ભારતની પ્રથમ ‘મિસાઈલ વુમન’ ટેસી થોમસ
ભારતની વીરાંગનાઓ -ટીના દોશી
ભારતના મિસાઈલમેન કોણ હતા એ સવાલના જવાબમાં કોઈ પણ પ્રખ્યાત વૈજ્ઞાનિક ડો. એ.પી.જે. અબ્દુલ કલામનું નામ આપશે. પણ ભારતની મિસાઈલ વુમન કોણ છે એ પ્રશ્ર્નનો ઉત્તર જાણો છો ?
ડો. ટેસી થોમસને મળો…. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા-ડીઆરડીઓની મહિલા વૈજ્ઞાનિક. વર્ષ ૨૦૦૮થી અગ્નિ મિસાઈલ પ્રોજેક્ટ સંભાળનાર ભારતની પહેલી મહિલા. ભારતની પ્રથમ મિસાઈલ મહિલા. ભારતની અગ્નિપુત્રી તરીકે પણ જાણીતી. ટેસીએ અગ્નિ મિસાઈલના પરિષ્કૃત સંસ્કરણોના વિકાસ માટે આયખું આખું સમર્પિત કરી દીધું. ભારતને મિસાઈલ ટેકનોલોજીના ક્ષેત્રમાં સ્વાવલંબી બનાવવાની દિશામાં પણ ટેસીએ અગત્યનું યોગદાન કર્યું. પૂર્વ અને પશ્ર્ચિમના પાડોશીઓ સાથે યુદ્ધની બાથ ભીડવા માટે ભારત સરકારે શરૂ કરેલાં ‘અગ્નિ’ મિસાઈલ કાર્યક્રમ સાથે વર્ષ ૧૯૮૮માં જોડાયા બાદ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થાની મહિલા વૈજ્ઞાનિક ટેસી થોમસને ‘મિસાઈલ વુમન’નું બિરુદ મળ્યું. ટેસ્સી થોમસે લાંબા અંતરની મિસાઈલો માટે તૈયાર કરેલી ગાઇડન્સ સ્કીમનો ઉપયોગ બધી અગ્નિ મિસાઈલોમાં કરાયો. ટેસ્સીની વિશેષતા એ છે કે ગાઈડેડ મિસાઈલ સિસ્ટમથી એ કોઈ પણ રોકેટને મિસાઈલમાં પરિવર્તિત કરે છે અને એને અચૂક નિશાન લેવા માટે તૈયાર કરે છે. ૩૫૦૦ કિલોમીટર સુધી પ્રહાર કરતી અગ્નિ-૪ મિસાઈલના સફળ પરીક્ષણ પછી ખાસ કરીને ટેસી થોમસ દેશવિદેશમાં ‘અગ્નિપુત્રી’ના નામે પ્રખ્યાત થઈ ગઈ.
મિસાઈલ એટલે રોકેટ સંચાલિત બોમ્બની જેમ ઊડતું પ્રક્ષેપાસ્ત્ર. કેટલાકનો આકાર રોકેટ જેવો હોય છે તો કેટલાક વિસ્ફોટકોથી સુસજ્જ રોકેટો ધરાવતાં હોય છે કેટલાંક મિસાઈલો રેડિયો-સંદેશા દ્વારા સંચાલિત હોય છે અને તેથી તેમના વેગ અને દિશા જમીન પરથી નિયંત્રિત થતાં હોય છે… ટેસી થોમસ આવા જ પ્રકારના અગ્નિ મિસાઈલ કાર્યક્રમ સાથે જોડાઈ અને ભારતની શાન વધારી. વર્ષ ૨૦૧૩માં ભુવનેશ્ર્વરમાં આયોજિત ભારતીય વિજ્ઞાન કૉંગ્રેસના અધિવેશનને સંબોધિત કરતાં તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંહે ટેસી થોમસને ભારતની વૈજ્ઞાનિક રત્ન તરીકે ઓળખાવીને એના અને દેશના ગૌરવમાં યશકલગીનું ઉમેરણ કરેલું. દરમિયાન ડો. ટેસીને કેટલાંક પુરસ્કારોથી સન્માનિત કરાઈ. ૨૦૦૮માં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન-ડીઆરડીઓનો વૈજ્ઞાનિક પુરસ્કાર, ૨૦૧૧-’૧૨માં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા-ડીઆરડીઓનો પ્રદર્શન ઉત્કૃષ્ટતા પુરસ્કાર, ૨૦૧૨માં લોક પ્રશાસનમાં ઉત્કૃષ્ટતા માટે લાલબહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પુરસ્કાર અને ૨૦૧૬માં સર મોક્ગુંડમ વિશ્ર્વેશ્ર્વય્યા પુરસ્કાર તથા સાયન્સ અને એન્જિનિયરિંગમાં ઉત્કૃષ્ટ મહિલા ઉપલબ્ધિ પુરસ્કાર…
ભારતને ગૌરવ બક્ષનાર ડો. ટેસી થોમસનો જન્મ ૩ એપ્રિલ ૧૯૬૩ના કેરળના અલપ્પુઝામાં એક કેથોલિક પરિવારમાં થયેલો. એનું નામ શાંતિદૂત કહેવાતાં મધર ટેરેસાના નામ પરથી ટેસી રખાયું. ટેસી તેર વર્ષની હતી, ત્યારે તેના પિતા પક્ષાઘાતના પંજામાં સપડાયા. માતા શિક્ષિકા હતી. એણે સંજોગો સાથે બાથ ભીડી અને ઘરબહારની તમામ જવાબદારીઓ સંભાળી લીધી. મુશ્કેલીઓ સામે આંખ મિલાવીને મુકાબલો કર્યો અને ટેસી સહિતનાં છયે બાળકોના શિક્ષણમાં ધ્યાન કેન્દ્રિત કર્યું.
ટેસીનું ઘર થુંબા રોકેટ લોન્ચિંગ સ્ટેશનની નજીક હતું, કદાચ એથી એને બાળપણથી જ મિસાઈલ સાથે મહોબ્બત હતી. પાંખ પસારીને ઊડતા વિમાનોને જોઈને ટચૂકડી ટેસ્સીને પારાવાર વિસ્મય થતું. એ વિમાનોને જોયા જ કરતી. જાણે અજાણે વિમાનની વૈજ્ઞાનિક બનવાનું બીજ એવી જ કોઈ ક્ષણે એના મનમાં રોપાઈ ગયું. સ્વપ્નની સોહામણી દુનિયામાં સહેલગાહ કરતી ટેસી રોજેરોજ એ બીજને ખાતર પાણી પૂરાં પાડતી. સપનું લીલુંછમ રાખતી. દરમિયાન એક બનાવ બન્યો અને પેલા બીજમાંથી અંકુર ફૂટ્યું. ટેસી થોમસ શાળામાં ભણતી ત્યારે અમેરિકાની અવકાશ સંસ્થા ‘નાસા’નું એપોલો યાન ચંદ્ર પર ઉતરાણ કરવાનું હતું. રોજેરોજ એ યાન વિશે સાંભળીને ટેસીને પ્રેરણા મળી. એણે મક્કમ નિર્ધાર કર્યો કે પોતે પણ એક દિવસ એવું રોકેટ બનાવશે, જે પેલા નાસાના યાનની જેમ જ આસમાનની ઊંચાઈઓને સ્પર્શી શકશે.
ઊંચાઈઓને આંબવા માટે ઊંચું ભણતર પણ આવશ્યક હતું. ટેસીએ ભણવામાં જીવ રેડી દીધો. કેરળના અલપ્પુઝાની સેન્ટ માઈકલ્સ હાયર સેકેન્ડરી સ્કૂલ અને સેન્ટ જોસેફ ગર્લ્સ હાયર સેકેન્ડરી સ્કૂલમાં અભ્યાસ દરમિયાન ટેસીએ ગણિત અને ભૌતિક વિજ્ઞાન જેવા વિષયોમાં વિશેષ ધ્યાન પરોવ્યું. એ વિષયો ટેસ્સીને પ્રિય પણ હતા. પરિણામે ટેસીએ દસમા અને બારમા ધોરણમાં ગણિતમાં સોમાંથી સો ગુણ મેળવ્યા. વિજ્ઞાનમાં ૯૫ કરતાં વધુ ગુણ મેળવ્યા. તેજસ્વિતાને પગલે ટેસ્સીને શાળામાં સ્કોલરશિપ મળેલી.
ટેસીનું ભવિષ્ય ઉજ્જવળ હતું, પણ વર્તમાનમાં સૂર્ય આડે વાદળ છવાયેલાં. કારણ કે ભણવું ગણવું તો હતું. પણ અભ્યાસ માટે પૂરતાં નાણાં નહોતાં. પરંતુ ટેસીએ હાર ન માની. આગળના અભ્યાસ માટે ટેસીએ દેવું કર્યું. ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, ત્રિશૂરમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે ટેસીએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાંથી દર મહિને સો મહિના ચૂકવવાને લેખે લોન લીધી. લોનને કારણે ટેસી થોમસને બી.ટેક. કરતાં હોસ્ટેલમાં રહેવાની હિંમત મળી.
બી.ટેક. કર્યા બાદ ટેસીએ એમ.ટેક. માટે પુણેની ડિફેન્સ ઇન્સ્ટિટયૂટ ઓફ એડવાન્સ ટેકનોલોજીમાં દાખલ થવા માટે પ્રવેશ પરીક્ષા આપી. માત્ર ત્રણ ઉમેદવાર પ્રવેશ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા, એમાં એક ટેસી પણ હતી. પરીક્ષા પાસ કરનારી પહેલી મહિલા. ટેસીની પ્રતિભાને કારણે ગાઈડેડ મિસાઈલ એન્ડ વેપન ટેકનોલોજીના વિશેષ અભ્યાસક્રમ માટે એની પસંદગી કરાઈ. ૧૯૮૫માં રાષ્ટ્રીય સ્તરની પરીક્ષામાં પ્રથમ આવીને ટેસી થોમસે એકવીસ વર્ષની ઉંમરે ભારતની સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા-ડીઆરડીઓમાં પગરણ કર્યાં.
પોતાની મહેનત, નિષ્ઠા અને ધગશથી ૧૯૮૮માં ડો. ટેસી થોમસ ભારતની મિસાઈલ પરિયોજનામાં સામેલ થઈ. એ સમયે અગ્નિ મિસાઈલ પરિયોજનાનું નેતૃત્વ ડો. એ.પી.જે. અબ્દુલ કલામ કરી રહેલા. ટેસી ડો. કલામને પોતાના ગુરુ માનતી. એણે ડો. કલામના નેતૃત્વમાં અગ્નિ મિસાઈલ પરિયોજના સફળ બનાવવા કામગીરી કરી. અગ્નિ-૨થી અગ્નિ-૬ સુધીના તમામ સંસ્કરણોને વિકસિત કરવામાં ડો. ટેસીની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી. અગ્નિ-૧ ૭૦૦થી ૧૨૫૦ કિલોમીટર,
અગ્નિ-૨ ૨૦૦૦થી ૩૦૦૦ કિલોમીટર, અગ્નિ-૩ ૩૫૦૦થી ૫૦૦૦ કિલોમીટર, અગ્નિ-૪ ૩૦૦૦થી ૪૦૦૦ કિલોમીટર, અગ્નિ-૫ ૫૦૦૦થી ૮૦૦૦ કિલોમીટર અને અગ્નિ-૬ ૮૦૦૦થી ૧૦૦૦૦ કિલોમીટરના અંતરે વાર કરવાની ક્ષમતા ધરાવે છે.
ટેસી અગ્નિ-૫ પરિયોજનાના અંતિમ ચરણ પર કામ કરી રહેલી ત્યારે કેટલાયે મહિનાઓ સુધી એ પોતે અને એની ટુકડીના સભ્યો ઘેર જઈ શક્યાં નહોતાં. એનું એક કારણ એ હતું કે અગ્નિ-૩નું પહેલું પરીક્ષણ વિફળ થઈ ચૂકેલું. એ નિષ્ફળતાનું પુનરાવર્તન ન થાય એવું સહુ કોઈ ઇચ્છતા હતા. ડો ટેસીના કહેવા પ્રમાણે, એક ગરીબ દેશની પ્રજાના પરસેવાની કાળી કમાણી કોઈ પણ કિંમતે વ્યર્થ ન જાય એ માટે સૌ કૃતસંકલ્પ હતા. વૈજ્ઞાનિકોની સંપૂર્ણ ટુકડીએ અથાક પ્રયાસો કર્યા. એક એક તકનીકને અનેક વાર તપાસી, પારખી ત્યારે બધામાં આત્મવિશ્ર્વાસનો સંચાર થયો. અગ્નિ-૫ અગ્નિપરીક્ષામાંથી પાર ઊતરી. પણ જે દિવસે પરીક્ષણ કરવાનું હતું એ દિવસે હવામાન પલટાયું. મોસમે મિજાજ બદલ્યો. બધા વૈજ્ઞાનિકોને નિરાશા ઘેરી વળી. છતાં એમણે આશા ન છોડી. આખરે વૈજ્ઞાનિકોની હઠ સામે મોસમે નમતું તોળ્યું. હવામાન અનુકૂળ થઈ ગયું. એટલે કેટલાક કલાકનો વિલંબ થયો હોવા છતાં અગ્નિ-૫નું સફળ પરીક્ષણ થયું. અગ્નિપુત્રી ટેસી મશહૂર થઈ ગઈ.
મિસાઈલ મહિલા ટેસી વિશે જાણીને યાજ્ઞસેનીનું સ્મરણ થાય છે. એક અગ્નિપુત્રી યજ્ઞવેદીમાંથી પ્રકટેલી દ્રૌપદી હતી, જેની અગનજ્વાળાઓએ કૌરવોને રાખ કરી દીધેલા. બીજી અગ્નિપુત્રી ટેસી થોમસ છે, જેના આગ ઓકતા અગ્નિ પ્રક્ષેપાસ્ત્ર દુશ્મનોનો સંહાર કરશે !