
-શ્વેતા જોષી-અંતાણી
વિદ્યાર્થીઓથી હકડેઠઠ ભરાયેલા સ્કૂલ પરિસરમાં લગભગ બધા જ જાણીતા ચહેરાઓ વચ્ચે આજે એક નવો ચહેરો તરવરી રહ્યો હતો એ આપણા વિહાબહેનથી અજાણ્યું ના રહ્યું. થોડીક ઊંચી, થાકેલું મોં, ઉદાસ આંખો ને કપાળ સુધી આવતા થોડા વિખરાયેલા વાળ, મેલા-ઘેલા કપડાં, સાથે એક છોકરી આમતેમ ફરી રહી હતી. કંઈક તો એનામાં એવું હતું જે અહીંના સ્ટુડન્ટ્સ કરતાં એનામાં કંઈક અલગ તરી આવતું હતું.
આખી સવાર એ અજાણી છોકરી વિશે અવનવી અફવાઓ ફેલાતી રહી. શારદા, એ નવી છોકરીનું જુનવાણી નામ. કોઈક કહેતું કે બીજી સ્કૂલમાંથી એને કાઢી મૂકવામાં આવી છે તો કોઈક વળી કહેતું કે એણે તો હોમ સ્કૂલિંગ કર્યું છે. વાત કોની સાચી ને કોની નહીં? જોકે, આવી કોઈ અવઢવમાં ફસાવવા કરતાં, વિહાએ નક્કી કર્યું કે સાચું શું છે એ હું જાતે જાણી લઈશ… એટલે રિસેસમાં બેન પહોંચી ગયાં શારદા પાસે. દૂર બેન્ચ પર એકલી નાસ્તો કરી રહેલી શારદાની બિલ્કુલ નજીક આવી એણે અચકાયા વગર પૂછી લીધું:
હાય, હું બેસું અહીં?’ શારદા એ નજર ઉંચી કરી એની સામે ડોકું હકારમાં ધુણાવી કહ્યું : હા, કોઈ વાંધો નહીં. યુ કેન શેર ધીસ સ્પેસ.’ પણ આટલું બોલતા એનો અવાજ મંદ અને ઉદાસ હતો એ વિહાથી છાનું ના રહ્યું. જોકે, શારદાના વોઈસ ટોનની પરવાં કર્યા વગર વાતોડી વિહા તક ઝડપી એની સાથે મિત્રતા સાધવાના પ્રયત્નોમાં લાગી પડી.
પહેલા દિવસે એ એટલી માહિતી મેળવવામાં સફળ રહી કે શારદા હોમ સ્કૂલિંગ નહોતી કરતી. એ કોઈ બીજી સ્કૂલમાંથી અહીં આવેલી છે. પત્યું. હાલ આટલી જાણકારી પૂરતી હતી. રિસેસ પછીનો અડધો દિવસ વિહાની વાહવાહીમાં પસાર થઈ ગયો. શારદા શાંત અને ઓછાબોલી હતી, પણ વિહાને એની સાથે ગમવા લાગ્યું હતું. આમપણ, પોતે બકબક કરે અને કોઈ સાંભળે એનાથી વિશેષ વિહાને કંઈ જોતું નહીં.
ધીમે-ધીમે દરરોજ મળતી રિસેસની એ દસ મિનિટની વાતોથી વિહાને જાણવા મળ્યું કે, શારદા હોંશિયાર અને ચાલાક છે. એની સેન્સ ઓફ હ્યુમર ખતરનાક છે. વિહાનાં દસ વાક્ય સામે એનું એક ભારે પડતું. આમ છતાં, શારદાની આંખોમાં ઉદાસી સતત જીવતી, જેનો તાગ આટલી વાતો કર્યા પછી પણ વિહાને મળતો નહોતો.
બન્ને રોજ પોતપોતાના શોખ અને રસના વિષયોની વાતો કરતા. વિહા હંમેશાં પંચાત કરતાં ગામ-ગપાટાં મારતી રહેતી, પણ, શારદા એક લિમિટમાં જ રહેતી. એ પોતાના ભૂતકાળ, કુટુંબ કે અગાઉની સ્કૂલના મિત્ર વર્તુળની કોઈ વાત ક્યારેય ઉચ્ચારતી નહીં. એની ફરતે એક અભેદ દીવાલ ચણાયેલી રહેતી, જેની ડોકાબારી સુધ્ધાં વિહા શોધી શકી નહોતી.
હા, વિહાને એ ખ્યાલ આવી ગયો કે કંઈક તો છે જે શારદા છૂપાવી રહી છે, જેના કારણે એ સતત ઉદાસ રહે છે એટલે વિહાનો જાસૂસી આત્મા સજ્જ થઈ ગયો, પણ શારદાએ એક દિવસ અચાનક મન ખોલી નાખ્યું. નાસ્તાનો ડબ્બો ખોલતાં એણે વિહાના વાક્પ્રવાહને અટકાવતાં સામેથી કહ્યું: વિહા, મારે તને કેઈક કહેવું છે.’ વિહાએ શાંત રહેવાના પ્રયત્ન સાથે ઠરેલા અવાજમાં જવાબ આપ્યો:બોલને, શું હતું?’
શારદાએ ઊંડો શ્વાસ લઈ શરૂ કર્યું : `હું ને મારી મમ્મી કેવી મજા કરતા. એ રોજ મારા માટે સરસ નાસ્તો બનાવે. મને જમાડે, મારી સાથે સ્કૂલની વાતો કરે, મને ભણાવે. અમે બહાર ફરવા જઈએ. પપ્પા નથી એનો એક પણ વખત મને અહેસાસ થવા ના દેતી. એટલું અઢળક વ્હાલ કરતી મારી મમ્મી…., પણ એક દિવસ સ્કૂલથી પાછા ફરતા હું ને મમ્મી મસમોટી બસની અડફેટે ચડી ગયા. હું તો બચી ગઈ, પણ મમ્મી નહીં….’
આટલું સાંભળતા તો વિહા રડું-રડું થઈ ગઈ. મમ્મી વગરના જીવનની કલ્પના એની આંખમાં આંસુડા ખેંચી લાવી. ગળગળા સ્વરે શારદાએ આગળ ચલાવ્યું :
`હું તો સાવ નાની હતી તો પણ હવે મારે બધું જાતે કરવું પડતું. કાકાને ત્યાં રહેવું પડતું, જમવાનું ભાવે નહી, ઊંઘ આવે નહી. સતત મમ્મીની યાદ આવે. એને વળગવા હું તરસી જાઉં છું. એ એકવાર આવી વ્હાલ કરી જાય એવી રોજ ભગવાનને પ્રાર્થના કં છું… ‘
વિહાના ગળામાં ડૂમો બાઝી ગયો. આવું મારી સાથે થાય તો…’ એ વિચારે રીતસર ધ્રુજી ઉઠી. થોડો પોરો ખાય શારદાએ આગળ ચલાવ્યું: મમ્મી વગર સહેજપણ ગમતું નહીં, ક્લાસમાં ધ્યાન રહેતું નહીં, એકલા હોમવર્ક થતું નહીં, ભણવાનું આવડતું નહીં. અંતે સ્કૂલમાં માં પર્ફોર્મન્સ બગડવા લાગ્યું. હું એક વર્ષ નાપાસ થઈ. એ સ્કૂલમાંથી મને લિવિંગ સર્ટિફિકેટ પકડાવી દેવામાં આવ્યું…. ‘
ઉદાસ આંખે હસતાં શારદા એ વાત પૂરી કરી:
બસ, એટલે હવે હું અહીં છું. અને હા, હજુ એક વાત… મમ્મીને હંમેશાં સાથે રાખવા મેં માં નામ સીયામાંથી શારદા કરી નાખ્યું છે… !’ ઓહો, વિહા ફરી હબક ખાય ગઈ. અંતે એણે જાતને સંભાળતા પૂછી લીધું : પણ યાર, તું કેમ બધાથી દૂર-દૂર રહેતી હોય છે?’
`તમારા બધાની મમ્મીને જોઈને મને મારી મા બહુ યાદ આવે. બહુ એકલું લાગે. એટલે હું દરેકથી બને એટલી દૂર રહું છું. મને સતત ડર રહ્યા કરે કે, હું નજીક જઈશ અને એ માણસ મને છોડીને જતું રહેશે તો માં શું થશે?’
હવે વિહાથી ના રહેવાયું. એ શારદાને વળગી પડી :
`ના, હું તને ક્યારેય નહીં છોડું. તું મારા ઘેર આવજે. મારી મમ્મીને મળજે. મારી મમ્મી, તારી મમ્મી જ છે એમ માનજે. તું હવે એકલી નથી !’ એવું બોલી વિહાએ સીયા ઉર્ફે શારદાનો હાથ જોરથી પકડી લીધો. અને મનોમન નક્કી કર્યું કે, ગમે તે થાય હું આ છોકરીને ક્યારેય એકલી નહીં પડવા દઉં. શારદાએ પણ સામે હથેળી દબાવી વિહા પર એનો વિશ્વાસ વ્યક્ત કર્યો. અને જાણે, તણાવસ્થાએ શારદાને સધિયારો ને વિહાને માનું મહત્ત્વ જાણવા મળી ગયું.