લોચો મારવાનું પરવડે કે ખાવાનું?
લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી
હવાર હવારમાં લોકો વ્હોટ્સ એપ ગ્રૂપમાં ભગવાનનો ફોટો મૂકે અથવા ગુડ મોર્નિંગ લખીને મોકલે. એની જગ્યાએ આ રવલો મેસેજમાં લખે છે કે, ‘દોસ્તો, હમણાં ને હમણાં બધા પે’રેલે (પહેરેલે) કપડે જ ભાગળ ચાર રસ્તા પર દોડતાં આવી જાવ.’ બધા મિત્રોએ વળતો મેસેજ કરીને પૂછ્યું, ‘કંઈ કામ છે રવલા? કંઈ કામ હોય તો જણાવ.’
રવલાનો જવાબ: ‘કંઈ ગરમાગરમ હુરતી ખાવું છે. એટલે જલદી આવો. સવાલ જવાબ કરવામાં બપોર પાડવાની જરૂર નથી.’
‘પંચ પરમેશ્વર’ નામના ગ્રૂપના સાત એડમીનો નાઇટ સૂટમાં જ ખાવા દોડ્યા. પહોંચતાં જ જેંતી જોખમે ગુસ્સામાં કહ્યું, “રવલા, હવાર હવારમાં હું લોચા મારે છે? રવિવારની હવારે તારી ભાભીના હાથની ‘ચા’ શાંતિથી પીવા દેતો હોય તો કંઈ વાંધો છે?
રવલો તરત જ ઊછળી પડ્યો. “તો સાંભળો. લોચા મારવાની વાત ઉપરથી યાદ આવ્યું કે આપણે ગરમાગરમ લોચો ખાવા જ જઈએ. અને હા જેંતીયા, તારે તારા ઘરની ચા પીવી હોય તો તું જઈ શકે છે. જેંતી જોખમે ચા અને લોચામાંથી લોચાની પસંદગી કરી. જોખમને ટાળતાં બોલ્યો, “ચા તો પછી પણ પીવાશે. ઘર અને ઘરવાળી ક્યાં ભાગી જવાનાં છે. ગરમાગરમ લોચો એટલે લોચો! મને તો લોચાની સુગંધ સુધ્ધાં આવવા લાગી છે.
ત્યાં તો સહુથી વિદ્વાન અને સત્યવાદી સતીયો બોલ્યો, “રવિવારની હવાર-હાંજ હોટલમાં ખાવાનું ગોઠવી દેજો. મેં કંઈ રાંધવાની નથી. હમજ્યા? એમ તારી ભાભી કુંજરું મ્હોં કરીને બોલે, તે પહેલાં જ હું ગ્રૂપમાં ખાવા જવાનો મેસેજ વાંચીને જીવ લઈને ભાગ્યો. (ક્યાં લોચાની તાજી મહેક અને ક્યાં ઘરવાળીની કર્કશ વાણી, ‘આજે હું ખાવાના છો?’ સતીયાએ આ વિચાર બ્રોડકાસ્ટ ન કર્યો. કારણ કે લોચો ખાધા પછી તો, લૌટ કે બુદ્ધુ ઘર કો જાયે જ જાયે. છૂટકા થોડા હૈ?)
આ પંચ પરમેશ્વર ગ્રૂપનું બીજું નામ હતું, ‘લોચા મંડળ.’ જ્યારે જ્યારે ગ્રૂપમાં ઝઘડો ઊભો થાય, ત્યારે ત્યારે ઝઘડાનાં નિરાકરણ માટે ‘લોચા રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ’ ભરવામાં આવે અને નાસ્તામાં અચૂક ‘લોચો’ મંગાવવો જ પડે. ‘લોચા વિના સાલું મગજ બંધ થઈ ગયું છે.’ એમ કહીને એડમીન પ્રથમ લોચાનો ઑર્ડર આપે અને બાકીના ‘મંજૂર… મંજૂર’ ની મહોર મારીને ક્યારે ગરમાગરમ લોચો આવે અને પેટને ટાઢક મળે એની રાહ જોતા બેસે. “એડમીનજી, લીલી ચટણી ને ઉપરનો લાલ મસાલો તેમજ થોડું છૂટું સીંગતેલ હો મંગાવજો.
“હાચી વાત છે. તેલ વિના તો મારે ગળે જ ની ઊતરે.
“ખાવું તો હારું જ ખાવું. એમાં વરી (વળી) મને કેવાનું હોય?
“મને હો, તેલ તો ભક્કમ જ જો’વે.
એવું એડમીન બોલતામાં જ પકીયો (પંકજકુમાર) બોલ્યો, “મેં તો આ ગ્રૂપમાં એટલે જ દાખલ થીયો. કારણ કે આ ગ્રૂપના બધા એડમીનો હારું હારું ખાવાનું પે’લા (પહેલાં) વિચારે છે. (વારેવારે… માનવ અવતાર થોરો (થોડો) મળવાનો છે? ખાઈ પીને મરેલા હારા. (સારા).
“હાચું કેવ (કહું) એડમીનજી? મેં તો ભગવાનને પ્રાર્થના કરીને કેય દીધું છે કે તું ઉપર બોલાવે તો મને કંઈ વાંધો નથી. કાલે બોલાવતો હોય, તો તું આજે બોલાવ. પણ ભગવાન, ઉપર હરગમાં (સ્વર્ગમાં) લોચા, ભૂસાં, ભજિયાં ને ઘારીની બે-ચાર દુકાનોની વ્યવસ્થા કરી રાખજે. આપરે બીજું હું જોવે? (જોઈએ) (જાણે મોટો હરગમાં જ ની જવાનો હોય?)
ત્યાં તો લાલીયો ઉર્ફે લાલુ ઉર્ફે લાલજીભાઈ બોલ્યા, “મેં હું કેવ (કહું) પકીયા, તું બીજીવારની પ્રાર્થનામાં ભગવાનને સલાહ આપજે કે, ભગવાન! ઘારી, ભૂસાં, લોચા, ભજિયાંના કારીગર, એટલે કે રસોઈયા હો હુરતના જ બોલાવી લે અથવા તો હુરતની લોચા, ઘારી, ભૂસાંની દુકાનોની બીજી બ્રાંચ હરગમાં ખોલીને તૈયાર રાખે. (પછી ભગવાનને હો ખબર પડહે કે પૃથ્વીલોકના હુરતીઓ હરગમાં આવવાની લાઇન તો જ લગાવહે. હારું ખાવા તો હુરતી હરગમાં તો હું, નરકમાં હો પ્રેમે જાય.)
રતીયો ઊંઘમાંથી જાગ્યો હોય એમ બોલ્યો, “અલ્યાઓ, આ હૂરજ હો લોચો ખાવા આવી પૂયગો. (પૂગ્યો) અને આપણે હજી ચાર રસ્તે હું કરીએ છીએ? ત્યાં લાલીયો બોલ્યો, “હવે હૂરજને અજવાળે બધા બરાબર દેખાયા. અરે! રતીયા, તું ઊંઘમાંથી દોડતો આવ્યો, તે કફની નીચે તો જો. સફેદ કફનીની નીચે ભાભીનો ફૂલફૂલવાળો પ્લાઝો! તેં તો ખરો લોચો માર્યો.
“તે ભર ઊંઘમાંથી આયવો એટલે આ ઍક્સચેન્જ ઑફરની ખબર ની પરી (પડી). હીપ્પી લોકો આવું જ પેરે છે ને! એને ફેશન કેવાય, તેમ મારી હો ફેશન જ હમજી લે.
“હજી કોની રાહ જોવાય છે? ચાલોને ભાઈ, હવે આવનારા આવી ગીયા. બે ચાર બાકી છે, તે ઊંઘતા હશે.
ત્યાં રવલાએ લોચો માર્યો હોય એવું મોઢું કરીને કહ્યું, “આજે જેનો પૈસા ચૂકવવાનો વારો છે તે મનીયો મને પર્સનલમાં મેસેજ કરે છે કે મારાં હાહુ હરગે હિધાવ્યાં છે, એટલે હું તો ગામ છું. મારા વતી તું પેમેન્ટ કરી દેજે. તમે ત્યાં લોચો ખાવાના અને મને અહીં ગામના સમશાનમાં ઊભાં ઊભાં લોચો દેખાય છે અને મ્હોંમાં પાણી છૂટે છે.
“તે રવલા, હવે ચાલને ભાઈ, જલદી કર. આજનું પેમેન્ટ તું કરી દેજે. પછી ગામથી મનીયો આવહે, ત્યારે એને પૈહે લોચો ખાહું.
“એ બધી વાત હાચી. પણ હાચું કેવ તો આજે હું પાકીટ લાવવાનો જ ભૂલી ગ્યો છું.
“હવાર હવારમાં રવલા, તેં કેવો મોટો લોચો માર્યો! અમને તો તેં દોડતાં આવવાનું આમંત્રણ આપ્યું, એટલે અમે હો પાકીટ લીધા વિના જ આવ્યા છીએ. સતીયો બોલ્યો.
“યાર! આજે મનીયાનું પેમેન્ટ હતું. એટલે મેં પણ પાકીટ ના લીધું. લોચો એક જણ મારે. પણ આમ બધા જ લોચા મારે એ કેવું?
આવો લોચો જો મારો, તો લોચો ખાવામાંથી હાથ ધોવા પડે. એટલું સત્ય સતીયો શીખ્યો. પણ રવલાએ બધાને ઘેટાં બકરાંની જેમ ગાડીમાં બેહાડી, લોચાની દુકાને ઉધારી કરીને હોં, લોચો તો ખાધો જ અને બધાને ખવડાવ્યો પણ ખરો! એટલે જ કહ્યું છે ને કે, ‘લોચો તેને જઈ વરે, જે મનથી યાદ કરે.’
ઉધારીમાં લોચો ખાધા પછી બધાને યાદ આવ્યું કે ઘરે લોચો લીધા વગર ગયા, તો એટલો મોટો લોચો પડહે કે બીજી વાર લોચા ખાવાની ખો પણ ભૂલી જહુ. એટલે મેરી ભી ચૂપ અને તેરી ભી ચૂપની જેમ બધા લટકતાં મ્હોં લઈ ઘરે પહોંચ્યા અને સજા રૂપે લેડીઝ ગ્રૂપનાં એડમીને કહ્યાં મુજબ ‘દરેક ભાઈઓને એક દિવસનો ઉપવાસ કરાવવો. જેથી બીજી વાર ક્યાં પત્નીને લઈને લોચો ખાવા જાય, ક્યાં ખાધા પછી પત્ની અને બાળકો માટે પણ પડીકું બંધાવીને જ ઘરે જાય.’ લોચા મારવાનો કે લોચો ખાવા જવાનો હક્ક એકલા ભાઈઓને જ થોડો છે? ખરું ને?