લેણદેણ
ટૂંકી વાર્તા -ડૉ. મનીષા પટેલ
(ગતાંકથી ચાલુ)
તપાસી ડૉક્ટરે કહ્યું. “પ્રાથમિક તપાસમાં કાંઈ સમજાતું નથી અત્યારે તો હું આ દવા આપું છું સારું લાગશે, પણ આ સાથે હું અમુક ટેસ્ટ કરાવવાનું જણાવું છું. કાલે ને કાલે કરાવી લેશો.
“હા. ચોક્કસ ડૉક્ટર આપનો આભાર.
ડૉક્ટર જતાંજ ઈશા રડવા લાગી. એને ડર લાગતો હતો. કાવ્યાએ એને શાંત કરી દવા આપી. અસ્પષ્ટ શબ્દોમાં ઈશા બોલતી હતી. “મને… મને જીવવું છે કાવ્યા, મારા આદિ માટે… એને ભણાવવો છે.
“અરે. તું તો એવી વાત કરે છે જાણે મૃત્યુ તને હમણાં ને હમણાં લઈ જશે, ગાંડા જેવી વાત નહીં કર… તને કાંઈ જ થવાનું નથી. સૂઈ જા…
ઈશાને જાણે કાળે સંદેહ આપી દીધો હતો છતાં દવાની અસરમાં સૂઈ ગઈ.
એકલી પડતાં જ કાવ્યાને રાહુલ યાદ આવી ગયો. એણે મનમાં મીઠી ઝણઝણાટી અનુભવી. એને રાહુલ ગમતો. ક્યારેક એકલતામાં રાહુલ સાથેના સપના જોતી. છતાં પોતાની જવાબદારીથી એ જાગૃત હતી. આજે રાહુલે બતાવેલી આત્મીયતા એને ગમી. મીઠા ખયાલોમાં ક્યારે ઊંઘ આવી ખબર જ ન પડી.
સવારે ઊઠતાં જ રાહુલને ફોન કર્યો.
“ફરમાવો મેડમ હું આપની શું સેવા કરી શકું?
સવારમાં રાહુલનો પૌરુષતા ભરેલો નાટકીય અદામાં અવાજ સાંભળી હસી પડી…
“સેવા નહીં મારી એક વિનંતી છે. હું આજે ઓફિસ નહીં આવી શકું… રાહુલને સર્વ હકીકત જણાવી.
“ઓકે. ટેક કેર. કાંઈ કામ હોય તો એની ટાઈમ ફોન કરજે, હું રાત્રે ફોન કરીશ, તારી કાળજી રાખજે…
મનમાં શાંતિ થઈ કાવ્યાને. ઈશાને લઈ ડૉક્ટરે કહ્યા પ્રમાણે ટેસ્ટ કરાવી થોડું ખાઈને ઘરે આવ્યા. ઈશા તો દવા લઈને સૂઈ ગઈ. કાવ્યાને થયું અડધો દિવસ ઓફિસમાં ગઈ હોત તો… રાહુલ સાથે વાત થઈ હોત… પણ ઈશાને એકલી મૂકતા જીવ ન ચાલ્યો.
રાહુલના ખયાલ માત્રથી કાવ્યાનું તન મન જાણે ઝૂમી ઉઠતું. એ વિચારી રહી રાહુલ માટેની આ લાગણી ક્યાંક એના માટેનો પ્રેમ તો નથી. એની યાદ કેમ હરપળ આવે છે? યાદ સાથે જ મનમાં આવા મીઠાં સ્પંદનો શા માટે થાય છે? અચાનક વાગેલી મોબાઈની રીંગે એની વિચારધારા તૂટી. સ્ક્રીન પર રાહુલનું નામ વાંચતાં જ ખુશી અને આશ્ર્ચર્ય થયું. વોટ એ ટેલીપથી? ફોન પર રાહુલનો નાટકીય અવાજ સંભળાયો.
“હેલો મેડમ!! જમ્યા કે નહીં, ઈશાની સેવામાં ભૂલી તો નથી ગયાને
“ના, અત્યારેજ જમી, ઈશા સૂતી છે હું તારા જ વિચાર કરતી હતી.
“વાહ! શું વાત છે? મેડમ અમને વિચારોમાં રાખે છે જાણી આનંદ થયો.
ફોન પર હોવા છતાં કાવ્યા શરમાઈ ગઈ.
“ના, ના, એવું નથી આ તો… આમજ.
“ઓકે. ઓકે… મારે સ્પષ્ટતા નથી જોઈતી… ઈશાને કેમ છે? હું સાંજે તમારી સાથે રિપોર્ટ લેવા આવીશ કેટલા વાગે નીકળશો?
કાવ્યા મનથી રાહુલને મળવા ઈચ્છતી હતી એણે તરત જ સાંજે છ વાગે ત્યાં મળવાનું કહી દીધું.
કાવ્યા પહોંચીને રાહુલની રાહ જોતી હતી. રાહુલના આવતાંજ બન્ને ડૉક્ટર પાસે રિપોર્ટ માટે ગયા.
ગંભીર વદને ડૉક્ટરે બન્નેને બેસાડી રિપોર્ટ બતાવી નિદાન જણાવ્યું… “તમે તાત્કાલિક એમને હૉસ્પિટલમાં એડમીટ કરો. આ રિપોર્ટ તો કેન્સર તરફ ઈશારો કરે છે. હાલ પૂરતું તમે પેશન્ટને જણાવશો નહીં પણ… ઉતાવળ કરવી જરૂરી છે. એમના કોઈ નજીકના સગાને બોલાવી લો.
આઘાતથી કાવ્યા કાંઈ જ બોલી ન શકી. રાહુલે ડૉક્ટરનો આભાર માની કાવ્યાનો હાથ પકડી રિપોર્ટ લઈ બહાર લઈ આવ્યો.
“ચાલ સામે હોટલમાં બેસી કોફી પીએ, પછી હું તને ઘરે મૂકી જઈશ.
કોઈ જવાબ આપ્યા વગર જ કાવ્યા રાહુલ સાથે દોરાઈ… કોફી અને બ્રેડ બટરનો ઓર્ડર આપી રાહુલે કાવ્યાને સમજાવવા પ્રયત્ન કર્યો. સ્વસ્થ થતાં કાવ્યાએ રાહુલને ઈશા વિશે બધી જ વાત કરી. કોફી પીતાં રાહુલ પણ વિચારમાં પડ્યો. છતાં કાવ્યાને હિંમત આપી.
“જે હશે એનો સામનો કરવો જ પડશે. અત્યારે ઈશાને તારી જરૂર છે એનું તારા સિવાય કોણ છે? તું જ આમ નિરાશ થઈ જશે તો ઈશાને કેવી રીતે સાચવશે?
“કાલે સવારે તમે તૈયાર રહેજો. પુરોહિત હૉસ્પિટલમાં કેન્સરના નિષ્ણાતો આવે છે અને એક ડૉક્ટર મને ઓળખે છે. ત્યાં એડમીટ કરીએ… હિંમત રાખ અને તું એકલી નથી હું તારી સાથે જ છું.
“ઓકે. થેન્કયુ રાહુલ…
કાવ્યાને ઉતારી રાહુલ ઘરે ગયો…. ઈશા કાવ્યાની આતુરતાથી રાહ જોતી હતી.
શું થયું? રિપોર્ટમાં શું આવ્યું? કેમ મોડું થયું?
“ઓહો, શાંતિ રાખ… જો રિપોર્ટ તો નોર્મલ છે પણ તને વિકનેસ છે માટે ડૉક્ટરે એક બે દિવસ એડમીટ થવા કહ્યું છે. રાહુલની ઓળખાણ છે કાલે સવારે આપણે જઈશું. તારે વધારે ચિંતા કરવાની જરૂર નથી, અમે બન્ને તારી સાથે જ છીએ. ચાલ થોડું જમી લઈએ.
કાવ્યા ઈશા સાથે વધુ ચર્ચા કરવા નહોતી માગતી… રિપોર્ટ એણે પોતાની પાસે જ રાખ્યા. જમી પરવારી જાણે કાંઈ થયું જ નથી એમ બેસીને ટી.વી. જોયા કર્યું.
સવારે છ વાગ્યામાં રાહુલ આવી ગયો. એની ઓળખાણ હોવાથી તરત જ એડમીટ કરી ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ. જુદા જુદા રિપોર્ટ તથા નિષ્ણાત ડૉક્ટરોની ટીમ આવી ગઈ. સાંજ સુધીમાં ચોક્કસ નિદાન થઈ ગયું… ઈશાને આંતરડાનું કેન્સર છે… ડૉક્ટરે સમજાવ્યું કેન્સર જન્ય ભાગ કાપીને ઈલાજ કરવો શક્ય નથી. માટે એ જીવે એટલી જિંદગી બાકી તો બધું જ ઈશ્ર્વરના હાથમાં છે. શક્ય હોય તો એના સગાવહાલાને જણાવી દેજો…
રાહુલ સાથે કાવ્યાએ ચર્ચા કરી એના મત પ્રમાણે ઈશાથી કાંઈ જ ન છુપાવવું બધું જ સાચું જણાવી દેવું જેથી તે એના દીકરાને શાંતિથી મળી શકે.
રાત્રે ઈશા થોડી સ્વસ્થ જણાતાં કાવ્યાએ કોફી મંગાવી એની પાસે બેસી હળવેથી માથા પર હાથ ફેરવતા વાતની શરૂઆત કરી. કાવ્યા તથા રાહુલની દોડાદોડ તથા ચહેરાના ભાવ પરથી ઈશાને પોતાની બીમારીની ગંભીરતા ખબર જ હતી. માટે જ અત્યારે એ સ્વસ્થ હતી. “મારું કાવ્યા તમારા સિવાય કોઈ જ નથી એક મારો આદિ… ગળગળા અવાજે ઈશાએ કહ્યું. “મારા પતિના મૃત્યુ પછી સાસરિયામાંથી કોઈએ મને પોતાની નથી ગણી અને છેલ્લાં ત્રણ વર્ષથી ભાઈ-ભાભીએ મારી તપાસ સુધ્ધાં નથી કરી માટે આદિત્ય સિવાય હવે કોઈને જણાવવાનું નથી.
રાહુલે આદિત્યની સ્કૂલમાં વિગતે વાત કરી એને બોલાવી લીધો. ઓફિસમાં કાવ્યાની રજા નવી નોકરી હોવા છતાં મંજૂર કરાવી લીધી. નિયમિત હૉસ્પિટલમાં આંટા મારી ઈશા અને ખાસ તો કાવ્યાની કાળજી રાખતો. આ દિવસો દરમિયાન બન્ને જણા એકબીજાના પૂરક હોય તેમ નજીક આવી ગયા. મનથી બન્નેએ એકબીજાને સ્વીકારી લીધાં. આદિત્ય પણ આવીને રાહુલ તથા કાવ્યા સાથે હળીમળી ગયો. નાનો છતાં સમજુ આદિ. મમ્મીની પરિસ્થિતિ વિશે જાણતો હતો. માટે એને ખુશ રાખવા પ્રયત્ન કરતો.
પંદર દિવસ થઈ ગયા… ઈશા આદિત્ય સાથે હસતી વાતો કરતી પણ એની ઊંડી ઊતરી ગયેલી આંખોમાં વિષાદ કાવ્યા સ્પષ્ટ જોઈ શકતી. એને આદિત્યની ચિંતા હતી. નવ વર્ષની વયે આ બાળક અનાથ થઈ જશે. હવે એનું શું થશે? આવા વિચારે એ કાવ્યા પાસે રડી પડતી. એ પણ રાહુલને કહેતી, “ઈશાને આદિત્યની ચિંતા છે. મા-બાપ બન્નેનું છત્ર ગુમાવી દેનાર બાળકની મને પણ કાળજી છે પણ આપણે શું કરી શકીએ?
રાહુલ સમજાવતો. “જો કાવ્યા, ઈશ્ર્વરે કાંઈક તો વિચાર્યું હશે… કાવ્યાનો હાથ પંપાળતા રાહુલ પ્રેમથી કહે, “આપણને બધાને આ રીતે ભેગા કરવામાં પ્રભુની મરજી હશે, એમને આપણી આપણા કરતાં વધુ ચિંતા હોય છે. એ સોનું ભલું જ કરે છે. માર્ગ ભલેને વિકટ હોય પણ એને બીજે છેડે સુખ રહેલું છે એટલી આશા માનવીના મનમાં જાગે તોય એ રસ્તો એને સુગમ લાગવા માંડે છે… સમજાય છે ને?
જાણે કોઈ મહાત્મા બોલતા હોય એમ રાહુલ બોલતો હતો. કાવ્યા તેને અહોભાવથી જોઈ રહી. જ્યારે રાહુલ કાવ્યાનો હાથ પસરાવતા ઊંડા વિચારમાં હતો. મૌનમાં બન્નેએ ઘણી વાતો કરી લીધી. રાહુલે જાણે કોઈ નિર્ણય લઈ લીધો હોય તેમ કાવ્યાને ઊભી કરતાં કહે.
“ચાલ, આપણને લગ્ન કરી લઈએ… અને આદિત્યને અપનાવીએ… આથી ઈશા શાંતિથી દેહ છોડે અને આદિત્ય અનાથ નહીં થાય એ આપણી સાથે હળીમળી ગયો છે, સમજુ છે આપણી બન્ને સાથે ખુશ રહેશે…
આશ્ર્ચર્યથી ડઘાઈ ગયેલી કાવ્યાએ રાહુલને ધીમેથી કહ્યું. “આટલા મોટો નિર્ણય લેતા પહેલા એકવાર વિચારી લે. તારા ઘરમાં…
મારું કોણ છે કે મારે વિચારવું પડે? હા, અનાથ છું. એટલે જ આદિત્યનો વિચાર આવે છે… મારે કોઈને પૂછવાનું નથી. તું તારી માને…
“મારી મા પણ મને નહીં રોકે, અમે પણ ત્રણે ભાઈ બહેન બાપ વગર મોટા થયા છે. અમે પણ પીડા સમજીએ છીએ… બસ. મારી ઈચ્છા મારા બન્ને ભાઈઓને ભણાવવાની છે…
મેં કહ્યું ને, હું સમજું છું તારી ઈચ્છા, આજથી એ મારી જવાબદારી હવે આપણે બન્ને સાથે છીએ એકલા નથી…
કાવ્યા અને રાહુલ ખુશખુશાલ ચહેરે ઈશા પાસે આવ્યા. ઈશા પણ હસી પડી… કાવ્યાએ બધી વાત કરી તો એ આનંદથી ઝૂમી ઊઠી. બન્નેને પ્રણામ કરી દુઆ આપી. પ્રભુને મનથી પ્રાર્થના કરી. એ રાત્રે જ ઈશાએ દેહ ત્યાગ કર્યો… મૃત ઈશાના ચહેરા પર સંતોષનું સ્મિત હતું.
ઈશાની જરૂરી ક્રિયાઓ પૂરી થતાં જ કાવ્યાએ ગામથી પોતાના ભાઈઓ તથા મમ્મીને બોલાવી. બધી જ બાબતની જાણ કરી. મમ્મી તો રાહુલ જેવો જમાઈ મેળવી આનંદિત થઈ ગઈ. જાણે બધી જ ચિંતા એક સાથે દૂર થઈ ગઈ.
સાદાઈ અને ખુશીઓ વચ્ચે તરત જ લગ્ન લેવાયા. કાવ્યા રાહુલની બાંહોમાં ઝૂમી ઊઠી. “રાહુલ, કેવું ને? ક્યાં હું, તું ઈશા… આ પૃથ્વીના જુદા જુદા ખૂણેથી ભેગા થયા… જાણે જનમોજનમના ઋણી…
“આનું જ નામ તો લેણદેણ છે… ઈશ્ર્વરની ગોઠવાયેલી બાજી આપણને સમજાતી નથી પણ એને જ લેણદેણ કહેવાય…