લાડકી

ટીનએજ એટલે બેકાબૂ- બેબાક-બેખૌફ ઉંમર?!

તરુણોને ખબર નથી કે અમુક જોખમ કેવા-કેવા જખ્મ આપવા તૈયાર બેઠા છે….!

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી

માના એટલે માન્યામાં ના આવે એ હદે રિસ્કને ઈશ્ક કરનારી યુવતી. થ્રીલ-રોમાંચ- આવેગ- ઉત્સાહ… આ બધી એની નબળાઈ.
સતત ડેન્જર ઝોનમાં રહેતાં, ખતરો કે ખિલાડી બની ફરતાં લોકો એને અનહદ આકર્ષતા. એ બધું જ જેમાં એડ્રીનાલિન રશ વધુ હોય એનું આકર્ષણ માનાને અપરંપાર. એને લાગતું કે ‘આમાં ખોટું શું છે? જિંદગી ઝિંદાદિલી માટે જ તો હોય છે. ડર ડર કે જીના ભી તો ક્યા જીના…!’ એમ કંઈ ધરતી પરના બોજ માફક જિંદગી જીવવાની થોડી હોય? એને તો એયને મસ્ત મૌલા આઝાદ પંખી માફક માણવાની હોય. જોકે, રોમાંચનો અતિરેક જાત અને જીવન માટે સારો નથી એવું સમજતા એને હજુ ઘણી વાર લાગવાની છે, કારણ કે આ ઉંમર જ એવી નથી કે તે તમને કોઈ ઠહેરાવ સાથે લગાવ કરાવી જાણે.
એક તરફ પોતે એવી હતી કે જે પ્લાનિંગ વગર કશું જ ના કરતી, પરંતુ બીજી તરફ એને ગમતા એવા જ લોકો જે imperfection- અધૂરપના માસ્ટર્સ હોય.! ચંચળ- ચુલબુલા- ચપળ પણ થોડું વેરવિખેર પ્લાનિંગ વગર જીવતા લોકો માનાને સખત રીતે આકર્ષતા.
જો કે, આજકાલ માનાના જીવનમાં આવી વ્યક્તિઓ અને એવા અનુભવોનો અભાવ વર્તાય રહ્યો છે. સ્કૂલનો સાથ છોડી કોલેજનો હાથ પકડતાવેંત સ્કૂલના સાથીદારોની પક્કડ પણ ઢીલી પડી છે. મસ્તી કી પાઠશાલામાં એકસમયે સાથે ભણતાં એના બધાં જ સ્ટન્ટબાજ મિત્રો હવે અલગ અલગ જગ્યા પર છે. માના માટે હાલ પ્રાણપ્રશ્ર્ન એ છે કે સ્કૂલ લાઈફની ધમાલ, મસ્તી -તોફાનો બંધ થયે પોતાની બોરિંગ, એકધારી જિંદગીમાં હવે જે રોમાંચ ખૂટે છે એ લાવવો ક્યાંથી?
એવામાં એની નજરે અયાન ચડે છે. નવો જ તો રહેવા આવેલો બાજુના બિલ્ડિંગમાં. એક દિવસ કોલેજથી પાછા ફરતાં બન્ને પાર્કિંગમાં મળી ગયાં. ‘હાય-હેલ્લો’ કહી એવા તો વાતો એ વળગ્યા કે માનાના જીવનમાં રોમાંચના નામે જે કંઈ પણ ખૂટી રહ્યું હતું એ અચાનક જ ઊભરાય રહ્યાનો એને અહેસાસ થવા લાગ્યો.
અયાનને અવનવા અખતરા- સ્ટંન્ટ કરવાનો શોખ હતો. જીવનમાં કંઈક ને કંઈક નવું બનતું રહે એ માટે એ વોટર રાફ્ટિંગ, બન્જી જમ્પિંગ, મોટરસાયકલ રેસ આવું બધું વારાફરતી કર્યા જ કરતો. એનું પણ માના જેવું જ કામકાજ હતું. ગમે તે થાય જિંદગીમાંથી રસ ઓછો ના થવો જોઈએ… બસ! એના બકેટ લિસ્ટમાં-ઈચ્છા ટોપલીમાં સ્કાય ડાઈવિંગ પણ હતું ને સ્કુબા ડાઈવિંગ પણ ખરું… અયાનના આવા બધા શોખ-બિન્દાસ્ત જીવન- રોમાંચથી ભરપૂર અનુભવો સાંભળ્યા પછી માના માટે એની તરફ ખેંચાણ અટકાવવું અશક્ય થઈ પડ્યું.
બન્ને હળેમળે- વાતોના ગપાટા હાંકે – ફોન પર ચેટિંગ કરે, પોતપોતાના ગમા-અણગમા- અનુભવો- આકર્ષણો,-સપનાઓ, ગોલ્સ… બધું એકબીજા સાથે શેયર કરે.
હવે બીજું શું જોઈએ! જોતજોતામાં જીવનમાં ‘રશ’ અને રોમાંચનું લેવલ એ હદે વધ્યું કે ઝડપની મજા ‘મોતની સજા’ જેવાં વાક્ય વેવલાં લાગવા લાગ્યા.
આવું અનુભવનારા માના કે અયાન એકલા નથી. લગભગ દરેક તરુણ યુવાનીમાં પ્રવેશતાવેંત આ પ્રકારની લાગણીઓ અનુભવવા લાગે છે. એમને શાંત- સ્થિર, સુરક્ષિત વાતાવરણ ગોઠતું નથી. વિચાર કરીને ડગ માંડવા ગમતાં નથી. વડીલોની સલાહ કચકચ લાગે છે ને એમની લાઈફ સ્ટાઈલ બોરિંગ. આવું શા માટે થાય છે એ જવાબ યુવાનો પાસે નથી અને એમને વખોડનારા વડીલો પાસે તો બિલ્કુલ નથી.
જો કે, ન્યુરોબાયોલોજીકલ સાયન્સ પાસે આવું થવાનું સચોટ કારણ કદાચ છે. બાળકના જન્મ પહેલાથી જ આમ તો આકાર લેવાનું ચાલુ કરતું મગજ જન્મ બાદ ધીમે ધીમે એની આંતરિક કાર્યક્ષમતા ખીલવતું જતું હોય છે. મસ્તિષ્કના દરેક ભાગમાં પથરાયેલા ન્યુરોન્સ એટલે કે ચેતાતંતુઓ જેમ-જેમ ઉંમર વધે તેમ-તેમ એની સંવેદના અને સમજ ખીલવતા જાય.
તરુણાવસ્થા સમયે લગભગ દરેક ન્યુરોન્સ એકદમ તૈયાર હોય છે, પરંતુ મગજના ફ્રન્ટ લોબમાં એની અંદર માયલેનેશનની ક્રિયા એટલે કે એની પુખ્ત થવાની ક્રિયા- પ્રક્રિયા પૂરી થવાની હજુ થોડી બાકી હોય છે એટલે રીસ્ક રોમાંચના કારણે મળતા નાના-નાના મજાના રિવોર્ડ્સ ટીનએજર્સને વ્હાલા અને અદકેરા લાગે છે. નવું-નવું બધું આકર્ષક લાગે, ખાવું-પીવું, હરવું-ફરવું, મોજમજા કરવીને
બસ શરીરમાં અંત:સ્ત્રાવો જળધોધ માફક વહ્યા કરે એવી દરેક પ્રવૃત્તિ એમને કોઈ મોટું ઈનામ જીત્યા જેવો અહેસાસ કરાવે છે. જેટલી થ્રીલ વધુ એટલી મજા વધુ. જેટલી મજા વધુ એટલો જીવનમાં કંઈક નવીન કર્યાનો સંતોષ વધુ. આજના ટીનએજર્સ આ લૂપમાંથી બહાર જ નીકળી શકતા નથી. માના- અયાન માફક યુવાનીમાં પ્રવેશ્યા બાદ પણ એમને સતત થ્રિલ-રોમાંચ આપતી લાઈફને વધુ પસંદ પડે છે….
જો કે, ટૂંકાગાળાની આ મજા એમને લાંબાગાળાના ધ્યેયથી ભટકાવી દેતી હોય છે. ખરાબ સંગત- વ્યસનોની આદત એમને ખોટા નિર્ણયો તરફ દોરી જાય છે. એવા સમયે થ્રીલને ઠારવી, રોમાંચને રોકવો, જોખમોને જાકારો આપવો કે નવીનતાને નકાર ભણવાની શરૂઆત કરવી કેટલી જરૂરી છે એ વિશે બેપરવાહ અયાન કે માના-બેમાંથી કોઈ સમજદારીની એક પણ વાત સાંભળવા,
સમજવા કે સ્વીકારવા તૈયાર નથી. એ બન્ને એ વાતથી બેખબર છે કે આગળ જતાં આ જ જોખમો કેવા-કેવા જખ્મો આપવા તૈયાર બેઠા છે…..

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?