લાડકી

ધ હીટ ગર્લ

કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય

(ભાગ: ૫)
નામ: આશા પારેખ
સ્થળ: જુહુ, મુંબઈ
સમય: ૨૦૨૪
ઉંમર: ૮૧ વર્ષ
હિન્દી સિનેમાના બે દાયકા અત્યંત સફળતાપૂર્વક જીવ્યા પછી પણ એક ગ્લેમર ગર્લનું જે સ્ટીકર મારા પર લાગ્યું હતું એ ચિપકેલું જ રહ્યું. વૃક્ષની આસપાસ ફરવું, હીરો સાથે ગીતો ગાવા, લોજિક ન હોય એવી વાતમાં સમર્પણ કરવું, જુઠ્ઠું બોલીને હીરોને પોતાનાથી દૂર કરવો અને પછી પીડામાં-વિરહમાં તડપવું… આ બધી કથાઓ એ વખતે સુપરહીટ હતી અને હું એનો હિસ્સો હતી. એ વખતે ઋષિકેશ મુખર્જી મારી પાસે એક ફિલ્મ લઈને આવ્યા. ‘મેરી સુરત તેરી આંખે’ ઋષિકેશ મુખર્જીની અનેક ફિલ્મો સફળ થઈ હતી. એમની વાર્તામાં સાદગી હતી અને એમનાં પાત્રો રિયાલિટીની નજીક હતા. મેં ફિલ્મ કરવાની હા પાડી. એક પૈસાવાળી છોકરી એક કવિના પ્રેમમાં પડે છે. ફિલ્મ તો સારી બની જ, પરંતુ એ ફિલ્મનાં ગીતો પણ હીટ થયાં. સેટ ઉપર હું ‘મિલ્સ એન્ડ બુન’નાં પુસ્તકો વાંચતી. સાદી-રોમેન્ટિક વાર્તાઓ જેને સત્ય સાથે કંઈ લેવાદેવા ન હોય. ઋષિદાએ મને કહ્યું, ‘કંઈ સારું વાંચતા શીખ.’ ભારત ભૂષણજીએ મને સૂચવેલાં પુસ્તકો કરતાં એમણે વધુ રસ પડે એવાં પુસ્તકો મને સૂચવ્યાં. મારા વાંચનનો શોખ ત્યાંથી શરૂ થયો. ત્યાંથી મારામાં એક જુદી અને ગંભીર સ્ત્રી ઉમેરાઈ. ઋષિકેશ મુખર્જીની ફિલ્મ પછી મને પ્રમોદ ચક્રવર્તીએ ‘ઝિદ્દી’ ઓફર કરી. જેમાં મેં રાની નામની હાથણી અને એક વાંદરા સાથે કામ કર્યું. કામ ખૂબ અઘરું હતું, પરંતુ પ્રાણીઓથી ડરતી હું એ પછી એનિમલ લવર થઈ ગઈ. એ ફિલ્મમાં જોય મુખર્જી હતા. શશધર મુખર્જીના દીકરા. જોયને અભિનય કરવામાં કંઈ ખાસ રસ નહોતો! ફિલ્મ તો હીટ થઈ ગઈ, પણ એ ફિલ્મના સેટ પર એક ગંભીર ઘટના બની. જોય મુખર્જીએ મને ઉપાડીને
એક જગ્યાએ ફેંકવાની હતી. એમણે એટલા જોરથી ફેંકી એનાથી મારી કમરમાં ક્રેક આવી ગયું. થોડા દિવસ શૂટિંગ બંધ રાખવું પડ્યું.

એ પછી એમણે મને ‘લવ ઈન ટોક્યો’ માટે સાઈન કરી, ત્યારે ફરી એકવાર જોય મુખર્જી સાથે એક એક્સિડેન્ટ થયો. હાથમાં ઉપાડીને એમણે મને છોડી દેવાની હતી, એમણે જે રીતે છોડી એનાથી મારી ભાંગેલી કમરમાં ફરી એક જર્ક આવ્યો… આજ સુધી શિયાળામાં ક્યારેક મારી બેક બહુ દુખે છે. જી.પી. સિપ્પીના પ્રોડક્શનમાં ‘મેરે સનમ’ બની જેનાં ગીતો સુપરહીટ થયાં. એ ફિલ્મ એટલી હીટ થઈ કે મને મારા મહેનતાણા કરતાં ૪૦ હજાર રૂપિયા વધુ મળ્યા (બોનસ સ્વરૂપે).

એ એવો સમય હતો જ્યારે ફિલ્મી દુનિયા બદલાઈ રહી હતી. નવા વિચારો, નવા અભિનેતા અને નવા દિગ્દર્શકો પ્રવેશી રહ્યા હતા. જૂની પુરાણી એ જ ત્યાગ-બલિદાનની વાર્તાઓને બદલે હવે નવી વાર્તાઓની શોધ શરૂ થઈ હતી. દેવ આનંદના પ્રોડક્શનમાં એમના ભાઈ વિજય આનંદ દિગ્દર્શિત ‘તીસરી મંજિલ’ની જાહેરાત થઈ. ફિલ્મમાં હું હતી અને શમ્મીજી. આજે જે લેખક તરીકે ખૂબ સુપ્રસિદ્ધ છે એ, સલમાનના પિતા સલીમ ખાન એ ફિલ્મમાં ‘ડ્રમર’ના રોલમાં હતા. હેલનજી અને સલીમ ખાન ત્યાં જ મળ્યાં! ફિલ્મની જાહેરાત તો થઈ ગઈ, પરંતુ અછબડાના રોગને કારણે ગીતા બાલીનું મૃત્યુ થયું. શમ્મીજી ત્રણ મહિના ભયાનક ડિપ્રેશનમાં જતા રહ્યા. કોઈને મળતા નહીં, ફોન ઉપાડતા નહીં. ફિલ્મ ઠેલાઈ ગઈ. વિજય આનંદ માટે આ ગંભીર મુશ્કેલી હતી. આર.ડી. બર્મન માટે પણ આ પહેલી ફિલ્મ હતી (ભૂત બંગલા પછી). ધીમે ધીમે શમ્મીજીએ કામ પર પાછા ફરવાનો નિર્ણય કર્યો અને શૂટિંગ શરૂ થયું. ફિલ્મ એટલી તો સુપરહીટ થઈ કે હિન્દી સિનેમામાં ઈતિહાસ પુરવાર થયો.

અહીંથી હિન્દી સિનેમાની વાર્તાઓમાં બદલાવ આવ્યો, સંગીતમાં નવા પ્રયોગો થવાના શરૂ થયા અને ખાસ કરીને, દિગ્દર્શન ક્ષેત્રે ટેક્નોલોજીનો બદલાવ અહીંથી આવ્યો એમ કહીએ તો ખોટું નથી.
રાજ ખોસલાએ મને એક ફિલ્મ ઓફર કરી, ‘દો બદન’. સૌને લાગ્યું કે, હું એ ફિલ્મ માટે ફીટ નહોતી કારણ કે, ફિલ્મમાં કોઈ ગ્લેમર નહોતું, ડાન્સ નહોતા અને વિષય ગંભીર હતો. ઈચ્છા વિરૂદ્ધ એક અમીર માણસ સાથે એક છોકરીના લગન કરાવી દેવામાં આવે છે, પરંતુ એ પોતાના પ્રેમીને ભૂલી શકતી નથી. અંતે, એની આંખો જતી રહે છે અને એનું મૃત્યુ થાય છે. એ ફિલ્મમાં મનોજકુમાર અને પ્રાણ હતા. મનોજકુમારે આગ્રહ રાખ્યો કે, ફિલ્મના અંતમાં બંને પ્રેમીઓ સાથે મૃત્યુ પામે… મેં થોડો વિરોધ કર્યો, પરંતુ અંતે મનોજકુમારનું સજેશન માન્ય રાખવામાં આવ્યું અને જે ફિલ્મ સુપરહીટ પુરવાર થયું. ગીતો પણ સુપરહીટ થયાં. પહેલીવાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના વિક્રમસિંઘે મારા અભિનયના વખાણ કર્યા અને લખ્યું, ‘આશા પારેખને અભિનય પણ આવડે છે, પહેલીવાર ખબર પડી.’ જોકે, એ ફિલ્મમાં સિમી ગરેવાલનો રોલ મેં કપાવ્યો એવી એણે ફરિયાદ કરી. મને નવાઈ લાગી. હું તો એક સામાન્ય અભિનેત્રી હતી. દિગ્દર્શક કે એડિટર મારું શું કામ સાંભળે, પરંતુ એણે પ્રેસ કોન્ફરન્સ કરીને આ ફરિયાદ રજૂ કરી. મેં સામે કોઈ જવાબ ન આપ્યો. એ પછી અરૂણા ઈરાની અને લક્ષ્મી છાયાએ પણ આવી જ ફરિયાદ કરી. લક્ષ્મી છાયાને ‘મેરા ગાંવ મેરા દેશ’માં ઉત્તમ ગીતો મળ્યાં અને એનો રોલ પણ રસપ્રદ હતો તેમ છતાં એણે કહ્યું કે, મેં એનો રોલ કપાવ્યો. ખેર, હું આજે પણ માનું છું કે, દરેકને પોતપોતાનું કામ પૂરી નિષ્ઠાથી કરવાનો હક અને ફરજ છે. હું આજે પણ એમ જ કરું છું. એ પહેલાં એક ફિલ્મ જે મારી ખૂબ ગમતી ફિલ્મ છે ‘ચિરાગ’. ફિલ્મ ખૂબ સારી હતી, પણ ચાલી નહીં. રાજ ખોસલા અને સુનીલ દત્ત બંને એ ફિલ્મની નિષ્ફળતાથી ખૂબ દુ:ખી થયા. હું પણ થોડી દુ:ખી થઈ, પરંતુ સત્ય તો એ જ છે કે, ફિલ્મી દુનિયામાં ફિલ્મની સફળતા અને નિષ્ફળતા ઉપર આપણો અધિકાર નથી હોતો.

વર્ષો પછી રાજ ખોસલાએ મને ફિલ્મ ઓફર કરી, ‘મૈં તુલસી તેરે આંગન કી’ ફિલ્મ ખૂબ સારી ચાલી અને ત્યારે ખોસલા સાહેબે કહ્યું, ‘ખરેખર! સમજાતું નથી, પ્રેક્ષકને શું જોઈએ છે.’
એ જ ગાળામાં શક્તિ સામંત નામના એક દિગ્દર્શક સુંદર ફિલ્મો લઈને આવ્યા. એ વર્ષે મારી ફિલ્મ ‘ચિરાગ’ રિલીઝ થઈ હતી. શર્મિલા ટાગોર ‘આરાધના’ માટે અને હું ‘ચિરાગ’ માટે નોમિનેટ થયાં હતાં, પરંતુ શર્મિલાજીને એવોર્ડ મળ્યો. નવાઈની વાત એ છે કે, શક્તિ સામંતે એના પછીની ફિલ્મ મને ઓફર કરી, ‘કટી પતંગ’ જેને માટે મને ફિલ્મફેર એવોર્ડ મળ્યો. જિંદગીનો પ્રવાસ એમ જ ચાલતો રહ્યો. ‘કટી પતંગ’, ‘ચિરાગ’ જેવી ફિલ્મો પછી મને સાદા અને ઊંડાણવાળા રોલ ઓફર થવા લાગ્યા અને પછી એક ફિલ્મ આવી ‘બહારોં કે સપનેં’ (૧૯૬૭). જેમાં મને સુંદર કામ કરવાનો ચાન્સ મળ્યો…

સૌથી આનંદની વાત એ છે કે, છેક શમ્મી કપૂરથી શરૂ કરીને સુનીલ દત્ત, દેવ આનંદ, ધર્મેન્દ્ર, સંજીવ કુમાર, વિનોદ ખન્ના, મનોજ કુમાર, શશી કપૂર, રાજેશ ખન્ના અને જિતેન્દ્રજી સુધીના અભિનેતાઓ સાથે મેં કામ કર્યું. અભિનેતાઓની ત્રણ પેઢી (લગભગ) કહી શકાય એ રીતે ફિલ્મી દુનિયાનો મારો પ્રવાસ ખૂબ રસપ્રદ અને સફળ રહ્યો.

એ દરમિયાન ગુજરાતી ફિલ્મો પણ કરી. ‘માનાં આંસુ’, ‘કુળવધૂ’, ‘અખંડ સૌભાગ્યવતી’ જેવી અનેક ફિલ્મો ગુજરાતીમાં કરવાનું મને સદભાગ્ય મળ્યું અને સાચું પૂછો તો એક ગુજરાતી તરીકે એ ફિલ્મોએ મને ખૂબ ગૌરવ પણ અપાવ્યું.
હિન્દી ફિલ્મોમાં ગુજરાતી છોકરીઓને હજી સુધી જોઈએ તેવી સફળતા મળી નથી. મળી શકે એમ છે, પરંતુ કોઈક કારણસર ગુજરાતી છોકરીઓ હિન્દી ફિલ્મોમાં એવું કાઠું કાઢી શકી નથી ત્યારે એક ગુજરાતી તરીકે ૧૯૫૨થી ૧૯૯૦ સુધી મેં ફિલ્મો કરી. છેક બિમલ રોયથી શરૂ કરીને સાજિદ નડિયાદવાલા સુધીના નિર્માતા અને દિગ્દર્શકો સાથે મેં કામ કર્યું. પદ્મશ્રી મેળવ્યો. લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ (ફિલ્મફેર) મને એનાયત કરવામાં આવ્યો.

આજે મારા માતા-પિતાની સ્મૃતિમાં આશા પારેખ હોસ્પિટલ પૂરી નિષ્ઠાથી કામ કરી રહી છે. મેં લગ્ન નથી કર્યા, પરંતુ માતા-પિતા સાથે ખરીદેલા એ બંગલામાં ખૂબ સારી રીતે અને મજાથી જીવું છું. વહીદાજી, હેલનજી, શમ્મીજી અને હું બેસ્ટ મિત્રો રહ્યાં છીએ. શમ્મીજી હવે આપણી વચ્ચે નથી, પરંતુ મારી સ્કૂલની બહેનપણીઓ પણ હજી મારી સાથે સંપર્ક રાખે છે. જીવને મને ખૂબ આપ્યું અને જે કંઈ મળ્યું છે એનાથી હું સંતુષ્ટ છું. લોકો માટે જે કરી શકાય છે તે કરું છું. ફિલ્મ વર્કર્સના વેલફેર માટે ખૂબ કામ કરું છું. પ્રવાસ કરું છું. વાંચું છું અને ઘણી સ્વસ્થ છું એ વાતે ઈશ્ર્વરનો આભાર માનું છું. મને લાગે છે કે, કોઈ એક વ્યક્તિને જીવનમાં મળી શકે એનાથી ઘણું વધારે મને મળ્યું છે. મારા માતા-પિતા અને વડીલોના આશીર્વાદ સાથે મેં જીવનમાં જે કંઈ મેળવ્યું છે એને માણીને હવે શાંત અને સુખી જીવી રહી છું.

જાણીતા લેખક ખાલિદ મહોમ્મદે મારી ઓટોબાયોગ્રાફી લખી છે. જેનું નામ છે ‘ધ હીટ ગર્લ’. સલમાન ખાન, સંજય લીલા ભણસાલી અને સાંઈ પરાંજપે જેવા લોકોએ એમાં પોતાની શુભેચ્છા લખી છે.
(સમાપ્ત)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button