લાડકી

બીજાને ખુશ રાખવા કે પોતાની જાતને…?

સંબંધોને પેલે પાર -જાનકી કળથિયા

શું તમે હંમેશાં દરેકને ખુશ રાખવાનો પ્રયત્ન કરો છો? તમારા વર્તનથી કાયમ બધા ખુશ રહે એવું ઈચ્છો છો? કોઈપણ સ્થિતિ કેમ ન હોય, બીજાનું સારું ઈચ્છો છો? અને જો આમ ન થાય તો તમે અપસેટ થઈ જાઓ છો? પરંતુ બીજાને ખુશ રાખતાં પહેલા તમારી જાતને ખુશ રાખવાના કેટલા પ્રયાસ કર્યા?

આ જગતમાં તમામ જીવો આપણાથી ખુશ રહે એવું શક્ય જ નથી. અને આ જાણતા હોવા છતાંય આપણે એવો પ્રયત્ન કરતાં હોઈએ તો આપણાથી મૂર્ખ વ્યક્તિ આ દુનિયામાં બીજું કોઈ નથી. કોઈ આગવા પ્રયોજન સાથે આપણું સર્જન થયું હોય છે. એટલે વિસર્જન થાય એ પહેલાં સર્જનનો આનંદ લેવાવો જોઈએ. મન ભરીને કુદરતની આ અદભુત ભેટને માણવી જોઈએ. આપણા આંતરમનમાં ઊંડે ઊતરીને એની સર્જનાત્મકતાને સલામ કરવી જોઈએ, પરંતુ એ માટે અનિવાર્ય શરત એ છે કે આપણી આસપાસની પરિસ્થિતિથી આપણે કેટલાં ખુશ છીએ. અંતરાત્માને ઢંઢોળીને પૂછવું જોઈએ કે, ‘યાર, તું ખુશ તો છે ને મારાથી?’ આપણામાંથી એવા કેટલાં હશે જે પોતાની જાત સાથે આવો સંવાદ કરતાં હોય, પોતાની જાતથી ખુશ હોય, સૃષ્ટિમાં પોતાના સર્જનનો લ્હાવો લેતા હોય…!

આપણી તકલીફ એ છે કે ‘આપણે આપણા જીવતરમાં સૌથી વધુ જેને પ્રાથમિકતા આપવાની હોય એ કદાચ સાઈડ પર રહી જાય છે અને ‘અન્ય’ નામના તત્ત્વો આપણા જીવ’ની સાઈડ કાપી જાય છે. ઘણાંય લોકોની આદત હોય છે કે એના વર્તનથી આસપાસના તમામ લોકો રાજી રહે. એમ કરવા માટેના બનતા પ્રયત્ન એ લોકો કરતા હોય છે. જોક્સ કહેવા, ગપ્પાં મારવા, સામેવાળા માણસના વખાણ કરવા કે પછી એમની હામાં હા મિલાવવી વગેરે નુસખાઓ અજમાવીને સામી પાર્ટીનો માહોલ બનાવવાના પ્રયત્ન કરતાં હોય છે. પણ આમ કરવા છતાંય અમુક લોકો કાયમ નાખુશ અને નારાજ જ રહે છે. ગમે તેટલું સારું કરીએ તોય એને માત્ર ખામીઓ દેખાય છે. આપણા લાખ પ્રયાસો પછીય એ શોધે છે તો આપણી ભૂલ જ. દસ વાર એના કામમાં આવ્યા હોઈએ પણ પહેલીવાર કામ ન થઈ શકે એમ હોય તો સંભળાવવાનું બાકી ન રાખે. કેટલાક લોકો એવા પણ હોય જેનું ગમે એટલું સારું કરીએ તોય કિંમત ન હોય. ત્યાં સુધી કે એના માટે ઘસાઈ જઈએ કે લૂંટાઈ જઈએ ને તોય એ ખુશ ન જ થઈ શકે.

અન્યોથી થોડાંક અલગ હોઈશું તો વંઠેલમાં ગણતરી કરશે અને જો સીધા ચટ ચાલતા હોઈશું તો મૂર્ખમાં ખપાવશે. હાજરજવાબી હોય તો મુહતોડ કહે અને પ્રતિભાવ ન આપીએ તો મીંઢા ગણી લે. ‘ના’ પાડી દઈએ તો અભિમાનીનું ટેગ મળે અને દરેક બાબતે ‘હા’માં રીપ્લાય કરીએ તો નવરા સમજી લે. કાયમ હસતાં રહીશું તોય શંકાની નજરથી જોશે અને નહીં હસીએ તો સોગિયા ગણશે. પ્રસંગને અનુરૂપ સરસ તૈયાર થઈએ તો ખર્ચાળમાં ગણતરી કરે અને સાવ સાદા રહીએ તો કંજૂસ માની બેસે. આમ જોવા જઈએ તો આપણે કંઈપણ કરીએ, કેટલાંક એવા લોકો આપણી આસપાસ હોવાના જ જે ક્યારેય આપણાથી ખુશ નહીં રહી શકે. ખુશ રહેવું તો દૂર, ઉલટાનું આપણામાં ઢગલો ખામીઓ જ શોધશે.

એક બહેનને મળીને બહુ મજા આવી. લગ્નના એક વર્ષના ગાળામાં જ ડિવોર્સ થઈ ગયેલાં હોવા છતાંય આજે મસ્ત લાઈફ તેઓ જીવી રહ્યાં છે. લગ્ન માટે ઘણાં બાયોડેટા આવ્યા પણ હવે આમ જ સિંગલ રહેવાનું ફાવી ગયું હોય ફરી લગ્ન માટે તૈયાર નથી. જયારે પણ બહાર ચા પીવાનું મન થાય કે બહાર જમવાનું મન થાય, એકલાં જ ઊપડી જાય છે. શરૂઆતમાં રેસ્ટોરન્ટવાળા કોઈના આવવાની રાહ જોતાં. હવે તો એમનેય ખબર પડી ગઈ કે આ મેડમ એકલાં જ એમને ગમતું કરી લે છે. અરે ત્યાં સુધી કે એમના એક્સ હસબન્ડ કે એમના પરિવારના લોકો મળી જાય તો હસીને વાત કરી લે. એમની સાથે બહાર કોફીશોપમાં પણ જાય. એટલો મોજીલો જીવડો કે એની સાથે જે માણસ જેટલા સમય માટે પણ રહે, હસીને બેવડ વળી જાય. એક એવો અલગારી જીવ જેની હાજરી માત્રથી આસપાસના લોકો આનંદમાં રહે.

કહેવાનું તાત્પર્ય એ કે આ દુનિયામાં આપણે જેટલી મથામણ બીજા માટે કરીએ છીએ એના દસમાં ભાગના પ્રયત્ન જો આપણા માટે કરતાં હોઈએ ને તો આપણો માંહ્યલો રાજીના રેડ થઈ જાય. બીજાને નવા નક્કોર કપડાં ગિફ્ટ કરીએ પણ અન્ડરવિયર ફાટેલાં પહેરીએ. મહેમાન આવવાના હોય ત્યારે સોફા કવર કે બેડશીટમાં એક ક્રીઝ ન હોય પણ આપણે એકલા હોઈએ ત્યારે એનો કલર પણ ન દેખાય એવી હોય. બહાર જઈએ ત્યારે બીજાને ઈમ્પ્રેસ કરવા મોંઘા પરફ્યુમ લગાવીએ પણ ઘરમાં નાઈટવિયર ત્રણ દિવસે બદલતા હોઈએ. ગામને દેખાડવા માટે ફીલિંગ હેપી કે ફીલિંગ લવના કપલ ફોટોઝ અપલોડ કરીએ પણ ખાનગીમાં એકબીજાને વડચકા ભરીએ. જાહેરમાં કોઈકને મળીએ ત્યારે એના ખૂબ વખાણ કરીએ પણ એકલામાં હોઈએ ત્યારે એનું જ ઘસાતું બોલીએ. ઈવન નવીન વાનગી પણ બીજાના માટે બનાવતા હોઈએ જ્યારે આપણે એકલા હોઈએ ત્યારે કંઈપણ ચાલી જાય. મોસ્ટ ઈમ્પોર્ટન્ટ કે બીજાની હાજરીમાં ખૂબ મીઠું બોલીએ પણ એકાંતમાં ગુસ્સા સાથે ગાળોનો વરસાદ વરસતો હોય. ઇનશોર્ટ સારા કપડાં અન્ય માટે, સારો લુક અન્ય માટે, સારું રાસરચીલું અન્ય માટે, સારી ક્રોન્કરી અન્ય માટે, સારી રસોઈ અન્ય માટે, સારા શબ્દો પણ અન્ય માટે… આપણા માટે શું કર્યું? ગમે તેવા કપડાં, આડીઅવળી ઘરવખરી,

વધ્યું ઘટ્યું કે આચર કુચર જમી લેવાનું અને બીજું ઘણુંબધું જે સાબિત કરે છે કે આપણે આપણા માટે નહીં, પરંતુ અન્યોને ધ્યાનમાં રાખીને જીવવા ટેવાયેલા છીએ.

આપણે એ બરાબર સમજવું પડશે કે આપણે અન્યોને ખુશ રાખવાનો પરવાનો લઈને નથી આવ્યા. હા, આપણાથી કોઈને તકલીફ ન પડે એનું ધ્યાન રાખવું જરૂરી છે. પણ એનો મતલબ જરાય એવો ન હોય શકે કે આપણા વર્તન થકી કાયમ બધા ખુશ જ રહે. આપણો પ્રથમ પ્રયાસ આપણને પોતાને, આપણી જાતને, આપણા હૃદયમાં બિરાજમાન ‘સ્વ’ ને ખુશ રાખવાનો હોવો જોઈએ. સદા આનંદિત રહીને, હંમેશાં મોજમાં જીવીને અને દરેક પરિસ્થિતિને એન્જોય કરીને જીવનને માણવાનું હોય. પોતાને ગમતું કરવા જતાં અન્યોને પડતી ખલેલ બાબતે ન વિચારવાનું હોય. બીજા શું કહેશે, સમાજ શું વિચારશે કે અન્યોને કેવું લાગશે એ બાબતે સમય બગાડવા કરતાં આપણને પોતાને કેવું લાગી રહ્યું છે એ અગત્યનું છે. આપણા હૃદયને પેમ્પર કરતાં કરતાં ક્યારેક પૂછી લેવાનું કે, ‘બેટા, તું બરાબર જ છે ને? તને ગમે એમ જ જીવે છે ને?’ પછી અંદરથી જે જવાબ આવે એ સમજવા માટે ઈનફ હશે કે આપણે કેટલા ખુશમિજાજ છીએ.

ક્લાઈમેક્સ:
આપણને મળનાર દરેક માણસ ખરાબ નથી હોતા, આપણે જ હદ કરતાં વધારે સારા હોઈએ છીએ કદાચ…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…