લાડકી

ઉઘાડી ચેલેન્જ (પ્રકરણ-૨૩)

દિલાવરખાન કેટલો બધો શકિતશાળી છે. એ પુરવાર કરવા માટે સરદારના જમણા હાથ જેવા રૂસ્તમને મેં ભરબજારમાં જ મારી મારીને વગર સાબુએ જ ધોઈ નાખ્યો, અને આ રીતે ગામમાં તેમજ સરદાર પાસે મારી ધાક જમાવી દીધી

કનુ ભગદેવ

(ગતાંકથી ચાલુ)
‘સાચા દિલાવરખાનના ત્રણ સાથીઓએ દિલાવરખાનને કોર્ટમાંથી જ છોડાવી જવાની યોજના બનાવી હતી. એને બદલે હું દિલાવરખાનના મેક- અપમાં છું એવી ગંધ તો એ બિચારોઓને આવે જ ક્યાંથી? તેઓ દિલાવરખાનને છોડાવવા આવ્યા અને પછી ફસાઈ પડ્યા. આમ મારે તો બગાસું ખાતા મોંમાં પતાસું આવી ફસાઈ પડ્યું. એના જેવો ઘાટ થયો.

‘અહીં પણ તમને લોકોને એટલે કે સરદારને મારા પર કોઈ જાતની શંકા ન આવે એ માટે બેહદ સાવધાની રાખવી પડી. દિલાવરખાન કેટલો બધો શકિતશાળી છે. એ પુરવાર કરવા માટે સરદારના જમણા હાથ જેવા રૂસ્તમને મેં ભરબજારમાં જ મારી મારીને વગર સાબુએ જ ધોઈ નાખ્યો, અને આ રીતે ગામમાં તેમજ સરદાર પાસે મારી ધાક જમાવી દીધી. સરદારની હોટલમાં એક નકલી નાગપાલનું આગમન પણ પૂર્વયોજિત હતું. એણે મને જાહેરમાં જ દિલાવરખાન તરીકે સંબોધ્યો. તે એટલા માટે કે સરદારને હું નકલી દિલાવરખાન છું, એવી સ્વપ્ને પણ ગંધ આવવા દેવા નહોતો માગતો. સરદારને મેં બુદ્ધિપૂર્વક મારી જાળમાં લીધો. અહીના એજન્ટો મિટિંગમાં સામેલ થવાના છે એ સમાચાર મને રતનલાલે અગાઉથી જ જણાવ્યા હતા. પરંતુ હું બાકીના નવેનવને એટલે કે તમને કોઈને નહોતો ઓળખતો, એટલા માટે મેં સૌને એકસાથે ફસાવવા માટે નાગપાલનો કબજો સોંપી દેવાની જાળ પાથરી. હું જાણતો હતો કે સરદાર બુદ્ધિશાળી છે. હું નાગપાલ સાથે શી વાતો કરું છું એ જાણવાનો ચોક્કસ જ કોઈક પ્લાન બનાવશે. અહીં એક બીજી વાત કહું. ગવર્નમેન્ટ રેસ્ટ હાઉસનો માળી કે જેને સરદાર પોતાનો માણસ માને છે.’ વાસ્તવમા તે સી. આઈ.ડી. વિભાગોનો એક ઉચ્ચ ઓફિસર છે. નાગપાલ પળભર અટક્યો.

પછી એણે આગળ ચલાવ્યું :
‘સરદારની સૂચનાથી રૂસ્તમ નકલી નાગપાલના ડ્રોઈંગ રૂમમાં ટેબલની નીચે માઈક્રોફોન છુપાવી ગયો છે એ માહિતી તેને રેસ્ટ હાઉસમાં માળીના રૂપમાં ફરજ બજાવી રહેલી સરકારી જાસૂસે અગાઉથી જ આપી દીધી હતી. આથી દિલાવરખાનના રૂપમાં જ્યારે હું ત્યાં પહોચ્યાં ત્યારે ધીરજ એટલે કે નકલી નાગપાલે એક કાગળની ચબરખીમાં માઈક્રોફોન છુપાવ્યાની હકીકત લખીને ચૂપચાપ મારી સામે સરકાવી દીધી. તમે લોકો અમારી વાતો ટેઈપ કરી શકતા હતા. પરંતુ હિલચાલ નહિ! એટલા માટે ઈરાદાપૂર્વક જ મેં સરદારને વિશ્ર્વાસ આવે તે માટે તેની રૂબરૂની વાતો નકલી નાગપાલ સાથે શરૂ કરી દીધી, અને પછી અગાઉથી જ મેં પત્ર લખ્યો હતો તે સરનામું આપવાને બહાને નકલી નાગપાલને સોંપી દીધો.

‘તમને કોઈ જ જાતની શંકા હું આવવા દેવા માગતો નહોતો… એટલે મેં જ સામે ચાલીને સરદારને શ્રીરામપુરમાં મોટર રઝળતી મૂકવાની સ્કીમ જણાવી. હું તેને તલભાર પણ શંકા આવવા દેવા નહોતો ઈચ્છતો મારા એ પગલાંથી સરદારને મારી સચ્ચાઈ વિષે ખાતરી થઈ. ઉપરાંત રૂસ્તમે અમારી વાતચીત ટેપ કરી હતી. એ પણ સાંભળી…સાંભળશો જ એવી મને ખાતરી હતી. બસ ખલાસ! નકલી નાગપાલને શ્રીરામપુરથી ફોન- સંદેશો મળી ગયો કે તરત જ તે ત્યાં જવા માટે ઊપડી ગયો. એ ખરેખર ત્યાં જાય છે કે કેમ? એ જાણવાનો પણ સરદાર તરફથી પ્રયાસ થશે એ વાત મારા લક્ષમાં હતી પરંતુ એ જાણવાથી કે ન જાણવાથી અમારા પ્લાનમાં કોઈ જ ફર્ક નહોતો પડતો. નાગપાલને શ્રીરામપુર જતો જોઈને તમે લોકો ખુશ ખુશ થઈ ગયા. અને પછી મારે ત્યાં આવી પહોંચ્યા આ મકાનનો માલિક તથા તેની પુત્રી ગીનીને ઈરાદાપૂર્વક જ મેં બહારગામ મોકલો આપ્યાં હતાં. ખેર, મારો શ્રમ આજે સફળ થયો તેનો મને આનંદ છે. અને … સાથે જ તમારા જેવા નરધમો, દગાબાજો, સ્વાર્થીઓ અને દેશદ્રોહીઓના અસલી ચહેરાને જ્યારે ભારતની પ્રજા જોશે ત્યારે તેઓ તમારા પર ફીટકાર વરસાવશે. હું માનું છું કે તમે બધા સંજોગોના શિકાર થઈ પડેલા છો. પરંતુ સાથે જ તમે એટલું ન વિચાર્યું કે એક માત્ર તમારી ઈજ્જત અને માન- મર્યાદાઓ બચાવવા ખાતર દેશને, દેશની પ્રજાને અને સરકારને ભયંકર નુકસાન પહોંચાડી રહ્યા છો…તમે લોકો તમારા અંગત સ્વાર્થમાં આંધળા બની ગયા. આબરૂ બચાવવા, ધન બચાવવા,(કદાચ તમને પાછળથી બરબાદીની ખીણમાં ઊતર્યા પછી ગોરી ચામડીવાળી સ્ત્રીઓની તથા બેસુમાર ધનની લાલચ પણ આપવામાં આવી હશે.) તમે ધન કમાવવા તમારો ધર્મ અને ઈમાન વેચી બેઠા.’ નાગપાલ ચુપ થયો.

એની આંખોના ડોળા લાલઘુમ બની ગયા હતા. અવાજ ભયંકર તીખો અને બરછીની ધાર જેવો તીખો બની ગયો હતો…

‘બેવકૂફો…’ નાગપાલ ભયંકર ચીસ જેવા અવાજે બરાડ્યો, ‘મને થાય છે કે તમારા જેવા દેશદ્રોહીઓનાં હું હાડકાં ભાંગી નાખું. તમે લોકો સમાજના આગેવાનો છો… તમારા જાહેર રૂપમાં તમે ઘણીવાર દેશભકિતનાં વખાણ પણ સભાના મંચ પરથી કર્યાં હશે… પરંતુ શરાફતના બુરખા પાછળ તમારું કાળું રૂપ હવે જ્યારે જનતા જોશે ત્યારે…? યાદ રાખો… તમે લોકો ભલે કરોડપતિ રહ્યા, પણ મારે મન તમારી કિંમત એક કોડીની પણ નથી. મારી નજરે તમે લોકો એક જાનવર કરતાં પણ બદતર છો… ઊતરતી કક્ષાના છો… ગટરના કડીઓ છો. તમે લોકો વિશ્ર્વાસઘાતી છો. દેશના દુશ્મનો છો…! ધનને માટે, ઈજજતને માટે આ પવિત્ર દેશની ભલી- ભોળી જનતાના સુખચેન અને અમનના ખૂનીઓ છો, મને એક પ્રબળ ઈચ્છા સતાવી રહી છે કે તમારા જેવા કુત્તાઓનાં માથા પર પગ મૂકીને ઊભો રહી જઉં અને બૂમો પાડી પાડીને કહું કે, ‘માણસનો સૌથી મોટો ધર્મ છે… દેશભકિત… માણસની સૌથી પહેલી ફરજ છે- એ શ્રદ્ધાને -ભરોસાને ટકાવી રાખવાની કે જે બીજાઓના હૃદયમાં તેમના માટે સમાયેલી છે, તમને લોકોને અને દુનિયાને કહું કે દેશના દુશ્મનોને ઈતિહાસમાં ‘કૂતરા’ના નામથી યાદ કરવામાં આવે છે. અને જેઓ દેશ માટે ફીટ છે, દેશની પ્રજાની સુખ-શાંતિ જાળવી રાખવા માટે પોતાનો પ્રાણ કુરબાન કરે છે, એમની મૃત છાતી પર પદક લગાડવામાં આવે છે. દુષ્ટો તમને D.O.A તરફ થી કદાચ તમને લાખો રૂપિયા મળવાના હોય તો પણ એ એક રૂપિયો, એક એક કાળા વિષધરના રૂપમાં પલટાઈને તમને ગળી જશે… જલીલ કુત્તાઓ તમારામાંથી એક માત્ર રતનલાલને બાદ કરતાં બાકીના એકેયની સાથે હું રહેમ દર્શાવવા નથી માગતો. મારી પાસેથી એવી આશા છોડી દેજો… આટલી વાત તમને એટલા માટે કહુ છું કે નાગપાલને બેવકૂફ સમજવાની ભૂલ D.O.A હવે પછી ન કરે… અને કરશે તો પછી હું જોઈ લઈશ. બહરહાલ હાલ તુરત બુદ્ધિ લડાઈમાં D.O.A સહિત તમે સૌ હારી ગયા છો.’ કહીને નાગપાલ ચુપ થઈ ગયો.

એ જ વખત પોલીસપાર્ટી આવી પહોંચી, અને એ દશેય કરોડપતિઓને પકડી લીધા. તેમને હાથકડીઓ પહેરાવી દેવામાં આવી શરમના કારણે તેઓ ઊંચું પણ નહોતા જોઈ શકતા.


દેશના જનતામાં હાહાકાર મચી ગયો.રતનલાલની ઇજ્જત તેમજ એની કારકિર્દીને ખૂબ જ સિફતથી નાગપાલે બચાવી લીધી. અલબત્ત તેને તાજનો સાક્ષી બનાવવામાં આવ્યો હતો. બાકીના નવેનવના અસલી સ્વરૂપ દેશ સમક્ષ જ્યારે વર્તમાનપત્રો દ્વારા લોકોએ જાણ્યાં ત્યારે લાખો માણસોએ તેમના પર ફિટકાર વરસાવ્યો. તેમની ગંદી તસ્વીરો નાગપાલે સળગાવી મારી હતી અને દેશદ્રોહી અંગેના લેખિત એકરારપત્રો જ એણે પુરાવાઓ કરીકે રજૂ કર્યા હતા.

નાગપાલ વિષેનાં પરાક્રમો જ્યારે બહાર આવ્યાં ત્યારે મુંબઈની જનતાએ, હજારો, માણસોએ હર્ષના આવેશથી તેને ખભા પર ઊંચકી લીધો. સુંગધી ફૂલોના હારથી એ લદાઈ ગયો હતો અને તેથી એ ખૂબ જ અકળાતો હતો. પોતાને માનપાન મળે એવી કોઈ જ વાત તે પસંદ નહોતો કરતો, પરંતુ મુંબઈની પ્રજા હર્ષથી ઘેલી બની ગઈ હતી, ખૂબ જ શાનદાર અને ભવ્ય સરઘસ ધામધૂમથી મુંબઈની સડક પર નીકળ્યું હતું. અને લોકોએ “નાગપાલ ઝીંદાબાદ… જયહિંદ… જય ભારત… ગગનભેદી અવાજોથી વાતાવરણને ગજાવી મૂક્યું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button