લાડકી

ઉઘાડી ચેલેન્જ (પ્રકરણ-૧૭)

રૂસ્તમ વીફરેલા ગેંડાની જેમ દિલાવરખાનની દિશામાં એકદમ દોડ્યો. એના બંને હાથ લાંબા થયેલા હતા. જેવો એ નજીક આવ્યો કે બેહદ સ્ફૂર્તિથી દિલાવરખાન જમણી દિશાએ ખિસકોલીની જેમ માત્ર બે ફૂટ દૂર ખસી ગયો. પરિણામે રૂસ્તમનો દેહ છાતી સહિત ધડામ કરતો પાનના ગલ્લા પર જઈ પડ્યો

કનુ ભગદેવ

(ગતાંકથી ચાલુ)
રૂસ્તમ તો ઠીક! આજુબાજુના દુકાનદારો પણ એવા જ અનુમાન પર આવ્યા હતા. થોડી પળોમાં જ તે ગીની સામે આવી ગયો.

‘ગીની…!’ એ ઊંચા- પહાડી પણ કોમળ અવાજે બોલ્યો. ‘તેં મને આ રીતે સામે ચાલીને પ્રેમથી બોલાવ્યો એ માટે તારો આભાર ! ગઈકાલનો બનાવ ભૂલી જજે અને તારા એ ભાડૂતને કહી દેજે કે હવે પછી તે કયારેય મારા માર્ગમાં…’
‘સ્પાક…!’ એક અવાજ થયો અને પછી લોકોએ ક્યારેય ન કલ્પેલું એક અણધાર્યું અપાર અચરજમાં મૂકી દે એવું દૃશ્ય જોયું. ગીનીએ પોતાનામાં હતી એટલી તમામ શક્તિ એકઠી કરીને રૂસ્તમના ગાલ પર એક જોરદાર તમાચો સેંકડો લોકોની હાજરીમાં ભરબજારે ધોળેદિવસે બિલકુલ ગભરાયા વગર ઝીંકી દીધો હતો.


બીજાઓની જેમ બે-પાંચ પળો તો ખુદ રૂસ્તમ પણ આ બનાવથી હેબતાઈ ગયો. તે એ પળો સુધી તો કશુંએ બોલી ન શક્યો. અણધાર્યા આઘાતથી એની જીભ જાણે કે તાળવે ચોંટી ગઈ હતી. પહેલાં તો લોકો ખુશ થયા, પણ પછી એમના ચહેરા પર ભય વ્યાપી ગયો. એકાએક રૂસ્તમ સ્વસ્થ થઈ ગયો. એણે ગીનીને ગળેથી પકડવા માટે હાથ લંબાવ્યો. ખૂબ સ્ફૂર્તિથી ગીની ચાર- પાંચ ડગલાં પાછળ ખસી ગઈ. ત્યારબાદ એ ખોફનાક ચુપકીદીભર્યા સન્નટામાં ખડખડાટ હસી પડી અને લગાતાર હસતી જ ગઈ. રૂસ્તમનો ચહેરો ભયાનક પશુ જેવો બની ગયો. એના જ્ઞાનતંતુઓ બહેર મારી ગયા હતા. સામે ઊભેલી ગીની સિવાય જાણે કે એને કશુંય દેખાતું નહોતું. સારાસારનું ભાન ભૂલીને એણે ગીનીનું ગળું દબાવી તેને મારી નાખવાની પાશવિક વૃત્તિ તેની નસેનસમાં ઉછાળા મારી રહી હતી. તે આગળ વધ્યો. એ જ પળે કોઈકનું ભયાનક અટ્ટહાસ્ય બજારમાં ગુંજી ઊઠ્યું. અને પછી એક પહાડી ગુંજતો અવાજ દુકાનદારોને અને ડરતા-ડરતા આવજા કરતા નાગરિકોને ઉદ્ેશીને કહેતો હતો :
‘ જુઓ…જુઓ… રૂસ્તમ નામના એક પહેલવાને ભરી બજારમાં એક ફૂલ જેવી યુવતીનો તમાચો ખાધો…સાલ્લો કાયર ! બાયલો લાગે છે… ફટ છે એને તથા એની જનેતાને !’
લોકો એક પછી એક નાટકીય ધડાકાથી ચમકી ગયા. બોલનાર વ્યકિત પર સૌની નજર ગઈ અને ઓળખતાં જ લોકોમાં ભયનું મોજું ફરી વળ્યું. એ દિલાવરખાન હતો. જેની ખૂબ જ ખરાબ હાલત ગઈકાલે આ જ સમયે રૂસ્તમે કરી નાખી હતી. ‘હવે એનું મોત ચોક્કસ જ છે.’ લોકો મનમાં બબડવા લાગ્યા. એકે તો હિંમત કરીને કહ્યું પણ ખરું- ‘ તમારું માથું ફરી ગયું છે કે શું? જલ્દી ભાગો અહીંથી -’ દિલાવરખાને કશુંયે સાંભળયું ન હોય એ રીતે ચૂપચાપ ઊભો રહ્યો. એનો ચહેરો પાષણની પ્રતિમા જેવો સખત બની ગયો હતો.

ગીની તરફ આગળ વધતો રૂસ્તમ અટકી ગયો. એણે અવાજની દિશામાં નજર કરી. દિલાવરને જોઈને એનો ચહેરો ખેંચાયો. દિલાવરની આંખો તથા હોઠ પર ઠેકડી ઉડાવતું હાસ્ય ઊભારાતું હતું.
લોકોનાં હૃદય ધબકવા લાગ્યાં કેટલાક ગભરું મન ધરાવનારાઓ ત્યાંથી વંજો માપી ગયા. દુકાનદારો બેહદ ગભરાટથી થરથરવા લાગ્યા અને ફરતા એકસો વારમાં સોંપો પડી ગયો. આજુબાજુની દુકાનો ફટોફટ બંધ થવા લાગી.

રૂસ્તમ વીફરેલા ગેંડાની જેમ દિલાવરખાનની દિશામાં એકદમ દોડ્યો. એના બંને હાથ લાંબા થયેલા હતા. જેવો એ નજીક આવ્યો કે બેહદ સ્ફૂર્તિથી દિલાવરખાન જમણી દિશાએ ખિસકોલીની જેમ માત્ર બે ફૂટ દૂર ખસી ગયો. પરિણામે રૂસ્તમનો દેહ છાતી સહિત ધડામ કરતો પાનના ગલ્લા પર જઈ પડ્યો. એની પીઠ કમ્મરેથી બેવડી વળી ગઈ. તે ઊભો થાય એ પહેલા જ દિલાવરખાનના વજનદાર બૂટની એક ભયાનક લાત એના ઘૂંટણના પાછલા ભાગમાં રાક્ષસી ગતિએ ટકરાઈ. એક પણ પળ ગુમાવ્યા વગર દિલાવરે એક વધુ લાત એની પીઠમાં રસીદ કરી દીધી. ગલ્લા પર બેવડા વળી ગયેલા રૂસ્તમને જાણે એક પણ તક આપવા ન માગતા ેહોય એ રીતે દિલાવરે પોતાના હાથમાં રહેલી થેલીમાંથી એક ચાર ફૂટ લાબું હંટર બહાર કાઢ્યું અને પછી પાનની દુકાનથી બે ત્રણ ડગલાં દૂર ખાસીને
ઊભો રહ્યો.

લોકો માટે આ અણધાર્યો તમાશો હતો. રૂસ્તમને મારવાની વાત એક તરફ રહી. કોઈ સામે ચાલીને એની સાથે ઊંચા અવાજે વાતો કરી શકે એ પણ તેઓને માટે અચરજભર્યુ હતું. આજ સુધીમાં કોઈએ રૂસ્તમને માર ખાતો નહોતો જોયો. દુકાનદારો- સો એકવાર દૂર ઊભેલા લોકોના હૈયામાં આનંદથી ઊછળવા લાગ્યા.

અચાનક દારૂના પીઠમાંથી રૂસ્તમના ત્રણ સાથીઓ ઝનૂને ભરાયેલા હાથની જેમ છીંકોરા મારતા ઊભા થઈને દિલાવરખાન તરફ ધસી આવ્યા. દિલાવરનો હાથ ફરીથી થેલીમાં ગયો અને બીજી મિનિટે ફીસ… ફીસ… ફીસ… હળવા અવાજ સાથે એના હાથમાં ચમકતી પિસ્તોલમાંથી ત્રણ ગોળીઓ છૂટી. સામેથી આવતા એ ત્રણેય બદમાશોનાં એક એક કાન એના મૂળ સ્થાનોથી ઉડાડતી પસાર થઈ ગઈ.

ખબરદાર ! દિલાવરખાન બરાડ્યો, ‘ આ જ ગોળીઓ! તમારી સાથે કશી એ દુશ્મનાવટ નથી, મારી દુશ્મની માત્ર આ રૂસ્તમના બચ્ચા સાથે છે. હવે જો તમારામાંથી કોઈ જ અમારી વચ્ચે આવશે તો પછી એને હું મારી નાખીશ…’
દિલાવરનો ચહેરો સાક્ષાત્ શયતાનને થરથરાવી નાખનારો હતો. આજે એણે ચશ્માં કે હેટ નહોતાં પહેર્યાં. એની આંખોમાંથી જાણે કે સળગતાં અગ્નિબાણ વછૂટતાં હતાં.

કોણ જાણે કે કેમ એ ત્રણેયને બેહદ ગભરાટ થયો. દિલાવરખાનની સચોટ નિશાનબાજીથી તેઓ ગભરાયા.

‘જાઓ…’ દિલાવરખાન રૂસ્તમ તરફ ફર્યો. ક્રોધ અને રોષથી તેનો ચહેરો લાલઘૂમ થઈને તમતમતો થઈ હતો.

પાનવાળો થરથર ધ્રુજતો હતો. એના પાન બનાવવાના પાટલા પર રૂસ્તમનું મોં ધડામ કરતું અથડાયું હોવાથી લોહી નીકળ્યું હતું. અને એ લોહીથી એ બિચારાનો પાટલો ખરડા ગયો હતો. લોહી નીતરતા ચહેરે માંડ માંડ રૂસ્તમ ઊભો થયો અને એણે પીઠ ફેરવી. એણે પોતાના લોહિયાળ કપાળ પર હાથ ફેરવ્યો. હથેળીને પોતાના જ લોહીમાં ખરડાયેલી જોઈને એ ઉશ્કેરાઈ ગયો જાણે કાચે-કાચો જ ખાઈ જવો હોય એવી ભયંકર નજરે એણે દિલાવરખાન સામે જોયું અને પછી બરાડ્યો, ‘સાલ્લા કમજાત…! તારું મોત ગંધાય છે, મારી સાથે દુશ્મનાવટ તને ભારે પડી જશે અને …’ કહેતો કહેતો તે આગળ ધસ્યો. સતત બોલવાના કારણે એનાં મોમાંથી લાળ ઝરવા લાગી.

દિલાવરખાને પોતાના હાથને ઊંચે હવામાં લહેરાવ્યો… વળતી જ પળે અધ્ધર હવામાં જ સન્ન્ન્ અવાજ થયો… અને પછી નીચે ઊતરી આવેલા હાથમાં જકડાયેલો હંટરનો ભયાનક ફટકો સામેથી ધસી આવતા રૂસ્તમના ગાલ પર જોશભેર વીંઝાયો. જાણે પોતાના ગાલમા કોઈકે લોખંડનો આગમાં ગરમ કરેલો ધગધગતો સળિયો ઉપરથી નીચે સુધી ચાંપી દીધો હોય એવી કાળી વેદના રૂસ્તમને થઈ આવી. એના કંઠમાંથી ભયંકર ચીસ સરી પડી અને એ દારૂણ ચીસનો ધ્વનિ હવામાં પૂરેપૂરો વિલીન થાય એ પહેંલા એક વધુ ફટકો એની છાતી પર વીંઝાયો અને ત્યારબાદ દિલાવરે કોઈ જ કસર બાકી ન રાખી … તે ભયંકર ઝનૂનથી રૂસ્તમને ઉપરાઉપરી ફટકાવી ફાવે ત્યાં મારતો ગયો… રૂસ્તમનાં વસ્ત્રો લોહિયાળ અને ઠેકઠેકાણેથી ચીરાઈને તાર તાર થઈ ગયાં એની આંખો સામે અંધકાર ફરી વળ્યો. અર્ધી બંધ થઈ ગયેલી નજરે એણે દિલાવરખાન સામે જોયું પછી એ નીચે ફસડાઈ પડ્યો. એનામાં ઊભા થવાની શકિત નહોતી. લોકો છાક ખાઈ ગયા હતા. અને ત્યાં વાતાવરણમાં એક ખોફનાક સન્નાટો પથરાઈ ગયો હતો. દિલાવરખાને હંટર થેલીમાં મૂક્યું. પછી એણે નીચા નમી, રૂસ્તમનો કોલર પકડીને તેને ઊભો કર્યો ત્યારબાદ એની ખોફનાક આંખો દિલાવરખાનની આંખોમાં, બાણમાંથી છૂટેલા ઝેરી તીરથી જેમ સીધી જ પરોવાઈ ગઈ.

રૂસ્તમની આંખોમાં સમગ્ર જીવનમાં કદાચ આજે પહેલી જ વાર ભયનાં કુંડાળાઓ ઊપસી આવ્યાં. એને હવે આ માણસનો ડર લાગવા માંડ્યો હતો. મદદ માટે એણે આમતેમ નજર દોડાવી દિલાવરે કસીને પોતાના એક હાથનાં પંજાથી એનું ગળુ પકડ્યું અને પછી બીજા હાથેથી એક જોરદાર તમાચો એના લોહીવાળા ગાલ પર ફટકારી દીધો. તીવ્ર વેદનાથી રૂસ્તમ ખળભળી ગયો.
‘તું નાહકનો જ મદદ માટે આમતેમ નજર દોડાવીને ફાંફાં મારે છે.’ દિલાવરખાન ઝેરી અવાજે બોલ્યો, ‘તારે તો મને મારી નાખવો હતો ખરું ને? તું નજર નહિ દોડાવ… તારા બધા ચમચાઓ એક- એક કાન ગુમાવીને અહીંથી વંજો માપી ગયા છે. તું અહીં આવ ગીની…!’ અને લોકો … ભાઈઓ …દિલાવરે માનવસમુદાયને ઉદ્ેશીને જોરથી બૂમો પાડી, ‘ તમે સૌ પણ અહીં આવો, આ ઉંદરથી ડરવાની જરૂર નથી. આજથી એની દાદાગીરી ખતમ થઈ ગઈ છે. એ સમજી લો.’ અને પછી રૂસ્તમનું ધ્યાન નજીક આવેલી ગીની તરફ આકર્ષિત કરતા બોલ્યો, ‘ ચાલ માફી માગ ગીનીની…! નહિ તો આજે અહીં જ… અત્યારે જ તારી ચામડી ઉખેડી નાખીશ…’

‘મ…માફ કર ગીની…’ રૂસ્તમ ગીનીના પગમાં ગરીબ ગાય જેવો બનીને ફસડાઈ પડયો. દિલાવરખાને બૂમ પાડીને પાનવાળા પાસેથી તેની દુકાનમાં લટકતું પૂંઠાનું કેલેન્ડર મંગાવ્યું પછી તેની પાછળનાં ભાગમાં મોટા અક્ષરે લખ્યું, ‘હું આ ગામનો સૌથી મોટો દાદો છું.’ ત્યારબાદ એણે એક દોરી વડે પૂંઠાનું એ બોર્ડ રૂસ્તમના ગળામાં, છાતી પર આવે એ રીતે લટકાવ્યું.

એ પછી એના ખભામાં રેશમી મજબૂત દોરી નાખીને એક પોલીસ ચોરને બાંધીને જે રીતે આગળ ધકેલે એ રીતે રૂસ્તમને બજારમાં આગળ ધકેલ્યો. કેટલાક લોકો ખડખડાટ હસી પડ્યા. પછી તો સૌને સૌને હિંમત આવી ગઈ. લોકોએ રૂસ્તમનો હુરીયો બોલાવ્યો…અને એ જ હાલતમાં દિલાવરખાને તેને આખા ગામમાં ફેરવ્યો. જે લોકોએ આ બનાવ નહોતો જોયો તેઓને ખબર પડતાં જ વગર પૈસાનો આ તમાશો જોવા માટે દોડી આવ્યા રૂસ્તમની હાલત નજરે જોયા પછી ઘડીભર તો તેમને આ સ્વપ્ન જેવું લાગ્યું. ક્રોધ, અપમાન તેમજ પરાજયથી રૂસ્તમનું મોં નીચું થઈ ગયું હતું. હવે માથું ઊંચું કરવાનું પણ એનામાં સાહસ નહોતું રહ્યું.

ત્યારબાદ એની પીઠમાં એક લાત જમાવીને દિલાવરખાને તેને છોડી દીધો.


ઉપરોક્ત બનાવના ત્રીજા દિવસે દિલાવરખાન ગામની હદ શરૂ થતી હતી ત્યાં આવેલી હોટલમાં દાખલ થયો. હોટલના કાઉન્ટર પર એક ભીમકાય થોભીયાવાળી મૂછો ધરાવતો આદમી બેઠો હતો. અંદરના ભાગમાં એક ટેબલ પર રૂસ્તમ પોતાના સાથીઓ સાથે બેઠો હતો. તે એકદમ ઊભો ગયો દિલાવરખાને એની સામે પળભર જોયું. પછી એણે કાઉન્ટર પરના જાડિયા માણસના ટેબલ પર એક કાગળ સરકાવી દીધો. એ જ વખતે રૂસ્તમ હાથમાં છૂરી સાથે ત્યાં ધસી આવ્યો.

‘ ખબરદાર…!’ કાઉન્ટર પર બેઠેલો માણસ બરાડ્યો, ‘રૂસ્તમ, અહીં કોઈ જ તોફાન નહિ થવું જોઈએ.’
‘પણ સરદાર…’ રૂસ્તમ બોલ્યો આ જ માણસે ગઈકાલે મને…’
‘ ઓહ…!’ કાઉન્ટર પરના માનવીનાં ભવાં સંકોચાયાં, પાંપણને અર્ધી બીડીને દિલાવરને તાકી રહ્યો.
‘એની વાત સાચી છે’ દિલાવર નિર્ભયતાથી બોલ્યો, ‘ ચાર પાંચ દિવસ પહેલાં એણે મને માર્યો હતો. મેં માત્ર તેનો બદલો જ લીધો છે- વ્યાજ સાથે….! અને હજુ જો એની ઈચ્છા હોય તો ચક્રવૃદ્ધિવ્યાજ વસૂલ કરવાની મારામાં તાકાત છે પહેલવાન! તમારાં આ ચમચાઓથી હું બિલકુલ નથી ગભરાતો અને સાંભળી લો… મારું નામ શેખ નહિ દિલાવરખાન છે… ભરી કોર્ટમાંથી ફાંસીની સજા પામેલો, નાસી છૂટેલો માણસ છું. દિલાવરખાનનું નામ સાંભળતાં જ ભલભલાંના પેશાબ છૂટી જાય છે. જનાબ! પરંતુ અત્યારે હું અહીં ઝગડો કરવા નથી આવ્યો…’
‘ સમજ્યો! પહેલવાન સાંકેતિક ભાષાઆનો ભલામણપત્ર તથા પરિચય કાર્ડ પર નજર ફેરવ્યા બાદ બોલ્યો, ‘પરંતુ તમારે રૂસ્તમ સાથે શું વાંધો પડ્યો હતો?’
‘ એ તમે એને પૂછો.’
‘ શું હતું રૂસ્તમ…?
‘ વાત…એમ…’ રૂસ્તમ થોથવાયો.’
‘ એ નહિ કહી શકે’ દિલાવરે કહ્યું, ‘સાંભળો, હું જ કહું છું અને એણે ગીનીવાળો પ્રસંગ કહી સંભળાયો.’
‘આ વાત સાચી છે? સરદારે પૂછયું.

જવાબમાં રૂસ્તમ નીચું જોેઈ ગયો.

‘તું બોલતો નથી રૂસ્તમ! મને લાગે છે કે એ છોકરી માત્ર ભયના કારણે જ તારી સાથે લગ્ન કરવા તૈયાર થઈ છે પરંતુ ખબરદાર, તારે એમ કરવાની જરૂર નથી. અને હવે આવી દાદગીરી તારે બંધ કરવાની જરૂર નથી. દિલાવરખાન આપણી જ ટોળીનો માણસ છે. એ મુંબઈની શાખામાંથી અહીં આવ્યો છે.’
ઉપરાઉપરી બે ધડાકાઓથી રૂસ્તમ ચમકી ગયો હતો. દિલાવરખાનનું નામ તથા તે મુંબઈની કોર્ટમાંથી કેવી રીતે નાસી છૂટ્યો હતો, એ વિષે તેણે અખબારોમાંથી વાંચ્યું હતું. બીજો ધડાકો એ કે તે પણ એની જેમ સિંહ ટોળીનો જ એક સભ્ય હતો.

‘ચાલ, એની સાથે દોસ્તીનો હાથ મિલાવ !’ સરદાર બરાડ્યો, ‘ પહેલા તે એને માર્યો હતો… પછી જ એણે તને માર્યો! એટલે બંનેનું નુકસાન વસૂલ થઈ ગયું. રૂસ્તમ ! દિલાવર આપણને ખૂબ જ ઉપયોગી માણસ છે.’

રૂસ્તમે ઊતરેલા ચહેરે અનિચ્છાએ દિલાવરખાન સાથે હાથ મિલાવ્યા. પછી એણે પોતાનાં બનાવટી દાઢી-મૂછ કાઢી નાખ્યાં. હેટ ઉતારીને એક તરફ ફેંકી. ત્યારબાદ એને ચહેરો ખુલ્લો થઈ ગયો.
‘ ઓ… ભગવાન….!’ રૂસ્તમ બબડ્યો, ‘ આ તો સાચે જ દિલાવરખાન છે… મેં અનેક વખત એના ફોટાઓ છાપામાં જોયા છે…’

‘દોસ્ત…’દિલાવરખાન હસ્યો, ‘ હવે મારાથી ડરવાની જરૂર નથી. આપણે સારા મિત્રો બની શકીએ તેમ છીએ પરંતુ નબળા અને અશક્ત લોકો પર જે દાદાગીરી ચલાવે છે, એ તારા જેવા બહાદુર માણસને શોભતું નથી.’

પોતાને દિલાવરે બહાદુર કહ્યો તેથી રૂસ્તમ ફુલાયો. એ પ્રસન્ન અવાજે બોલ્યો,‘ઉસ્તાદ! હવે આજથી એ બધું બંધ…! આવો આજે મારા તરફથી ઉત્તમ શરાબ તમને પિવડાવું…’
ઘડી પહેલાનું તંગ વાતાવરણ હળવું થઈ ગયું. બંને એક ટેબલ પર બેઠા વાતાવરણ સામાન્ય બની ગયું . રૂસ્તમે વેઈટર પાસે બે સ્કોચની બોટલ મંગાવી. દિલાવરનું મોં દ્વાર સામે હતું
સહસા એનો ગ્લાસ હાથમાં જ રહી ગયો. એની આંખો દ્વાર પર જડાઈ ગઈ.

એક ઊંચો, મજબૂત બાંધાનો ખૂબસૂરત ગોરો ચીટ્ટી માનવી હોટલમાં દાખલ થયો. દિલાવરખાને એના પરથી પોતાની નજર પોતાના હાથમાં પકડેલો ગ્લાસ હોઠે લગાડી સહેજ આડું જોઈને એ પોતાનો ચહેરો આગંતુકથી છુપાવવાનો પ્રયાસ કરવા લાગ્યો. આ ફેરફાર રૂસ્તમથી છૂપો ન રહી શક્યો.

હોટલમાં બેઠેલા બીજા બદમાશોનું ધ્યાન પણ નવાંગતુક તરફ ખેંચાયું હતું આવનારે હોટલમાં ચારે તરફ નજર દોડાવી. પછી કાઉન્ટર પર બેઠેલા સરદારને પૂછ્યું.
‘વીપટો-શરબત મળશે એક ગ્લાસ?’

‘ જરૂર સાહેબ…!’ સરદારે એનું અવલોકન કરતાં કહ્યું આગંતુક ખાખી વસ્ત્રોમાં સજ્જ હતો. એના કમરપટ્ટામાં સ્થિત ચામડાની કેસમાં રિવોલ્વર ભરેલી પડી હતી. દેખાવ પરથી એ કોઈક પોલીસ ઓફિસર જેવો લાગતો હતો.

‘ શું… છે… !’ રૂસ્તમે અત્યંત ધીમા અવાજે દિલાવરખાનને પૂછયું, ‘તમે આ માણસથી ગભરાયેલા લાગો છો! શું વાત છે?’
‘ ચૂપ…’ દિલાવરગ્લાસ પરથી એક આંગળી મુક્ત કરી, તેને નાક પર મૂકીને ખૂબ ધીમા અવાજે બોલ્યા, ‘ આ કમબખ્ત અહીં ચંદ્રનગરમાં ક્યાંથી?’
‘કોણ છે એ… ?’

‘ આપણા બધાનો બાપ …! સેન્ટ્રલ ઈન્ટેલીજન્સ ડિપાર્ટમેન્ટનો ચીફ ઇન્સ્પેકટર નાગપાલ! એ અહીં શા માટે આવ્યો હશે?’
‘ હાઈવે પરથી પકડેલી બોમ્બવાળી મોટરની કદાચ તે તપાસ…’

‘ જે હોય તે…’ મહેરબાની કરીને ચૂપ રહે…રૂસ્તમ…! અહીં પાછળથી કયાંય નાસી જવાનો રસ્તો છે? હું એની નજરે પડવા નથી માગતો…!’
‘ ગભરાવાની જરૂર નથી.’ રૂસ્તમ મગરૂરીથી બબડ્યો: ‘ એના બાપની પણ તાકાત નથી કે એ તને…’
‘ શીશ…ચુપ…’દિલાવરનો અવાજ બેહદ ભયભીત હતો.
એ જ પળે વેઈટર આવીને કાઉન્ટર પર વીપટો શરબતનો ગ્લાસ મૂક્યો. નાગપાલે કાઉન્ટર પર પૈસા મૂક્યા. પછી ગ્લાસને હાથમાં ઊંચકીને તેમાંથી ઘૂંટડો ભરવા લાગ્યો. વચ્ચે વચ્ચે તે અંદર નજર દોડાવતો હતો.

‘ તમે કોક પોલીસ ઓફિસર લાગો છો સાહેબ? સરદારે ભોળા-ભટાક અવાજે પૂછયું.’
‘ હા..’ નાગપાલે જવાબ આપ્યો, ‘ આ ગામમાં વિદેશી જાસૂસોએ રોકાયેલા ભાડૂતી માણસોની દેશદ્રોહભરી પ્રવૃત્તિ ચાલી રહી છે. એટલે અહીં મારી સ્પેશિયલ નિમણૂક થઈ છે, અને તેથી હું અહીં આ ગામમાં તપાસ કરવા આવ્યો છું… તમારું નામ શું છે? નાગપાલે પૂછયું. એનો અવાજ એકદમ સરળ તથા નિખાલસ થઈ ગયો છે.
‘જ્ઞાનસિંહ…!’ સરદારે કહ્યું.

‘ તમારું નામ ખૂબ જ સુંદર છે. મારું નામ નાગપાલ છે. કદાચ તમે સાંભળ્યું હશે… દિલ્હીનો વતની છું અને ત્યાં જ નોકરી કરું છું.’
‘ આપનું નામ કોણે નહિ સાંભળ્યું હોય… નાગપાલસાહેબ…! સરદાર મીઠા અવાજે બોલ્યો. બાકી મનોમન નાગપાલનું નામ સાંભળતાં જ એને ધ્રુજારી છૂટી હતી. એણે પહેરેલું પાટલૂન ભયના કારણે કમ્મર પરથી બે ત્રણઇંચ નીચે સરકી આવ્યું હતું.

‘ જુઓ … એક સારા અને શરીફ નાગરિકો તરીકેની તમારી ફરજ છે કે આ ગામમાં એવા કોઈ દેશદ્રોહી હોય તો તેની માહિતી પોલીસને આપવી જોઈએ.હું અહીંના સરકારી ગેસ્ટ હાઉસમાં ઊતર્યો છું તમારી હોટેલથી માત્ર પાંચ જ મિનિટનો રસ્તો છે. જો આવા કોઈ માણસો તમારા ધ્યાનમાં આવે તો મને સમાચાર મોકલજો. હું તમને સરકારની પાસેથી ઈનામ પણ અપાવીશ.’
‘ જરૂર…જરૂર… એ તો મારી પહેલી ફરજ છે!’ સરદારે કહ્યું. બાકી મનમાં ને મનમાં તો એ નાગપાલનું સાંભળ્યા બાદ આ ગામ રાતોરાત છોડાવાની યોજના ઘડતો બેઠો હતો.
‘ અરે…’ અચાનક નાગપાલ આગળ વધીને દિલાવરખાનના ટેબલ નજીક પહોંચ્યો.

‘ ઓહો જનાબ દિલાવરખાન…! તમે અહીં તશરીફ રાખો છો…? વાહ વાહ… મુંબઈ પોલીસ હજુ પણ તમને શોધી રહી છે અને…’

‘નાગપાલ…!’ દિલાવર છંછેડાયેલા સર્પની જેમ ફૂંફાડો મારતા બોલ્યો, ‘ તમે ચૂપચાપ અહીંથી ચાલ્યા જાઓ . મને પકડવાનો પ્રયાસ કરશો તો…પછી…’

‘ ધમકીઓ ઉચ્ચારવાની તારી જૂની આદત છે!’ નાગપાલ કરડા અવાજે બોલ્યો, ‘ ખેર, જવા દે એ વાત! તને પકડવાનું કામ પોલીસનું છે, મારું નથી. તારા તરફ ધ્યાન આપવાનો મને અત્યારે સમય પણ નથી. પરંતુ હું અત્યારે તને જવા દઉં છું. એથી પોલીસ તને છોડાશે એવું માનીશ નહિ, એ તને પાતાળમાંથી પણ ગમે ત્યારે શોધી કાઢશે. કારણ હું જાણું છું કે તું ડાકુ છે, અપરાધી છે, ફાંસીની સજા પામેલો ભાગેડું છે. પણ દેશદ્રોહી નથી… અને અત્યારે હું માત્ર દેશદ્રોહીઓને જ શોધવા માટે અહીં આવ્યો છું પણ ભગવાનને ખાતર ચૂપચાપ તારી જાતને પોલીસને શરણે સોંપી દે…યાદ રાખ નહિ તો આ રીતે નાસભાગમાં જ તારું જીવન પૂરું થઈ જશે. મારા હાથ અત્યારે પરવશ છે… મને એકમાત્ર દેશદ્રોહીઓને પકડવા માટે જ હુકમ મળ્યો છે. એ સિવાય બીજું કોઈ પણ કામ કરવાની મને સખ્ત મનાઈ છે. નહિ તો તારી મજાલ નથી કે અત્યારે મારી હાજરીમાં તું અહીંથી જઈ શકે ! મુંબઈની કોર્ટમાં તે મારા પર ગોળી ચલાવી હતી એટલા પૂરતું મારે તારી સાથે વેર છે… પરંતુ એ હું એકને એક દિવસ વ્યાજ સાથે વસૂલ કરીશ તે બરાબર યાદ રાખજે. મારું નામ નાગપાલ છે, અને નાગપાલ નામધારી નાગનો દંશ ખાધેલો માણસ પાણી માગવા પણ નથી રોકાતો. અત્યારે તારા જેવા મચ્છર માટે મારી પાસે સમય નથી પણ એક દિવસ એવો પણ આવશે દિલાવરખાન કે જ્યારે તું મારા પગમાં પડી મોતની ભીખ માગતો કરગરતો હોઈશ.’
અને એ પછી એક પણ શબ્દ બોલ્યા વગર નાગપાલ ત્યાંથી ચાલ્યો ગયો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?