જ અટકાવી દીધી.
‘નહીં, મમ્મી ગમે તે હોય એ મારા પતિ છે અને એમના કપરા સમય વખતે હું એમની પડખે નહીં ઊભી રહું તો કોણ ઊભું રહેશે?’
આડકતરી રીતે રેવતી એવું કહેવા માગતી હતી કે તારે પણ મારી જેમ પપ્પાને સાથ આપવો જોઈએ.
‘ઠીક બેટા, આ તો મને જે ઠીક લાગ્યું એ કહ્યું. તારું મન દુભાયું હોય તો બીજી વાર નહીં કહું. મને લાગ્યું કે તારું મન કોઈ કારણસર કોચવાય છે…’ પ્રભા ઊભી થતાં બોલી.
રેવતી મમ્મીનો હાથ પકડી લેતા બોલી – ‘મમ્મી, પ્લીઝ… ખોટું નહીં લગાડતી. પણ હજી મને આશા છે કે બધું થાળે પડી જશે.’
પ્રભાએ રેવતીના ગાલને ઉષ્માભેર થપથપાવ્યા અને લાગણી નીતરતા સ્વરે કહ્યું: ‘બેટા! મને તારાથી ખોટું ન લાગે, ચાલ હું જાઉં છું…’
પ્રભા કમરામાંથી બહાર નીકળી ગઈ.
રેવતીએ આંખના ખૂણામાંથી સરકી જતાં આંસુના ટીપાંને આંગળીથી ઝીલી લીધું. મમ્મીને માઠું ન લાગ્યું હોય તો સારું એવો એક વિચાર પણ મનમાં ઉદ્ભવી ગયો.
‘વાહ રેવતી વાહ, મારી ઝાંસી કી રાણી, આજે તેં મારા માટે તારી મા સાથે ઝઘડો કર્યો… વાહ આજે મારી તબિયત ખુશ થઈ ગઈ.’ જતીનકુમારે રૂમમાં પ્રવેશ કરતાં કહ્યું.
‘મેં મા સાથે કોઈ ઝઘડો નથી કર્યો. મેં તો માત્ર એમને કહ્યું કે…’ રેવતી પોતાનો વિરોધ નોંધાવવા સ્પષ્ટતા કરે એ પહેલાં જતીનકુમારે એને ચૂપ કરી દીધી.
‘ખેર તું જે પણ કહે. તેં તારી માને સ્પષ્ટ સુણાવી દીધું એ મને ગમ્યું. વાહ આજે જિંદગીમાં પહેલી વાર લાગ્યું કે મારું પણ કોઈ છે.’
જતીનકુમાર ગેલમાં આવી ગયા હતા. જતીનકુમાર વિરુદ્ધ બોલવા ન દીધી એટલે પતિદેવ ખુશ છે કે પછી એની વાતચીતમાં પતિપ્રેમ છલકાયો એટલે એ મૂડમાં આવી ગયા છે એ રેવતી નક્કી ન કરી શકી.
‘આજે મને શાંતિ થઈ. સારું થયું હું બહાર ગયો અને તારી અને મમ્મી વચ્ચેની વાતચીત સાંભળી શક્યો. નહીંતર જિંદગીભર હું એ જ વિચારતો રહેત કે આ દુનિયામાં મારું કોઈ નથી.’ જતીનકુમારે રેવતીનો હાથ પકડી લીધો.
રેવતીએ હાથ છોડાવવાની કોશિશ ન કરી.
‘રેવતી, નાનપણથી મેં ઘણી તકલીફો વેઠી છે…’ જતીનકુમાર ભાવાવેશમાં આવી ગયા હતા.
રેવતી પતિના ચહેરા સામે તાકી રહી. કોઈવાર આ ચહેરા તરફ ઘૃણા ઊપજે, ક્યારેક સહાનુભૂતિ થાય, તો ક્યારેક પ્રેમ પણ ઊભરાઈ આવે. જે પણ હોય, આ વ્યક્તિ સાથે, આ ચહેરા સાથે ઉપરવાળાએ મારું ભાગ્ય વીંટાળ્યું છે એટલે હવે હસતાં હસતાં એની સાથે જ જીવન વિતાવવું છે.
‘નાનપણથી આ વિચિત્ર બીમારી લાગુ પડી ગઈ. લોકો મારી સામે નહીં પણ મારી પીઠ પાછળ મને પાગલ કહેવા લાગ્યા. ડોક્ટરોએ હાથ ઊંચા કરી દીધા. માબાપની છત્રછાયા ન રહી. છેલ્લે તારી સાથે લગ્ન થયાં ત્યારે આશા બંધાઈ કે…’ જતીનકુમાર બોલતા અચકાઈ ગયા. એમના ચહેરા પરની ખંધાઈ ગાયબ થઈ ચૂકી હતી. એના બદલે ઉદાસીની એક વાદળી છવાઈ ગઈ હતી.
‘તારી સાથે લગ્ન થયાં ત્યારે મારા સગાંવહાલાંઓ કહેવા લાગ્યા કે ભગવાને રહી રહીને તારી પ્રાર્થના સાંભળી. હવે તું ઠરીઠામ થઈ શકીશ પણ…’ જતીનકુમાર અટક્યા અને પછી ઉમેર્યું – ‘મારી છેલ્લી આશા પર પણ તારા પિતાએ પાણી ફેરવી નાખ્યું. આજે જમાઈ સેટલ ન હોય તો કોઈ દરિદ્ર શ્વસુર પણ એના માટે બધું કરી છૂટે. પણ મારા સસરાએ તો મારા તરફ જોયું જ નહીં. જાણે હું જમાઈ નહીં પણ જમ જેવો મહેમાન હોઉં એવી જ રીતે એમણે મને ટ્રીટ કર્યો. હવે, બોલ રેવતી, મને ખરાબ ન લાગે?’
રેવતીએ માથું હલાવ્યું. પપ્પાને મમ્મી સાથેની દલીલબાજીમાં બીજા માટે સમય બચતો નથી એવું એકવાર કહેવાની ઈચ્છા થઈ પણ પછી ચૂપ રહેવાનું પસંદ કર્યું. આજે વરસો બાદ પતિએ પોતાનો કોઠો ખાલી કરવાનું વિચાર્યું હોય ત્યારે વિક્ષેપ નથી પાડવો.
‘તારા પિતાએ પણ હું પાગલ હોઉં એવું જ વર્તન મારી સાથે કર્યું. સાચું કહું છું રેવતી. એમની આંખમાં મારા તરફનો અણગમો હું સ્પષ્ટ જોઈ શકતો. હું સમસમીને રહી જતો, પછી વિચારતો કે મારા જ નસીબ એવા ફૂટેલા નીકળ્યા કે સસરા કે પત્ની કોઈ મારો વિચાર નથી કરતું.’
રેવતીની આંખો ભીની થઈ ગઈ. એણે પતિનો હાથ દબાવ્યો અને અસ્પષ્ટ અવાજે બોલી – ‘જતીન.’ આજે વરસો બાદ એણે પતિનું નામ ઉચ્ચાર્યું હતું.
‘રેવતી, મને ધંધો કરતા ન આવડ્યો. જરૂરી નથી કે બધાને બધું આવડે. બની શકે કે હું અમુક કાર્યોમાં નિષ્ફળ નીવડ્યો પણ માણસે કોશિશ તો કરવી જ રહીને… જિંદગીને ફાઈલની જેમ બંધ થોડી કરી દેવાય…!’
રેવતીને આશ્ચર્ય થતું હતું. પોતાના વરનું આ સ્વરૂપ એ પહેલી વાર જોઈ રહી હતી. ભૂલ મારી જ છે, રેવતી વિચારતી હતી, મેં જ મારા પતિનો ખ્યાલ રાખ્યો હોત તો આજે આ દિવસો જોવા ન પડત.
‘રેવતી, હવે મારે સફળ થવું છે. તારા પપ્પાની જેમ મોટા માણસ થવું છે પણ મને ડર લાગે છે કે હવે બહુ મોડું થઈ ચૂક્યું છે. મારી બસ છૂટી ગઈ છે.’ જતીનકુમારના ચહેરા પર ખિન્નતા પથરાઈ ગઈ.
‘ના… ના… તમે એમ કોચવાવ નહીં. કંઈ મોડું નથી થયું. હું પપ્પાને વાત કરીશ. મારી વાત પપ્પા કોઈ દિવસ નહીં ટાળે. મારી પાસે બીજા ઘણા રસ્તા છે.’ રેવતી મક્કમતાથી બોલી ગઈ.
વિક્રમે પડખે સૂતેલી પૂજા તરફ એક દૃષ્ટિ ફેંકી. ડો. આચાર્યની ક્લિનિકમાં થયેલી ઘટના બાદ પૂજા થોડી ફિક્કી પડી ગઈ હતી. ડોક્ટર આચાર્ય વિશે આગાહી કરવામાં પૂજા સાચી પડી હતી. પણ કરણની ગર્લફ્રેન્ડના અન્ય મિત્રના નામ બાબત એણે ગરબડ કરી હતી.
આ બંને ઘટના પરથી એક તારણ તો સ્પષ્ટપણે કાઢી શકાય કે પૂજાની શક્તિ હંમેશાં એનો સાથ નથી આપતી.
પૂજાની પણ ભૂલ થઈ શકે છે.
વિક્રમે રાહતનો શ્વાસ લીધો.
જ્યારથી પૂજાની અગમનિગમ શક્તિ વિશે એણે સાંભળ્યું હતું ત્યારથી એ થોડો વિચલિત થઈ ગયો હતો.
મારી પત્ની ભવિષ્યમાં ડોકિયું કરી શકે છે અને ભૂતકાળની ઘટના વિશે કહી શકે છે એ વાત જ એને અસ્વસ્થ કરી મૂકતી હતી.
હાશ, હવે પૂજાને મારા ભૂતકાળ વિશે કંઈ ખબર નહીં પડે. હવે પૂજાને મારા વર્તમાનમાં સંબંધ વિશે પણ ખબર નહીં પડે. આટલાં વરસો સુધી એક નિષ્ઠાવાન અને પ્રેમાળ પતિ તરીકેની છાપમાં પૂજાની છૂપી શક્તિની જાણ થયા બાદ ગાબડું પડે એવી શક્યતા ઊભી થઈ હતી.
પણ હવે કોઈ ડર નથી.
હવે જ્યારે પૂજા એને પડકારશે કે તમે મને દગો આપ્યો છે, મારા હોવા છતાંય પરસ્ત્રી સાથે સંબંધ બાંધ્યો છે ત્યારે એ છાતી ઠોકીને કહી શકશે કે તારી ભૂલ થાય છે.
જેવી રીતે કમલ, કિશોર કે અન્ય કોઈ મિત્રના નામ બાબત ભૂલ થઈ એવી જ રીતે મારી બાબતમાં પણ તારી ભૂલ થઈ શકે છે.
વિક્રમના ચહેરા પર સ્મિત ફરકી ગયું. ઘણીવાર અમુક રહસ્યો સાથે જીવવું પડે છે અને એને અકબંધ રાખીને જ મરી જવું પડે છે. જો એ રહસ્યો છતાં થઈ જાય તો એ રહસ્યો નથી રહેતાં. એ પાપ કહેવાય છે.
વિક્રમે ફરી એકવાર રાહતનો ઊંડો શ્વાસ લીધો અને ધીમા સ્વરે ગીત ગણગણતા બારણું બંધ કરીને ઘરની બહાર નીકળી ગયો.
બાબુએ જ્યારે નામ દેવા મોઢું ખોલ્યું કે જગમોહન નજીક સરક્યો. બાબુ બોલી નહોતો શકતો, કદાચ એના ગળે શોષ પડતો હતો. ગાયત્રી દોડીને પાણી લઈ આવી અને થોડું પાણી બાબુના ગળામાં રેડ્યું.
આજે કદાચ કાકુને પોતાના દુશ્મનનું નામ ખબર પડી જશે. ગાયત્રી વિચારતી હતી.
દુશ્મનનું નામ જાણવું જરૂરી છે. ભવિષ્યમાં એનાથી ચેતીને રહી શકાય. કહેવાય છે ને મિત્રો કરતાં વધુ નજીકથી દુશ્મનોને ઓળખી લેવા જોઈએ.
જોકે એકવાર પોતાને મારી નાખવા ઈચ્છતા માણસનું નામ ખબર પડી જશે કે જગમોહનના જીવનની દિશા બદલાઈ જશે, ગાયત્રીના મનમાં અનેક વિચારો ઊભરાતા હતા.
આત્મહત્યા કરવા ઈચ્છતી વ્યક્તિ હવે કોઈ બીજાને મારવાની યોજના બનાવશે.
ગઈકાલે સવારથી જીવનની ટ્રેને જે સ્પીડ પકડી છે એ અટકવાનું નામ જ નથી લેતી. જાણે એક એક મિનિટમાં વરસો ભરી દીધાં હોય એવી ઝડપથી દોડે છે.
જોકે આ બધી ઝડપથી બનતી ઘટનાનો એક ફાયદો જરૂર થયો કે જગમોહન દીવાનને ફરી જીવવાની ઈચ્છા થઈ.
પણ ઊંડે ઊંડે ગાયત્રી ઈચ્છતી હતી કે જગમોહન બાકીની જિંદગી સકારાત્મક વિચારોથી જીવે તો સારું. આત્મહત્યા કરવી કે પછી કોઈને પતાવી દેવાનો પ્લાન બનાવવો એ બંને નેગેટિવ બાબત છે.
જગમોહન જેવો ભલો માણસ આ બંને અંતિમોથી દૂર રહે તો સારું.
‘બાબુ, બાબુ, તને મારો અવાજ સંભળાય છે?’ જગમોહનનો અવાજ ગાયત્રીના કાને અથડાયો. બાબુ હવે બચે એમ લાગતું નથી. એને હોસ્પિટલ લઈ જાત તો હડદોલા લાગત કદાચ. અધવચ્ચે જ દમ તોડી નાખત. ગાયત્રીએ ડોક્ટર પટેલ સામે જોયું. ડોક્ટર બિચારા બાબુને જિવાડવા તનતોડ મહેનત કરતા હતા, પણ ઘરમાં બેસીને એ શું કરી શકે?
આજે મારા ઘરમાં બબલુની હત્યા થઈ, બાબુ પર હુમલો થયો અને શિંદેને પણ ઘાયલ કરવામાં આવ્યો. આ બધા ચાલ્યા જશે પછી આ ઘરમાં કેવી રીતે રહી શકાશે? ગાયત્રીની હિંમત ઓસરતી જતી હતી. ‘ડોક્ટર, કોઈ માણસને મરતાં જોતા રહેવું ગમતું નથી. જાણે બિલકુલ નિ:સહાય હોઈએ એવું લાગે છે.’
‘આઈ અન્ડરસ્ટેન્ડ… આઈ અન્ડરસ્ટેન્ડ.’ ડોક્ટર ગણગણ્યા.
‘ના ડોક્ટર, મારે નામ નથી સાંભળવું. જે થાય એ પણ આપણે બાબુને હોસ્પિટલ ખસેડવો જોઈએ એવું લાગે છે… નો ડોક્ટર, ચાલો આપણે આને હોસ્પિટલ લઈ જઈએ.’ જગમોહનના સ્વરમાં નીતરતી પરવશતા ગાયત્રીને સ્પર્શી ગઈ.
આ માણસ પોતાના સ્વાર્થ ખાતર કંઈ પણ ખોટું નહીં થવા દે… ગાયત્રીએ વિચાર્યું.
‘મને પણ એમ જ લાગે છે.’ ઈન્સ્પેક્ટર પરમાર આગળ આવ્યો.
‘ઓ.કે. એઝ યુ વીશ. જો બધાની ઈચ્છા હોય તો મને શું વાંધો છે. ડોક્ટર તરીકે તો હું જ પહેલાં ઈચ્છીશ કે બાબુ બચી જાય તો સારું, એ નામ આપી શકે એ માટે નહીં પણ મને સંતોષ થશે જો હું મારી ડોક્ટર તરીકેની જવાબદારી નિભાવી શકીશ તો…’ ડોક્ટર ઊભા થયા.
‘કમ ઓન, આને ઊંચકો…’ ડોક્ટર બોલ્યા.
‘એક મિનિટ હું નીચે જોઉં છું મારા માણસો આવ્યા કે નહીં.’ ઈન્સ્પેક્ટર પરમાર દોડીને નીચે ગયા.
ઈરફાનને પોલીસ સ્ટેશને લઈ ગયેલા કોન્સ્ટેબલો આવી ગયા હોય તો સારું, ગાયત્રીએ વિચાર્યું. પળવારમાં જ પરમાર એમના બે કોન્સ્ટેબલો સાથે પાછા ફર્યા. બધાએ મળીને બાબુને ઊંચક્યો. બાબુનું શરીર જાણે નિશ્ચેતન હોય એવું લાગતું હતું.
‘ડોક્ટર, આને કંઈ થઈ નથી ગયું ને?’ જગમોહને ચિંતિત સ્વરે પૂછ્યું.
‘ના, એ જીવે છે.’ ડોક્ટરે બાબુના શરીરને ઊંચકવામાં મદદ કરતાં કહ્યું.
બે દિવસમાં બે જણને હોસ્પિટલમાં લઈ જવાનો વખત આવ્યો, જગમોહન વિચારતો હતો. ગઈકાલે ટ્રક સાથે અકસ્માત થતાં પેલા છોકરાને લઈ જવો પડ્યો હતો. એ છોકરો તો બચી ગયો. બાબુ બચી શકશે?
હવે એમ્બ્યુલન્સ બોલાવીને સમય વેડફવો નથી. આપણે પોલીસે જીપમાં જ હોસ્પિટલ જતા રહીએ’ . ઈન્સ્પેન્ટરે કહ્યું .ડોક્ટરને પ્રસ્તાવ રૂચ્યો નહીં પણ એ ચૂપ રહ્યા.
‘શિંદે, તું અહીં ગાયત્રીનું ધ્યાન રાખજે.’ જગમોહન બોલ્યો અને બધા દરવાજા તરફ આગળ વધ્યા. અચાનક બાબુના શ્વાસ ઝડપથી ચાલવા લાગ્યા અને એ વધુ તરફડવા લાગ્યો.
‘આને ખસેડવાથી વધુ લોહી વહી જશે કદાચ…’ ઈન્સ્પેક્ટર બોલ્યા પણ પછી તરજ જ ઉમેર્યું, ‘આપણી પાસે કોઈ રસ્તો પણ નથી.’
ડોક્ટરે બાબુને ફરી તપાસ્યો. બાબુ માથું હલાવીને ના પાડતો હતો.
ડોક્ટરે જગમોહન સામે જોયું.
‘નો ડોક્ટર, આપણે હોસ્પિટલ જઈએ. એને અહીં રહેવા દઈશું તો મને હંમેશાં એવું લાગ્યા કરશે કે મારા અંગત સ્વાર્થ માટે મેં એનો જીવ લીધો.’ જગમોહને કહ્યું.
બાબુએ ફરી હાથ ઊંચો કર્યો. જગમોહનને પાસે બોલાવ્યો.
‘બાબુ ફરી કંઈ કહેવા ઈચ્છે છે…’ ઈન્સ્પેક્ટરે કોન્સ્ટેબલને બાબુને નીચે ઉતારવા કહ્યું.
જગમોહને પોતાના કાન બાબુના હોઠ પાસે કર્યા. બાબુની સ્થિતિ ખરેખર નાજુક હતી. ગમે તે ક્ષણે કંઈ પણ થઈ શકે તેમ હતું.
બાબુ એક વાર અસ્પષ્ટ શબ્દોમાં કંઈ બોલ્યો.
‘બાબુ, સમજાતું નથી, જરા જોરથી બોલ, તારો અવાજ મારા કાન સુધી પહોંચતો નથી.’ જગમોહને બાબુના શરીર પર હાથ રાખતા કહ્યું. બાબુના ગળામાંથી ઘોઘરો અવાજ નીકળ્યો. જગમોહન ફરી બાબુની નજીક ગયો. હવે કદાચ બાબુએ અંતિમ પ્રયાસ કરવાની તૈયારી કરી લીધી હતી. હવે કદાચ નામ બોલી નાખશે.
બાબુ કંઈક બોલ્યો. એના મોઢામાંથી અવાજ નીકળ્યો. એ જ પળે જગમોહનનો મોબાઈલ રણકવા માંડ્યો. રિંગટોનના અવાજમાં બાબુનો ક્ષીણ અવાજ દબાઈ ગયો.
બાબુએ એકવાર જગમોહન સામે જોયું અને છેલ્લો શ્વાસ લીધો.
(ક્રમશ:)