લાડકી

આ છે બે બહેનપણી જેવી બહેનો

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી

રિયા અને આશના બે ટીનએજ બહેન. રિયા સોળેક વર્ષની તો આશના તેર-ચૌદની. આમ તો બન્નેની જીવનસફર તરુણાવસ્થાએ પહોંચેલી. તેમ છતાં બન્ને વચ્ચે જમીન-આસમાનનો ફરક હતો. રિયા મોટી અને આશના નાની. રિયા સ્વભાવે ખૂબ જવાબદાર અને ભણવામાં પણ હોશિયાર. હંમેશાં પોતાના સ્ટડી પર ફોક્સ રાખી સારા માર્કસ લઈ આવવા એ રિયાનું અંતિમ ધ્યેય. એને બધી વાતે ખૂબ ચોક્કસાઈ રાખવી ગમતી. ઓર્ગેનાઇઝ રહેવું, રૂમ ચોખ્ખો રાખવો,બધું જ પોતાની જગ્યાએ વ્યવસ્થિત મુકવું. રિયા એવી વ્યક્તિ હતી કે જેને કોઈપણ કાર્ય પ્લાનિંગ કર્યા પછી કરવું ગમે. એનું પોતાનું એક નિયમિત રૂટિન રહેતું. એ પરફેક્ટ કહી શકાય એ હદે ચોખ્ખાઈ અને પ્લાનિંગને વળગી રહેતી. કોઈ પણ વસ્તુ પોતાની જગ્યાથી સહેજપણ આમ-તેમ હોય કે પ્લાન પ્રમાણે ના ચાલી હોય તો એને અણગમો થઈ ઉઠતાં વાર લાગતી નહીં.

બીજી તરફ આશના તો રિયાથી સાવ ઊંધી. એકદમ બિન્દાસ ગર્લ. ખૂબ ક્રિએટિવ, પણ સાવ રેઢિયાળ ખાતું એનું. એને ચિત્ર દોરવા-ડાન્સ કરવો- બેડમિન્ટન રમવું- સંગીત સાંભળવું -ફિલ્મો જોવી એવું બધું ગમે. ટૂંકમાં ભણવા સિવાયની દરેક ઈત્તર પ્રવૃત્તિઓમાં આશનાબહેન અવ્વલ. દિવસ આખો નિત-નવીન તોફાન કરવા, નાના-મોટા જોક્સ મારતા રહેવા, મજાક-મસ્તી કરતા રહેવી એ આશનાના મનગમતાં કાર્ય. આશના એ પ્રકારની છોકરી હતી, જે વર્તમાનમાં જીવવા માગતી. આગળની ક્ષણોનો એ ક્યારેય વિચાર કરતી નહીં. ભવિષ્યમાં તો એને ક્યારેય ડોકિયું કરવાની આદત જ નહોતી. એનો સ્વભાવ થોડો સ્વચ્છંદી પણ ખરો. કોઈ ચેલેન્જ સ્વીકારવી એને ખૂબ ગમતી. આમ બન્ને બહેન ટીનેજર ખરી, પણ અલગ-અલગ પ્રકારના એકબીજાથી તદ્દન વિરુદ્ધ સ્વભાવોની માલકિન.

જોકે, આટલો બધો વિરોધાભાસ હોવા છતાં એમની વચ્ચેનો સ્નેહ અતૂટ હતો. બન્ને એક જ રૂમ શેર કરતી. ક્યારેક મોડી રાત સુધી જાગે- વાતો કરે- ગોસિપ કરે- હસી-મજાક કરે. રિયા આશનાને એના હોમવર્કમાં મદદ કરે તો આશના સ્કૂલના કલ્ચરલ પ્રોગ્રામ્સ માટે રિયાને તૈયાર કરે. બન્ને બહેનમાં એકબીજાને સમજવાની ખૂબ સારી સમજણ કેળવાયેલી હતી. એમને બરાબર ખ્યાલ રહેતો કે, ક્યારે બીજાને પોતાના સપોર્ટની જરૂર છે અને ક્યારે નહીં. મોટાભાગે ઘર-પરિવારમાં જ્યારે બે બહેન હોય અને એમાં પણ બન્ને ટીનએજર હોય તો મિત્રતા કરતાં એમના વચ્ચે દુશ્મનાવટ વધુ જોવા મળે છે. વળી,જો એમનો તદ્દન વિરુદ્ધ સ્વભાવ હોય ત્યારે એકબીજાનું મોઢું પણ જોવા રાજી હોતા નથી, જ્યારે અહીં રિયા અને આશાના બન્ને વચ્ચેનું બોન્ડિંગ ખરેખર જોવા- માણવાલાયક હતું. જોકે, જેમ-જેમ આશના મોટી થતી ગઈ એમ થયું એવું કે રિયાના પરફેક્શનના હંમેશાં શિક્ષકો, સગા-વ્હાલાઓ, મિત્રો એમ દરેક જગ્યાએ થતાં વખાણ હવે એને તકલીફ કરવા લાગ્યા. હમણા સુધી તો જાણે આશનાને એનાથી કોઈ ફેર પડતો નહોતો, પરંતુ એક વખત તરુણાવસ્થાનો તોર એના મગજ પર ચડવાનો શરૂ થયો એટલે પત્યું. આશનાની અંદર રિયાના વખાણ થાય ત્યારે એક પ્રકારનો અણગમો ઉમડવા લાગ્યો. એને સતત એવું લાગતું કે પોતે ક્યાંક ઊણી ઊતરી છે. આશના પોતાનો સ્વભાવ બદલી શકે એમ નહોતી.

એને બદલવો પણ ન હતો અને તોય રિયા જેવું બનવું જરૂર હતું. આ કેવી રીતે શક્ય બને? એટલે હવે આશનાએ દુ:ખે પેટને કૂટે માથું જેવો ઘાટ ઘડ્યો. એ ઘરમાં અતડી રહેવા લાગી. રિયાથી તો બને એટલી અળગી રહેવાના એ પ્રયત્નો કરતી. બહેન કરતાં બહેનપણીઓ હવે એના માટે વધારે મહત્ત્વની થવા લાગી. ટીવી જોવાના બહાને મોડેથી રૂમમાં આવી યોગા ક્લાસ માટે એ સવારે વહેલી બહાર જતી રહેતી. રિયા મૂંગા મોંઢે આ ખેલ જોયે રાખતી. એવામાં ફેમિલી વેકેશન માટે વિદેશ પ્રવાસનું આયોજન થયું. રિયાએ ત્યાં જઈ રિલેક્સ થવાના, સારાં પુસ્તકો વાંચવાના પ્લાન બનાવ્યા તો આશનાને થયું કે, આહા! રખડવાનો કેવો સરસ મોકો મળશે. બન્ને બહેને પોતપોતાની તૈયારીઓ શરૂ કરી. ખૂબ બધું પેકિંગ કર્યું. ટ્રીપ માટે ખરીદીઓ કરી. આશના તો જ્યારે જુઓ ત્યારે બધા સાથે ટ્રીપની જ વાતો કરતી, પણ સ્વભાવગત છેલ્લા દિવસ સુધી એની એકપણ વસ્તુ ઠેકાણે નહોતી. સતત પેકિંગ- અનપેકિંગ કર્યા કરતી આશના અંતે પોતાનો પાસપોર્ટ જ ભૂલી ગઈ.

એરપોર્ટ પર પહોંચી ત્યાં એને ખ્યાલ આવ્યો કે પોતે કેવડું મોટું બ્લન્ડર કરી બેઠી છે. મમ્મી-પપ્પાને કહેવાથી એ સીધા વરસી પડવાના…. હવે રિયા સિવાય એનો કોઈ આરો નથી. જો રિયા કહી દે કે, પાસપોર્ટ એનાથી ભૂલાય ગયો છે તો એના પેરેન્ટ્સ બહુ હોબાળો નહીં કરે. રિયાની ચોક્કસાઈ પર એટલો તો ભરોસો સહુ કોઈને હતો. ‘તારું તો દર વખતનું થયું’ કહી એને આશના માફક મોટો ઠપકો નહીં પડે.

અંતે વીલા મોંએ એણે રિયાને પરિસ્થિતિથી વાકેફ કરી. થોડા દિવસ થયે આશનાના તુમાખીભર્યા વર્તનથી રિયા પરેશાન જરૂર રહેતી,પણ એ સમજુ હતી અને આશના પર એને અપાર સ્નેહ પણ ખરો એટલે આશનાની ભૂલ એણે પોતાના શીરે લઈ લીધી. મમ્મી- પપ્પાનો નાનો એવો ઠપકો એણે સહન કરી લીધો. પાસપોર્ટની વ્યવસ્થા કરવામાં થોડી દોડાદોડી અને સ્ટ્રેસ ચોક્કસ થયો, પરંતુ અંતે બધું સાચવાય ગયું. એ દિવસે આશનાને ખ્યાલ આવ્યો કે, રિયા સાથે પોતાની સરખામણી સાચી નહોતી. પોતાનો સ્વભાવ ના બદલવાની જીદ્દ પણ ખોટી હતી. ક્યારેક જીવનમાં કંઇક સારું શીખવા માટે થોડો સ્વભાવ બદલવો ખૂબ જરૂરી હોય છે.

તરુણાવસ્થાની ભરતી-ઓટ વચ્ચે આશનાને આ વાતનો ખ્યાલ આવી ગયો હતો કે, કંઈ પણ થાય, એ બન્ને એકબીજાનો સહારો બની રહેશે, કારણ કે રિયા એની માત્ર બહેન નહોતી- બેસ્ટ ફ્રેન્ડ પણ હતી, જેના પર તમે વિશ્વાસ મૂકી શકો અને જેના પર આંખ મીંચીને ભરોસો કરો તો તમારું ભવિષ્ય સુધરી જાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button