લાડકી

સૂકા પોયણાની સુગંધ

ટૂંકી વાર્તા -સુમંત રાવલ

કેવું બની ગયું!
આશિષને કલ્પના પણ નહોતી કે આવું બનશે.
આશિષ કલ્પનાશીલ યુવાન હતો. બચપનથી જ તેને ખીલેલા ફૂલો, ઊગતા અને ડૂબતા સૂરજના રંગો, પતંગિયાની રંગબેરંગી પાંખો જોવામાં રસ હતો. મોટો થતો ગયો તેમ તેમ આ શોખ પણ મોટો થતો ગયો. યુવાન થયો ત્યારે તો તેનો આ શોખ સોળેય કળાએ ખીલી ઊઠયો, ધીમે ધીમે તેણે કલમ ઉપાડી અને તેના અંતરમાં ઊઠતા ભાવો તેણે કાગળ પણ લખવાનું શરૂ કર્યું. કાગળ પર શબ્દો ઊતરી જતાં અને તેના મનનો ભાર પણ ઊતરી જતો તે ફૂલની પાંખડી જેવો હળવો થઇ જતો એટલું જ નહીં પણ ફૂલની પાંખડીની જેમ ખીલી ઊઠતો, ક્યારેય ન અનુભવ્યો હોય તેવો આનંદ અનુભવવા મળતો તેને અનહદ આશ્ર્ચર્ય થતું. કવિતા લખાઇ ગયા પછી દરેક કવિને આવોજ આનંદ થતો હશે. કુદરતના આ કરિશ્માને તે સમજી શક્તો નહોતો.

તેને લાગતું કે તે આશિષ મહેતા જ નથી બીજુ કૈંક પણ છે, લોહી માંસ હાડકાના આ દેહમાં એક કવિ છુપાયેલો છે, જે બહાર આવવા થનગની રહ્યો છે જેને કોઇ કાળે અટકાવી શકાય તેમ નથી.
તેની સ્વપ્નશીલ આંખોમાં મેઘધનુષના સાત રંગો હતા, તેના કાળા ભમ્મર માથાના વાળમાં પંક્તિઓની પાંથી પડેલી હતી, તેના ગૌરવર્ણા ચહેરા પર ગઝલોનું ગાંભીર્ય હતું. તેના બુદ્ધ જેવી લાંબી બૂટ વાળા કાનમાં કવિતાના ગીતનું ગુંજન થતું રહેતું હતું.

તેનો પહેલો કાવ્યસંગ્રહ બહાર પડ્યો: ‘પોયણાનો પમરાટ’ અને તેના જીવનબાગની બંજર જમીનના પડ તોડીને એક પોયણું બહાર નીકળી આવ્યું… ત્યાં એક દિવસ અચાનક તેની કવિતાના ભાગને ઉલેચતો એક પત્ર મળ્યો… લેખિતમાં તેને આ પહેલો પ્રતિભાવ મળ્યો, પોયણું ખીલી ઊઠયું! પત્ર કોલેજમાં અભ્યાસ કરતી એક મુગ્ધ યુવતીએ લખ્યો હતો. તેનું નામ પણ અજબ હતું. સુકોમળા ઝવેરી! તે દિવસે તેને પહેલીવાર સમજાયું કે ઝવેરાત પણ કોમળ હોય છે! પોયણું આટલું ઝડપથી ખીલીને ફૂલ બની જશે એવું તો તેણે સપનામાં પણ કલ્પ્યું નહોતું, પત્રમાં સરનામું પણ હતું, સરનામું વાંચીને તે ખળભળી ઊઠયો. સુકોમળા ઝવેરી આ શહેરમાં જ રહેતી હતી. આશિષને નવાઇ લાગી આ જ શહેરમાં- સુકોમળા રહેતી હતી, છતાં રૂબરૂ મળવાને બદલે પત્ર શા માટે લખ્યો હશે? કદાચ સ્ત્રી સજજ શરમ લાગતી હશે! તરત જ આશિષે જવાબ લખી નાખ્યો.

મેં કલ્પેલો એક ચહેરો- અમીબાનો આકાર બનીને નિતનવાં રૂપો ધારણ કરતો રહે છે
લાખ કોશિશ કરવા છતાં
નથી પકડી શકાતો તેનો આકાર…
અને મથી રહ્યો છું. વર્ષોથી એક નિશ્ર્ચિત આકારની શોધમાં
જે મને ક્યારેય મળવાનો નથી.

પત્ર પોસ્ટ કરીને તે સપનામાં ખોવાઇ ગયો. પછી પોતાની જાત પર હસી પડ્યો, એક સ્ત્રી પ્રશંસકને ગદ્યમાં ઉત્તર લખવાને બદલે પદ્યમાં ઉત્તર લખીને મોકલવાની પોતે મૂર્ખાઇ કરી હતી!
ત્યાં તેના આશ્ર્ચર્ય વચ્ચે ત્રીજે દિવસે જ પ્રત્યુત્તર મળ્યો. એ પણ કવિતાના રૂપમાં-
બહાર ચહેરાને ન શોધો…
તમારા અંતરના અતલ ઊંડાણમાં
મારો એક ડૂબકી…
અને કરો બંધ આંખો…
આપો આપ સામે આવી જશે
એક ખોવાયેલો ચહેરો…
પ્રત્યુત્તર ટૂંકો હતો, અને તેની નીચે નામ પણ લખ્યું હતું: સુકોમળા ઝવેરી… તેની કલ્પનાના બંધ દરવાજાને આ સુકોમળાએ કઠોર ટકોરા મારીને ખોલી નાખ્યા… આશિષે સાહસ કર્યું, પ્રેમની અભિવ્યક્તિ કાવ્યરૂપે કરી દીધી..
તારા ચહેરાને
શબ્દદેહે મઢવા હું
ઊભો છું કલમ પકડીને
પણ મારા કલ્પનારૂપી ખડિયામાં
શાહી ખૂૂટી ગઇ છે…
સામેથી ફરી કવિતામાં પ્રત્યુત્તર મળ્યો.
મારા મૃતદેહને ખેંચી રહ્યા છે
અસંખ્ય કીડા મંકોડા…
સુકા વેરાન ખેતરની દિશામાં
જ્યાં ખોડાયેલો ઉદાસ ચાડિયો
ઊભો ઊભો મારી રાહ જોઇ રહ્યો છે
અને કહી રહ્યો છે. હે પ્રિયતમા તું આ વેરાન ખેતરમાં ખાતર બનીને આવ… અને ખેતરને ફરી જીવતું કર…
આશિષ સમજી ગયો… તેને સૂના ખેતરના ચાડિયાની ઉપમા મળી ચૂકી હતી. એ ચાડિયો મટી જીવતો જાગતો પુરુષ બનવા થનગની ઊઠયો, એ નદીકિનારે આવીને બેઠો કે તરત તેને એ અજાણી છોકરીના વિચારો આવવા લાગ્યા, એક જ શહેરમાં બન્ને જીવતાં હતાં છતાં કેટલા દૂર હતાં, નદીના કાંઠા જેમ સામસામા હતાં વચ્ચે ઊંડાણ હતું… પાણી હતું અને કિનારે બાજેલી લીલ હતી. આ ઊંડાણ, આ પાણી અને આ ચીકણી લીલ બન્નેને એક થવા દેશે ખરી? આ વિચારે તેને ચિંતામાં નાખી દીધો… સાચે જ કવિ કલ્પનાશીલ પ્રાણી હોય છે. એક છોકરીએ એ કવિતા વાંચીને કવિતામાં પ્રતિભાવ લખી મોકલ્યો, એમાં પોતે પ્રેમઘેલો થઇ જીન સંગિની બનાવવાના ખ્યાલમાં ખોવાઇ ગયો… ખરેખર કવિઓ ઘેલા હોય છે. એ પોતાના ક્ષુલ્લક વિચારોને નદીના પ્રવાહમાં પધરાવી ઊભો થઇ ગયો, પણ તેની અંદર જે સુકોમળાનું કોમળ કોમળ સપનું તો ઢીચણ વાળીને તપસ્વીની માફક બેસી રહ્યું હતું. એ ઊભું થવા ઇચ્છતું નહોતું.

તેણે એક દિવસ સુકોમળાને મળવાનો સંકલ્પ કર્યો પણ પછી તરત જ સોડાની બોટલમાં ઊભરાતા ફીણ જેમ ફૂટી ગયો, કારણકે તેના ફોઇ કોઇ સુશીલ, સુંદર, સંસ્કારી છોકીનું માગું લઇને આવ્યા હતાં સાથે પાસપોર્ટ સાઇઝનો ફોટો લાવ્યા હતાં. આશિષે એ ફોટો જોયો અને સુકોમળાના સ્નેહ આડી પાળ બંધાઇ ગઇ, પણ ત્યાં ફૈબાએ એ સુશીલ, સુંદર, સંસ્કારી છોકરીએ પોતાના હસ્તાક્ષરમાં લખેલો બાયોડેટા રજૂ કર્યો… આડાતેડા અક્ષરો જોઇને તે હતાશ થઇ ગયો… ભણતર નવ ધોરણ સુધીનું હતું… તે નિરાશ થઇ ગયો, પોતે ગ્રેજ્યુએટ અને… ફૈબાએ કહ્યું, આશિષ જીવનમાં ભણતર કરતાં ગણતર જરૂરી છે.

તે બહારમાં નીકળી ગયો, બહાવરો બની ગયો, બગીચે ચાલ્યો ગયો, અનેક ચહેરા સામે આવતા ગયાં તેમાં તે સુકોમળાના ચહેરાને શોધવા કોશિશ કરતો રહ્યો કેવી હશે સુકોમળા! કોમળ હશે કે બરછટ? કાળી હશે કે ધોળી? આ વલવલાટ, આ તલસાટ આ ઉકળાટમાં ક્યાય સુકોમળા મળતી નહોતી, પણ કવિતા ચોક્કસ મળતી હતી.

નર્કાગાર નગરમાં મમી બનીને હું સૂતો છું મહેરબાની કરીને કોશિશ ન કરો આ મડદામાં પ્રાણ ફુંકવાની….

ફરી એ મડદું બેઠું થશે તો ફરી ન કરવાનું કરી બેસશે…

ત્યાં કલમ અટકી ગઇ. નીચે કોલાહલ થતો હતો, કોઇ મહેમાન આવ્યું હતું, તેણે પેનની સાથે ડાયરી પણ બંધ કરી દીધી અને પગથિયાં ઊતરી નીચે આવ્યો, આ વખતે ફૈબા આવ્યા તો પેલી છોકરીને પણ સાથેે લેતા આવ્યાં હતાં. કદાચ આશિષને તેનું રૂપ ગમી જાય, એવી આશા સાથે આવ્યા હતાં, નૈન મીલે ચૈન મીલે… એ ફિલ્મીગીત જેેવો ફોઇબાનો પ્લાન હતો, પણ આશિષે તો નૈન જ ન મેળવ્યા!

સાંજે એ ગામડાની ગોરી પોતે જાતે બનાવેલી રસોઇ આશિષની થાળીમાં નીચે નમીને પીરસી રહી હતી. આશિષે ઊડતી નજરે તેની સામે જોયું તો તેણે મોંમાં મુકેલો કોળિયો ગળામાં જ સલવાઇ ગયો, ઊતરાઇ ગયો, ઉધરસ ચડી. ઉતાવળા ન થાવ! કોયલ જેવો અવાજ કાઢતા એ ગામડાની ગોરી એ આશિષને પાણીનો પ્યાલો આપ્યો, ‘લો… પાણી પીઓ…’ પાણી પીધા વગર તે ઊભો થઇ ગયો.
‘કેમ કેવી લાગી મારી રસોઇ…?’

તેને કશો ઉત્તર ન આપ્યો
રાતે તેણે માને સાફ શબ્દોમાં કહી દીધું. ‘મારે આ ઘંટીનું પડ ગળે બાંધવું નથી.’

‘તને કોણ કહે છે કે પડ ગળે બાંધ…. પણ રમાગૌૈરી કેળવાયેલી છે. ગામડાની છે તંદુરસ્ત છે…’

‘જોઇ તંદુરસ્તી?’ આશિષે રમાગૌરીની જેમ હોઠ મરડીને પોતાની સૂગ વ્યક્ત કરી.

બીજે દિવસે ફોઇ અને પેલી રમાગૌરી બન્ને રોકાઇ ગયાં, કદાચ આશિષ સાથે ગોઠવીને પછી જ એ લોકો પાછા જવાના હતાં. આશિષે મનસૂબો ઘડયો, આ ગામડાની ગૌૈરીનું હૈયું બળે એવું કરવું પડશે. આંખ જુએ અને હૈયું બળે… રુદિયો રુવેને માયલો ભીંતર જલે ભજન જેવું કરવું પડશે. એટલે એ છંછેડાશે અને ચાલી જશે ગામડાની ખાધેપીધે સુખી ઘરની દીકરી હતી… તેથી શરીરમાં લોહી ભરેલું હતું, ચામડી રાતાટમેટા જેવી હતી. મા એ કહ્યુંકે તેને ઘેર દુઝણા છે. તને ઘી દૂધ ખવરાવી તાજોમાજો કરી દેહે. આશિષે ‘આઇડિયા’ તૈયાર કર્યો. આ બલાને અહીંથી વળાવવાનો એક ઉપાય હતો, એક સ્ત્રીથી બીજી સ્ત્રીને ઇર્ષ્યા થતી હોય છે. તેણે મનોમન પ્લાન ઘડ્યો… આ રમાગૌરીને સુકોમળા ઝવેરી પાસે લઇ જવી અને બતાવવું કે આવી તો મારી ગર્લફ્રેન્ડ છે. એટલે તે દાઝી જશે અને ભાગી જશે.

તેણે માને કહ્યું, ‘મા આ રમાગૌરીને કવિતાની કંઇ સમજ નથી. ગામડાનું ભોથુ છે. કવિતાનાં ‘ક’ની ય ખબર પડતી નથી. ‘મુર્ખા’, એ અહીંં કવિતા કરવા નથી આવી તારું ઘર બાંધવા આવી છે. ઘર બાંધનારી કવિતાનો ‘ક’ નહીં પણ ઘરનો ‘ઘ’ શીખવાનો હોય અને રમાગૌરી તે શીખી ચૂકી છે.’

‘ખેર… છતાં મારે તેને સાંજે બહાર લઇ જવી છે, ફરવા…’ ‘લઇ જાને…!’ માએ રાજી થતા કહ્યું.

સાંજે તે રમાગૌરીને લઇને સુકોમળા ઝવેરીને ઘેર જવા નીકળ્યો, પણ રસ્તામાં તેનું હૈયુ ફફડતું હતું, કારણકે સુકોમેળાને તે આ પહેલાં ક્યારેય મળ્યો નહોતો, માત્ર એકબીજાને પત્રો લખ્યા હતાં રૂબરૂ મળવા પહેલીવાર જઇ રહ્યો હતો, સુકોમળાના સ્વભાવથી પણ પરિચિત નહોતો હા, તે કોલેજમાં ભણતી હતી, એટલું માત્ર લખ્યું હતું એટલે યુવાન હશે, પણ ચહેરો મહોરો કેવો હશે! લુલી લંગડી, બાડીબોબડી.. જાતજાતના સંદેહ થતા હતાં… વિચારમાં અટવાતા અટવાતા તે ચાલી રહ્યો હતો, તેના પગ સુકોમળાના ઘરના દરવાજા સુધી દોરી ગયાં…? ઘર ક્યા આ તો નાનકડો બંગલો હતો, ધડકતા હદયે તેણે ડોરબેલની સ્વીચ દાબી ડોર ખૂલ્યો, સામે કામવાળી જેવી દેખાતી ઔરત ઊભી હતી. ‘આવો દાસ બાબુ છે…’ તેણે કહ્યું. ધડકતા હદય સાથે અંદર પગ મૂક્યો, બંગલાની પોર્ચમાં આરામદે ખુરશી પર જભ્ભાલેં ઘાધારી એક આધેડ વયનો પુરુષ બેઠો હતો. તેણે જોઇ આશિષ, શિયાવિયા થઇ ગયો, આખા બંગલામાં કામવાળી અને આધેડ પુરુષ સિવાય કોઇ નહોતું, આંખો પર ‘નંબરી કાચના ચશ્મા ચડાવી આશિષ સામે ધારી ધારીને જોયું.

‘કોણ તમે?’

‘હું આશિષ… આશિષ મહેતા, ‘અનુરાગી’ તેણે પોતાનું ઉપનામ પણ કહી દીધું.

‘ઓહ…’ આધેડની આંખો ચમકી, ‘તમે પેલા કવિ… મારી દીકરી સુકોમળા ઝવેરીના પત્ર મિત્ર? તમારા લીધે તો મારી દીકરી કવિતા લખતી થઇ ગઇ!’ આશિષ ચમકી ગયો, બાપદીકરી વચ્ચે પણ કેવી મૈત્રીભર્યા સંબંધો, સુકોમળાએ આ વિધુર બાપને પોતાના વિશે બધી વાત દિલ ખોલીને કરી દીધી હતી…

એબ્રોડ માઇન્ડેડ ફેમિલી!

‘હું સુકોમળાનો બાપ, દાસબાબુ ઝવેરી… તમને કદાચ ખબર નહીં હોય…’ એટલું કહેતા દાસબાબુની જબાન અટકી ગઇ. કહેવું કે ન કહેવુંની દ્વિધા તેમના ચહેરા પર સાફ વર્તાતી હતી. ‘સુકોમળાને લ્યુકિમીયા છે…’

‘લ્યુકિમીયા મીન્સ બ્લડકેન્સર? આશિષ ચમકી ગયો ‘હા, અત્યારે તે સિવિલના કેન્સરવોર્ડમાં ટ્રીટમેન્ટ હેઠળ છે સ્પેશિયલ, વોર્ડ નંબર સાત…’ દાસબાબુનો ચહેરો ઉદાસ થઇ ગયો, આશિષ હચમચી ગયો, જે વીજળી તેણે રમાગૌરી પર પાડવા તરકીબ તૈયાર કરી હતી તે વીજળી પોતાના પર પડી હતી!

‘હું અત્યારે જ હૉસ્પિટલે તેને મળવા જાઉં છું…!’ આશિષે કહ્યું
‘જરૂર જાવ, એને ગમશે…’

આશિષ રમાગૌરીને લઇને ત્યાંથી સીધો સિવિલ હા્રૅસ્પિટલ તરફ ચાલવા લાગ્યો, કેવું બની ગયું હતું! સુકોમળાએ કવિતામાં લખ્યું હતું કે હું એક ખોવાયેલો ચહેરો છું… કદાચ એ કવિતા તેણે પોતાની બીમારીના સંદર્ભમાં જ લખી હોય તો ના નહીં!

હૉસ્પિટલે પહોંચ્યો ત્યારે દરદીની મુલાકાતનો સમય શરૂ થઇ ગયો હતો, લ્યુકિમીયા વોર્ડમાં બંનેએ પગ મૂક્યો તો બંનેના પગ અટકી ગયા, બીસ્તર પર બીમાર, ફિક્કી યુવતી સૂતી હતી.

‘આવો આશિષ મહેતા…’ તેણે પરાણે મોં પર સ્મિત ફરકાવતા કહ્યું, આશિષ તો આશ્ર્ચર્યથી જોઇ રહ્યો.

‘તમે મને ઓળખી લીધો?’

‘મને ખબર હતી કે તમે આવશો જ… વળી’ પોયણાનો પમરાટ’ કાવ્ય સંગ્રહના પાછલા પાને તમારો ફોટો પરિચય જોયા અને વાંચ્યા હતા…!’ તેણે ચોખવટ કરી. પછી પોયણો પરથી આંસુ ખંખેરતા કહ્યું, ‘મારા પોયણાનો પમરાટ તો પહોર્યા પહેલાં જ ખરી પડ્યો!’

‘પ્લીઝ, સુકોમળા, તને કંઇ થવાનું નથી… મૃત્યુના બકવાસની વાતો મારે નથી સાંભળવી’ આશિષે વાતનો વિષય બદલાવવાના ઇરાદાથી પરિચય કરાવ્યો.’ આ મારી રમાગૌરી, અને રમા… આ સુકોમળા…’ બન્નેએ સામસામા હાથ જોડયા, સ્મિતની આપ-લે કરી.

‘રમાગૌરી સાથે તમારો શો સંબંધ?’ સુકોમળાએ પ્રશ્ર્ન સૂચક નજરે આશિષ સામે જોયું.

‘હજુ બંધાયો નથી.’ તેણે સ્મિત કર્યું.

‘હવે બંધાઇ જશે, અને બાંધી નાખો આશિષ… દરેક બાબતે સુકોમળા વિશે વિચાર્યા ન કરો, ક્યારેક વિચાર્યા વિના પણ નિર્ણય કરતા શીખો’ સુકોમળા અત્યારે પીઢ ઔરત બની ગઇ હોય તેવું લાગતું હતું.

‘સોરી, આશિષ… હું તમને શીખામણ દેવા બેસી ગઇ.’ ત્યાં સિસ્ટર ટપકી પડી.’ કોણ છે આ બહેન… લોહી દેવા આવ્યા છે?’

સિસ્ટરે ઉતાવળે કહી દીધું, પછી જરા સંકોચાઇ ગઇ.

‘આ તો મારા અંગત મિત્ર છે…’ સુકોમળાને સિસ્ટરનું આવું વર્તન ન ગમ્યું.

‘પણ મીસ ઝવેરી, તમારે બ્લડની ખાસ જરૂર છે, જો ત્રણ કલાકમાં એ ગ્રૂપનું બ્લડ નહીં મળે તો મુશ્કેલી ઊભી થશે.’

સિસ્ટરના મોં પર ચિંતા હતી…

‘મળી જશે…’ રમાગૌરીએ કહ્યું ‘અત્યારે આ પળે જ મળી જશે…’ તેણે એવા મક્કમ અવાજ સાથે કહ્યું કે આશિષ અવઢવમાં પડી ગયો. રમાગૌરી એ સ્મિત કરતા કહ્યું ‘સિસ્ટર મારું બ્લડ ગ્રૂપ ‘એ’ છે…’

‘પણ બહેન… તમે તો મહેમાન કહેવાવ…’ સુકોમળા પથારીમાં બેઠી થઇ ગઇ.

‘મને રોકશો નહીં…’ રમાગૌરીએ આશિષ સામે જોતા કહ્યું.

‘તમારા કારણે એમણે મારો હાથ પકડ્યો અને ઘરથી-
આ સિવિલ હૉસ્પિટલ સુધી સાથે ચાલ્યા…’ હવે મને ભરોસો છે કે જિંદગીભર સાથે ચાલશે…’ ભાવવાહી ચહરે આશિષે સામે મોં મલકાવતા તેણે કહ્યું અને તરત જ ખચકાટ વિના બાજુના પલંગ પર સૂઇ ગઇ. સિસ્ટરે તેના બાવડામાં સિરિંજ ઘુસાડી દીધી… અને ટ્યૂબ વાટે લાલરંગનું લોહી સુકોમળાના બાવડામાં ઘુસાડેલી સિરિંજમાં દાખલ થઇ શરીરમાં પ્રસરવા લાગ્યું, સુકાયેલું પોયણું પુન: ખીલી ઊઠ્યું…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…