લાડકી

રશિયન પિતા અને મરાઠી બ્રાહ્મણ પરિવારની પુત્રી યે નીલી નીલી આંખે…

કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય

(ભાગ: ૧)
નામ: સઈ પરાંજપે
સ્થળ: ૬૦૧, અંબર એપાર્ટમેન્ટ, ગાંધીગ્રામ રોડ, જુહુ, મુંબઈ
સમય: ૨૦૨૪
ઉંમર: ૮૫ વર્ષ
હું જે જમાનાની વાત કરું છું ત્યારે દૂરદર્શન સિવાય ટેલિવિઝન ઉપર કંઈ જોવા મળતું નહીં. એ ૭૦નો દાયકો હતો. બ્લેક એન્ડ વ્હાઈટ ટેલિવિઝન નિર્ધારિત કલાકો માટે દેખાતું. સમાચાર અને મનોરંજનના કાર્યક્રમો પણ બહુ મર્યાદિત હતા. મારી કારકિર્દી ત્યારે, દૂરદર્શન સાથે શરૂ થઈ એમ કહું તો ખોટું નથી. એ પહેલાં હું ઓલ ઈન્ડિયા રેડિયો પુણેમાં કામ કરતી હતી. એક અનાઉન્સર તરીકેની સરકારી નોકરી ત્યારે બહુ મોટી નોકરી ગણાતી. એ સમયે પહેલી વખત પૂનાના ઓલ ઈન્ડિયા રેડિયો પરથી મેં બાળ કાર્યક્રમોની શરૂઆત કરેલી. એ સમયગાળામાં બાળકો માટે ખાસ કંઈ મનોરંજન ઉપલબ્ધ નહોતું. રેડિયો પર મારો કાર્યક્રમ એટલો બધો લોકપ્રિય થયો તે ૭૫ પછી જ્યારે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી શરૂ થયું ત્યારે એ જ કાર્યક્રમને ટીવી પર લઈ આવવાની માગણી મહારાષ્ટ્ર સરકાર દ્વારા કરવામાં આવી.

મને હંમેશાં લાગ્યું છે કે, આપણા દેશમાં બાળકો માટે ખાસ કહી શકાય એવું મનોરંજન ઉપલબ્ધ નથી. ડિઝની કે અમેરિકામાં બનતા સુપર હીરો જેવાં પાત્રો આપણે પણ સર્જી શક્યા હોત, પરંતુ આપણા દેશમાં એ વિચાર ભાગ્યે જ કોઈ સર્જકોને આવ્યો, જે આપણા સાહિત્યનું દુર્ભાગ્ય છે. હું સાવ નાની હતી ત્યારે મને મારી મા વાર્તાઓ કહેતી, એ વાર્તાઓમાં હું મારી કલ્પના શક્તિ ઉમેરીને વાર્તાઓ બદલી નાખતી. મારા નાના એ નવી વાર્તાઓ સાંભળીને ખૂબ ખુશ થતા અને એમણે મને લખવાની પ્રેરણા આપી. હું મારા નાના પાસે મોટી થઈ. ડો. આર.પી. પરાંજપે, જે એક બહુ જ મોટા ગણિતશાસ્ત્રી હતા અને એમણે ગણિતના શિક્ષણમાં ખૂબ બધી શોધખોળ કરી. ભારતના હાઈકમિશનર તરીકે ૧૯૪૪થી ૪૭ દરમિયાન એ ઓસ્ટ્રેલિયામાં હતા ત્યારે અમે પણ એમની સાથે ઓસ્ટ્રેલિયામાં રહ્યા.

મારો ઉછેર ભારતનાં ઘણાં શહેરોમાં અને વિદેશમાં થયો કારણ કે, હું મારા નાના સાથે મોટી થઈ અને એ એમના કામ અને સંશોધન માટે એક પછી એક શહેર બદલતા રહેતા. મારા પિતા યુરા સ્લેપ્ટઝોફ, રશિયન હતા. મારી મા મરાઠી. મારા પિતા વોટર કલર આર્ટિસ્ટ હતા અને એક રશિયન જનરલના પુત્ર હતા. મારી મા એ સમયમાં કેમ્બ્રિજની ન્યૂનહામ કોલેજમાં ભણી હતી. ૧૯૨૯માં લંડન યુનિવર્સિટીમાંથી એણે એમ.એ. પાસ કર્યું, પરંતુ પાછા ફરીને એને સિનેમાની દુનિયામાં રસ પડી ગયો. બહુ નવાઈની વાત હતી કે, આટલું બધું ભણ્યા પછી એણે કારકિર્દી તરીકે લેખન અને સિનેમાને પોતાનો વ્યવસાય બનાવ્યો. ૧૯૫૫માં ‘ગંગા મૈયા’ ફિલ્મમાં એણે આખરીવાર અભિનય કર્યો, પરંતુ ૧૯૩૩થી શરૂ કરીને ૫૫ સુધીમાં એણે લગભગ ૨૦ ફિલ્મોમાં અભિનય કર્યો. ૬૪થી ૭૦ દરમિયાન મારી મા રાજ્યસભાની નોમિનેટેડ મેમ્બર રહી અને મહારાષ્ટ્ર લેજિસ્ટ્રેટિવ કાઉન્સિલની સભ્ય રહી. એમણે ગામડાઓમાં પરિવાર, કલ્યાણ અને ફેમિલી પ્લાનિંગના ક્ષેત્રે બહુ મોટું પ્રદાન કર્યું, જેને માટે એને પદ્મભૂષણથી નવાજવામાં આવી હતી. ટૂંકમાં, અમારો પરિવાર શિક્ષણ અને સ્ત્રીઓની કારકિર્દીને મહત્ત્વ આપતો પરિવાર હતો. મારા નાના પણ દૃઢપણે માનતા કે, દીકરીઓને ભણાવવી જોઈએ અને એમની કારકિર્દી હોવી જ જોઈએ. મારી માએ જ્યારે રશિયન વ્યક્તિ સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો એ સમયે, એટલે કે ૧૯૩૬માં કોઈ વિદેશી અને એ પણ રશિયન સાથે લગ્ન કરવા, એક મરાઠી બ્રાહ્મણ પરિવારની દીકરી માટે કેટલું અઘરું હશે, એ તો વિચારતાં જ સમજાય, પરંતુ મારા નાનાએ કે નાનીએ એ વિશે કોઈ વિરોધ નહોતો કર્યો. લગ્ન પછી મારી મા બે વર્ષ રશિયા રહી. જોકે, એમના લગ્ન લાંબું ટક્યા નહીં. ૧૯૩૮માં મારા જન્મ પછી તરત જ, ૧૯૩૯માં બંને જણાંએ ડિવોર્સ લીધા અને મારી મા રશિયાથી ભારત આવી ગઈ. મારા પિતાએ મારી માને આર્થિક મદદ કરવાની અને મારી જવાબદારી ઉઠાવવાની તૈયારી બતાવી, પરંતુ એ બંને વચ્ચે વિચારોનો મેળ કે મનમેળ રહ્યો નહીં, જેને કારણે હું મારા પિતાને બહુ મળી શકી નથી.

પૂનામાં મારા નાના સાથે અમે ફર્ગ્યુસન હીલમાં રહેતા. અમારા ઘરની બિલકુલ નજીક અચ્યુત રાનડે રહેતા. જેમણે ૪૦ અને ૫૦ના દશકમાં ખૂબ સુંદર ફિલ્મો આપી. ‘વર પાહીજે’ અને ‘માલા માણસાત ઘ્યા’ જેવી ફિલ્મો ખૂબ ચર્ચામાં પણ રહી. હું ખૂબ નાની હતી એટલે મને ત્યારે એમની લોકપ્રિયતાની ખબર નહોતી, પરંતુ એ મને વાર્તાઓ કહેતા અને ત્યારે મને લાગતું કે, જાણે હું એ વાર્તાઓ જોઈ રહી છું. આજે સમજાય છે કે, એ વાર્તાઓ ‘સ્ક્રીનપ્લે’ હતી. હું એમને મારી કલ્પનાઓની વાર્તાઓ કહેતી અને એ ખૂબ રસપૂર્વક સાંભળતા. એમણે મારા નાનાને સૂચન કર્યું કે, હું જે વાર્તાઓ કહું છું એનો એક સંગ્રહ કરીને પુસ્તક સ્વરૂપે પ્રગટ થવું જોઈએ. મારું પહેલું પુસ્તક પ્રગટ થયું ‘મૂલાંચા મેવા’ (બાળકોની મીઠાઈ) ત્યારે હું આઠ વર્ષની હતી.

મોટી થતા મને સમજાયું કે, અભિનય અને થિયેટર જ મારી કારકિર્દી બની શકશે, એટલે ૧૯૬૩માં મેં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એપ્લિકેશન કરી. એ વખતે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા બહુ જાણીતી સંસ્થા નહોતી. એ સંસ્થાને શરૂ થયે ચાર-પાંચ જ વર્ષ થયા હતા, એટલે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં ભણવા જવાની વાત મેં વાત કરી ત્યારે મારી મા શકુંતલા પરાંજપેને ચિંતા થઈ હતી, પરંતુ મારા નાના ખૂબ જ ખુલ્લા વિચારોના હતા અને અચ્યુત રાનડેએ મારી માને સમજાવી કે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા એક અત્યંત સન્માનનીય સંસ્થા છે. એ વખતે અમારા ડિરેક્ટર ઈબ્રાહીમ અલકાઝી હતા. મારી સાથેના બેચમાં ઓમ શિવપૂરી અને બીજા એવા કલાકારો હતા જેમણે પછીથી ફિલ્મી દુનિયામાં બહુ મોટું નામ કર્યું.

એનએસડીમાંથી ગ્રેજ્યુએટ થઈને હું ઓલ ઈન્ડિયા રેડિયોમાં જોડાઈ. એ વખતે મજાની નોકરી હતી. બ્રોડકાસ્ટિંગનું કામ મને ખૂબ ગમતું. બાળકો માટેના નાનાં નાનાં નાટકો, સાયન્સના કાર્યક્રમો અને એમને મજા પડે એવી વાતો હું મારા કાર્યક્રમોમાં લઈ આવતી, જ્યારે મુંબઈમાં પૂરા સમયનું ટેલિવિઝન શરૂ થયું ત્યારે મારી ટ્રાન્સફર પૂનાથી મુંબઈ કરવામાં આવી. એ વખતે મેં મુંબઈ દૂરદર્શન ઉપર એક ચિલ્ડ્રન ફિલ્મ બનાવવાની દરખાસ્ત મૂકી. સૌને નવાઈ લાગી, પરંતુ એ દૂરદર્શનનું પોતાનું પહેલું પ્રોડક્શન હતું. ફિલ્મનું નામ હતું ‘ધ લિટલ ટી શોપ’ (૧૯૭૨) એ ફિલ્મને એશિયન બ્રોડકાસ્ટિંગ યુનિયનના એવોર્ડ સહિત અનેક એવોર્ડ મળ્યા અને એ પછી મુંબઈના ટેલિવિઝનના શરૂઆતના પ્રોગ્રામ્સ માટે મને નિર્માતા તરીકે પસંદ કરવામાં આવી.
હું માનું છું મારી કારકિર્દી અહીંથી જ શરૂ થઈ.

જેણે પણ પોતાના સપનાં પૂરાં કરવા હોય, ખાસ કરીને ફિલ્મી દુનિયામાં કે નાટકની દુનિયામાં એને માટે મુંબઈ જેવું બીજું શહેર નથી. હું મુંબઈ આવી ત્યારે મને સમજાયું કે, આ તો દરિયો હતો! દૂરદર્શનના મારા કેટલાક કાર્યક્રમોના આધારે મને ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટીના ચેરપર્સન તરીકે પસંદ કરવામાં આવી. ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટીમાં કામ કરતી વખતે મેં કેટલીક એવી ફિલ્મોને પ્રોત્સાહન આપ્યું જે આજે પણ બાળકો માટેની ફિલ્મોના લિસ્ટમાં બહુ રસપ્રદ ગણાય છે. એ ગાળામાં ગુલઝાર સાહેબની લખેલી ‘સિકંદર’ (૧૯૭૬) અને ‘જાદુ કા શંખ’ (૧૯૭૪) બે ફિલ્મો બનાવી, જેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેક પારિતોષિક પ્રાપ્ત થયા.

આજે જોઉં છું ત્યારે સમજાય છે કે, મોટા મોટા કલાકારોને કે ફિલ્મમેકર્સને બાળ ફિલ્મો બનાવવામાં રસ નથી કારણ કે, એમાં ખાસ રિટર્ન નથી મળતું, પરંતુ હું દૃઢપણે માનું છું કે, જો નાનપણથી જ બાળકોને સારી વાર્તા કહેવામાં આવે તો જો કદાચ એ લોકો આગળ વધીને સારી અને સ્વચ્છ ફિલ્મો બનાવતા ફિલ્મમેકર્સ બની શકે. ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટીમાં કામ કરતાં કરતાં મને સમજાયું કે, હું એક સારી લેખક અને દિગ્દર્શક બની શકું એમ છું. હું બીજા લોકો માટે નાનું મોટું લખતી હતી, પરંતુ મને સતત અસંતોષ રહેતો હતો કે, હું જેવું ઈચ્છું છું એવી ફિલ્મ હું બનાવી શકતી નથી. ૧૯૮૦માં મેં પહેલી ફિચર ફિલ્મ બનાવી, ‘સ્પર્શ.’ નસરુદ્દીન શાહ અને શબાના આઝમી સાથે બનેલી આ તદ્દન લો બજેટ ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર સહિત પાંચ એવોર્ડ્ઝ મળ્યા.

એક અંધ શિક્ષક અને એક નોર્મલ સ્ત્રી વચ્ચેની પ્રણયકથા લોકોને ખૂબ ગમી અને આર્ટ ફિલ્મ હોવા છતાં એ બોક્સ ઓફિસ પર પણ સારી ચાલી. નસરુદ્દીન શાહની કારકિર્દીને પણ એ ફિલ્મથી એક જુદો જ વળાંક મળ્યો. અહીંથી શરૂ થઈ મારી હિન્દી સિનેમાની કારકિર્દી…
(ક્રમશ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા