લાડકી

યુવાનવયે અચાનક આવતી જવાબદારીઓનો જંગ

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી

બિરવાના પેરેન્ટ્સને ઘેરથી વળાવ્યા બાદ વિચારે ચડેલી સુરભી વર્ષો પહેલા ગુરુ-શિષ્ય એવા યાશી અને નેહાના ઝગડાને મનોમન વાગોળતી હતી ત્યાં જ વિહા ટપકી.

‘સુરભી આંટીઈઈઈ..’ કહી ધબ્બ દઈને અચાનક સામે બેસી ગયેલી વિહાને અપલક સુરભીને જોઈ રહી. વિહાએ પૂછ્યુ, ‘ક્યાં ખોવાઈ ગયા છો??’
‘અરે, ક્યાંય નહીં, હું બસ એમ જ વિચારોમાં અટવાયેલી હતી. મનનું તો એવું છે ને એક ક્ષણમાં કંઈ કેટલીય સફર કરાવી દે… તું અત્યારે કેમ આવી ??’ સુરભીએ વાત ફેરવી, પણ વિહા એમ પીછો ના છોડેને!.

‘એ તો હું એમજ, તમે કહોને શું વિચારતા હતા??’ વિહા લીધી લપ મુકશે નહીં એ સમજાય જતાં સુરભીએ યાશી અને નેહા વચ્ચેના ખટરાગનો પ્રસંગ કહ્યો અને હજુ તો આગળ બોલવા જાય ત્યાં વિહાએ ફરી વાતોનું વહેણ બદલ્યું..

‘એમ નહીં આંટી તમે બધાની તકલીફોને સમજો છો, સમસ્યાઓને ઉકેલો છો તો તમે ખુદ કેટલા સમજદાર હશો. શું તમે મારા જેવડાં હતા ત્યારે પણ આવા જ હતા??’
વિહા એ કરેલા આવા અણધાર્યા પ્રશ્ર્નનો જવાબ કંઈ રીતે આપવો?? એમ વિચારતી સુરભી થોડી વાર મૌન રહી ત્યાં સુધીમાં વિહા રસોડા તરફ એક ચક્કર કાપીને આવી. વિહાનું આવું કરવું થોડું સુરભીને અજીબ લાગ્યું, પણ તે કંઈ બોલી નહીં. વિહા ફરી આવી એટલે માત્ર એટલું જ કહ્યું કે, ‘બેટા, કંઈ જોઈએ છે?’

‘અરે, ના..ના..આંટી, આ તો મમ્મી
માથું દુ:ખવાની ફરિયાદ કરી હતી એટલે જોવા ગઈ હતી કે એ સાચું બોલે છે કે?’ વિહાના છેલ્લા વાક્યએ સુરભીને વીસ વર્ષ પાછળ ધકેલી દીધી.

બે દસકા પહેલા સુરભી એક એવી યુવતી હતી, કે જેના માથે તનથી ઘરડા પણ મનથી એકદમ નાના બાળક જેવી થઈ ચુકેલી માતાની જવાબદારી હતી. સુરભીના જીવનમાં બે પ્રકારનાં ફ્રસ્ટ્રેશન (વિફલતા) હતાં. એક પોતાની આટલી ઉંમરે પણ કોઈ પાર્ટનર વગર ભોગવવી પડતી એકલતા અને બીજુ એના સતત કોઈ બીમારી ના હોવા છતાં પણ પોતે બીમાર છે એવું માનતી રહેતી અને તેની સવાર-સાંજ ફરિયાદ કરતી રહેતી માતા. એક તબક્કે તો સુરભીએ ગુસ્સે થઈને એવું કહી પણ દીધું હતું કે આના કરતાં તો તમને ખરેખર કોઈ બીમારી હોત તો સારું હતું. નાનું-મોટું માથું દુ:ખવું, નબળાઈ લાગવી કે હલનચલન ઓછું થવું એ કોઈ ગંભીર બીમારી નહોતી
તેમ છતાં તે એમ માનતાં કે તેની તકલીફ કોઈ રાજરોગથી
ઓછી નથી.

આપણાં ભારતીય કુટુંબોમાં એવું ઘણી વખત બનતું હોય છે કે જ્યાં ઘરડાં થઈ રહેલા મા-બાપ અને તેનું ધ્યાન રાખતું એકમાત્ર યુવા
સંતાન હોય અને ત્યારે એમનાં વચ્ચે નાની નાની વાતોમાં ઊભું થતું ઘર્ષણ સુરભી જેવા માટે એકદમ અકળામણભર્યું બની બેસે.

સુરભીના પિતા એકદમ ખુલ્લા વિચારોના હતા. બાપ -દીકરી વચ્ચે કોઈ સિદ્ધાંત કે આદર્શતાને બદલે એકદમ સહજ આર્ગ્યુમેન્ટસ થતી અને એકબીજા પરની અકળામણ ગમે ત્યારે ઉલેચવાની છૂટ હતી, પરંતુ યુવાનીના ઉંબરે પિતાને ગુમાવી બેસેલી સુરભીની જિંદગી દેખીતી રીતે એકદમ સીધી, સરળ હતી, પણ માના આવા કચકચિયા સ્વભાવને લીધે એને જીરવવી એટલી જ અઘરી થઈ પડેલી. સુરભીને લાગતું કે પોતે એક ઉંમર થયા બાદ પણ જિંદગીના પડાવ પર એકદમ એકલી ઊભી છે.

સુરભીને યાદ આવ્યું કે હાલની જેમ જ પોતે એનર્જીથી ભરપૂર એવી ‘મલ્ટિ ટાસ્કર’  હતી, જે જોબની સાથે આખું ઘર

સંભાળી લેતી. એક મલ્ટિનેશનલ ઓફિસમાં કામ કરતી સુરભી પોતાની પર્સનલ લાઈફને સંભાળવાની કોશિશ કરતી, પરંતુ ખુદની
એકલતા અને ઘરની એકલા હાથે સંભાળવી પડતી જવાબદારીને કારણે ત્યારે સુરભી મનથી એકદમ શુષ્ક બની ગયેલી. છાશવારે
કોઈ પણ સાથે ભેજામારી કરી લેતી, જેના કારણે તેના ઘરમાં ચાલતા મધર- ડોટર ખટરાગની અન્યોને પણ જાણ થતી રહેતી. યુવાન સુરભી પોતાની માની આમ ખૂબ કાળજી રાખતી. ચીવટપૂર્વક માતાની સંભાળ રાખતી, પરંતુ અમુક પરિસ્થિતિમાં તે એકદમ જ
અસભ્ય, તોછડી અને અઘરી બની જતી, પણ એક દિવસ જે માની સતત ટકટક, નકામી ફરિયાદો, કચકચ અને કારણ વગર બીમાર રહેવાની માનસિકતા, મુફટ્ટ રીતે દીકરી વિશે પણ જાહેરમાં મન પડે એમ બોલી નાખવાની આદત,વગેરેથી રોજ ધૂંધવાતી રહેતી સુરભી માતાના અચાનક થયેલાં અવસાન બાદ તેની હાજરીને જે રીતે મીસ કરે છે ત્યારે તેને સમજાય છે કે આપણા ઘરોમાં રહેતા આ વડીલોથી બની રહેતી રોનક આપણે ત્યાં સુધી નથી અનુભવી શકતા, જ્યાં સુધી એ બધા આપણા જીવનમાંથી જતાં ના રહે…
બસ, પછી સુરભી એવી યુવતીઓમાંની એક બની બેસેલી છે, જે જવાબદારીઓના બોજ તળે પોતાની અંગત જીંદગીમાં આગળ વધી નથી શકતી.

‘અરે, આંટી પાછા ખોવાઈ ગયા?’ સુરભીને વર્તમાનમાં લઈ આવી વિહાએ ફરી શરૂ કર્યું, ‘આંટી તમે ક્યારથી આમ એકલા જ રહો છો?! તમે લગ્ન નથી કર્યા? તમને કોઈ ગમતું હતું કે …? ’ વિહાના આટલા અંગત સવાલોના જવાબ આપવા સુરભી હરગીઝ તૈયાર નહોતી. તેણે ચતુરાઈપૂર્વક વિહાને વાળી કે એ કહું ‘એ પહેલા હું તારા જેવી પેલી ટીનએજર યાશીની વાત પૂરી કરી દંઉ તને? કંઈક શીખવા મળશે ને પોતાના ટીચર કે વડીલ સાથે વિવાદો ના કરવા એ પણ સમજ આવશે…’ સુરભીએ એટલાં ભારપૂર્વક છેલ્લાં વાક્યો કહ્યાં કે વિહા પાસે ‘ઓકે આંટી’ કહી સહમતી દર્શાવ્યા વગર છૂટકો નહોતો રહ્યો.
(ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…