લાડકી

વિશેષ: ટૅટુમાં પણ થઈ અઈંની એન્ટ્રી

-નિધિ ભટ્ટ

ટૅટુની દુનિયામાં નિત-નવા ટ્રેન્ડ આવ્યા જ કરે છે. સમયની સાથે લોકો પણ એનો સ્વીકાર કરતા થયા છે. એવામાં ટૅટુ પણ લોકોમાં અલગ ક્રેઝ ધરાવે છે. છેલ્લાં પાંચ વર્ષમાં ટૅટુનો ટ્રેન્ડ વધી ગયો છે. આવું અગાઉ કદી પણ નહોતું જોવા મળ્યું. ભારતના લોકોમાં ટૅટુ પડાવવાની દીવાનગી વધી ગઈ છે. જોકે આ તો આદિવાસી સમાજની જૂની પરંપરા છે. હડપ્પા સભ્યતાથી જ ટૅટુ મુકાવવાની શરૂઆત થઈ છે. છત્તીસગઢમાં એવું માનવામાં આવે છે કે જો ટૅટુ ન મુકાવ્યું તો મોક્ષ નહીં મળે. તો બીજી તરફ ભીલ સમાજના લોકોનું માનવુ છે કે ટૅટુથી અનેક બીમારીઓમાંથી મુક્તિ મળે છે. આમ વિવિધ સમાજના લોકોની ટૅટુ વિશે અલગ આધ્યાત્મિક અને સામાજિક માન્યતાઓ છે.

આજે મહિલાઓ અને યુવતીઓની સાથે યુવાન છોકરાઓ પણ ફેશનેબલ ટૅટુ મુકાવતા થઈ ગયા છે.

ટૅટુનો સુવર્ણકાળ
ટૅટુ ઇન્ડસ્ટ્રીમાં વિવિધ પરિવર્તનો આવ્યાં છે. આજે એનો સુવર્ણકાળ આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે. યુરોપમાં ટૅટુ ઇન્ડસ્ટ્રી દસ વર્ષ પહેલાં જ પૂરી રીતે સ્થાપિત થઈ ચૂકી છે. અગાઉ ભારતમાં અમુક ઠેકાણે જ ટૅટુ આર્ટિસ્ટ્સ મળતાં હતાં. હવે તો આજે દેશભરમાં નાનાં-મોટાં શહેરોમાં ટૅટુ બનાવવા માટે સેંકડો સ્ટુડિયોઝ મળી રહે છે.

લૉકડાઉન બાદ વધ્યો ટૅટુનો ક્રેઝ
૨૦૨૦માં લાગેલા લૉકડાઉને આખી દુનિયા પર બ્રેક લગાવી દીધી હતી. એને કારણે અનેક પરિવર્તનો પણ જોવા મળ્યાં હતાં. લોકો તો ઘરમાં પુરાઈ ગયા હતા. એથી તેઓ વિચારતાં હતાં કે એવી તે કઈ કળા શીખવામાં આવે જેને કારણે પૈસા પણ રળી શકાય. કેટલાકે ટૅટુ બનાવવાની ટ્રેઇનિંગ લીધી. એમાં કેટલાક ફાઇન આર્ટસના સ્ટુન્ટ્સ પણ હતા. ટૅટુ આર્ટિસ્ટ્સની સંખ્યામાં વધારો થતાં હવે લોકોને ઘણાં ઑપ્શન્સ મળી ગયાં છે. યુવાઓ માટે હવે મનપસંદ ટૅટુ બનાવવું સરળ બની ગયું છે.

કૉસ્મેટિક ટૅટુનું વધતું ચલણ
ટૅટુની અંદર હવે કૉસ્મેટિક ટૅટુનો ટ્રેન્ડ સામેલ થયો છે. ટૅટુ એક્સ્પર્ટ કહે છે કે જે લોકોના વાળ ખરી ગયા છે એવા લોકો કૉસ્મેટિક ટૅટુ દ્વારા આર્ટિફિશિયલ વાળ બનાવે છે. કેટલીક મહિલાઓ આ ટૅક્નિક મારફત નકલી આઇ-બ્રો બનાવે છે. તો કેટલાક એવા લોકો પણ છે જેઓ આંખની અંદર અલગ-અલગ રંગોની ઇન્ક નાખીને આંખોનો કલર જે-તે ઇન્ક જેવો કરે છે. તો કેટલાક એવા લોકો પણ છે જે ટૅટુ તો બનાવવા માગે છે, પરંતુ કોઈને દેખાડવા નથી માગતા.

લાગણી દેખાડવાનું માધ્યમ છે ટૅટુ
ટૅટુ દ્વારા દિલમાં રહેલી લાગણીને વ્યક્ત કરી શકાય છે. કેટલાક લોકો પોતાના પ્રિયજનોના નામનું ટૅટુ બનાવીને તેમના પ્રત્યે પ્રેમ વ્યક્ત કરે છે. કેટલાક લોકો પોતાના માતા-પિતા, પતિ કે પત્નીનું પોટ્રે બનાવે છે. તો કેટલાક પોતાના બાળકોનું પોટ્રે બનાવે છે.

ટૅટુની ઇન્ડસ્ટ્રીમાં આર્ટિફિશિયલ ઇન્ટિલિજન્સની એન્ટ્રી
ટૅટુ બનાવતી વખતે આર્ટિસ્ટ્સને વ્યક્તિની પર્સનાલિટી, પ્રોફેશન, વિચારો અને ભાવનાઓને સમજવું ખૂબ જરૂરી બની જાય છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આર્ટિસ્ટ્સ એક એવી ડિઝાઇન તૈયાર કરે છે જે લોકોને પસંદ પણ આવે. જોકે આર્ટિફિશિયલ ઇન્ટિલિજન્સની એન્ટ્રીથી આ ઇન્ડસ્ટ્રીમાં પણ બદલાવ આવ્યો છે. એનાથી અનેક ડિઝાઈન બનાવી શકાય છે. જેથી નાના કલાકારોનું કામ સરળ બની ગયું છે.

રિલ્સ બનાવવા માટે મૂકાય છે ટૅટુ
આજે સોશિયલ મીડિયાના વધતા ચલણને કારણે યુવાઓમાં રિલ્સ બનાવવાનો પણ ક્રેઝ છે. એના માટે પણ યુવાનો ટૅટુ બનાવે છે. યુવાનોની ડિમાન્ડ હોય છે કે જ્યારે તેઓ ટૅટુ મુકાવતા હોય ત્યારે એ આખી પ્રક્રિયાનો વીડિયો રૅકોર્ડ કરવામાં આવે.

ટૅટુ આવારાપણાની નિશાની નથી
અગાઉ ટૅટુ મુકાવવાને આવારાપણાની નિશાની ગણવામાં આવતી હતી. તેમના પ્રત્યેનો દ્રષ્ટિકોણ સન્માનનીય નહોતો. જોકે હવે એવી માન્યતા નથી રહી. હવે ટૅટુ બનાવવાનો ક્રેઝ લોકોમાં વધી ગયો છે. ટૅટુ મુકાવેલી વ્યક્તિ અલગ તરી આવે છે.

ટૅટુ બનાવતી વખતે રાખવું ખાસ ધ્યાન
ટૅટુ મુકાવતી વખતે અમુક બાબતોનું ચોક્કસ ધ્યાન રાખવાનું હોય છે. શોખમાં ટૅટુ મુકાવવું ક્યારેક ઘાતક બની શકે છે. અનુભવી ટૅટુ આર્ટિસ્ટ્સની પસંદ કરવી ખૂબ જરૂરી છે. ટૅટુની ઇન્કને સોયના માધ્યમથી સ્કીનના ઉપરના લૅયરમાં નાખવામાં આવે છે. જો આર્ટિસ્ટ્સ અનુભવી નહીં હોય તો એ સોયને સ્કીનની એકદમ અંદર ઉતારી શકે છે, જે બાદમાં જોખમી બની શકે છે. સાથે જ સાફ-સફાઈનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. સોય નવી હોવી જોઈએ અને મશીન સ્ટરલાઇઝ હોવું જોઈએ.

ટૅટુ બનાવવા કરતાં કાઢવાનો ખર્ચ વધી જાય છે
લોકો ટૅટુ બનાવવામાં એટલા તો ઘેલા બની જાય છે કે બાદમાં પસ્તાવાનો વારો આવે છે. એને કારણે ટૅટુ સ્ટુડિયોઝની બહાર ટૅટુ મુકાવવા કરતા હટાવવાની લાંબી લાઇનો લાગે છે. જેનો ખર્ચ પણ વધુ હોય છે. લેઝર ટૅક્નિકથી ટૅટુ કાઢવામાં આઠથી ચૌદ સીટીંગ્સની જરૂર પડે છે. બીજી રીત એ છે કે ટૅટુને કવર-અપ કરવામાં આવે. જેમાં ઓછો ખર્ચ આવે છે, કેમ કે એમાં જૂના ટૅટુ ઉપર જ નવું ટૅટુ બનાવવામાં આવે છે.

સમજી વિચારીને બનાવવું ટૅટુ
લોકોએ કોઈપણ પ્રકારનું ટૅટુ મુકાવતા પહેલા વિચાર કરવો જોઈએ. આ એક એવી વસ્તુ છે જે મૃત્યુ બાદ પણ સાથે રહે છે. આ કપડાં કે શૂઝ જેવું નથી કે એક વખત પહેર્યા અને બાદમાં પસંદ ન આવ્યા તો બદલી દીધા. કેટલીક સરકારી નોકરીમાં ટૅટુ અડચણ પેદા કરે છે. આ જ કારણ છે કે ટૅટુની પસંદગી સમજી-વિચારીને કરવી જોઈએ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button