ભારતની પ્રથમ મહિલા બસ ડ્રાઈવર વસંતકુમારી
ભારતની વીરાંગનાઓ -ટીના દોશી
વસંતના જીવનમાં પાનખર જ પાનખર હોય એવું પણ બને….પણ વસંત હોય કે પાનખર, કોઈ પણ ઋતુ કાયમ રહેતી નથી. વસંત પછી પાનખર આવે છે અને પાનખર પછી વસંત!
આ વસંત એટલે વસંતકુમારી. ભારતની જ નહીં, એશિયાની પણ પ્રથમ મહિલા બસ ડ્રાઈવર !
ચોવીસેક વર્ષ સુધી લગાતાર બસ ચલાવીને ૨૦૧૭માં નિવૃત્ત થયેલી વસંતકુમારી ભારતની અને એશિયાની જ નહીં, દુનિયાભરની સ્ત્રીઓ માટે ઉદાહરણરૂપ છે. જીવનના ઝંઝાવાતો સામે ઝઝૂમવાની પ્રેરણા આપે છે વસંતકુમારીનું જીવન. વસંતકુમારી પોતાના જીવન દ્વારા સંદેશ આપે છે, જ્યાં ચાહ ત્યાં રાહ…
મિસાલરૂપ બની ગયેલી વસંતકુમારીનો જન્મ ૧૭ એપ્રિલ ૧૯૫૯ના કેરળ સ્થિત ક્ધયાકુમારીમાં નાગરકોઈલમાં થયેલો. વસંતકુમારીના દુર્ભાગ્યે એની માતા એના બાળપણમાં જ પ્રભુને પ્યારી થઈ ગઈ. વસંતના જીવનમાં પાનખરનું આગમન થયું. પિતાએ બીજાં લગ્ન કરી લીધાં. વસંતનો ઉછેર કાકીની દેખરેખમાં થયો. થોડા સમય પછી, વસંતકુમારીની ઓગણીસ વર્ષની વયે એને ચાર બાળકોના વિધુર પિતા સાથે પરણાવી દેવામાં આવી. આજ્ઞાંકિત દીકરી વસંતકુમારીએ આ કમેળના લગ્ન સામે વિરોધનો હરફ સુધ્ધાં ન ઉચ્ચાર્યો. સાસરિયું એણે અપનાવી લીધું. બાંધકામ સ્થળે મજૂરીકામમાં પરસેવો પાડીને બાંધી કમાણી કરતા પતિનો પડછાયો બની અને સ્વયં બાળક જેવી જ હતી, છતાં બાળકોને પાંખમાં લીધા.
કાળક્રમે વસંતકુમારી પણ બે બાળકોની માતા બની. ઘરમાં પહેલાં જ છ વ્યક્તિ સાંકડેમાંકડે રહેતાં. એમાં બેનો વધારો થતાં આઠનો પરિવાર થયો. કમાનાર એક અને ખાનારા આઠ. મજૂરીથી ઘરનું પૂરું થતું નહોતું. ટૂંકી આવકથી પેટનો ખાડો પૂરાતો નહોતો. વસંતના જીવનની પાનખર ઋતુ વિદાય થવાને બદલે એનું રોકાણ લંબાતું જતું હતું. વિષમ આર્થિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે વસંતકુમારીએ નોકરી કરવાનું વિચાર્યું. પણ એની પાસે કોઈ ડિગ્રી નહોતી. નોકરી કરે તો ક્યાં કરે, કેવી રીતે કરે ?
સફળતાના પાયામાં સંઘર્ષ જ હોય છે. વસંતકુમારી દરેક પ્રકારનો સંઘર્ષ કરવા તૈયાર હતી. એણે ક્ધયાકુમારીના રીઠાપુરમ ચર્ચમાં મહાલિર મંદ્રમ નામની સંસ્થામાં સચિવ તરીકે થોડો સમય કામ કર્યું. આ કામને કારણે થોડીક આર્થિક રાહત જરૂર થઈ, પણ બહુ મોટો ટેકો ન થયો. દરમિયાન, સંસ્થાની એક બેઠકમાં નોકરીઓમાં મહિલાઓ માટે ત્રીસ ટકા આરક્ષણ અંગે ચર્ચા થઈ. એ સમયે બેઠકમાં ઉપસ્થિત કેટલાંકે વસંતકુમારીને બસ ડ્રાઈવર તરીકે અરજી કરવાનું સૂચન કર્યું.
વસંતકુમારીએ આ સૂચનને વધાવી લીધું. એ ૧૪ વર્ષની ઉંમરે વાહન ચલાવતાં શીખી ગયેલી. એ જ શોખને વસંતકુમારી વ્યવસાય તરીકે અપનાવવા તૈયાર થઈ ગઈ. એણે ભારે વાહન ચલાવવાનું પ્રશિક્ષણ લીધું અને એનું લાઈસન્સ મેળવી લીધું. નોકરી માટેનો એક તબક્કો એણે પાર કરી લીધેલો. નોકરી માટે અરજી કરવાની લાયકાત મેળવી લીધેલી. વસંતકુમારીએ ડ્રાઈવર તરીકે નોકરી મેળવવા અરજી કરી. એ વખતે અધિકારીઓએ વસંતકુમારીને કહ્યું કે, દુનિયામાં કોઈ મહિલા બસ ડ્રાઈવર નથી. શું તમે એવા વ્યવસાયમાં કામ કરવા તૈયાર છો જેમાં પુરુષોએ પણ સંઘર્ષ કરવો પડે છે ? વળી તમે આ પુરુષપ્રધાન ક્ષેત્રમાં પુરુષો સાથે કઈ રીતે કામ પાર પાડશો ?’
પોતે તમામ સંજોગો અને તમામ પરિસ્થિતિને પહોંચી વળશે એવી ખાતરી વસંતકુમારીએ આપી. છતાં અધિકારીઓની શંકાનું સમાધાન ન થયું. એમણે વસંતકુમારીની યોગ્યતા અને લાયકાત છતાં એને નોકરી ન આપી. પણ વસંતકુમારીએ સંકલ્પ કરેલો કે પોતે પોતાના જીવનમાં વસંતનું વાવેતર કરીને જ રહેશે. એ વખતે તમિળનાડુનાં મુખ્ય મંત્રી જયલલિતા હતાં. વસંતકુમારીએ પોતાની મુશ્કેલીના નિવારણ માટે જયલલિતાને મળવાનું વિચાર્યું. એક સ્ત્રી સ્ત્રીની સમસ્યા જરૂર સમજી શકશે અને એનું નિરાકરણ પણ કરી શકશે એવી વસંતકુમારીને શ્રદ્ધા હતી. જોકે મુખ્ય મંત્રીને મળવું એ કાંઈ ખાવાના ખેલ નહોતા. એકને એક બે કરવા જેવું સરળ નહોતું. પણ પાપી પેટને ખાતર વસંતકુમારી કરોળિયાને આદર્શ માનીને લાગેલી રહી.. ચડતી, પડતી અને ફરી પ્રયત્ન કરતી…
આખરે મહેનત રંગ લાવી. વસંતકુમારી જયલલિતાને મળવામાં સફળ થઈ. એણે જયલલિતાને આખી વાત સંક્ષિપ્તમાં સંભળાવીને કહ્યું કે, પોતે બસચાલક બનવા માગે છે. જયલલિતા તો આ સાંભળીને ખુશ થઈ ગયાં. એક મહિલા બસ ડ્રાઈવર બનવા માગે છે એ બાબત જ એમના ઉત્સાહને વધારવા માટે પૂરતી હતી. જયલલિતાએ તત્કાળ પરિવહન મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કર્યું અને વસંતકુમારીની ફાઈલ મંગાવી.
તેજીને ટકોરો. રાજ્યના મુખ્ય મંત્રી સ્વયં વસંતકુમારીના મામલામાં રસ લઈ રહેલાં. અધિકારીઓ માટે આ ઈશારો પૂરતો હતો. અધિકારીઓએ વસંતકુમારીને ડ્રાઈવિંગ પરીક્ષણ માટે બોલાવી. એક પરીક્ષણ દરમિયાન અધિકારીઓએ વસંતકુમારીની આકરી કસોટી થાય એ રીતે બસ ચલાવવા કહ્યું. એણે બસ ચલાવવાનું શરૂ કર્યું ત્યારે બધા અધિકારીઓએ વિચાર્યું કે મહિલા હોવાથી વસંતકુમારી ઢંગધડા વિના બસ ચલાવશે અને અકસ્માત કરશે. એથી અધિકારીઓ સુરક્ષિત સ્થળે જતા રહ્યા. પણ અધિકારીઓના આશ્ર્ચર્ય વચ્ચે વસંતકુમારી તમામ પરીક્ષણોમાંથી પાર ઊતરી.
પાનખર પાછલા પગલે વિદાય થઈ અને વસંતનું રૂમઝૂમ પગલે આગમન થયું. પરિશ્રમ પારસમણિ બનીને ફળ્યો. હવે વસંતકુમારીને નોકરી ન આપવાનું કોઈ કારણ નહોતું. તમિળનાડુ પરિવહન મંત્રાલયમાં ૩૦ માર્ચ ૧૯૯૩ના રોજ વસંતકુમારી વિધિસર બસ ચાલક તરીકે જોડાઈ. નાગરકોઈલ તિરુવનંતપુરમ માર્ગ પર વસંતકુમારી બસ દોડાવવા લાગી. વસંતકુમારીએ કહેલું કે, ‘એક મહિલા તરીકે મને નોકરીમાં કોઈ છૂટછાટ મળી નહોતી. હું એ જ માર્ગો પર ગાડી હંકારું છું, જેના પર પુરુષો બસ ચલાવે છે. મેં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે સિંગલ ડ્યુટી કરતી. મારાં બાળકોને પાડોશીઓને દેખરેખમાં મૂકીને સવારે છ વાગતામાં ફરજ પર હાજર થતી. બપોરે બે વાગ્યાની આસપાસ કામ પૂરું કરીને ઘેર પાછી ફરતી.’
આ રીતે લગાતાર ચોવીસ વર્ષ સુધી બસ ચાલક તરીકે કાર્યરત રહ્યા પછી ૨૦૧૭માં વસંતકુમારી નિવૃત્ત થઈ. બસ ચાલક તરીકે એનાથી એક પણ અકસ્માત થયો નથી, એવા ગૌરવ સાથે નિવૃત્ત થયેલી વસંતકુમારી આગળના જીવનમાં સ્ત્રીઓ માટે એક ડ્રાઈવિંગ સ્કૂલ ખોલીને પ્રવૃત્ત રહેવા માગે છે. ચેન્નાઈમાં રેનડ્રોપ્સ વુમન અચીવર એવોર્ડ સ્વીકારતી વખતે વસંતકુમારીએ કહેલું કે, મને બધા પૂછતાં હોય છે કે એક મહિલા ડ્રાઈવર તરીકે મારે કેવા પડકારોનો સામનો કરવો પડેલો. એના જવાબમાં હું કહું છું કે દરેક બાબત મુશ્કેલ જણાતી હોય છે પણ તમે માર્ગ કેવી રીતે કાઢો છો એ મહત્ત્વનું હોય છે !’