લાડકી

કૂતરાંંઓને અજમાવી જોજો…

લાફ્ટર આફ્ટર – પ્રજ્ઞા વશી

હંમેશાં હસતા રહેતા હસમુખભાઈનું મોં રડમસ કેમ થઈ ગયું એની પાછળ એક ઘટના જવાબદાર છે. હસમુખભાઈ હંમેશાં એમની પત્નીને કહ્યા કરે, “તું આમ હંમેશાં ફળિયાના કૂતરાંને હડે હડે શા માટે કરે છે? એ બિચારાંઓએ તારું શું બગાડ્યું છે? એમની પત્ની જવાબમાં કહેતી કે, “આ મૂઆ આખો દિવસ ભસતા ફરે છે. જરા જેટલી શાંતિ મળતી નથી. ઉપરથી કોઈ વાર કોઈને બચકા ભરે તો શું? હસમુખભાઈ હસતાં હસતાં બોલ્યા, “જો ડિયર, ભસતા કૂતરાં કદી પણ કરડે નહીં.

“એમ? તો પછી હમણાં આ કૂતરાંં ભસે જ છે. એમની પાસે જઈ જરી હળી કરી જુઓ, એટલે ખબર પડે!

અને હસમુખભાઈએ કહેવતને પુરવાર કરવા ભસતા કૂતરાં પાસે જઈને પૂંછડી અમળાવી જોઈ, કે તરત પેલા ભસતા કૂતરાંએ જોરમાં બચકું ભર્યું. ડોક્ટરના ઘરના એકવીસ આંટા અને એકવીસ ઇન્જેક્શન લીધા બાદ હસમુખભાઈનું હાસ્ય કાયમ માટે ઊડી ગયું અને પેલી કહેવત ફરી બોલવાની હિંમત કરી શક્યા નહીં.

કૂતરાંંના અનેક પ્રકારો છે અને અનેક પ્રકારની હરકતો પણ છે.

પડોશમાં રહેતા રમેશભાઈના સ્કૂટરની પાછળ દરરોજ કૂતરાં એવા દોડે છે કે રમેશભાઈ સ્કૂટરનું બેલેન્સ રાખતાં રાખતાં થાકી જાય છે. એકવાર તો કૂતરાંને હંફાવવા માટે સ્કૂટરની સ્પીડ વધારતા ગયા અને પડ્યા. શરીર ઠેક ઠેકાણે છોલાયું. પત્ની સરલાબેનને જરી મજાક કરવાનું શું સૂઝ્યું કે વળી (દાઝ્યા ઉપર ડામ જેવું) બોલ્યાં, “પોલીસો હંમેશાં કહે છે કે ચોરી કરનાર ઈસમ પાછળ કૂતરાં તરત જ પગેરું સૂંઘતાં સૂંઘતાં દોડી જાય છે. તે તમે પણ કંઈક… હજી સરલાબેન વાક્ય પૂરું કરે, તે પહેલાં રમેશભાઈએ એવો તો ગુસ્સો કર્યો કે આખો દિવસ તેઓ રસોડામાં જ ભરાઈ રહ્યાં. (હડકાયા કૂતરાં ક્યારે કરડે તે કંઈ કહેવાય નહીં. ખરું ને? જાન બચી તો લાખો પાયે!)

સુરતમાં તો હમણાં હમણાં કૂતરાંઓએ એવો ઉપાડો લીધો હતો કે ન પૂછવાની વાત! કંઈ કેટલાય રાહદારી, બાળકો તેમજ છાતી કાઢીને ફરનારાઓને બચકા ભરવામાં જાણે કૂતરાંઓને ચળ આવી હતી. પત્રકારોને રોજ એક નવું હેડિંગ મળી રહેતું હતું. કેટકેટલી શેરીમાં કેટકેટલા લોકો કૂતરાંઓના બચકાનો ભોગ બન્યા, એ ન્યૂઝ મોટા અક્ષરે છપાતાં જોઈને અન્ય કૂતરાંઓ, બચકાધારી કૂતરાંઓને પકડવા શું કરવું જોઈએ, એ માટે એક સમિતિની રચના કરવા બેસી ગયા!

શાળા મહાશાળાની આસપાસ ફરતા કૂતરાંઓથી બાળકોએ કઈ રીતે બચવું, એની ટ્રેનિંગના ભાગરૂપે એક શિક્ષકે, વર્ગખંડમાં બાળકોને ‘આજકાલના કૂતરાંઓ’ એવો એક નિબંધ લખવા આપ્યો. નિબંધ લખવા આપવાનો એક ફાયદો એ થયો કે શિક્ષકને પૂરી પિસ્તાળીસ મિનિટ ઊંઘ કાઢવા મળી ગઈ. આ બાળકો કૂતરાંઓ ઉપર રિસર્ચ પેપર લખવા બેઠાં. પણ એમાંના કેટલાંક બાળકોએ શિક્ષકને ઊંઘતા જોઈને પોતે જ ભસવાનું શરૂ કરી દીધું! કેટલાકે પોતાના ઘરનાં કૂતરાંઓની હરકત બેંચ ઉપર ઊભા રહીને કરી બતાવી. કેટલાક તો કૂતરાં કેવી રીતે બચકા ભરે, એનું પ્રત્યક્ષ નિદર્શન કરીને એકબીજા સાથે બાથમબાથી પર આવી ગયાં. કેટલાકે કૂતરાંઓ કઈ રીતે ભસે છે, એનું નિદર્શન કર્યું. એકે વળી પોતાની મમ્મીને ટોમી કેટલો વહાલો છે, એનું પણ અભિનય નિદર્શન કરી દરેકને હસાવ્યાં.

કાચી ઊંઘમાંથી ઝબકીને ઊઠેલા શિક્ષકે વર્ગખંડમાં ભસતાં, હસતાં અને એકબીજાને બચકા ભરતાં કૂતરાંઓ (સોરી, બાળકો) જોઈને, ‘પહેલાં આમાંથી હું કોને બચકું ભરું’ એમ વિચારી, “સાયલન્સ… એમ જોરથી બરાડ્યાં. એક ક્લાસમાં પચાસ ભરેલા હોય, ત્યાં બિચારો શિક્ષક પણ શું કરે?

પચાસમાંથી પાંચ ડાહ્યા છોકરાઓએ કૂતરાં ઉપર નિબંધ લખ્યો હતો. શિક્ષક મહાશયે એક પત્ર હાથમાં લીધો અને એ છોકરાને અભિનંદન આપ્યાં અને એ બાળકને એનો નિબંધ વાંચવા ઊભો કર્યો. ‘કૂતરાંઓ ઘણા પ્રકારના હોય છે. કૂતરાંઓ માણસો કરતાં પણ વધારે પ્રમાણિક હોય છે. એટલે મારી મમ્મી, પપ્પાને ડફોળ કહે છે અને એના વહાલા ડોગીને ‘હની’ કહે છે. આખો દિવસ હનીને લાડ કરે, ખવડાવે, કારમાં ફરવા લઈ જાય અને હાથમોજાં પહેરીને ‘પોટ્ટી’ પણ સાફ કરે…’ હજી વધુ વાંચવા જાય તે પહેલાં શિક્ષકે કહ્યું, “બસ, બસ, હવે બહુ થયું. વધારે પડતું જ્ઞાન ઠાલવી દીધું છે. બેસી જા.

પછી બીજાને ઊભો કરી એને વાંચવા કહ્યું. ‘સરે આજે નિબંધ નામે ‘આજકાલના કૂતરાંઓ’ લખવા આપ્યો. પછી સર નિરાંતે ઊંઘી ગયા. છોકરાઓએ ‘આજકાલનાં કૂતરાંઓ’ નિબંધ લખવાની જગ્યાએ ભજવવાનો જ શરૂ કરી દીધો! મારા બાપા પોલીસમાં છે. એ પણ એક કૂતરોં રાખે છે. મારા બાપા એ કૂતરાં સાથે મને સરખાવી કહે છે કે “જો, આના જેવો બનજે ઇન્ટેલિજન્ટ. મેં પૂછ્યું, “બાપા, એ કેવી રીતે? તો બાપા કહે, “જ્યાંથી મારું વિચારવાનું અટકી જાય છે, ત્યાંથી આ ડોગનું વિચારવાનું (સૂંઘવાનું) શરૂ થાય છે. ચોરનું પગેરું શોધી કાઢીને જ રહે છે. સો ઇન્ટેલિજન્ટ માય ડોગી ડિયર! આ સાંભળીને મારી મમ્મીએ ગુસ્સામાં કહ્યું, “એ ડોગી ડિયર હારે પગેરું જ શોધ્યા કરો. ખબરદાર! જો ઘરમાં પગેરું શોધવા આવ્યા છો તો! પણ એ પછી મારા બાપા ડોગીને પોલીસચોકીમાં મૂકીને જ ઘરે આવે છે. ત્યાર પછી મારાં મમ્મીના ખાસ ફ્રેન્ડ જીતુ અંકલ પણ ઘરમાં આવતા બંધ થઈ ગયા છે. આ કૂતરાંએ મારી આખી બાજી બગાડી નાખી! બાકી જીતુ અંકલ આવે, ત્યારે ત્યારે મને બારણા બહાર ઊભા રહીને કોઈને ઘરમાં ન આવવા દેવા બદલ રોજ બે કેડબરી મળતી હતી. તે તો ગઈ જ ને!!’

ત્રીજો એનો નિબંધ વાંચવા ઊભો થયો અને શરૂઆતની એક લીટી વાંચી. કૂતરાંઓના અનેક પ્રકારો હોય છે અને તે જુદા જુદા વેશમાં આપણી આસપાસ ફરે છે. બસ કૂતરાં પારખવા માટે તમારી પાસે પણ કૂતરાં જેવું નાક હોવું જોઈએ.’ અને સર બોલ્યા, “બસ, બસ, હવે બધા સૂંઘવાનું અને ભસવાનું બંધ કરો!!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બિકિની નહીં પણ આ કપડાંમાં બોલ્ડ ફોટોશૂટ કરાવી અભિનેત્રીઓએ મચાવ્યો તહેલકો… શું તમે પણ પ્લાસ્ટિક ટૂથબ્રશ વાપરો છો? 38ની કમરને બનાવવી છે 28ની? બસ ફોલો કરો આ ધાસ્સુ ટિપ્સ… ઑલિમ્પિક્સમાં વિશ્ર્વના પાંચ ફાસ્ટેસ્ટ પુરુષ દોડવીરો કોણ? ચાલો ઝડપથી એક નજર કરી લઈએ..