ટીનએઈજમાં વેરણ બનતી નીંદર
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી
ખટ્… ખટ્… ના એકધારા અવાજે આરતીની ઊંઘ ઉડાવી દેવા પૂરતું હતું. પહેલા તો એને થયું કે અવાજ બહારથી આવે છે પણ અવાજની તિવ્રતા જોતા ઘરમાં જ કંઈક થઈ રહ્યાની આશંકા તેને વધુ લાગી. થોડો ડર, થોડીક ખીજ, થોડો ગુસ્સો અને થોડા અણગમા સાથે એ લગભગ મધરાતના દોઢેક વાગ્યાના સુમારે પરાણે ઊભી થઈ, હળવા પગલે બહાર આવી આમતેમ નજર કરે છે ત્યાં તો રસોડામાં રેફ્રિજરેટરનો દરવાજો ખોલી નિયતિ કંઈક ખાંખાંખોળા કરતી જણાય. શું કરે છે!?? આરતીના જોરથી પુછાયેલા પ્રશ્ર્નએ નિયતિને થોડી ચોંકાવી ખરી પણ એકાદ ક્ષણ પાછળ ફરી સહેજ અમસ્તી તિરછી નજર કરી તેણી ફરી ઠક… ઠક… ઠક… એ જ કામમાં લાગી. “કેમ જાગે છે હજુ? આરતીના અકળાયેલા અવાજે આવેશાત્મક રીતે પૂછતાં સામે જે જવાબ મળ્યો એ વધુ આઘાતજનક હતો. “કારણકે, મને ઊંઘ નથી આવતી. રોજ રાત્રે હું લગભગ જાગતી જ હોંઉ છું…
ઘરમાં સૌથી છેલ્લે ઊંઘતી અને સૌથી પહેલાં ઊઠી જતી આરતીએ કદાચ વર્ષોથી નીંદર નામની નિરાંત નિહાળી જ નથી કે ઊંઘ નામને ઉજાગર કર્યું જ નથી. એવામાં જિંદગી એને એવા પડાવ પર લાવી મૂકી દે છે જ્યાં ઊંઘ એને ઊંધા માથે પટકે છે. અડધી રાત્રે નીંદર ઊડી જાય અથવા તો રાત્રે મોડે સુધી ઊંઘ આવે જ નહીં આ ઉંમર વધવાની સાથે મુશ્કેલી સતત વધતી ચાલે છે, પરંતુ હજુ પા પા પગલી માંડતી આ યુવા પેઢીની ઊંઘ વેરણ બનવાનું કારણ શું હોતું હશે!? આરતી જાતને પ્રશ્ર્ન પૂછ્યા વગર રહી શકી નહીં.
એક રીતે જોવા જઈએ તો ઊંઘવું એ આપણી રોજબરોજની શારીરિક ક્રિયાઓનો એક અભિન્ન ભાગ છે અને જેમ જીવવું એ આવશ્યક છે તેમ ઊંઘવું એ આવશ્યકતાની પણ આવશ્યકતા છે એમ કહી શકાય. એક વૈજ્ઞાનિક તારણ મુજબ એવું કહેવાય છે કે મોટાભાગના મનુષ્યો તેની આખી જિંદગીનો ત્રીસેક ટકા જેટલો સમય ઊંઘવામાં કાઢે છે. મોટાભાગે આજના ટીનએજર્સ છ કલાકથી પણ ઓછા સમય માટે ઊંઘતા હોય છે અને એમાં પણ અઠવાડિયાના અમુક દિવસો એવા નીકળતા હોય છે કે જ્યારે માત્ર ત્રણેક કલાક જેટલી જ ઊંઘ તેઓના ભાગે આવે!
ટીનએજર્સ એ હકીકતથી અજાણ હોય છે કે જો પૂરતી ઊંઘ ના કરવામાં આવે તો નાની ઉંમરે જ ઘણા બધા શારીરિક તેમ જ માનસિક રોગોના શિકાર બનવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે . જેમકે વજન વધતું જાય, એકાગ્રતામાં ઘટાડો આવે, માથું દુ:ખે, સુસ્તી આવે, બીમારી લાગુ પડે તેમજ શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય. ઇન્સોમનીયા એટલે કે રાત્રે ઊંઘ ના આવવી આ એક એવી બીમારી છે જે તમારું યૌવન ક્યારે ખાઈ જશે તેનો ખ્યાલ નહીં રહે.
ક્યારેક તેઓને કોઈ માનસિક તણાવ હોય કે આહાર સંબંધી ખરાબ આદતો હોય જેમકે મોડું જમવું, વધુ પડતું જંકફૂડ ખાવું કે સાવ ઓછો ખોરાક લેવો તો તેને કારણવશ ઊંઘ ના આવવાની બીમારી ઉત્પન્ન થતી હોય છે જે સમય જતા ઘટી જાય અથવા તો સંપૂર્ણપણે મટી પણ જતી હોય, પરંતુ જો ધીમે ધીમે આ બીમારી વધતી જાય તો આગળ જતા ગંભીર પરિણામો લાવી શકે છે.
ઊંઘ કરવી શા માટે જરૂરી હોય છે? આના ઘણાં બધાં કારણો છે, પરંતુ મુખ્ય કારણોમાં જે આપણે બાળપણથી જાણતા અને સમજતા આવ્યા છીએ એમ થાક ઉતારવા માટે, શરીરને આરામ આપવા માટે ઊંઘ જરૂરી છે. માત્ર આટલું જ નહીં આપણી યાદશક્તિમાં વધારો કરવા, આપણી નવું શીખવાની તેમ જ જાણવાની ક્ષમતામાં વધારો કરવા માટે પણ અત્યંત જરૂરી છે. શરીરમાં થતી ઘણીખરી ચયાપચયની ક્રિયાઓના નિયમન માટે પણ પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. અપૂરતી ઊંઘના કારણે આ ક્રિયાઓ બગડે અને તેના કારણે શરીરના વજનમાં
નોંધપાત્ર વધારો થતો જોવા મળે છે. આખી રાત જાગતા ટીનએજર્સ બીજા દિવસે ચિડાયા કરે, ધીરજ ગુમાવી દે, રાડો પાડે કે વારંવાર ગુસ્સે થઈ જાય એવું પણ બને સાથે સાથે અંત: સ્ત્રાવોમાં ફેરફાર થવાને કારણે આ પ્રકારના એગ્રેસિવ વર્તનમાં પણ વધારો થતો જોવા મળે છે. ઊંઘ ના આવવાની આ બીમારી થવાનું મુખ્ય કારણ છે એના તેઓની જીવનશૈલી, સૂતી વખતે આસપાસનું વાતાવરણ, માનસિક તણાવ. ઘણી વખત તરુણો આમાંથી બહાર આવવા અંતે ઊંઘની ગોળીઓનું સેવન કરવાનો સહારો લેતા જોવા મળે છે જે ધીરે ધીરે તેને એવી સમસ્યા તરફ દોરી જાય છે જ્યાં આ ગોળીઓ પણ એને ઊંઘ આપી શકશે નહીં ત્યારે અમુક કિસ્સાઓમાં ડીપ્રેશન જેવી બીમારીનો શિકાર બનતા જોવા મળે છે. તરુણાવસ્થા કે એ પછી યુવાવસ્થા દરમિયાન આ પ્રકારના રાત્રીના સમયે ઉદ્ભવતા ડીપ્રેશન તેમ જ હતાશાના રોગોમાં આજકાલ ખૂબ વધારો થતો જોવા મળે છે.
દરેક વ્યક્તિની ઉંમરના હિસાબે સૂવાના કલાકો અલગ અલગ હોય છે, પરંતુ જિંદગીના પરોઢે ઓછામાં ઓછી ૭થી ૮ કલાકની ઊંઘ લેવી એ દરેક ટીનએજર માટે ફરજિયાત બની જતું હોય છે. તેઓ હંમેશાં એમ જ માનતા આવે છે કે ઊંઘવા મળે તો ઊંઘવાનું બાકી જાગ્યા રાખીએ અને મોજમજા કરીએ. આ પ્રકારની બેદરકારી ભરેલી અણસમજ ક્યારે ઊંઘમાં જ ઝડપી લે એ જાણવું ખૂબ કઠીન બની જાય છે. ઊંઘ ના આવવાના બીજાં અમુક કયાં મહત્ત્વનાં પરિબળો છે તેમજ કયાં પ્રકારનાં પરિબળો સારી ઊંઘ લઇ આવવામાં મદદરૂપ થઈ શકે એ આ થનગનાટભરી ઉંમરે જાણવાની પહેલ કરવી એ સમજણભર્યું પગલું ગણાય. (ક્રમશ:)