લાડકી

દીકરો, દીકરી અને પુત્રવધૂને સમાન ગણવા કે અલગ અલગ અલગ?

સંબંધોને પેલે પાર -જાનકી કળથિયા

(પ્રતીકાત્મક તસવીર)
લગ્ન પછી જ કેમ દીકરા અને એના પેરેન્ટ્સ વચ્ચે પ્રશ્ર્નો સર્જાય છે? શું દીકરાના લગ્ન એ માતા પિતા માટે સહજીવનના પ્રશ્ર્નો ઊભા કરે છે? લગ્ન પહેલાં જે દીકરો મમ્મી પપ્પા વગર રહી નહોતો શકતો એ જ છોકરો લગ્નના કેટલાક સમય પછી પેરેન્ટ્સથી અલગ કેમ થાય છે?

બહુ સરળ પ્રશ્ર્નો છે પણ જવાબો કદાચ અપચો કરે એવા છે. કારણ કે જે કારણોની ચર્ચા આપણે કરતાં હોઈએ છીએ અને જે સોલ્યુશન આપણે સાંભળતાં હોઈએ છીએ એના કરતાં કંઈક અલગ મુદ્દા પર આજે વાત કરવાની છે. જનરલી એવું મનાતું હોય છે કે લગ્ન કર્યા બાદ પુત્રવધૂ સાથે ઘરના સભ્યોને મનમેળ ન બેસતાં અથવા તો એકબીજા સાથે મતભેદો થતાં પ્રશ્ર્નો ઉદભવતા હોય છે. લગભગ મોટાભાગનાં ઘરોમાં આ પ્રકારની સમસ્યા જોવા મળે છે. એક વ્યક્તિ સાથે વાતચીત દરમ્યાન આ પ્રશ્ર્નોના નિરાકરણ માટેનું નવું સોલ્યુશન જાણવા મળ્યું. આપણે દીકરીને તો દીકરા સમાન બનાવવાના અભરખાં જોતાં થઈ ગયાં. પણ દીકરાને ઘરેલું બનાવવા એકાદ નાનકડો પ્રયાસ પણ કર્યો? બસ, પ્રશ્ર્ન જ અહીં છે. આપણે ત્યાં લગ્ન બાદ દીકરાના પેરેન્ટ્સ સાથે દીકરો અને પુત્રવધૂ રહેતાં હોય છે. એટલે પુત્રવધૂનો દોષ મોટાભાગે દેખાતો હોય છે. પણ આનું ઊંધું કરી નાખવાથી શું આ સમસ્યા ઓછી થઈ શકે?

સ્ત્રી એ ઘરનો આધારસ્તંભ છે. પરિવારનો પાયો છે. એ સમગ્ર કુટુંબને એક તાંતણે બાંધવાનું કાર્ય કરે છે. ઘરને સાચા અર્થમાં ‘ઘર’ બનાવવાનું સૌભાગ્ય ઈશ્વરે સ્ત્રીને આપ્યું છે. સમાજના ઉદ્દભવથી લઈને આજદિન સુધી પરિવારના પાલનપોષણ માટે મથતો પુરુષ જો સર્વેસર્વા છે તો એથીએ એક કદમ આગળ વધીને પાલનપોષણને લાયક વાતાવરણનું નિર્માણ કરી આપતી સ્ત્રી એનાથી એક કદમ આગળ છે. નાનપણથી જ બાળકીને સ્ત્રીના પરિવેશમાં ઢાળવાની પ્રથા આપણે ત્યાં છે. ‘તારાથી આમ ન કરાય.’ , ‘તું હવે મોટી થઈ ગઈ છો, પારકા ઘરે જવાની છો.’, ત્યાંની રીતભાત મુજબ રહેતાં શીખવું પડશે.’, અહીં બધું ચાલશે, ત્યાં કશું જ નહીં ચાલે.’, સ્ત્રી છો તો ‘સ્ત્રીની જેમ રહેતાં શીખ.’ આ પ્રકારનાં વિવિધ વાક્યો યુવાનીના ઉંબરે ઊભેલી સ્ત્રીને સાંભળવા પડતાં હોય છે. કારણ કે સમાજનું અસ્તિત્વ આજેપણ સ્ત્રી ઉપર નિર્ભર છે.

પરંતુ બદલાયેલા સમયની સાથે સ્ત્રી સાથે જોડાયેલી ઘણીબધી બાબતોમાં પરિવર્તન આવ્યું. આજે લગભગ દરેક ઘરમાં દીકરી શિક્ષણ મેળવતી થઈ. શહેરોમાં તો પુરુષને દરેક બાબતમાં સ્પર્ધા આપતી થઈ. સમાજે આ પરિવર્તનને ખૂબ વધાવ્યું છે. ભણીગણીને ઉચ્ચ પત્રકારના વ્યવસાયમાં સ્ત્રીના પ્રવેશે સારાં પરિણામોની સાથોસાથ કેટલાંક ધાર્યા બહારનાં અણધાર્યા પરિણામો પણ આપ્યાં. જોકે આમાં શિક્ષણનો કે સ્ત્રીનો રોલ નથી, પરંતુ જે સામાજિક ઢાંચામાં આપણે જીવવા ટેવાયેલાં છીએ એ ઢાંચામાં બદલાવ સ્વીકારવા એટલાં સક્ષમ નથી જેટલા સ્ત્રી શિક્ષણને સ્વીકારી શક્યા હતા. દીકરી-દીકરાનો ઉછેર કરતી વખતે કુટુંબના લોકો હવે નહીંવત ભેદભાવ કરતાં જોવા મળે છે. ઉચ્ચ શિક્ષણ મેળવી રહેલી દીકરીને એના શિક્ષણમાં ખલેલ ન પહોંચે એ માટે પરિવારના સભ્યોનો સપોર્ટ પણ મળી રહે છે.

તકલીફ ત્યારે થાય છે જયારે દીકરીનું લગ્ન ગોઠવાઈ અને એના પેરેન્ટ્સ તરફથી કેટલીક શરતો મૂકવામાં આવે અથવા તો વિનંતી કરવામાં આવે. જેમ કે ‘અમારી દીકરીને ઘરકામ બરાબર નથી ફાવતું, તમે જરાક જોઈ લેજો ને.’, ‘એ અત્યાર સુધી હોસ્ટેલ લાઈફ જ જીવી છે તો રસોઈ બાબતે થોડી કમજોર છે.’, એકલી જ મોટી થયેલી હોવાથી બધા શોખ પૂરા કર્યા છે, તો ઢીંગી થોડી શોખીન છે.’, ‘એને બહારનું જમવાનું બહુ ભાવે એટલે અઠવાડિયામાં બે વાર તો બહાર જમવા લઈ જજો.’, ‘રાત્રે મોડે સુધી જાગે એટલે સવારે ઊઠવામાં થોડી તકલીફ રહેશે, તો એ પણ સંભાળી લેજો.’, ‘એ કમાઈને આપશે એટલે તમારે ક્યાં ચિંતા છે, થોડાં નખરા તો હોય જ આજકાલની છોકરીઓના, એટલે નવાઈ તો છે નહીં.’ આ જ શરતો દીકરી માટે મુકીએ એ દીકરાની પુત્રવધૂ માટે સ્વીકારી શકીએ ખરા? જો હા, તો આ શરતો જરાય અયોગ્ય નથી. પણ દીકરી અને પુત્રવધૂના બેવડાં માપદંડો પ્રવર્તતા હોવાથી લગ્ન પછી પ્રશ્ર્નો ઉદભવતા હોય છે.

ઉચ્ચ શિક્ષણ મેળવવું કે ટોચના દરજ્જાપાત્ર વ્યવસાયમાં સ્ત્રીનો પ્રવેશ એ ખૂબ સારી બાબત છે. પણ શું એ હોય એટલે આપણે અન્ય સ્ત્રીઓ કરી શકે એ કામો ન કરી શકીએ? અને જો કરીએ તો શું નાના ગણાઈએ? આપણા સ્ટેટસ ઉપર અસર થાય? ભણીગણીને સારા સ્ટેટસ પર પહોચ્યા એટલે શું વાણી વર્તનમાં તોછડાંપણું આવી જાય? ઘરના લોકોની એક પુત્રવધૂ પાસે જે અપેક્ષા હોય એ ન રાખી શકે? કામ ન કરી શકતાં કે પથારીવશ વડીલો બોજારૂપ લાગવા માંડે? જો પરિવારમાં આવા પ્રશ્ર્નો ઊભા થતાં હોય તો સ્ત્રી શિક્ષણ કામનું શું? સમજી શકાય કે વર્કિંગ વિમેન્સના કામનાં કલાકો સૌથી વધુ હોય છે. પણ એનો મતલબ એવો જરાય નથી કે પરિવાર પ્રત્યેની જવાબદારી હાંસિયામાં પડી રહે. અને સામેપક્ષે પરિવારજનોએ પણ પુત્રવધૂ પાસે મસમોટી અપેક્ષા રાખવાનું બંધ કરી દેવું જોઈએ. વર્ષોથી ઓછું ભણેલી અને અભણ સ્ત્રી પરિવારને આર્થિક ટેકો આપી રહી છે અને પરિવારને પણ સંભાળી રહી છે. જયારે આજે તો અન્ય કામો માટે હેલ્પર્સ રાખી શકાય એમ છે. છતાંપણ ઉચ્ચ શિક્ષિત પરિવારોમાં કૌટુંબિક પ્રશ્ર્નો ઉદભવતા હોય તો એ કદાપિ યોગ્ય નથી.

એટલે લગ્ન પછી જે સમસ્યાઓ જોવા મળે છે એ અચાનક જ બનતી કોઈ ઘટના નથી. એના બીજ લગ્ન પહેલેથી જ દીકરી-દીકરાના ઉછેરમાં રોપાઈ ચૂક્યા હોય છે. આપણે દીકરીને પગભર બનાવતાં થયાં. એને દરેક રીતે કાબેલ બનાવતાં થયાં જેથી દીકરીનું ભવિષ્ય ઉજ્જવળ બને. પણ શું દીકરાને ઘરેલું બનાવવાનો એક પ્રયાસ પણ કર્યો? મોટાભાગના પ્રશ્ર્નોનું મૂળ અહીં છે. આપણે સમયની માંગ સાથે દીકરીનો ઉછેર કર્યો પણ પારકી દીકરીને ઘરમાં મદદ કરી શકે એના પાઠો દીકરાને શીખવવાનું ભૂલી ગયાં. એટલે આવા ઘરેલું પ્રશ્ર્નોના સમાધાન માટે કાં તો દીકરીનો ઉછેર દીકરી જેમ જ કરવો જોઈએ અથવા તો દીકરી અને દીકરા બંનેનો ઉછેર સમાન ઢબે થવો જોઈએ. આમાં પુત્રવધૂ કામ પરથી પરત આવે પછી દીકરો ચા બનાવીને આપે એ મુજબના ઉછેરની વાત છે. આપણી દીકરીમાં ઢગલો ખામીઓ હોવા છતાં આંખ આડા કાન કરી નાખીએ છીએ અને બીજાની દીકરીમાં ખામીઓ શોધીએ છીએ. દીકરાને ક્યારેય ટોક્યો ન હોય પણ પુત્રવધૂની નાની અમથી ખામી પણ સહન નથી થઈ શકતી. આપણી દીકરીની સાસરીમાં ઈશ્યુ હોય તો સાસરીપક્ષને જવાબદાર ઠેરવીએ છીએ અને આપણા ઘરમાં પ્રશ્ર્ન હોય તો પુત્રવધૂના પિયરપક્ષને જવાબદાર ગણીએ છીએ. તો આવા દોગલાપણામાંથી બહાર નીકળીને એક કદમ આગળ વિચારવું જોઈએ. એટલે નવું સોલ્યુશન એ કે જો આમ જ ચાલુ રાખવું હોય તો દીકરાના લગ્ન બાદ પુત્રવધૂ સાથે નહીં, પણ પોતાની દીકરી સાથે રહેવા અંગે વિચારવું જોઈએ. એમ કરીને પણ જોઈ લઈએ કે કોની ખામી છે? બાકી બેધારી તલવાર પર ચાલવા જતાં ભોગવવાનું સમગ્ર સમાજને જ આવશે.

ક્લાઈમેક્સ: ‘અમારા માટે તો દીકરો અને દીકરી તથા દીકરી અને વહુ બંને સરખાં’ આ વાક્ય બે પરિવારોમાં વિસ્ફોટ વગર વિનાશ વેરી શકે એટલું સાયલન્ટ કીલર છે…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button