લાડકી

તું કૌન હૈ, તેરા નામ હૈ ક્યા… સીતા ભી યહાં બદનામ હુઈ!

કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય

“મને માફ કરી દો મેડમ… ઘસાયેલું સલવાર કમીઝ પહેરેલ પાંચ ફૂટની સહેજ શ્યામવર્ણ ધરાવતી ૨૫-૨૭ની ઉંમરની એક સ્ત્રી ધ્રૂસકે ધ્રૂસકે રડી રહી છે. આખી સોસાયટી ટોળે વળી છે. એમને માટે આ તમાશો છે, પેલી સ્ત્રી માટે આ મરવાથી પણ વધારે મોટું અપમાન. એના બે નાનાં-નાનાં બાળકો- એક બે વર્ષનો છે, જે કશું સમજતો નથી પણ માને રડતી જોઈને રડી રહ્યો છે. બીજો સાત વર્ષનો છે, સમજે છે કે મા ઉપર ચોરીનો આરોપ મુકાયો છે… એની આંખોમાં સત્ય જાણવાનો ક્ષોભ અને શરમ દેખાય છે. એક બીજી સ્ત્રી આવે છે. આખા ટોળાને ખખડાવીને વિખેરે છે. જેણે ચોરીનો આરોપ મુક્યો છે એની સામે જોઈને પૂછે છે, “તમારા ઘરમાં કિટીપાર્ટી હતી ને ? કેટલા રૂપિયાનો દારૂ પીધો ? પર ડીશ કેટરિંગના કેટલા પૈસા ચૂકવ્યા તમે ? જેણે આરોપ મૂક્યો છે એ જવાબ આપે તે પહેલાં, બીજી સ્ત્રી એને પૂછે છે, “એ એટલા રૂપિયાથી વધારેની ગ્રોસરી તો નહીં ચોરી હોય ને ? હવે કદાચ શરમાવાનો વારો આરોપ મૂકનારી સ્ત્રી નો છે…

રડતી કામવાળીને લઈને બીજી સ્ત્રી પોતાને ઘેર જાય છે એને શાંતિથી બેસાડે છે અને પૂછે છે, “તે લીધું છે ? રડતી સ્ત્રી હા પાડે છે અને કહે છે, “એ લોકો રોજ ઢગલો ખાવાનું ફેંકી દે છે. મારા છોકરા માટે મેં થોડા ચોખા અને બીજી વસ્તુઓ પ્લાસ્ટિકની થેલીમાં ભરી લીધી. એ ફરી હાથ જોડે છે, “મને માફ કરી દો.

આ વુમન્સ ડેનું સેલિબ્રેશન છે. સત્યઘટના છે. અમદાવાદની એક ‘પોશ’ કહેવાતી સોસાયટીની ઘટના… વુમન્સ ડે ઊજવવા ટોળે મળેલી ીઓએ એક કામવાળીને પ્લાસ્ટિકની થેલીમાં થોડીક વસ્તુઓ લઈ જતી જોઈ. એમાં ચીઝ, બટર કે સુકોમેવો નહોતા. ચોખા, તુવેરની દાળ, ખાવાનું તેલ અને થોડો લોટ હતા. વુમન્સ ડેના દિવસે કદાચ એ ઘરકામ કરનારી સ્ત્રી પોતાના સંતાનને ભરપેટ જમાડવા માગતી હતી… એ એનું સેલિબ્રેશન હતું ! પણ ન થઈ શક્યું…

એમ્પાવરમેન્ટના નામે એક દિવસમાં ચાર-ચાર ફંકશન થાય છે. ડ્રેસકોડ અને મેનુ ગોઠવાય છે. સ્ત્રીઓ રમતો રમે છે… હાઉઝી, સંગીત ખુરશી અને ડમ્બ શરાડ જેવી રમતો ‘હા હા… હી હી…’ સાથે રમાય છે. આમાં કશું ખોટું નથી. ઉજવણી થવી જ જોઈએ, આનંદ વહેંચાવવો જ જોઈએ, સૌએ મજા કરવી જોઈએ… પરંતુ, જેને ‘વુમન્સ ડે’ની ખબર નથી એવા લોકોને પણ આ ઉજવણીમાં સામેલ કરવા જોઈએ. આપણે સમાજના એવા સ્તરમાં છીએ જ્યાં સ્ત્રી પાસે પોતાનું વાહન, સેલફોન, કબાટમાં ઢગલો કપડા અને લોકરમાં મોડરેટથી શરૂ કરીને એક્સેસીવ દાગીના છે. આપણે એવી જિંદગી જીવી રહ્યા છીએ જેમાં આપણને ભાગ્ય જ ‘અભાવ’ નામના શબ્દની ઓળખાણ થાય છે. આ ઘરકામ કરનારી સ્ત્રી જેવી કેટલીયે સ્ત્રીઓ છે. જેનાથી ભૂખ્યા બાળકની પીડા નથી જોવાતી. કામ કરવા પોતાની સાથે લઈને આવવું પડે, કારણ કે ઘરે કોઈ રાખનાર ન હોય, પતિ દારૂડિયો હોય… કે પછી મૃત્યુ પામ્યો હોય, બીજી સ્ત્રી સાથે ચાલી ગયો હોય ! આવી સ્ત્રીઓને સલામ કરવી જોઈએ વુમન્સ ડેના દિવસે એમનું સન્માન થવું જોઈએ કે એમણે બાળકને રઝળતા મૂકવાને બદલે જાત ઘસીને સ્ત્રીત્વને ઉજળું કરી બતાવ્યું છે. માતૃત્વને સાચા અર્થમાં પ્રામાણિક્તાથી નિભાવ્યું છે.

સ્ત્રી હોવું એટલે શું ? આ સવાલના ઘણા જવાબ છે. ‘મનુસ્મૃતિ’થી શરૂ કરીને આજ સુધી, વિશ્ર્વભરના લેખકોએ સ્ત્રી વિશે ઘણું લખ્યું છે. સ્ત્રીએ પણ સ્ત્રી વિશે લખ્યું છે, પુરુષોએ પણ સ્ત્રી વિશે લખ્યું છે… અહીં સવાલ એ છે કે હું જ્યાં ઊભી છું ત્યાંથી, ‘સ્ત્રી હોવું’ કેવું લાગે છે? એક વાક્યમાં જવાબ આપું તો, મને ગૌરવ છે. આનંદ, સંતોષ અને સુખ છે – એ વાતનું કે હું સ્ત્રી છું ! મારે એવું સ્વીકારવું જોઈએ કે ‘સ્ત્રી’ હોવાને કારણે મને એવો કોઈ ઝાઝો અન્યાય નથી થયો. મને ‘સ્ત્રી’ તરીકે થયેલા અપમાનજનક, ક્ષોભજનક કે પીડાદાયક અનુભવોનું બહુ મોટું લિસ્ટ નથી મારી પાસે ! મારા ઉછેરથી શરૂ કરીને આજ સુધી હું બહુ જુદી સ્થિતિમાં જીવી છું. પિતા, મિત્રો, પતિ કે પુત્ર… કોઈએ મને સ્ત્રી હોવાને કારણે અન્યાય કર્યો એવું મને નથી લાગતું. બલ્કે, મને તો એવું લાગે છે કે મને સ્ત્રી હોવાને કારણે કેટલાક ફાયદા થયા છે. કેટલાક અદ્ભુત અનુભવો થયા છે. મારા સંબંધને અને મારી સફળતાને મારા સ્ત્રીત્ત્વમાંથી સત્વ મળ્યું છે.

મારે બહેનપણીઓ ઓછી, ને ભાઈબંધો વધારે છે ! હું પુરુષો સાથે ખુલ્લા દિલે હસી શકું છું, ધબ્બો મારીને વાત કરી શકું છું, ભેટી શકું છું કે એમની મજાક કરી શકું છું, ફલર્ટ કરી શકું છું… આનું કારણ એ નથી કે હું બહુ બિન્દાસ્ત છું, આનું કારણ એ છે કે મારી આસપાસના પુરુષોએ મને એ સ્વતંત્રતા, સગવડ અને મોટેભાગે સન્માન પણ આપ્યાં છે. સમય સાથે અને ઉંમર સાથે મને એવું લાગે છે કે અર્બન સ્ત્રીને ફરિયાદ કરવાની મજા પડે છે. ‘આંચલમેં દૂધ ઔર આંખો મેં પાની’ એને માટે જરા ગ્લેમરસ બાબત હશે? દુ:ખી હોવાની કે અન્યાય થયો હોવાની ફરિયાદ કરવી એ ધીમેધીમે ફૅશન બનતી જાય છે, ખાસ કરીને શહેરી સંસ્કૃતિમાં!

આપણે બધા ભણેલા-ગણેલા, પ્રમાણમાં સ્વતંત્ર અને અપડેટેડ – અપગ્રેડેડ લોકો છીએ. આપણે ત્યાં સ્ત્રી-પુરુષનો, દીકરા-દીકરીનો ભેદ ધીમેધીમે ઘટતો જાય છે. જો ખરેખર કોઈ ફરિયાદ કરી શકે અથવા સાચા અર્થમાં ‘સ્ત્રી’ હોવાના અનુભવમાંથી પસાર થયા હોવાની વાત કરી શકે તો એ ટાઉનશીપની નાના ગામની છોકરીઓ છે. જુનવાણી માતા-પિતા અને ગામના ઉતાર જેવા છોકરાઓની કપડાંમાંથી આરપાર જોતી આંખોનો સામનો કરવો પડે તો કહી શકાય કે ‘સ્ત્રી’ હોવું એ શું એની મને ખબર છે! શિક્ષિકા, આંગણવાડીની નોકરી મેળવવા, નોકરી ટકાવવા માટે અદોદળા, ગંદા પુરુષોને શરીર સોંપવું પડે ત્યારે કદાચ સ્ત્રી હોવું એ શુંનો જવાબ મળી શકે… માંડમાંડ બચાવેલા પૈસા ધણી દારૂમાં કે સટ્ટામાં ઉડાડે, શરાબ પીએ, મારે-કોઈ કારણ વગર શક કરે ને એટલું ઓછું હોય એમ પાંચ માણસની સામે ઇજ્જત ઉછાળે ત્યારે સમજાય, કદાચ કે સ્ત્રી હોવું એટલે શું !

દર મહિને પોતાના શરીરમાંથી વહેતું લોહી જોવું સરળ નથી… ‘દેવી’ અથવા ‘દાસી’ બનીને રહેવું, ને માણસ બનવાની ઇચ્છા થાય ત્યારે કાં તો નીચે ઊતરવું પડે ને કાં તો અવાજ ઉઠાવવો પડે, એ કેવું? બદલાતા સમય સાથે ીના વો બદલાયા છે. ઘૂંઘટથી શોર્ટ્સ સુધીનો પ્રવાસ એણે ઊંચા શ્ર્વાસે કર્યો છે. ઘરમાં દીકરા અને દીકરી વચ્ચેના તફાવત ઘટ્યા છે, કદાચ! સ્ત્રીને સમાજમાં અપાતી ટ્રીટમેન્ટમાં ફેર પડ્યો છે. એ ભણે છે, કમાય છે, સ્વતંત્ર નિર્ણય કરે છે, મરજીથી પરણે છે ને મરજીથી છૂટાછેડા લે છે… પોતાના પૈસા પોતાના માટે વાપરવાની હિંમત આવી છે એનામાં. ઈશ્ર્વરે આપેલી શરીર રચનામાં કે ચહેરાની રચનામાં કોસ્મેટિક્સ સર્જરીની મદદથી ફેરફાર પણ કરાવે છે, આ સ્ત્રી… હજીયે ફેરનેસ ક્રીમનું વેચાણ ઘટ્યું નથી! સુંદર દેખાવું એ હજીયે ‘સ્ત્રીત્વ’નો પર્યાય માનવામાં આવે છે. મેટ્રિમોનિયલ જાહેરાતમાં હજીયે ‘ઊંચી, પાતળી, ગોરી, સુશીલ, સંસ્કારી’ લખાય છે! હજીયે ‘નિર્દોષ ડિવોર્સી’ એન.આર.આઈ. લગ્ન કરવા માટે ભારત આવે છે ને હજીયે હૈદરાબાદ, કર્ણાટક, ઓરિસ્સા અને ઉત્તર પ્રદેશમાં લગ્ન કરાવનારા એજન્ટ્સ દેહવ્યાપાર માટે સ્ત્રીને મજબૂર કરે છે. હજીયે બળાત્કાર થયો હોય એવી છોકરીને ઝૂમાંથી આવેલા પ્રાણીની જેમ જુએ છે, એની દયા ખાય છે ને એને ‘ભ્રષ્ટ થયેલી’ – ‘જિંદગી બરબાદ થઈ ગયેલી’ માનવામાં આવે છે.

જામનગરની નવ વર્ષની ઈશિતા કે દ્રોણની નાનકડી દીકરી જે ચૌદ વર્ષે પ્રેગ્નેન્ટ છે, નિર્ભયા કે જેસિકા લાલ…કેટલા નામ લઈશું ? કોને કોને યાદ કરીશું ? સવાલ એ છે કે, આવી સ્ત્રીઓ જે અત્યાચારની ભોગ બની છે એની કથા તો આંખમાં આંસુે સાથે કહેવાય છે. કેન્ડલ માર્ચ થાય છે, રેલી નીકળે છે, અખબારોમાં ફોટા છપાય એ માટે કેટલાય લોકો આવી રેલીમાં જોડાય છે… ને પછી ? નવી ઘોડી નવો દાવ ! નવો કિસ્સો, નવો ચકચાર, નવી કથા… નવી ટીઆરપી, નવી રીડરશીપ.

હજી શ્રીદેવીની ચિતા માંડ ઠંડી પડી છે. એક સેલિબ્રિટી મૃત્યુ પામે ત્યારે એ મીનાકુમારી હોય કે સ્મિતા પાટીલ, પ્રત્યુષા હોય કે ઝિયા ખાન… એના મૃત્યુ પછી એના મડદાને ચૂંથવામાં આપણને અજબ જેવી મજા આવે છે. કાપાલિકોની જેમ એ કોને મળતી હતી ? શું કરતી હતી ? શરાબ પીતી હતી, સર્જરી કરાવતી હતી, પતિ સાથે ઝઘડતી હતી, ટુ ટાઈમિંગ કરતી હતી… ડ્રગ્સની અસર નીચે હતી, નિષ્ફળતા એને પચી નહોતી… આ બધું આપણે કહેવું છે પણ આપણે ભૂલી જઈએ છીએ કે શ્રીદેવી જ્હાન્વી અને ખુશીની મા હતી, સ્મિતા પાટીલને અઢાર દિવસનો પ્રતીક નામનો દીકરો હતો, પ્રત્યુષાના મા-બાપ હતાં, ઝિયા ખાનને સૂરજ પંચોલી નામનો એક છોકરો ચાહતો હતો… રેખાના પતિની આત્મહત્યા પછી એણે પબ્લિક અપિયરન્સ લગભગ બંધ કરી દીધો… આપણે ભૂલી જઈએ છીએ કે, સેલિબ્રિટી પણ માણસ જ છે ! કોઈ પુરુષના મૃત્યુ પર આટલી મજા લઈને આપણે ચર્ચાઓ નથી કરતા કારણ કે, એની જિંદગીમાં કઈ જાણવા જેવું હોતું જ નથી, કેમ ? શ્રીદેવીના ઘરમાં પણ કોઈ દિવસ કામવાળી નહીં આવતી હોય, એને પણ મેનોપોઝની અસર થતી હશે… રેખાને પણ ક્યારેક એકલતા લાગતી હશે, પ્રત્યુષાના ઉશ્કેરાટની પાછળ એની મા બનવાની લગ્ન કરવાની ઝંખના હશે ? દિવ્યા ભારતીને એના લગ્નનો સ્વીકાર થાય એથી વધુ કદાચ કશું નહીં જોઈતું હોય…

વુમન્સ ડેના દિવસે, જે આ વાંચે એણે એટલું નક્કી કરવું જોઈએ કે મેઈડથી મિનિસ્ટર સુધી સર્વન્ટથી સેલિબ્રિટી સુધી જે સ્ત્રી એમની આસપાસ હોય, એનું સન્માન ન કરી શકે તો કંઈ નહીં પણ એની અંગત જિંદગીમાં ડોકિયાં કરીને, એને વિશે જજમેન્ટ પાસ કરીને ફરી ફરીને એના વસ્ત્રાહરણ ન થાય એટલો પ્રયત્ન કરે. થઈ રહેલા વાહરણમાં મૂર્ખ અને નપુંસકની જેમ બેસી રહેવાને બદલે એનો વિરોધ કરે…

વુમન્સ ડેનું સાચું સેલિબ્રેશન એ છે કે જાણે કોઈ સ્ત્રીનું અપમાન થતું હોય, છેડતી થતી હોય, શોષણ કે બળાત્કારની સ્થિતિ સર્જાતી હોય ત્યારે, એનાં સંતાનો ભૂખે મરતા હોય, બાળકને ભણાવવા માટે મા તનતોડ મજૂરી કરતી હોય ત્યારે… બની શકે એટલી મદદ કરીએ અને જો મદદ કરવાની આપણી હિંમત કે હેસિયત ન હોય તો કમસેકમ આવી સ્ત્રીને એકવાર મનોમન વંદન કરીને એને માટે પ્રાર્થના કરીએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button