લાડકી

મુગ્ધાવસ્થાએ વિહરતી દીકરી સુધી

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી

કહેવાય છે ને કે, એક સારી માતા સો શિક્ષકોની ગરજ સારે. ક્યારેક જન્મ આપનારી માતાથી ખતા ખાનાર
બાળકને કોઈ પાલક માતા એવી મળી જાય છે કે જે તેના જીવનને ઉંચાઈ પર પહોંચાડી બેસે છે. એવા કિસ્સાઓ ભલે ઓછા બનતા હોય પરંતુ સાવ બનતા જ નથી એવું નથી તેનું ઉદાહરણ વિહાના જ વર્તુળમાં છે, એક તરફ પૌલોમી જેવી સગી મા છે જે ડિમ્પી તરફ તદ્દન બેધ્યાન છે તો બીજી તરફ અમિતા જેવી પાલક માતા પણ છે કે જે નિત્યા નામની વિહાની એક સદંતર અળગી રહેતી યુવતીને દત્તક લઈ શ્રેષ્ઠતમ જીવન આપવાના ભરપૂર પ્રયાસો કરે છે. તકલીફ એ છે કે,બન્ને પક્ષે સામે ટીનએજર દિકરીઓ છે જેઓ આ ઉંમરે આવતા અંત:સ્ત્રાવોના અઢળક બદલાવો વચ્ચે સાચી ખોટી લાગણીઓનો ભેદ કરતાં હજુ શીખી રહી હોય છે. સ્નેહા અને સુરભી વહેલી સવારે વોકિંગની સાથોસાથ ટોકિંગમાં પણ વ્યસ્ત હતાં ત્યારે સુરભી એ ખાસ સ્નેહાને સમજાવવા વાત છંછેડી. વિહાની આ પડોશી સાયકોલોજિસ્ટ આંટી એક વિદુષી સ્ત્રી છે જે તેની સીધી સાદી નિયમોના બંધનોને જીવનની સાર્થકતા માની જીવતી મા સ્નેહા માટે સુખદુ:ખનો સહારો, લાગણીઓનો આશરો અને રોષ ઠાલવી લેવાનો અંગત ખૂણો બની રહ્યો છે.

અમિતા એક જાણીતી, સંપત્તિવાન, થોડી ઉગ્ર સ્વભાવની ઈન્ટીરીયર ડિઝાઈનર છે જેનો પતિ એકદમ શાંત સ્વભાવ ધરાવતો સફળ બિઝનેઝમેન છે તો સાથોસાથ તેઓનો એક તરવરાટભર્યો નાનો દીકરો પણ છે.. અમિતાની દુનિયામાં એવું કંઈ જ નથી કે જે ખૂટતું હોય. તેમ છતાં એક દિવસ વિહાની સ્કૂલના એક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આવેલી અમિતાને જ્યારે ખ્યાલ આવે છે કે નિત્યા નામની હોશિયાર અને તેજસ્વી પરંતુ લગભગ અનાથ જ કહી શકાય એવી ટીનએજર પાસે આકસ્મિક સંજોગોવશાત્ નથી તો ઘર કે નથી માતા પિતા ત્યારે તેણી તેને દતક લેવાનો વિચાર કરે છે.

પોતાની મધ્યાવસ્થાએ પહોંચેલી અમિતા ત્વરિત નિર્ણયો લેતી અને પરિસ્થિતીઓને ઘડીકમાં પોતાના કાબૂમાં લઈ લેતી સ્ત્રી છે જે ક્ષણે એ નક્કી કરે છે કે મુગ્ધાવસ્થાના ઉંબરે દસ્તક દેતી નિત્યાને પોતે છત્રછાયા પૂરી પાડશે એજ ઘડીએ તેણી નિત્યાને સાથે લઈ શોપીંગ માટે નીકળી પડે છે તેને સારા કપડાં ખરીદી આપે છે તેમ જ જે પણ જરૂરી લાગતું હોય એ ખરીદવાની તેણીને છૂટ આપી દે છે. નિત્યા દેખાવે ખૂબ સુંદર, નાજુક નમણી ટીનએજર છે જે અન્ય બાળકો કરતાં પોતે બધી રીતે અલગ છે એવું માનતી હોવાથી લગભગ આખો સમય સ્કૂલમાં ગુમસૂમ બેસી રહે છે હવે જ્યારે તે અમિતાના કુટુંબ સાથે રહેવા આવે છે ત્યારે એજ તકલીફ અહીં પણ તેને નડે છે. અમિતા દ્વારા નિત્યાને ઘણી સવલતો પૂરી પાડવાની શરૂ થયાં બાદ પણ એ અમિતા કે તેણીના કુટુંબ સાથે સામાન્ય રીતે હળીમળી શકતી નથી તેમ છતાં તેની સામે પોતાનું કેરીયર બનાવવાની તેમ જ જીવન સુધારવાની અનેક તકો ખુલી જાય છે.

લગભગ બધી જ બાબતોમાં નીરસ એવી નિત્યા ચેસની રમતમાં અત્યંત પાવરધી છે એ ખ્યાલ આવતાં જ અમિતા રીતસર નિત્યાને સતત પ્રોત્સાહન પૂરું પાડતી રહે છે, તેને સાચી સલાહ આપે છે, સમજાવે છે, જરૂર પડયે તેની મોટીવેશનલ ગુરુ પણ બની જાય છે અને ધીમે ધીમે અમિતાના સતત સહકારના રંગની અસર નિત્યામાં ખીલી ઉઠે છે. તેને પોતાની સ્કૂલમાં ખૂબ હોશિયાર તેમજ ચેસમાં કોઈ હરાવી ના શકે તેવી પ્લેયર બની જતાં વધુ વાર લાગતી નથી.

નિત્યાને કારણે ચેસ ટીમ સતત વિજેતા બનતી ચાલે છે એવામાં ફરી બીજી મુસીબત સામે આવે છે નિત્યાને પોતાની ચેસ કેરીયર આગળ વધારવા માટે હવે સ્કુલમાં સારા ગ્રેડ્સ લઈ આવવાની જરૂરિયાત છે અને અમિતા એક ક્ષણ પણ વિચાર્યા વગર તેના માટે ટ્યુશન ટીચરની વ્યવસ્થા કરી આપે છે. અમિતા અને તેના આખા પરિવાર દ્વારા નિત્યાને અપાય રહેલા નિસ્વાર્થ પ્રેમ, મદદ અને પ્રશંસા ઉપરાંત તેની દત્તક માતા અમિતા જે રીતે સતત સાથ આપે છે તેની કલ્પના પણ થઈ શકે નહી.

નિત્યાનું બાળપણ ખૂબ મુશ્કેલીભર્યું રહ્યું છે. પોતાની ડ્રગ્સની વ્યસની માતા પાસેથી નિત્યાને દૂર રહેવા મજબૂર કરવામાં આવે છે. કુટુંબના કાકા, મામા, માસી સાથે છૂટાછવાયા વર્ષો વીતાવતી નિત્યા દર વખતે ત્યાંથી ભાગી છૂટી પોતાની મા પાસે પંહોચી જવા રીતસર વલખાં મારતી. અમિતાને એ માન આપે છે પણ મા તરીકેનો સ્વીકાર ક્યારેય કરી શકતી નથી. જોકે, એને ભલે ક્યારેય અમિતાને મા તરીકે ના જોઈ હોય પરંતુ તેના જીવન ઘડતરમાં અમિતાનો રોલ એક સારી મા કરતાં ઓછો આંકી શકાય નહી.

ખૂબ ધાર્મિક વિચારસરણી ધરાવતી અમિતા માને છે કે તમારી પાસે જે છે એ અન્યોને આપવાથી ભગવાન તમને તેનું બમણું ફળ આપે છે. મોડર્ન દેખાતી, ડિઝાઈનર કપડાં પહેરતી, પોતાના નિર્ણયોમાં અડગ રહેતી, દ્રઢ મનોબળ ધરાવતી સ્ત્રીની અંદર પણ માતૃત્વની ભાવના વણાયેલી હોઈ છે. તેના દેખાવ કે સ્વભાવની લાક્ષણિકતા પરથી તેની અંદર રહેલી માતૃત્વની લાગણીને માપી શકાય નહીં એ હકીકતથી અમિતા વાકેફ છે. અમિતા બ્રાન્ડેડ કપડાં પહેરે છે, ધનની છોળો વચ્ચે મ્હાલે છે તેમ છતાં પોતાના સંતાનોના યોગ્ય ઉછેર માટે સતત પ્રયત્નશીલ રહે છે. સફળતા અને સંપત્તિના કેફમાં સંતાનોના ભવિષ્યને હોમી દેતી પૌલોમી જેવી અઢળક સ્ત્રીઓ કરતાં અમિતા એકદમ અલગ છે.

અમિતા એ દરેક વ્યક્તિ માટે આંખ ઉઘાડનારું કાર્ય કરી બતાવ્યું છે જે સ્ત્રીઓના બાહ્ય દેખાવ કે જાહેર અભિગમ પરથી તેના વ્યક્તિત્વને માપી લેવાની ચેષ્ટા કરતા આવ્યા છે, પણ શું જેના માટે આ કર્યું છે તે નિત્યાને આની કોઈ કદર છે ખરી!! ( ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button