લાડકી

દીકરાની વહુ માટે અવઢવ છે મૂંઝવણ દૂર કરશો

કેતકી જાની

સવાલ: મારે એક દીકરો અને એક દીકરી છે. દીકરી પરણીને સાસરે સુખી છે. હવે મારા દીકરા માટે જોઈએ છીએ. તેને ચાર-પાંચ છોકરીઓમાંથી જે પસંદ પડી તે છોકરીને ભાઈ નથી, પિતા પણ નથી. માતાની જવાબદારી તેના પર છે. તે કમાય પણ છે. છતાં તેને વહુ બનાવવા મારા પતિ અને મારા બંનેના મનમાં અવઢવ છે. આની સાથે લગ્ન કરશે તો મારા પુત્ર ઉપર તેની સાસુનું ઘર સંભાળવાની પણ જવાબદારી આવશે? તેની સાસુ અમારા ઘરમાં તૂટ પડાવશે? તે છોકરી અમને અને તેની માને સંભાળી શકશે? મારા દીકરાને સાસરીનો સપોર્ટ જ નહીં ને? પણ દીકરો બીજી છોકરીઓ માટે ઘસીને ‘ના’ જ કહે છે, શું કરવું?
જવાબ: ભાઈ વગરની બહેન સાથે લગ્ન કરવાથી જે તે પુરુષ માટે ભવિષ્યમાં સાસરીનો દરવાજો બંધ થઈ જાય, આવું આજેય તમારા જેમ અનેકો વિચારો છે તે ખરેખર યોગ્ય છે? તમે જ વિચારો કે તમારે માત્ર એક દીકરી માત્ર સંતાન હોય અને તેના વિશે આવી વાતો થતી હોત તો તમને કેવું લાગત? દીકરો કમાય વહુ પણ કમાય બંને એકમેકને પ્રેમ – વિશ્ર્વાસથી સંભાળતા રહી સુખી સંપન્ન દામ્પત્યજીવન ભોગવતા હોય તે પછી સુધ્ધાં શા માટે તે સાસરે જઈ જોડાં ઉતારે તો જ જીવન સાર્થક તેવા વાહિયાત ખ્યાલો રાખવા જોઈએ? તમારા દીકરાને પસંદ છે તેમ જ તે દીકરીને પણ જીવનસાથી તરીકે તમારો દીકરો પસંદ હોય તો તમે મનમાં લેશમાત્ર કચવાટ રાખ્યા વગર તેમને લગ્ન કરવાની સંમતિ આપી દો. જે દીકરી પોતે કમાઈને પોતાનું અને ‘મા’નું ધ્યાન રાખે છે, તેને તમારો સહયોગ મળશે તો તે શા માટે તેની માતા સાથે તમારું પણ ધ્યાન નહીં રાખી શકે? અને આમ જોવા જઈએ તો તમે અને તમારા પતિ તમારા પુત્રની જવાબદારી છો, ઘરમાં વહુ તરીકે જે આવે તે દીકરી પર આ જવાબદારી ના જાય તે જોવાનું કામ તમારું-તમારા પતિનું અને તમારા પુત્રનું છે. થનાર ‘વહુ’ પોતે કમાય છે, તો તે હાલ જે રીતે તેની માતાની જરૂરિયાતો પૂરી કરે છે, તેમ જ આગળ પણ પૂરી કરતી રહે તે માટે તેને સુગમતા આપો. તમારા દીકરાએ ચોક્કસ આ બધો વિચાર કર્યો જ હશે, માટે મનમાં ખોટી શંકા-કુશંકા ઊભી થવા દઈ શરૂઆતમાં જ સારા પ્રસંગના દૂધમાં કુવિચારોનું મેળવણ ના નાખો. આમ કરવાથી તમારું જ નુકસાન થશે. કેમ કે જો તમે કોઈપણ અહીં લખ્યો તે મુદ્દો ઊભો કરી તમારા પુત્ર કે તે દીકરી આગળ વાત કરશો તો તમારી જ હલકી માનસિકતા તેમની આગળ વ્યક્ત થશે. ભવિષ્યમાં પછી તમે વહુને સાચા મનથી અપનાવશો તો પણ તેના મનમાં તમારા વિશે અભાવ ઉદ્ભવી શકે. જીવન એમનેમ જ સુંદર, સહજ નથી બનતું તેના માટે માણસાઈ, પ્રેમ, કર્તૃત્વ અને ત્યાગ કરવો જેવાં તત્ત્વોને જીવનમાં ઉતારી કુટુંબ સાચવવું પડે છે. તમે એક હાથ પ્રેમથી આપશો શરૂઆતથી જ તો આવનાર બંને હાથથી પ્રેમ આવશે જ, તેવી શ્રદ્ધા રાખો. તે દીકરીના પગાર ઉપર જો તમારી નજર હોય તો તે તદ્દન અશોભનીય છે. હા, ક્યારેક તો દરેકના મનમાં ખરાબ વિચારો આવે જ તમારા મનથી પણ કોઈ ક્ષણે આવા વિચારો કર્યા હોય તો તેને હંકારી સકારાત્મક વિચારસરણી રાખો. તે પોતાની ‘માતા’ને ભલે તેના પગારથી સંભાળે, તમારા દીકરાના ભાગનું સુખ તેને તેના નસીબ પ્રમાણે મળશે જ, ઉદાંત સમજણ રાખી વિચારો કે આપણે હંમેશાં કહીએ છીએ. કે ‘કોઈ કોઈનું નથી’ પણ આજે તમારા સામે પરિસ્થિતિ છે, જેમાં તમે કોઈ માટે કંઈક કરી કોઈના છો તેમ બની શકે તેમ છે. આ તક ઝડપી લો. જે વ્યક્તિને તમે જાણતા નથી તેના માટે નકારાત્મક વિચારી તે તમારા ઘરમાં તૂટ પડાવે તેવું શા માટે વિચારવું? તમારો દીકરો તમને બંનેને સંભાળવાની ફરજ સુપેરે નિભાવશે તો તે તેની ‘માતા’ને સંભાળવાની જવાબદારી જેમ નિભાવે છે તેમ ચોક્કસ નિભાવશે. દીકરાને જીવનસાથીનો સમજણભર્યો સપોર્ટ અને તમારો વાત્સલ્યભર્યો સપોર્ટ મળશે તો તેના જીવનમાં જ તેને બીજા કોઈ સપોર્ટની જરૂર જ નહીં રહે બહેન, માટે ‘કરો કંકુના’ અસ્તુ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button