લાડકી

ભારતની પ્રથમ મહિલા ટ્રેનડ્રાઈવર સુરેખા યાદવ

ભારતની વીરાંગનાઓ – ટીના દોશી

પાઈલટનો અર્થ વિમાનચાલક કે હવાઈજહાજ ઉડાડનાર થાય એ તો સહુને ખબર છે, પણ લોકો પાયલટ શબ્દનો અર્થ જાણો છો ?

લોકો પાઈલટ એટલે ટ્રેનચાલક કે ટ્રેનડ્રાઈવર. આ શબ્દ હજુ હમણાં થોડો પ્રચલિત થયો છે. એના મૂળમાં સુરેખા યાદવ છે. ભારતની પ્રથમ ટ્રેનડ્રાઈવર. સુરેખા યાદવે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સુચારુરૂપે ચલાવી ત્યારે એ ટ્રેનડ્રાઈવરમાંથી ‘લોકો પાઈલટ’ તરીકે સ્થાપિત થઈ ગઈ. સુરેખા યાદવ ભારતની જ નહીં, પરંતુ સમગ્ર એશિયા ખંડમાં પ્રથમ ‘લોકો પાઈલટ’ બની છે. જોકે લોકો પાઈલટ કહો કે ટ્રેન ડ્રાઈવર, બંનેનો અર્થ તો એક જ છે: ટ્રેનચાલક, ટ્રેન ચલાવનાર !

આકાશમાં વિમાન ઉડાડવાનું જેટલું અઘરું છે, એટલું જ અઘરું પાટા ઉપર ટ્રેન દોડાવવાનું છે. એટલે જ પ્રથમ મહિલા ટ્રેનડ્રાઈવરથી એશિયાની પ્રથમ લોકો પાઈલટ સુધીની સફર દરમિયાન સુરેખાને અનેક પુરસ્કારોથી નવાજવામાં આવી છે. ૧૯૯૮માં જિજાઉ પુરસ્કાર, ૨૦૦૧માં મહિલા પ્રાપ્તિ પુરસ્કાર, એ જ વર્ષમાં રાષ્ટ્રીય મહિલા આયોગનો પુરસ્કાર અને કેન્દ્રીય રેલવેનો મહિલા પ્રાપ્તકર્તા પુરસ્કાર તથા ૨૦૧૩માં સર્વશ્રેષ્ઠ મહિલા પુરસ્કાર…
સુરેખાએ વંદે ભારત એક્સપ્રેસનું સફળ સંચાલન કર્યું ત્યારે એની સિદ્ધિમાં એક વધુ કલગીનું ઉમેરણ થયું. મહારાષ્ટ્રના સાતારા જિલ્લાના સોલાપુરથી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ-સીએસએમટી સુધી સુરેખાએ ૧૩ માર્ચ ૨૦૨૩ના રોજ ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેન ચલાવેલી. આ ટ્રેન સમયસર સોલાપુરથી નીકળી હતી અને સમયના પાંચ મિનિટ પહેલાં સીએસએમટી પહોંચી હતી. આ ટ્રેન સોળ કોચની છે. તે સોલાપુર-મુંબઈ સીએસએમટી વચ્ચે ચાર સ્ટોપ કરે છે. ટ્રેનમાં એરલાઈન પ્રકારની સીટિંગ વ્યવસ્થા છે અને પ્રવાસીઓ માટે રોટેટેબલ સીટ છે.આ ટ્રેન છ કલાક અને ત્રીસ મિનિટમાં ચારસો બાવન કિલોમીટરનું અંતર પૂરું કરે છે.

વંદે ભારત એન્જિન વિનાની ટ્રેન હોવાથી ઘાટીલા ટ્રેક ઉપર ટ્રેન દોડાવવા વિશેષ ટ્રેનિંગ લેવી પડે છે. ટ્રેનના અદ્યતન ઉપકરણો પર હાથ બેસાડવા માટે તાલીમ અપાય છે. આ બધી તાલીમ યાદવે ફેબ્રુઆરીમાં વડોદરા ખાતેના રેલવે ઇન્સ્ટિટયૂટમાંથી લીધી હતી. યાદવના જણાવ્યા મુજબ વંદે ભારત ટ્રેન સેમી હાઇસ્પીડ અને આધુનિક ટેકનોલોજી ધરાવતી હોવાથી અન્ય ટ્રેનોની સરખામણીમાં આ ટ્રેન ચલાવતી વખતે વિશેષ દક્ષતા રાખવી પડે છે. રસપ્રદ વાત એ છે કે વર્ષ ૨૦૨૧માં મહિલા દિવસ પર સુરેખા યાદવે વંદે ભારત એક્સપ્રેસ ચલાવવાની ઈચ્છા વ્યક્ત કરેલી. ઈશ્ર્વરે એ પળે તથાસ્તુ કહ્યું હશે. એથી બે વર્ષ બાદ તેની એ ઈચ્છા પૂરી થઈ.

સેમી હાઈ-સ્પીડ અને અદ્યતન ટેક્નોલોજીથી સુસજ્જ એવી વંદે ભારત ટ્રેનને સફળતાપૂર્વક ચલાવવાની આ યશસ્વી કામગીરી બજાવવા અને સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ સીએસએમટી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર આઠ પર સુરેખા યાદવનું સન્માન કરવામાં આવ્યું હતું. સન્માનનો પ્રતિભાવ વાળતાં સુરેખાએ કહેલું કે, આજના ટેક્નોલોજીના યુગમાં વંદે ભારત ટ્રેનને પાઈલટ કરવાની કામગીરી મને સોંપવા બદલ હું વહીવટીતંત્રની આભારી છું. ટ્રેન યોગ્ય સમયે સોલાપુરથી રવાના કરાઈ હતી અને નિશ્ર્ચિત સમય કરતાં પાંચ મિનિટ વહેલી એ સીએસએમટી સ્ટેશન સુધી પહોંચી હતી. ટ્રેન ચલાવતાં શીખવાની પ્રક્રિયામાં સિગ્નલ જોવાનાં, નવા ઉપકરણોનો ઉપયોગ કરવાનો, અન્ય ક્રૂ સભ્યો સાથે સમન્વય જાળવવાનો – આવા તમામ માપદંડોનું બરાબર પાલન કરવું પડે છે… રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે સુરેખાની સિદ્ધિની પ્રશંસા કરતાં કહેલું કે, વંદે ભારત એક્સપ્રેસની પ્રથમ મહિલા પાઈલટ શ્રીમતી સુરેખા યાદવ, ‘વંદે ભારત – નારી શક્તિ’ દ્વારા સંચાલિત.

આ સુરેખા યાદવ મહારાષ્ટ્રના સાતારાની નિવાસી. ૨ સપ્ટેમ્બર ૧૯૬૫ના ભોંસલે પરિવારના સોનાબાઈ અને રામચંદ્રને ઘેર જન્મ થયો. રામચંદ્રનો વ્યવસાય ખેતીનો. ખેડૂત હતા, પણ બાળકોને ભણાવવાના આગ્રહી. સુરેખાએ સાતારાની સેન્ટ પોલ કોન્વેન્ટ શાળામાંથી પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું. ત્યાર પછી કરાડની સરકારી પોલિટેક્નિકમાંથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા મેળવ્યો. સુરેખા શિક્ષિકા બનવા ઉત્સુક હતી. એથી ગણિતના વિષય સાથે બી.એસસી. અને બી.એડ.ની ડિગ્રી મેળવવા માંગતી હતી. પણ એના નસીબમાં કાંઈક જુદું જ નિર્માયેલું.
બન્યું એવું કે એક દિવસ સુરેખાએ ટ્રેનને પસાર થતી જોઈ. ડ્રાઈવર ટ્રેનનું સંચાલન કરી રહેલો. ટ્રેન તો પહેલાં પણ જોયેલી, પણ તે દિવસે ટ્રેનના સંચાલનનું દ્રશ્ય સુરેખાના માનસ પર કોતરાઈ ગયું. એ જ ક્ષણે એણે શિક્ષિકા થવાની ઈચ્છાને તિલાંજલિ આપી અને ટ્રેન ચલાવવાનું નક્કી કર્યું. પણ માત્ર ઈચ્છા થવાથી તો ટ્રેન ચલાવી શકાતી નથી. એ માટે લાયકાત જોઈએ.

સુરેખાએ ટ્રેન ચલાવવા શું કરવું પડે એની તપાસ કરી. જાણવા મળ્યું કે એ માટે પરીક્ષા આપવી પડે છે. સુરેખાએ ટ્રેનડ્રાઈવર બનવા માટે સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની તૈયારી શરૂ કરી. એ માટે જરૂરી ફોર્મ ભર્યું. સુરેખા પરીક્ષા આપવા ગઈ ત્યારે આખા પરીક્ષાખંડમાં એ એકમાત્ર છોકરી હતી.૧૯૮૬માં રેલવે વિભાગની પરીક્ષામાં સુરેખા ઉત્તીર્ણ થઈ ગઈ. ઇન્ટરવ્યૂમાં પણ પાસ થઈ. ત્યાર બાદ સુરેખાને કલ્યાણ ટ્રેનિંગ સ્કૂલમાં છ મહિનાની તાલીમ આપવામાં આવી.

તમામ કોઠા સફળતાથી વીંધ્યા પછી સુરેખા ભારતની પ્રથમ મહિલા ટ્રેનડ્રાઈવર બની. એણે ભારતીય રેલવેમાં પ્રથમ આસિસ્ટન્ટ ડ્રાઇવર તરીકે ફરજ બજાવેલી. ત્યાર બાદ વર્ષ ૧૯૯૬માં તેને માલગાડી ટ્રેનો ચલાવવાનું કામ સોંપવામાં આવ્યું. વર્ષ ૨૦૦૦માં મોટરવુમન તરીકે તેમની નિમણૂક થઇ. આ જ વર્ષે મહારાષ્ટ્ર પોલીસ ખાતામાં કામ કરતા શંકર યાદવ સાથે લગ્ન થયાં. લગ્નને પગલે અજિંકય અને અજિતેશ નામના બે બાળકોની માતા બની.

પરિવાર વિસ્તરવાની સાથે સુરેખા યાદવની કારકિર્દી પણ આગળ વધી. યાદવે વર્ષ ૨૦૧૦માં ઘાટવાળા માર્ગ પર ટ્રેન ચલાવવાની તાલીમ લીધા બાદ તેને ડેક્કન ક્વીન એક્સપ્રેસના
સારથિ બનવાની તક મળી હતી. દરમિયાન એપ્રિલ ૨૦૦૦માં તત્કાલીન રેલવે મંત્રી મમતા બેનરજીએ ચાર મહાનગરોમાં પ્રથમ વખત લેડિઝ સ્પેશિયલ લોકલ ટ્રેન શરૂ કરી હતી, જેના ક્રૂમાં સુરેખા યાદવનો સમાવેશ થતો હતો. આ સિવાય તેની કારકિર્દીની યશકલગીમાં એક પીંછું ૨૦૧૧ના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ઉમેરાયું. ૮ માર્ચ ૨૦૧૧ના રોજ પુણેથી મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સુધીની ડેક્કન ક્વીન નામની ટ્રેન ચલાવી. સુરેખા યાદવે ઘણી ટ્રેનો ચલાવી છે. સીએસટી-સોલાપુર- સીએસટી વંદે ભારત એક્સપ્રેસની બાગડોર મહિલા લોકો પાઈલટના હાથમાં સોંપવામાં આવી છે. એશિયાની પ્રથમ મહિલા લોકો-ડ્રાઇવર સુરેખા યાદવને ઘાટવાળા કપરા રૂટ પર વંદેભારત દોડાવવાનો મોકો મળ્યો છે. તેણે પાંત્રીસ વર્ષની રેલવે કારકિર્દીમાં માલગાડીથી માંડીને પેસેન્જર ટ્રેનો ચલાવવાનો અનુભવ લીધો છે. ઉલ્લેખનીય છે કે લોકો પાઈલટ બન્યા બાદ સુરેખા રેલવે માટે લોકો પાયલટ પ્રશિક્ષક તરીકે પણ કામ કરે છે.

સુરેખા યાદવ મધ્ય રેલવેની સૌથી કુશળ ટ્રેનડ્રાઈવર છે, પરંતુ અજબ જેવી વાત એ છે કે એણે ક્યારેય ચાર ચક્રી મોટરગાડી કે દ્વિચક્રી સ્કૂટર જેવા વાહનો ચલાવ્યાં નથી કારણ કે એવી જરૂર જ પડી નથી !

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બિકિની નહીં પણ આ કપડાંમાં બોલ્ડ ફોટોશૂટ કરાવી અભિનેત્રીઓએ મચાવ્યો તહેલકો… શું તમે પણ પ્લાસ્ટિક ટૂથબ્રશ વાપરો છો? 38ની કમરને બનાવવી છે 28ની? બસ ફોલો કરો આ ધાસ્સુ ટિપ્સ… ઑલિમ્પિક્સમાં વિશ્ર્વના પાંચ ફાસ્ટેસ્ટ પુરુષ દોડવીરો કોણ? ચાલો ઝડપથી એક નજર કરી લઈએ..