પ્રજાસત્તાક દિવસ પર આ વખતે કર્તવ્ય પથ પર જોવા મળશે મહિલાઓનો દબદબો

વિશેષ -શૈલેન્દ્ર સિંંહ
ભારતના આ અમૃતકાળમાં ઘણુ નવું અને પહેલીવાર થઈ રહ્યું છે. આ વરસે પ્રજાસત્તાક દિનની ઉજવણી દરમિયાન પરેડમાં મહિલા સૈનિકોનાં ભરપુર કરતબ જોવા મળશે. વર્ષ ૨૦૧૯ના બેચની ભારતીય પોલીસ સેવા અધિકારી શ્ર્વેતા કે. સુગાધન આ વરસે પ્રજાસત્તાક દિનની પરેડની આગેવાની કરશે.
દિલ્હી પોલીસની મહિલા હેડ કોન્સ્ટેબલ સાથે કેન્દ્રીય સશસ્ત્ર સુરક્ષા દળ, નૌકાદળ, હવાઈ દળ સહિત સશસ્ત્ર દળ ચિકિત્સા સેવાની તમામ મહિલા ટુકડી પણ આ પરેડમાં સામેલ થશે જેમાં સૈન્ય નર્સિંગ સેવા અને મહિલા ડૉક્ટરનો પણ સમાવેશ થાય છે. આ વરસે પ્રજાસત્તાક દિનની પરેડમાં સેનાની ત્રણે પાંખની અગ્નિવીર મહિલા સૈનિક પણ ભાગ લેશે. આ વરસે પરેડમાં સેનાની ત્રણે પાંખની મહિલા સૈનિકોની સંયુક્ત ટુકડી હશે જેની આગેવાની ત્રણ પાંખની મહિલા અધિકારીએ એક સાથે કરશે. અગાઉ આ રીતે સેનાની ત્રણે પાંખના સંયુક્ત ટુકડીએ પ્રજાસત્તાક દિનની પરેડમાં ભાગ નહોતો લીધો એટલે આ ઐતિહાસિક ઘટના હશે. આ અંગેની જાહેરાત ગયા વરસે જ કરી દેવામાં આવી હતી.
સૈન્ય સમારોહને મામલે ભારતનો પ્રજ્સત્તાક દિન સૌથી મહત્ત્વનો દિવસ હોય છે. એવામાં આ વરસે કર્તવ્ય પથ પર માત્ર મહિલા સૈનિકોની પરેડ નિહાળવી નવા યુગને પડખું બદલતા જોવા જેવી બાબત હશે. માત્ર મહિલા સૈનિકોની પરેડ જ નહીં થાય, પરંતુ આ પરેડમાં કરતબમાં પણ મહિલાઓ સામેલ થશે. માર્ચિંગ બૅન્ડ પણ મહિલાઓનો જ હશે. જોકે વર્ષ ૨૦૧૫ના પ્રજાસત્તાક દિનની ઉજવણીની પરેડમાં પહેલીવાર ત્રણે સેનાનું પ્રતિનિધિત્વ કરનારી મહિલા અધિકારીની ટુકડીએ પ્રવેશ કર્યો હતો અને વર્ષ ૨૦૨૩ની પરેડમાં કેરળ, કર્ણાટક, તમિળનાડુ, મહારાષ્ટ્ર અને ત્રિપુરાની ટુકડીમાં પણ નારીશક્તિની ઝલક જોવા મળી હતી, પરંતુ સંપૂર્ણ રીતે નારીશક્તિના થીમ આધારિત પરેડ પહેલીવાર જોવા મળશે.
દિલ્હી પોલીસની મહિલા શાખાના બૅન્ડનું નેતૃત્ત્વ પણ રુયાંગુનુઓ કૅંસે નામની મહિલા અધિકારી જ કરશે. આ નિર્ણયને પગલે આ વરસે કર્તવ્ય પથ પર બધી બાજુએ દેશનો ધ્વજ લહેરાવતી મહિલાઓ જોવા મળશે. જોકે આ બધુ અચાનક નથી થઈ રહ્યું. જ્યારથી મોદી સરકાર સત્તા પર આવી છે ત્યારથી સશસ્ત્ર દળોમાં લૈંગિક સમાનતાને પ્રોત્સાહન આપવાનું કામ કરી રહી છે અને હવે સેનાના તમામ ક્ષેત્રમાં ભવિષ્યમાં નેતૃત્ત્વ મહિલાઓને સોંપવાની તૈયારી ચાલી રહી છે. ભારતીય સેના આર્ટિલરી રેજિમેન્ટમાં જલદી જ મહિલાઓને નેતૃત્ત્વ સોંપવાની તૈયારી થઈ રહી છે.
જોકે કર્તવ્ય પથ પર માર્ચિંગ બેન્ડ માત્ર મહિલાઓનો જ હોય એ ખૂબ જ સાહસપૂર્ણ નિર્ણય છે કેમ કે અત્યાર સુધી માર્ચિંગ બેન્ડમાં પણ પુરુષોનું જ પ્રભુત્વ હતું, પરંતુ હવે ધીરે ધરે બધી તરફ પરિસ્થિતિ બદલાઈ રહી છે અને આવનારા દિવસોમાં ઐતિહાસિક બદલાવ જોવા મળશે. ભારતીય સેનાની ત્રણે પાંખમાં આવનારા દિવસોમાં મહિલાઓ પુરુષ સમોવડી ભૂમિકામાં જોવા મળશે. મહિલાઓ લડાકુ વિમાન ઉડાડશે, યુદ્ધની કમાન સંભાળશે તેમ જ ઈન્ફન્ટ્રી ટેન્ક અને કોમ્બેટમાં પણ પોઝિશન લેતી નજરે પડશે. મહિલાઓને કમાન્ડની ભૂમિકા પણ સોંપવામાં આવશે. કર્નલ ગીતા રાણા થોડા દિવસો અગાઉ ચીનની સીમાને અડીને આવેલા સંવેદનશીલ લદાખ વિસ્તારમાં એક સ્વતંત્ર ટુકડીની કમાન સંભાળી ચૂકી છે. ગીતા રાણા સૈન્યમાં પહેલી મહિલા અધિકારી છે. આ વરસે ભારતે સૈન્યની મહિલા અધિકારી કૅપ્ટન શિવા ચૌહાણને વિશ્ર્વના સૌથી ઊંચા અને ઠંડા યુદ્ધક્ષેત્ર સિયાચીનમાં ફરજ બજાવવા મોકલી છે.
ભારતીય સેનામાં થઈ રહેલા આ તમામ ઐતિહાસિક બદલાવ આ વરસે પ્રજાસત્તાક દિનની પરેડમાં જોવા મળશે. આ અકારણ નથી કે ભારતે પહેલી વાર ૨૭ મહિલા શાંતિ સૈનિકોની બનેલી ટુકડી સૂદાનના અકેઈ જેવા જોખમી ક્ષેત્રમાં ગોઠવી છે.
આ તમામ ઐતિહાસિક ઘટનાઓ વચ્ચે પ્રજાસત્તાક દિનનું વિશેષ મહત્ત્વ હોય તે સ્વાભાવિક છે. એમ પણ આ ૭૫મો પ્રજાસત્તાક દિન છે જે આઝાદી પછી લોકશાહી સફરનો મહત્ત્વપૂર્ણ પડાવ છે. વર્ષ ૧૯૫૦માં બંધારણને અપનાવવામાં આવ્યું હતું અને ત્યારથી આ પરેડ બંધારણ અપનાવવાના પ્રતીક રૂપે હર સાલ યોજવામાં આવે છે. આ પરેડમાં દેશની સેનાની તાકાતનું પણ પ્રદર્શન થાય છે. આ સાથે સાથે પરેડમાં દેશના સાંસ્કૃતિક વારસા અને સાંસ્કૃતિક સંપન્નતાનું પણ દર્શન થાય છે. આવામાં એક સાથે સેનાની ત્રણે પાંખની સંયુક્ત મહિલા ટુકડી હોવી એ ગૌરવની વાત છે. આ એટલે પણ મહત્ત્વપૂર્ણ છે કેમ કે ત્રણે સેનાની પરેડની પોતપોતાની આગવી સ્ટાઈલ છે અને પહેલા વાર સેનાની ત્રણે પાંખની મહિલાઓની સંયુક્ત ટુકડી પરેડ કરશે તો સ્વાભાવિક છે કે તેમાં અસાધારણ માર્ચિંગ કુનેહની જરૂર પડશે.
પરેડમાં ભાગ લેવા પસંદગી પામેલી અગ્નિવીર મહિલા સૈનિક દિવસરાત પરેડની ટ્રેનિંગ લઈ સજ્જ થઈ રહી છે જેથી કરીને ૨૬ જાન્યુઆરીએ તેઓ યાદગાર પ્રદર્શન કરી શકે. આ વરસે બિટિંગ રિટ્રીટ સેરેમની પણ સંપૂર્ણપણે સ્વદેશી હશે. એમાં જે ધૂન વગાડવામાં આવશે તે સંપૂર્ણ રીતે આપણી લાગણીઓ અને આપણા ભાવનાત્મક વાતાવરણની સુગંધથી ભરપુર હશે.