વાત અત્યાચારના ઓવરલોડિંગની…

માનસિક -શારીરિક અત્યાચારનો અતિરેક થાય ત્યારે એમાંથી બહાર નીકળવાનો એક જ માર્ગ છે અને એ છે…
સંબંધોને પેલે પાર -જાનકી કળથિયા
તમે કોઈને હેરાન પરેશાન કરો એમાં તમને આનંદ આવે? તમારી સામે કોઈ અત્યંત પીડાઈ રહ્યું હોય તો તમે રાજી થાવ ખરા? સામેવાળી વ્યક્તિના દુ:ખદર્દની તમારા પર કેવી અસર થાય?
મોટાભાગના જવાબ ‘ના…’માં જ આવે, કારણ કે ‘એઝ એ હ્યુમન બિંગ…’ માણસ હોવાને નાતે આપણે કોઈને ટોર્ચર -માનસિક કે શારીરિક સતામણી ન કરીએ.. જાણી જોઈને કોઈને તકલીફ ન આપીએ. કોઈનું અહિત પણ ન ઈચ્છીએ. અરે, કોઈને કણસતા જોઈને આપણું હૃદય દ્રવી ઉઠે. કોઈના વલોપાત આપણાં હૈયાને હચમચાવી મૂકે. સ્નેહીજનો તો ઠીક, રસ્તે મળતું અજાણ્યુ જણ પણ જો મુસીબતમાં હોય તો એકાદ વાર તો એને મદદ કરવાનો વિચાર આવે … પછી ભલેને એને મદદરૂપ ન બની શકીએ… અરે, ચંપલ પહેર્યા વગરની વ્યક્તિને જોઈને જીવ બળી જાય… ભૂખી વ્યક્તિને જોઈને આપોઆપ હાથ એ તરફ લંબાઈ જાય… સાવ અજાણ્યા લોકો પ્રત્યે પણ આપણને જો આવી સહાનુભૂતિ થતી હોય તો પછી જે આપણા છે- આપણા પ્રિયજન કે આપણી ગમતી કોઈ વ્યક્તિ તકલીફમાં હોય તો આપણો જીવ અચૂક મૂંઝાય…
જો કે, આ બધા વચ્ચે કેટલાંક લોકો એવા પણ હોય છે, જેને બીજાની પીડાનો આનંદ મળતો હોય. એક પ્રકારની વિકૃત ધરાવનારી વ્યક્તિ અન્યને ત્રાસ આપી એનો પિશાચી આનંદ માણતી હોય. માત્ર શારીરિક જ નહીં-માનસિક પીડા આપીને એને અપાર આનંદ મળતો હોય છે. કદાચ એના જીવનનો એક જ ધ્યેય એ હોય કે બીજાને કેમ નડતરરૂપ થઈને ખુશી મેળવવી… આવા લોકો બીજાના જીવનમાં બાધા કેમ નાખવી એ વિચારવામાં જ રચ્યાંપચ્યાં રહે છે… અન્યને જાહેરમાં ઉતારી પાડવાના નુસખા શોધતા ફરે છે અને બીજાની મૂર્ખામી પર વાહિયાત જોક મારતા હોય…
આપણે ત્યાં મોઢે મીઠા રહીને અન્યને પાડી દેવાના પેંતરા ગોઠવતી પ્રજા પણ આપણી આસપાસ છે. મદદરૂપ થવાની વાત તો દૂર રહી, મદદરૂપ થતાં લોકોની કાનભંભેરણી કરીને આપણાં કામમાં વિઘ્ન નાખવામાં પાવરધા હોય છે. આવા લોકોને જગતની દરેક વસ્તુમાં ફક્ત ને ફક્ત ખામી જ દેખાય છે. ઈશ્ર્વરસર્જિત વસ્તુઓમાં પણ નબળાઈઓ જ શોધ્યે રાખે છે. પછીએ પિતા-માતા હોય, પત્ની કે બાળકો હોય… એ દરેકેની કોઈને કોઈ નકારાત્મક વાતો શોધીને એને સંભળાવ્યા કરે છે.
કોઈને તકલીફ ત્યારે થાય જ્યારે પોતાની અંગત કે માનીતી વ્યક્તિ આવા પ્રકારની હોય. એ આગળ જતાં એ સુધરી જશે એવી ભ્રમણામાં આપણે રહીએ, પણ ક્યારેય એવું થતું નથી. આવી અંગત વ્યક્તિનો ન તો પીછો છોડાવી શકાય કે ન તો એને અવગણી શકો… આવા કેસમાં માણસે સહનશીલ બન્યા સિવાય છૂટકો નથી.
આ એક કિસ્સો જાણવા જેવો છે. પતિ એની પત્ની પર હદ બહાર શારીરિક્-માનસિક અત્યાચાર કરતો હોય છે.
સાસરિયાવાળા પેલા બહેનના ફેવરમાં હતાં, કારણ કે એ જાણતા હતાં કે એમના દીકરાનો જ વાંક છે. એ બધાના લાખ સમજાવ્યા બાદ પણ બહેન એટલે કે પેલા નિર્દયીની પત્ની ડિવોર્સ માટે તૈયાર ન થતાં: ‘અમારી બેયની મેટરમાં કોઈએ વચ્ચે ન આવવું…’ આવું કહીને કાયમ વાતને ત્યાં જ પતાવી દેતાં, પણ એકવાર બંને વચ્ચે જબરો ઝગડો થયો. ત્યારે એના પતિની અમુક વાત (તારાથી કાઈ જ ન થઈ શકે થઈ શકતું હોત તો તેં મને ક્યારનો છોડી દીધો હોત’, ઈત્યાદિ) આવી કેટલીક વાતથી પત્ની એવી ઘવાઈ કે એણે તરત જ ઘરના લોકોને પોતાનો નિર્ણય એક જ શબ્દમાં કહી દીધો, જે નિર્ણય વર્ષોથી ઘરના લોકો લેવાનું એને કહેતા હતા.એ શબ્દ-
એ નિર્ણય હતો છુટ્ટાછેડાનો…!
બીજા શબ્દોમાં કહીએ તો નજીકની-અંગત વ્યક્તિના કેટલાંક શબ્દો કોઈને સમજાવવા માટે કાફી હોય છે …અહીં આ કિસ્સામાં અત્યાચારનું એવું ઓવરલોડિંગ થઈ ગયું કે પત્નીએ પોતે એ સંબંધમાંથી મુકત થવાનો કપરો નિર્ણય લઈ લીધો. આપણી ભારોભાર વેદના અને લાચારી સામે માણસ ન જુવે ત્યારે પાછું વળીને જોવાનું છોડી દઈને હંમેશને માટે સંબંધનો છેડો ફાડી નાખવો જોઈએ….
ક્લાઈમેક્સ:
કેટલાંક સંબંધ સાથ આપવા માટેના નહીં, પણ શીખ આપવા માટે હોય છે…!