લાડકી

મારા શરણે આવ…

લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી

સાંભળો છો પેલાં કવિ લંકેશભાઈ પોતાની પચાસમી મેરેજ એનિવર્સરી ઉજવી રહ્યા છે અને તે પણ ધૂમધામથી, તો એમાંથી કંઈક પ્રેરણા લઈને તમે પણ હવે આપણી મે મહિનામાં આવનારી મેરેજ તિથિને ઉજવવાનાં ચક્રો ગતિમાન કરવાનું વિચારો આમ છાપામાં મ્હો નાખીને આખો દિવસ રાજકારણ, શિક્ષણ, ભ્રષ્ટાચાર, મોંઘવારી ને બેકારીના સમાચારો વાંચીવાંચીને મણમણનાં નિ:સાસા નાખવાનું બંધ કરો. આખા દેશનો ભાર માથા ઉપર ઊંચકીને ફરવામાં તમારું મ્હો હવે પ્રશ્ર્નાર્થ ચિહ્ન જેવું થઈ ગયું છે, સમજ્યા?

આમ એમનાં કાન તો મારાં તરફ જ હતાં, પણ મારા એટમબોમ્બ જેવા વિસ્ફોટક ડાયલોગ બાદ એમણે પોતાનું મ્હો વધારે પડતું છાપામાં ઘૂસાડયું અને ન સાંભળવાનો ડોળ ચાલુ જ રાખ્યો.

પેલી અભણ અક્ષરા ને પેલી ગાંડી મંગી, તો પેલાં દેવાળિયા રવજીની રમલી સુધ્ધાં પરણી ગઈ, પણ તમારી આંખ ખૂલતી નથી. ભણાવી-ગણાવીને ક્યાં નોકરી કરાવવી છે? એક સરસ મૂરતિયો છે જો તમે કહો તો ચોકઠું ગોઠવી દઉં. પેલી કારભારી ફોઈ કે જેણે મારું ચોકઠું ગોઠવેલું એ જો સામે મળે તો ક્યાં તો આ આખેઆખો પ્રશ્ર્નાર્થ ચિહ્ન એને જ ગળે લટકાવી દઉં એમ થઈ આવ્યું, પણ છતાં “નારી તું ન હારી એ ઉક્તિ મુજબ મેં વન સાઈડેડ ફાયરિંગ ચાલુ જ રાખ્યું. એમણે હવે મોટેથી કોઈ વિદૂષકનો લેખ સોરી, કોઈ વિદ્વાનનો લેખ મોટેથી વાંચવો શરૂ કર્યો – “કોઈ ગાલ ઉપર એક તમાચો મારે તો આપણે બીજો ગાલ ધરવો એમ ગાંધીજી કહી ગયા હતાં. તે મુજબ આપણે…

મને મનમાં થયું તે મુજબ તો… તે મુજબ તો… પણ પછી દાંત કચકચાવી થોડીવાર એમનું નાટક જોવાનું નક્કી કર્યું ને પછી એમ પણ વિચાર્યું કે ‘ધીરજનાં ફળ મીઠાં.’ ક્યારેક તો એ કંટાળીને એનો એકાદ ગાલ તો છાપામાંથી બહાર કાઢશે જ ને ક્યાં સુધી એમ નવોઢાની જેમ મ્હો સંતાડવાનાં છે, પણ હજી હું કંઈ આગળ વિચારું તે પહેલાં એમણે મોટેથી વાંચવું શરૂ કર્યું.

આ દેશમાં હજારો લોકો બેઘર. તેમ જ હજારો લોકો ભૂખે મરે છે, હજારો લોકો બેકારીનાં ખપ્પરમાં, તો હજારો અક્ષરતાનથી વંચિત છે. ગરીબ દેશની તળની પ્રજાને ઉપર લાવવા માટે જે કંઈ કરી શકાય એ કરવું જ રહ્યું. ચાલો, આપણે એમાં આપણો ફાળો આપીએ. અરે !ક્યાં સુધી છાપામાં મ્હો નાખી બખેડા કાઢવાના? ક્યારેક તો કંટાળીને ત્યાં જ એમણે ત્રાંસી આંખે જોઈ લીધું કે બલા ટળી કે પછી…

પણ મારી મોટ્ટી પલાંઠી જોઈ એમનાં મુખ ઉપરનું પ્રશ્ર્નાર્થ ચિહ્ન હવે આશ્ર્ચર્ય ચિહ્ન મિશ્રિત થઈ ગયું.

ત્યાં ફોન રણક્યો. મેં રિસીવર ઉપાડ્યું. પછી સ્પીકર ઓન કર્યું. લંકેશભાઈ ફોન પર હતા. હા, તો સાંજે હોલીડે-ઈનમાં જમવા આવો છો ને? મેં સ્પીકર ઓન રાખેલું એટલે ફરી એમનાં કાન મારી તરફ ને મ્હો બંધ. મેં જવાબ આપતાં કહ્યું, “લંકેશભાઈ, ગરીબ દેશમાં હજારો લોકો ભૂખે મરે છે. બેકારી, ભૂખમરો, મોંઘવારીમાં સબડે છે. એટલે આજથી જ અમે નક્કી કર્યું છે કે ચાલો આપણાંથી જ શરૂઆત કરીએ. હોટેલમાં જમવા જવાનું મુલતવી રાખ્યું છે. ખોટું ના લગાડશો, તમ તમારે એન્જોય કરો. અમારી શુભેચ્છા તમારી સાથે જ છે. મને ખબર હતી કે બે દિવસથી સૂટ-બૂટ તૈયાર કરી હોલીડે-ઈનમાં જવા તેમણે પરફ્યુમ સુધ્ધાં તૈયાર રાખ્યું છે. તે મારી ‘ના’ કહેવાથી કેટલાં ધુંઆફુંઆ થશે, પણ આ તો “મેરી બિલ્લી મુજીકો મ્યાઉં… ને ભાથામાંથી તીર પણ છૂટી ગયું હતું.

જેમ ગાંધીજી સાથે રહીને એમનાં અનુયાયી એમનાં જેવા જ વાણી-વર્તન-વિચાર, તેમ જ પોષાકનું અનુકરણ કરે તેમ આપણે પણ એકના એક પતિદેવ સાથે રહીરહીને બિલકુલ ડિટ્ટો ટુ ડિટ્ટો અનુકરણ કરતાં શીખી ગયેલાં. હું પણ અંદરથી એક ભારેખમ પુસ્તક લાવીને એમની સામે જ ધૂણી ધખાવાને બેઠી. ક્યાં તો સાંજ સુધીમાં હોલીડે-ઈનથી પણ ઉપરની હાઈફાઈ હોટેલ બુક કરાવવા ને તે પણ એમનાં જ કરકમલ વડે, ક્યાં સાંજ સુધીમાં વગર ખાધેપીધે પલાઠી વાળી સત્યાગ્રહ ચાલુ રાખવો. મેં પુસ્તક ઉઘાડી શાંત વાતાવરણને ડહોળવાં માટે કાંકરી ચાળો કરવાં વાંચવાનું શરૂ કર્યું. “હે અર્જુન ! જયારે ધર્મનું યુદ્ધ હોય ત્યારે ભલે સામે પોતાનાં સ્વજનો કેમ ન હોય, જો જરૂર પડે તો શસ્ત્ર ઉઠાવતાં પણ ડરવું જોઈએ નહિ. માટે ઉઠાવ ગાંડીવ અને ચલાવ બાણ…

ફરી શાંતિ પથરાયેલી રહી. સામેથી કોઈ વળતો પ્રહાર થયો નહિ. કદાચ બધાં શસ્ત્રો બુઠ્ઠાં થઈ ગયાં કે શું? એમ વિચારતી જ હતી ત્યાં વળી એક શસ્ત્ર છૂટ્યું. “એક રિટાયર્ડ પતિ ને છેલ્લા છ મહિનાથી પેન્શન ન મળતાં પતિએ ગળે ફાંસો ખાઈ મૃત્યુનું શરણું લીધું. વરાછા રોડ પર હીરા ઘસનારા કામદારભાઈઓ મંદીને કારણે સુરત છોડીને પોતાનાં વતન તરફ જઈ રહ્યા છે.

આ તરફ આપણે પણ ક્યાં કમ હતાં? આ તરફ મને તો આખેઆખી ભગવદ્દગીતા મોઢે હતી. એટલે ભાથામાંથી બીજું તીર કાઢતાં કંઈ વાર જ ના લાગી. સનનન કરતાં તીર છોડ્યું. “હે અર્જુન ! તને જે દેખાય છે તે ખરેખર તો તારી છલના માત્ર છે. બાકી વાસ્તવમાં તો ચિત્ર કંઈ ઓર જ છે. માટે વધુ વિચારવાનું મારાં ઉપર છોડી દે અને માત્ર તું “હોલીડે-ઈનથી પણ વધુ સારી હોટેલ વિશે જ વિચાર સોરી, સોરી. “વધુ વિચારવાનું છોડી તું મારાં શરણે આવ.

અમારા એણે પૂરી તાકાતથી બીજું બ્રહ્માસ્ત્ર છોડ્યું.

બપોરનો એક થવા આવ્યો હતો. મને પણ કકડીને ભૂખ લાગી હતી. તો પતિદેવને તો સો ટકા લાગી જ હશે, પણ સામસામે ફાયરિંગ અટકે, સીમા પારનાં બેઉ દુશ્મન દેશો વચ્ચે સમજૂતી થાય પછી શાંતિ કરાર થાય તો જ થાળી-વાડકાં ખખડે એમ હતું, કારણકે બંને દેશોના વટનો સવાલ હતો.

ધીરે ધીરે યુદ્ધ એની પરાકાષ્ઠા તરફ મારે લઈ જવું હતું. એટલે ભાથાનાં દરેક શસ્ત્રો વારાફરતી કાઢવા શરૂ કર્યા અને દીકરીને બૂમ પાડીને કહ્યું, “ફ્રિજમાં ફ્રૂટસલાડ ઠંડું થઈ ગયું હશે અને કેસરોલમાં બટાકાવડાં તો તૈયાર જ છે. તને ભૂખ લાગી હોય તો તું ખાઈ લેજે હો… અને હા, પપ્પાને તો ડાયાબિટીસ છે અને એમ પણ આજથી અમે આ દેશની તળની ગરીબ પ્રજાની જેમ જ જીવવાનો મહાવરો શરૂ કર્યો છે. એટલે વધેલું-ઘટેલું ફ્રૂટસલાડ, બટાકાવડાં કામવાળાને આપી દેજે. છો બિચારા ગરીબની આંતરડી ઠરતી. પુણ્યનું કામ છે બેટા. મેં ત્રાંસી નજરે જોયું, હવે પ્રશ્ર્નાર્થ ચિહ્ન મિશ્રિત આશ્ર્ચર્ય ચિહ્ન ધીમે ધીમે પૂર્ણવિરામ તરફ આગળ વધી રહ્યું હતું. પોતે જ ઊભો કરેલ ગાળિયો હવે ધીરે ધીરે ગળામાં ફીટ થતો જતો હતો અને શ્ર્વાસ ઘેરાવા માંડ્યો હતો. સામેથી હવે જે વાર થતા હતાં તેમાં વાર વારનો ઘટાડો થવા માંડ્યો હતો. મેં પૂર્ણવિરામ મૂકવા ફરી વાંચવાં માંડ્યું. “હે અર્જુન ! યુદ્ધ આપણો ઈતિહાસ છે જયારે શાંતિ આપણો વર્તમાન છે. શાંતિ આપણું શમણું છે ! એટલે શાંતિ બનાવી રાખવા માટે પણ સ્વધર્મે નિધનમ શ્રેય: મામેકંમ શરણમ વ્રજ… હે અર્જુન ! બધાં જ કાવાદાવા છોડી તું હવે મારાં શરણે આવ. કારણકે અસ્તિત્વનું મધુર સંગીત ફક્ત મારાં શરણમાં જ તને પ્રાપ્ત થશે.
આ તો એમનાં સ્વમાન પર ઘા. એટલે ફરી એક બ્રહ્માસ્ત્ર છૂટ્યું. “હે અર્જુન ! સ્થિતપ્રજ્ઞ લોકો પોતાનાં મતમાંથી કયારેય વિચલિત થતાં નથી, માટે હઠ છોડી દે અને તું જ મારાં શરણે આવ. હું જ તને સાચાં રસ્તે લઈ જઈ શકું એમ છું.

હજી એમની સામે હું કોઈ નવું શસ્ત્ર છોડવા વિચારું ત્યાં તો મારી બા અને મારી કારભારી ફોઈનું આગમન થયું અને સીધાં જ જવેલરીનાં બોક્સ ઉઘાડતાં બોલી ઉઠ્યાં, જો દીકરા તમારી મેરેજ એનિવર્સરી આ વખતે રંગેચંગે ઉજવવી છે. એટલે તારાં પપ્પાએ જમાઈ માટે આ પ્યોર ડાયમંડ અને પ્લેટિનમનું બ્રેસલેટ અને વીંટી પૂરાં ચાર લાખનાં કરાવ્યાં છે અને તારાં માટે ડાયમંડનો સેટ પૂરા પાંચ લાખનો અને તમારાં બધાનાં કપડાં-લત્તાંનો ખર્ચો આપણાં ફોઈબા કરવાનાં છે. બસ હવે આપણાં સ્ટેટ્સ પ્રમાણેની હોટેલ જ શોધવાની છે અને હા, તારા પપ્પા કહેતાં હતાં કે આ વખતે તમે ધામધૂમ ના કરો તો બીજાં જમાઈની પણ મેરેજ એનિવર્સરી આવી રહી છે તો આ ઘરેણાં એમની ફેમિલીને આપવાં વખત આવ્યે તમારું પછી કંઈ કરીશું.

અને ત્યાં જ કારભારી ફોઈનાં લાડલાં જમાઈએ ઝટ દઈને મ્હો બહાર કાઢ્યું ને કહ્યું, “આપણી ફાઈવસ્ટાર હોટેલ ટીજીબી છે જ ને? એ તો હું બુક કરવા દઈશ. તમારી બહુ ઈચ્છા છે તો પછી તમને બા કંઈ રીતે નિરાશ કરી શકાય? હવે એમનાં મુખ ઉપર કયું ચિહ્ન પ્રગટ થયું છે એ જોવા હજી મ્હો ફેરવું ત્યાં તો રસોડામાંથી દીકરી બોલી, “મમ્મી-પપ્પાને કહેને કે ફ્રૂટસલાડ અને બટાકાવડાંનું આખું તપેલું જ લઈને બેસી ગયાં છે, ઉપરથી કહે છે કે આટલું તો હું એકલો જ ઝાપટી જઈશ.”

અને મેં વળતું છેલ્લું બ્રહ્માસ્ત્ર છોડતાં કહ્યું, “કેમ ભાઈ, આ ઘરની ગરીબ ભૂખી પ્રજાનો પણ કંઈ વિચાર કરશો કે પછી આમ એકલાં એકલાં જ બધું ઝાપટી જવાનાં ? બિચારું ભૂખું પાપી પેટ શરણાગતિ ન સ્વીકારે તો પછી જાય પણ ક્યાં?

આખરે અન્નપૂર્ણા માતાની શરણાગતિ સ્વીકારવી જ પડી ને ? (મનમાં)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button