ટેક્નિકલ બેસણું

લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી
લેન્ડલાઈન ફોનનું મૃત્યુ ખૂબ નજીક આવી રહ્યું છે. માનો કે થોડા દિવસમાં એની શોકસભા રાખવી પડે તો શું થાય? મોબાઈલ હાથમાં લઈને શોકસભામાં બેઠેલા લોકો વિચારતા હોય કે આ મોબાઈલને કારણે જ લેન્ડલાઈન ફોન પ્રભુને શરણ થયો. પ્રભુ એના આત્માને શાંતિ અર્પે! તો લેન્ડલાઈન ફોનનો આત્મા જતો જતો શ્રાપ આપતો જાય કે જેમ તેં મને બરબાદ કર્યો ને મારો અંત આણ્યો તેમ બહુ જલદી તારી જગ્યાએ બીજું સાધન આવી તને બરબાદ કરી નાખશે.
શોકસભામાં બેઠેલા લોકોના મોબાઈલ વારેવારે ‘હું પણ તમારી સાથે છું જ’ એવું વારાફરતી બરાડીબરાડીને કહેતા હતા. એક ભાઈનો ફોન આવ્યો અને એ ભાઈ સભાગૃહમાંથી તરત બહાર ભાગ્યા. સામે છેડેથી પહેલો ફોન પત્નીનો હતો કે, ‘મને ખબર છે કે તમે હમણાં તમારી સ્ટેનો સાથે બાગમાં બેઠા છો.’ અને થોડીવારે સ્ટેનોનો ફોન આવ્યો કે, ‘ડાર્લિંગ, આજે જો તમે ઘરે તમારી પત્નીને સાચું ન કહ્યું તો તમારી વાત છે. આપણા હોટલવાળા ફોટા વાયરલ થયા જ સમજો.’ પેલા ભાઈને લાગ્યું કે હવે મારી પણ શોકસભા થોડા દિવસમાં આ સભાગૃહમાં ભરાશે અને પત્ની તેમજ પ્રિયા બંને સફેદ વસ્ત્રોમાં બેઠી હશે અને સામ સામે ઘુરકિયાં કરતી હશે.
મોબાઈલ ન હોત તો કમ સે કમ ફોટા વાયરલ કરવાની ધમકી તો ન મળત. જોકે, મોબાઈલ વિનાની જિંદગી કલ્પવી શક્ય જ નથી. મોબાઈલ છે તો કંઈ કેટલાય વી.આર.એસ. લઈને ઘરે બેઠાલાઓ, બેકાર નબીરાઓ, વૃદ્ધો, બાળકોથી લઈને ભિખારીઓ સુધીની દુનિયા કેટલી શુષ્ક બની ગઈ હોત!
શરૂઆતમાં મોંઘાદાટ મોબાઇલ પૈસાદારોના હાથમાં જોઈને કેટલાક લોકો ‘દ્રાક્ષ તો ખાટી છે’ કહીને મન મનાવતા અને પછી ધીરેધીરે સ્ટેટસ સિમ્બોલમાંથી જરૂરિયાત બનેલો ફોન દરેક શ્ર્વાસનો આત્મા બની ગયો. પત્ની વગર ચાલે પણ ફોન વગર નહીં. મને એપલ ફોન જ જોઈએ નહીંતર પરીક્ષા નહીં આપું, નહિતર ખાવાનું બંધ, નહિતર હું તારી જગ્યાએ પેલા રાહુલને મારો બેસ્ટ ફ્રેન્ડ બનાવી દઈશ. આપણે નાના હતા ત્યારે ચોકલેટ કે એક પીપડું માટે રિસાઈ જતા કે ધમપછાડા કરતા, જ્યારે આજનાં બાળકો લાખ લાખના એપલ મોબાઇલ માટે મરવાની ધમકી આપતાં થયાં છે. આજનાં બાળકને કહીએ છીએ કે અમને તો ગમે તેટલી ધમકી આપતા છતાં ચોકલેટ સુધ્ધાં મળતી ન્હોતી, ત્યારે આજના આ નબીરાઓ કાન ઉપર એપલ ફોન ધારણ કરી ડાયલોગ મારે છે કે, જેવાં જેનાં નસીબ અને કર્મ!
અમારાં કર્મ સારાં હશે તો અમને એક જ ધમકીમાં એપલ ફોન મળી જાય છે, તમારા જમાનાની વાત તો કરતા જ નહીં. બાળકોના વાપરેલા સેક્ધડહેન્ડ મોબાઈલ માબાપને પધરાવી પોતે દર બે વર્ષે નવા મોડલ લેવા જીદ કરે.
કામવાળીએ પણ દિવાળીમાં બોનસમાં મોબાઈલની માગણી કરી. ઘરમાં પડેલ સેક્ધડહેન્ડ આપપ્યો તો એક મહિનાની સિક લીવ મૂકી એ ઘરે બેસી ગઈ. આખરે મોબાઈલ ઉપર જ એને છ મહિના પછી નવો મોબાઈલ આપવાની લાલચ આપ્યાં બાદ બેનબાની પધરામણી થઈ. બસ હવે બીક એ છે કે, આવતી દિવાળીએ એપલ ફોનની માગણી ન કરે.
રમાબહેને પૌત્રને કેટબરી આપી પાસે બેસાડ્યો અને મોબાઈલ પર વોટ્સઍપ તેમજ ફેસબુક ચાલુ કરી આપવા કહ્યું. પૌત્રે કહ્યું, ‘બા, આ કેટબરી પાછી લઈ લો. ખોટનો ધંધો હું નથી કરતો. મને એપલ મોબાઈલ ભેટ આપો તો તને વોટ્સઍપ-ફેસબુકની માયાજાળ શીખવું.’
રમાબહેનની સખી જયાબેનનો શક સાચો ત્યારે ઠર્યો જ્યારે તેમણે એમના પતિદેવના ડ્રોઅરમાંથી બે મોબાઇલ મળ્યા. એક કે જે જાહેરમાં વાપરતા હતા અને બીજો કે જેમાં એક જ નામ પર ફોન જતા હતા. મોડી રાત્રે ગોદડામાં ભરાઈને જે ચેટ થતી હતી તે છૂટાછેડા સુધી ગઈ. અહીં નસીબને દોષ દેવો કે ગત જન્મનાં કર્મો કામ કરી ગયાં?
અમારી શેરીના નાકે બેસતા ભિખારીઓમાંનો એક તો ફોન ઉપર દિવસ દરમિયાન મળેલ ભેટ, ખાદ્યપદાર્થો અને રોકડ રકમ ઠેકાણે પાડવાનો બિઝનસ રાત્રે પગ પર ચડાવીને આરામથી કરે છે. એક તો વળી શેરબજાર-કિંગ બની ગયો છે, બોલો!
એક સમય એવો આવશે કે મોબાઈલનો સામુહિક અગ્નિસંસ્કાર કરવામાં આવશે અને વિશ્વમાં તમામ માણસો બેસણામાં જ વિચારવિમર્શ કરશે કે, હવે મોબાઈલ વિના આપણે કઈ રીતે જીવશું? કદાચ એ બેસણામાં જ કોઈ નવા દૈત્યનો જન્મ થાય તો નવાઈ નહીં, ખરુંને?
લેન્ડલાઈનના બેસણામાં આવેલાં માણસો ગહન વાતો કરી સમય પસાર કરી રહ્યાં હતાં. એક બોલ્યો, “હજી ક્યાંક ક્યાંક લેન્ડલાઇન જીવે છે. જીવતાની શોક સભા થોડું વહેલું નહીં કહેવાય? બીજો બોલ્યો, “હવે બહુ થયું ભાઈ, મારે ઘરે લેન્ડલાઈન હતો, પણ પાંચ દિવસ ચાલે પછી પચાસ દિવસ બંધ રહે. ઘણીવાર તો ફોન લગાઉ ક્યાં ને ફોન લાગે ક્યાં ? એકવાર રમેશભાઈને લગાવેલો ફોન, વરસો પહેલાં જે મારા હાથમાં નહીં આવેલી રમીલા ઉપર ફોન પહોંચ્યો. રમીલાનો મધુર અવાજ સાંભળી જાણે કોઈએ મ્હોં પતાસું મૂકી દીધું.
ફોન ઉપર મન મૂકીને મેં કબૂલાત કરી કે રમીલા, હું તને કહી નહોતો શક્યો, પણ મેં તને એ દિવસોમાં મનભરીને પ્રેમ કરેલો… પ્રેમ પત્રો પણ લખેલાં… પણ પોસ્ટ કરવા જેટલી તેમ જ ‘આઈ લવ યુ’ કહેવાની હિંમત સુધ્ધાં કરી નહોતો શક્યો. બાકી રમીલા તું આજે મારાં જીવનમાં હોત, હરપળે મેં તને ચાહી છે. તારું રૂપ, તારો પ્રેમાળ સ્વભાવ, મંદિરની ઘંટડી જેવો મીઠો રણકતો અવાજ, રૂઆબદાર ચાલ… અહાહાહા… અને ત્યાં જ બજાર ગઈ છે એમ માની પ્રેમાલાપ કરનાર પાછળથી ધર્મપત્નીનો હાથ લંબાયો અને હાથમાં ડાયલ પકડી એનો વાયર જ મારા ગળામાં ફાંસીની જેમ વીટીને શ્રીમતી તાડૂક્યા, “મન તો થાય છે કે લેન્ડલાઈનનું બેસણાની સાથોસાથ તમારા જેવા આધેડ વયના પ્રેમ ભૂખ્યા તરછોડાયેલાઓના પણ ફોન સાથે બેસણા રાખી લેવા જોઈએ. તમને એમ કે હું બજાર ગઈ છું પણ એ તો સારું થયું કે મારું આજે નસીબ સારું તે મેં બજાર જવાનું માંડવાળ કર્યું અને મને તમારા રમલી સાથેનું પ્રેમ પ્રકરણ જાણવા મળ્યું. એ ઘડીએ જ લેન્ડલાઈનનો મુખ્ય વાયર જ કટ અને લેન્ડલાઈનનું ડબલું પણ કચરાપેટીમાં ગયું… અને પછી પત્ની ભક્ત ગણાતા પતિની દશા વિશે લખવા કરતા તમે કલ્પી લ્યો તો વધારે સારું. જેમ લેન્ડલાઈનના ડબલાને ઠોકીઠોકી થાક્યા પછી પણ એ નહીં ચાલે ત્યારે લાચાર માનવી મોબાઈલની શોધ કરે અને હવે મોબાઇલ પછી શું એની પણ તૈયારી કરે તો એમાં ખોટું શું છે? જો કે લેન્ડલાઈનનાં આત્માને શક્તિ મળે એવી પ્રાર્થના કરતા મોબાઈલો એ નહીં ભૂલે કે વિજ્ઞાન નામનો દેવતા એક દિવસ મોબાઈલનું બેસણું રાખવા સુધીની ચાલ ચાલી શકે એમ છે જ.
ચંદ્ર પર, મંગળ પર ફતેહ કરનાર શું ન કરી શકે?