બેહમઈ હત્યાકાંડ: આત્મસમર્પણની એ ક્ષણ
કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય
(ભાગ: ૪)
નામ: ફૂલનદેવી
સ્થળ: ૪૪ અશોક રોડ, નવી દિલ્હી
સમય: બપોરે ૧.૩૦ વાગ્યે, ૨૫ જુલાઈ, ૨૦૦૧
ઉંમર: ૩૭ વર્ષ
બાબુ ગુજ્જરના મૃત્યુ પછી વિક્રમ સાથે મળીને અમારી ગિરોહ આરામથી લૂંટ કરતી હતી. બીજા બધા ડકૈતોએ અમને સરદાર માની લીધા હતા અને અમારા આયોજનનું પાલન પણ કરતા હતા. વિક્રમ અને હું જાણતા નહોતા કે, અમારા ગિરોહમાં બે-ત્રણ જણા હતા જેમને નીચલી જાતિના સરદાર સાથે કામ કરવું પસંદ નહોતું. હું તો વિચારી પણ શકતી નથી કે, ડાકુઓમાં પણ જ્ઞાતિ, જાતિ અને ઊંચ-નીચના વર્ણ જેવા વિચારો હોય! અમારા જ ગિરોહમાંથી એક જણે શ્રીરામ અને લાલારામને ખબર આપી કે, અમે બેહમઈ ગામ પર હુમલો કરવાના છીએ. એ બંને જણાંએ પહેલેથી વ્યવસ્થા ગોઠવી રાખી હતી એટલે અમે ગામની વચ્ચોવચ સપડાઈ ગયા. પોલીસ અને ગામના ઠાકુરોની સાથે મળીને એમની પાસે એટલી બધી બંદૂકો હતી જેનો સામનો કરવો અમારા માટે લગભગ અશક્ય હતું.
એ લડાઈમાં વિક્રમનું મૃત્યુ થયું. કેટલાક સાથીઓ ભાગી ગયા. કેટલાક મરાયા અને કેટલાક દગાબાજોને શ્રીરામ અને લાલારામે બચાવી લીધા. હું સપડાઈ ગઈ. ગામના ઠાકુરોએ મારા બંને હાથ અને પગ બાંધી દીધા. ગામના એક અવાવરું મકાનમાં મને પૂરી દીધી. બેહમઈ ગામના ૧૫થી ૭૫ વર્ષના કેટલાય ઠાકુરોએ મારા ઉપર ૨૩ દિવસ સુધી રાત-દિવસ બળાત્કાર કર્યો. એ બધાં મારી સાથે મારપીટ કરતા, અત્યાચાર કરતા. મારી જિંદગીના એ સૌથી ભયાનક દિવસો જે હું ક્યારેય નહીં ભૂલી શકું.
સૌથી દુ:ખની વાત એ હતી કે, ગામની બધી સ્ત્રીઓ, માતાઓ, બહેનોને ખબર હતી કે મારી સાથે શું થઈ રહ્યું છે. એટલું જ નહીં, નજીકના પોલીસ થાણામાં પણ મારી સાથે જે કંઈ થઈ રહ્યું હતું એ વિશે જાણ હતી તેમ છતાં કોઈએ મને બચાવવાનો પ્રયાસ કર્યો નહીં. ૨૩ દિવસ પછી ઠાકુરોએ મને નગ્ન કરીને એ મકાનની બહાર કાઢી. માથા ઉપર બેડું લઈને ગામની વચ્ચેથી નગ્ન શરીરે પસાર થઈને કૂવા ઉપરથી મારી પાસે પાણી ભરાવ્યું. આખા ગામની શેરીઓમાં લોકો આ જોવા ટોળે વળ્યા.
આપણે બધા કેવા માણસો છીએ! કોઈની બહેન-દીકરીને અપમાનિત થતી, તિરસ્કૃત થતી બચાવી નથી શકતા… પરંતુ એનો તમાશો બનાવીએ છીએ. જે લોકો મને નગ્ન શરીરે ગામમાં ફરતી જોવા ટોળે વળ્યા એમાં માત્ર પુરૂષો નહોતા, ગામની સ્ત્રીઓ પણ હતી! બધા મારી હાલત પર હસતા હતા અને ઠાકુરો વારંવાર મને ટોણાં મારતા હતા કે, સ્ત્રી થઈને ડાકુ બનવા નીકળી હતી? લે, લેતી જા…’ કોઈ વળી કહેતું હતું, નીચલી જાતિની છોકરી બહુ ડહાપણ કરે તો એની સાથે આવું જ થવું જોઈએ…’ આ બધું સહેતી ૨૩ દિવસના ભયાનક બળાત્કાર અને અત્યાચાર પછી હું નગ્ન શરીરે આખા ગામમાં ફરી. અંતે, એ લોકોએ મને છોડી દીધી.
બેહમઈ ગામથી નીકળીને હું મારા ગામ પાછી જઈ શકું એમ નહોતી. બે દિવસ નદી કિનારે ભૂખી-તરસી પડી રહી એ પછી હું પીર બાબા મુસ્તકીન પાસે પહોંચી. બાબુ ગુજ્જરથી ઉપર જો કોઈ ચંબલની ઘાટીમાં હોય તો એ હતા પીર બાબા મુસ્તકીન.
એ ખૂબ સદાચારી અને પોતાના ઉસુલના પાક્કા હતા. ૨૮ વર્ષની ઉંમરનો એ ડાકુ ગરીબોની મદદ કરતો. એકે એક ગામમાં એના મદદગાર હતા. એની ખ્યાતિ એટલી બધી હતી કે, કોઈ એમની વિરુધ્ધ પોલીસને માહિતી આપતું નહીં. દરેક ગામમાં એમને છુપાવા માટે જગ્યા મળી રહેતી. લોકો સામેથી એમને અનાજ અને બીજી વસ્તુઓ પહોંચાડતા. ઉત્તર પ્રદેશના અને ચંબલના લોકો મુસ્તકીનને પીર બાબાના નામે ઓળખતા. વિક્રમ મલ્લાહ મુસ્તકીનનો દોસ્ત હતો એટલું જ નહીં, વિક્રમને નશો નહીં કરવાનો, બળાત્કાર નહીં કરવાનો અને સ્ત્રીઓ-બાળકો સાથે અત્યાચાર નહીં કરવાનો, બલ્કે અત્યાચાર થતો હોય તો એને અટકાવવાનો નિયમ મુસ્તકીને લેવડાવ્યો હતો. વિક્રમની હત્યા કરીને ઠાકુરો મને બેહમઈ ઉપાડી ગયા હતા, પરંતુ ત્યાંથી છૂટીને હું સૌથી પહેલાં મુસ્તકીન પાસે પહોંચી. મેં એને બધી જ વાત કરી. એમણે વિક્રમને કેવી રીતે દગો કર્યો, મારી સાથે શું કર્યું એ બધી વાત સાંભળીને મુસ્તકીન ધ્રૂજી ઊઠ્યો. એણે મને આશીર્વાદ આપ્યા એટલું જ નહીં, એણે વચન આપ્યું કે, એ મને બેહમઈ ગામના ઠાકુરો પર મારો બદલો લેવાની તક આપશે. હું પીર બાબાની ગેંગમાં જોડાઈ ગઈ. (ક્રમશ:)