લાડકી

કાર્યકારણનો સિદ્ધાંત

લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી

કોરોનાકાળ પછી નારીશક્તિ અને બુદ્ધિમાં અનેક ઘણો વધારો થયો છે. આખો દિવસ રસોડામાં અને શોપિંગમાં દિવસ પસાર કરનારી સ્ત્રીઓ હવે તર્કબાજી કરવા લાગી છે.
ફોન ઉપર નારીઓની તર્કબાજી વિશે વધારે બોલે તે પહેલાં રમાબહેન ગુસ્સામાં બોલ્યાં, મારું સ્કૂટર બાજુવાળી પ્રિયાને કોણે આપ્યું? હમણાં જ મને સામે મળી અને વગર પૂછ્યે મલકાતી મલકાતી બોલી, આભાર હો રમાબહેન! તમે તમારું સ્કૂટર મને એક મહિનો વાપરવા આપ્યું. રસિકભાઈએ જ કહ્યું કે, રમાને સ્કૂટરની જરૂર નથી. એ તો ઘરના કામોમાંથી ઊંચી જ નથી આવતી એટલે બહાર પણ ક્યાં જવાની? તમતમારે વાપરો.

રસિકભાઈ કંઈ બોલે તે પહેલાં ફરી રમાબેને તર્કબાજી શરૂ કરી. કંઈક ઘટના ઘટે એ આશરે હોતી નથી, સમજ્યા? કાર્યકારણનો સિદ્ધાંત હોય જ છે. ગોડ ડઝ નોટ પ્લે અ ડાઇસ. સ્કૂટરની ઘટના ઘટી તો એની પાછળ કોઈનો તો હાથ છે જ અને એના મૂળમાં તમે જ છો એ પેલી નખરાળી હલકટ પ્રિયાએ કહી દીધું છે. માટે ભૂલ સ્વીકારી લો અને જવાબ આપો કે, મને પૂછ્યા વિના તમે આવો જધન્ય અપરાધ કર્યો જ કેમ? તમને એ સત્તા કોણે આપી? શું એ સ્કૂટર તમારું હતું? શું મને એની જરૂર પડવાની ન હતી કે સ્કૂટર એમ મને પૂછ્યા વિના પ્રિયાના લટકામટકા જોઈ પધરાવી દીધું?’
રસિકભાઈને થોડીવાર તો મૂર્છા જ આવી ગઈ. પછી સ્વસ્થ થઈ વિચારવા મથી રહ્યા કે ચાર ચોપડી ફેલ રમા એની સમગ્ર બુદ્ધિને એકઠી કરીને તર્કબાજી કઈ રીતે કરવા લાગી? અને તે પણ કાર્યકારણનો સિદ્ધાંત સાંકળીને મારી બોલતી બંધ કરી દીધી અને એ પણ આટલું પ્રભાવશાળી! માંગનારા માંગે તે પહેલાં બધું આપી દે એવી રમા કે જેણે મહિનાઓથી સ્કૂટર ગેરેજમાંથી કાઢ્યું સુધ્ધા નથી, એના માટે મને તર્કનાં પાસાં ફેંકીને ઝપટમાં લે એ તો બહુ કહેવાય. થોડી અસંદિગ્ધ વાતો રમાબેને કરી, પણ રસિકભાઈ ને વિચારતા તો કરી જ દીધા.

હવે પછીના દિવસો ભારે આવવાના છે એટલું તો એમને સમજાઈ ગયું અને એમણે પણ કુદરતના જેમ કાર્યકારણનાં પાસાં ફેંકતાં કહ્યું, એ તો એમ છે ડાર્લિંગ કે, પ્રિયાબહેન આપણા પાડોશી, એટલે આપણો પાડોશીધર્મ એવું કહે છે કે, પહેલો સગો પાડોશી, એટલે પાડોશી મુસીબતમાં હોય તો તરત મદદ માટે હાથ લંબાવવો જોઈએ. એટલે કે સ્કૂટર આપવા પાછળના કાર્યકારણ નિયમ મુજબ મેં માત્ર પાડોશીધર્મ બજાવ્યો છે. સ્કૂટર આપવાની ઘટના ઘટી અને એ પણ મારા કારણે એ હું કબુલું છું. બસ રમા, ઘટના પાછળનું શુભ કારણ-હેતુ આજ હતો. આ તો પાડોશીધર્મનો પહેલો પાસો ફેંક્યો છે, પણ જો તું ન ચાહતી હો તો હું ફોન કરીને સ્કૂટર પાછું મંગાવી લઉં. ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી.’

સારું હવે વધારે તર્કનાં પાસ ફેંકવાનાં બંધ કરો. જોયા મોટા વૈજ્ઞાનિક. પણ હા, હવે પછી પાડોશીધર્મ બજાવ્યો છે તો ફરી હુંય પાસાં ફેંકીશ બસ.

આટલો તર્ક રામ જાણે ક્યાંથી શીખી લાવી એ વિચારી વિચારી રસિકભાઈનું માથું ચડ્યું અને ઊભા થઈને દુખાવાની ગોળી શોધી પણ મળી નહીં. આખરે રમાબહેનને આશરે ગયા. રમા, માથું દુખે છે. દવા આપને પ્લીઝ.

જોયું? આમાં પણ કાર્યકારણનો સિદ્ધાંત કામ કરે છે. જેમ કે, માથું દુખ્યું તો કારણ શું? કશું એમનેમ તો ઘટતું જ નથી. કારણ તમે સ્કૂટર મને પૂછ્યા વિના આપ્યું એથી મેં ભાષણ આપ્યું અને એથી તમારું માથું દુખ્યું. તમે આવું અપકૃત્ય ન કર્યું હોત તો દવા લેવી ન પડત. માથું દુખ્યું તો દવા બની, દવા બની તો તમે લઈ શક્યા. ક્યારેક આ તર્ક તમારે બીજી રીતે સમજવો હોય તો હું સમજાવીશ. મને લાગે છે કે ક્યારેક શા માટે આજે જ અને હમણાં જ કેમ નહીં? આ સ્વિચ હું પાડું ને અજવાળું થાય એ એમનેમ નથી થતું. કાર્યકારણનો સિદ્ધાંત અહીં લાગુ પડ્યો છે. એ તમને હું સૂક્ષ્મ રીતે અન્ય ઉદાહરણો અને વૈજ્ઞાનિક તારણો સાથે સમજાવું તો તમારે માટે સરળ રહેશે.’

રમાબહેનના મોં પર હાથ મૂકીને રસિકભાઈ બોલ્યા, રમા, સારું છે કે તું ચાર ચોપડી એ જ અટકી ગઈ. કાશ! આગળ ગઈ હોત તો કોઈ કાર્યકારણનો સિધ્ધાંત આપણાં લગ્નજીવનને સફળ બનાવવા કામ આવત નહીં.’

અહીં જ તમે ભૂલ કરો છો. લગ્નજીવન મારાં ભણવા કે ન ભણવાથી સફળ કે નિષ્ફળ થયું નથી. લગ્નજીવન એટલે ટકયું છે કારણકે અમે અમારા પિયરથી કરિયાવરમાં સંસ્કાર, ધીરજ અને સાલસતા તેમ જ તમારા જેવાઓના સ્વભાવને સાનુકૂળ થવાની શક્તિ અને હિંમત લઈને આવ્યા હતા. એટલે લગ્નજીવન ટકી રહ્યું છે. બાકી તો તમારા જેવા ભણેલા કૈ કેટલા ભણેલી પત્ની લાવ્યાં બાદ પણ છૂટાછેડા લઈને નવરા થઈ ગયા છે.

આમ અમને ઓછી ભણેલી કહી એની પાછળ પણ કાર્યકરણનો સિદ્ધાંત રહેલો છે. રસિકભાઈએ હાથ જોડી રમાબહેનની માફી માંગતાં કહ્યું, “ડાર્લિંગ તને ચાર ચોપડી ભણેલી એમ કહેવાથી તને માઠું લાગ્યું તે બદલ હું તારી માફી માંગું છું, પણ તું હવે આ મારી માફી માંગવા ઉપર પણ કાર્યકારણનો સિધ્ધાંત વચ્ચે લાવીને લાંબુ ભાષણ આપતી નહીં.”
આમ તમારે મારી માફી માંગવી પડે એમાં પણ કાર્યકારણનો નક્કર સિદ્ધાંત તો રહેલો જ છે. અને હં. માફી માંગવાનો વારો કેમ આવ્યો ? તો એનું મુખ્ય કારણ કહું ? “કહો… મારે સાંભલ્યે જ છૂટકો છે.” (મનમાં જ રમેશભાઈ બોલ્યા નહીંતર વળી નવો કાર્યકારણ આવે.)
તમને અમારા ભણતર નહીં, પણ ગણતર ઉપર વાંધો છે. એટલે ? એટલે એમ કે હું ભણેલી નથી પણ તમારા કરતા ચાર ગણી ગણેલી છું. કહું કેવી રીતે ? તમે બજાર ખરીદી કરવા જાવ તો સો રૂપિયાની સાડી પાંચસો રૂપિયામાં લાવો છો અને હું સો રૂપિયાની સાડી પચાસ રૂપિયામાં લાવું છું.

તમે જે કામ બગાડો છો તે કામ હું સુધારું છું, તમે શોપિંગના પૈસા આપતા નથી, પણ છતાં અમે ભરપૂર શોપિંગ તમારા પૈસાથી જ કરીએ છીએ. અમે એ પૈસા ઘરેલું એકાઉન્ટ સેટ કરીને આરામથી કાઢી લઈએ છીએ અને છતાં તમે અમને પકડી શકતા નથી. જ્યારે અમે વારે વારે તમારા કારનામા પકડી પાડીએ છીએ. ચાર ચોપડી ભણેલી આ રમા કાર્યકારણનો સિદ્ધાંત જાણતી હોવાથી કદી નિષ્ફળ ગઈ નથી કે કદી તમારી સામે હારી નથી માટે તમે મારાથી જલો છો અને એથી તમે મારાં ભણતરને આગળ કરો છો, પણ કાર્યકારણનો સિદ્ધાંત એમ કહે છે કે ભણતર કરતા પણ ગણતર જ સફળ થવા તેમ જ દામ્પત્ય જીવન ટકાવવા માટે જરૂરી છે.
બોલો, હજી પ્રકાશ પાડું?
(બોલો, રમેશભાઈએ રમાબહેનને શું કહ્યું હશે?)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…