લાડકી

ટીનએજમાં ફિટનેસ કે ફેટનેસ?

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી

આયુષી એકાદ મહિનાથી વર્કઆઉટ ને વોકિંગ પર વરસી પડેલી. ઘરના સોફા પરથી કામ વગર સહેજપણ હલે નહીં એવી આળસુ આયુષી અચાનક જ ધમધમાટ દોડતી થયેલી એનું કારણ હતું મોડેલ જેવી ફિટનેસ કેળવવાની ચાહના. જોકે, એક મહિનામાં આયુષીબેન પોતાની ફ્રેન્ડ્સ સાથે સવારમાં લહેરાતાં લહેરાતાં એવી રીતે ચાલ્યાં કે મોડેલ જેવી ફિટનેસ તો ના મળી, પણ શરીરમાં ફેટનેસ ચોક્કસ આવી ગયેલી.

એ જ કારણે હમણાં થોડાં દિવસ પહેલાં આયુષી ડોક્ટરનું ક્ધસલ્ટેશન પણ લઈ આવેલી, પણ ડોક્ટરને ત્યાં એના દરેક પ્રશ્ર્નના જવાબ નહોતા માત્ર એટલો ફેર થયેલો કે હવે મમ્મી ફ્રેન્ડ્સ સાથે ચાલવા જવા નહોતી દેવાની એટલે રોજ સવારે વીલા મોં એ એકલી જોગિંગ કરતી આયુષી જબ્બર કંટાળતી. આજે પણ એવા જ કંટાળા સાથે એ ગાર્ડનની સાઈડ પર આવેલા બાંકડા પર બેસી ત્યાં જ એની નજર સુરભી પર પડી. સુરભી આંટી સાથે ગપાટા મરાશે એમ વિચારી એ સુરભી નજીક આવતાંવેંત હસીને સાથે ચાલતી થઈ.

ઘડીકવારમાં તો આયુષીએ પોતાની ફિટનેસ ફિયાસ્કાના એક મહિનાનો આખો ઈતિહાસ ખોલી નાખ્યો. સુરભીએ સ્વભાવગત શાંતચિતે આયુષીને સંપૂર્ણપણે સાંભળ્યા બાદ સલાહ આપવાની શરુ કરી :

જો આયુષી, મોર્નિંગવોક એટલેકે સવારે ચાલવા જવું એ માત્ર આરોગ્ય માટેની એક સારી કસરત જ નહિ પરંતુ દિવસની સારી શરૂઆત કરવાનો પણ એક શ્રેષ્ઠ માર્ગ છે. સ્વને સ્વસ્થ્યભર સવાર આપવાનો શ્રેષ્ઠ સમય, પરંતુ હાંફળા ફાંફળા ઉઠીને રઘવાયા બની
ચાલવા નીકળી પડવું એ બિલકુલ અયોગ્ય છે. આવું કરવાથી લાંબા ગાળે ફાયદાને બદલે ટીનએજમાં સ્વાસ્થ્યને નુકસાન પહોંચશે. મોર્નિંગ વોકથી થનારા ફાયદાઓનો વધુમાં વધુ લાભ લેવા માટે તારા સમયની ગોઠવણી, સ્વભાવની સાચવણી, કપડા તેમજ જૂતાની પસંદગી, સવારના નાસ્તા અને દૈનિક ક્રિયાઓની જવાબદારી આ બધા વચ્ચે તાલમેલની ખૂબજ આવશ્યકતા રહે છે. આમાંથી કોઇપણ એક વસ્તુ પ્રત્યે પણ જો બેદરકારી દાખવવામાં આવે તો વોકિંગના ફાયદાઓનું આખું ગણિત ઊંધું પડી જતા વાર લાગે નહીં.

જયારે પણ તમે મોર્નિંગ વોક ચાલુ કરવાનું નક્કી કરો ત્યારે અમુક વસ્તુઓનો ખાસ ખ્યાલ રાખો , જેમકે તમે માત્ર વોકિંગ નહી સાથોસાથ થોડું જોગિંગ કે રનિંગ પણ કરો એ માટે કયા પ્રકારના કપડા પસંદ કરો છે એ અગત્યનું છે કારણ કે, તમને પરસેવો થાય, ચાલવામાં સરળતા રહે નહીં કે પછી ચાલતી વખતે અગવડ અનુભવો એવું બને આથી ચાલવા જવા માટે સારા કાપડના કપડા ખાસ કરીને જે યોગા કે એરોબીક્સ માટેના ટ્રેક પેન્ટ કે સ્વેટ પેન્ટ આવે છે એ પહેરી શકાય. વજનમાં હળવા, પરંતુ પરસેવાને શોષી શકે તેવાં કપડા પહેરવાનો આગ્રહ રાખવો. એવી જ રીતે પગમાં સ્લીપર, ચપ્પલ કે સેન્ડલ બિલકુલ પહેરવા નહિ, પરંતુ વોકિંગ કે કસરત માટેના જે ખાસ પ્રકારના સ્પોર્ટ્સ શૂઝ આવે છે તેનો જ ઉપયોગ કરવો. ખાસ યાદ રાખો કે તમારે માપના શૂઝ જ પહેરવા કે જેમાં પંજાથી લઈને પગની પાની સુધી તમારાથી વ્યવસ્થિત હલનચલન કરી શકાતું હોય.

બીજી અગત્યની વાત છે તમારો સમય. આજે તમે એકદમ ફ્રી થઈ ગયા છો એટલે ચાલવા ગયા કાલે ફ્રેન્ડ્સ આવવાના છે, કોઈ પાર્ટીમાં જવાનું છે, સ્કૂલમાં પરીક્ષા ચાલે છે, રાત્રે મોડું સુવાયું એટલે ઊઠવામાં મોડું થયું આ પ્રકારના અગણિત બહાના ટીનએજર્સના મગજમાં ઊભા થતા જ રહે છે, પણ ચાલવામાં નિયમિતતા એ ટીનએજરની અનેક સમસ્યાઓને સહેલી બનાવે છે. તમે કેટલો સમય ચાલો છો, કયા સ્થળ પર ચાલો છો એ પણ એટલુજ મહત્ત્વનું છે. જ્યાં ચોખ્ખી હવા, ઓછો અવાજ ઓછુ પ્રદુષણ અને અન્ય વ્યક્તિઓ ચાલવા આવતી હોય એવી જગ્યા પસંદ કરવી સારી છે , જે માહોલ તમારા માટે પ્રેરણારૂપ બની શકે- નહીં કે કોઈ એવી જગ્યા કે જ્યાં જવાનો ધીરેધીરે કંટાળો આવે. આ ઉપરાંત શક્ય હોયતો તમારો ફોન તેમજ ઇઅરપ્લગ્સ સાથે રાખો. કોઈની સાથે વાતો કરી, પરચિંતન કરવાને બદલે સ્વચિંતિત બનો, સવારના એ સમયમાં સ્વને ગમે તેવું સાંભળો, સમજો અને જીવનમાં ઉતારો, દિવસની શરૂઆત આનાથી સારી બીજી શી હોય શકે?…’
આટલું કહી- સહેજ અટકીને સુરભિબહેને વાત આગળ ચલાવી:

આયુષી, ખાસ ધ્યાન એ રાખ કે તારા શરીરને રાત્રે પૂરતો આરામ મળે.. તેના માટે રાત્રે વહેલા સૂવાની ટેવ પાડવી. ટીવી જોવામાં કે મોબાઈલમાં ગેમ માટે જાગવાને બદલે વહેલા સૂવાથી સવારે ઊઠીશ ત્યારે મન, મગજ અને શરીર એકદમ સ્વસ્થ હશે. ગમે તેટલો વ્યસ્ત દિવસ કેમ ના હોય તું ધારે તો રોજિંદા સમય કરતાં અડધો કલાક વહેલી ચોક્કસ સૂઈ શકે છે એ યાદ રાખજે. ટીનએજમાં શરીરને શક્ય એટલું વધુ હેલ્ધી બનાવવું, માનસિક રીતે હતાશા લઈ આવતા નાના-મોટા રોગોને શરીરમાંથી તિલાંજલિ આપવી અને આરોગ્યને જીવનમાં આવકાર આપવો એ એક ચાતુર્યભર્યું ડગલું છે, જે માંડતા દરેક તરુણોએ શક્ય તેટલું વહેલું શીખી જવું જોઈએ.’
આટલું કહી આયુષીના ખભ્ભે હાથ મૂકી સુરભીએ વાત પૂરી કરી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button