ભારતની વીરાંગનાઓ : અંતરિક્ષયાનની પ્રથમ મહિલા પાઇલટ: સુનિતા વિલિયમ્સ
-ટીના દોશી
ત્રણ અંતરિક્ષ અભિયાનનો અનુભવ કરનારાં એ પ્રથમ મહિલા છે, અંતરિક્ષયાનની પ્રથમ ભારતીય મહિલા પાઇલટ પણ એ જ છે, અંતરિક્ષની પ્રથમ મેરેથોન દોડવીર એ જ છે, અંતરિક્ષમાં વિક્રમસર્જક સ્પેસવોક કરનાર પ્રથમ અવકાશયાત્રી છે અને સૌથી લાંબો સમય અંતરિક્ષમાં વિતાવનાર પ્રથમ અવકાશયાત્રી પણ એ જ છે…. કહો જોઉં, એ કોણ છે?
સુનિતા વિલિયમ્સને મળો…. ભારતીય મૂળની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ. વર્ષ 2024માં બોઇંગના સીએસટી 100 સ્ટાર લાઈન ર અંતરિક્ષયાનમાં સવાર થઈને એ ત્રીજી વાર અવકાશમાં ગયા. આ અંતરિક્ષયાત્રાની વિશેષતા એ હતી કે સુનિતા અંતરિક્ષયાનનાં પાઇલટ પણ હતાં. જોકે આઠ દિવસ માટે અંતરિક્ષમાં ગયેલી સુનિતા અવકાશયાનમાં ખામી સર્જાતાં હજુ પૃથ્વી પર પાછા ફરી શક્યા નથી.
અંતરિક્ષયાનની પ્રથમ મહિલા પાઇલટ બનીને પણ સુનિતાએ વિક્રમ સર્જ્યો હતો. અગાઉ સુનિતા 2006 અને 2012માં અંતરિક્ષની સફર કરી ચૂક્યાં છે. 2006માં સુનીતાએ 195 દિવસ અંતરિક્ષમાં રહીને અવકાશની સૌથી લાંબી સફર કરવાનો વિક્રમ સર્જ્યો અને 2012માં 127 દિવસ વિતાવ્યા હતા. 2012ના મિશનની ખાસ બાબત એ હતી કે સુનિતાએ ત્રણ વખત સ્પેસવોક કર્યું હતું. પ્રથમ સફરમાં સુનિતાએ ચાર વખત સ્પેસ વોક કર્યું હતું.
પચાસ કલાક ને ચાળીસ મિનિટ સુધી સ્પેસ વોક કરનારી એ પ્રથમ અવકાશયાત્રી છે, દરમિયાન, 16 એપ્રિલ 2007ના રોજ અવકાશ મથકની બોસ્ટન મેરેથોન દોડનારી પ્રથમ અવકાશયાત્રી બની, સૌથી લાંબો સમય અર્થાત કુલ 322 દિવસ અંતરિક્ષમાં પસાર કરનાર એ પ્રથમ અવકાશયાત્રી છે!
કલ્પના ચાવલા પછી અવકાશમાં પ્રવાસ કરનાર ભારતીય મૂળની બીજી મહિલા સુનિતા વિલિયમ્સ છે. તેમને 2008માં ભારત સરકાર દ્વારા વિજ્ઞાન અને એન્જિનિયરિંગ ક્ષેત્રે પદ્મભૂષણથી નવાજવામાં આવેલા. આ સિવાય તેમને નેવી કમ્મેન્ડેશન મેડલ, નેવી અને મરીન કોર્પ અચીવમેન્ટ મેડલ, માનવતાવાદી સેવા મેડલ જેવાં અનેક સન્માનોથી નવાજવામાં આવ્યાં છે. 2013માં ગુજરાત યુનિવર્સિટીએ તેમને માનદ ડૉક્ટરેટની પદવી એનાયત કરી હતી. 2013માં સ્લોવેનિયા દ્વારા ‘ગોલ્ડન ઓર્ડર ફોર મેરિટ’ પુરસ્કાર એનાયત કર્યો હતો.
સુનિતા વિલિયમ્સનો જન્મ 19 સપ્ટેમ્બર 1965ના રોજ યુએસએના ઓહિયો રાજ્યના યુક્લિડ શહેરમાં ક્લીવલેન્ડ ખાતે થયો. પૂરું નામ સુનિતા લિયન પંડ્યા વિલિયમ્સ.. પિતાનું નામ દીપક એન. પંડ્યા. માતાનું નામ બોન્નીજ લોકર પંડ્યા. દીપક પંડ્યા 1958માં ભારતથી સ્થળાંતર કરીને અમેરિકા જઈ વસ્યા. સુનિતાનો જન્મ અમેરિકામાં થયો.
સુનિતાએ મેસેચ્યુસેટ્સમાંથી હાઈ સ્કૂલ પાસ કર્યા પછી 1987માં સંયુક્ત રાષ્ટ્રની નેવલ એકેડેમીમાંથી શારીરિક નૌસેનિક સ્નાતકની ડિગ્રી મેળવી. 1995માં તેમણે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલૉજીમાંથી એન્જિનિયરિંગ મૅનેજમેન્ટમાં એમએસની ડિગ્રી મેળવી. જૂન 1998માં તેમની પસંદગી યુએસ સ્પેસ એજન્સી નાસામાં કરવામાં આવી. સુનિતાએ યુએસ નેવીમાં નાવિક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
યુએસ નેવીમાં હેલિકોપ્ટર પાઇલટ, ટેસ્ટ પાઇલટ, પ્રોફેશનલ મરીન, ડાઇવર, સ્વિમર તરીકે સેવા આપી. યુએસ નેવીમાં તેમની કારકિર્દી 1987માં શરૂ થઈ હતી. છ મહિના પછી તેમને બેઝિક ડ્રાઇવિંગ ઑફિસર તરીકે પસંદ કરવામાં આવ્યાં. વર્ષ 1989માં, સુનિતા વિલિયમ્સને ‘નેવલ ઍર ટ્રેનિંગ કમાન્ડ’માં મોકલવામાં આવ્યાં, જ્યાં તેમને ‘નેવલ એવિએટર’તરીકે નિયુકત કરવામાં આવી.. ત્યાર પછી તેમણે ‘હેલિકોપ્ટર કોમ્બેટસ પોર્ટ સ્ક્વોડ્રન’માં તાલીમ લીધી. સુનીતા વિલિયમ્સને 1998માં નાસા મિશન માટે પસંદ કરવામાં આવ્યાં.
જૂન 1998માં સુનિતા વિલિયમ્સની નાસા દ્વારા અવકાશ યાત્રી કાર્યક્રમ માટે પસંદગી કરવામાં આવી અને અવકાશયાત્રી બનવાની તેમની તાલીમ તે જ વર્ષથી શરૂ થઈ ગઈ. તેઓને સઘન તાલીમ આપવામાં આવી હતી જેમાં બહુવિધ વૈજ્ઞાનિક અને તકનીકી બ્રીફિંગ્સ, શટલ અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સિસ્ટમમાં સઘન સૂચના અને શારીરિક તાલીમનો સમાવેશ થતો હતો. સઘન તાલીમના સમયગાળા પછી, તેમને સ્પેસસ્ટેશનમાં રશિયન સ્પેસ એજન્સી સાથે કામ કરવા માટે મોસ્કો મોકલવામાં આવ્યા. 9 ડિસેમ્બર 2006ના રોજ, સુનિતાને સ્પેસ ક્રાફ્ટ ‘ડિસ્કવરી’માંથી ‘ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર’ પર મોકલવામાં આવેલાં. સુનિતાએ અભિયાન-14 અને અભિયાન-15 દરમિયાન ત્રણ સ્પેસવોક કર્યા. 6 એપ્રિલ 2007ના રોજ, તેણે અવકાશમાં જ ‘બોસ્ટન મેરેથોન’માં ભાગ લીધો હતો. અવકાશમાં મેરેથોન દોડનારી તે પ્રથમ મહિલા બન્યાં હતાં. તેમણે પોતાની મેરેથોન દોડ 4 કલાક 24 મિનિટમાં પૂરી કરી હતી. ત્યાર બાદ 22 જૂન 2007ના રોજ તેઓ પૃથ્વી પર પાછા ફર્યાં.
જૂન 2007માં, કેલિફોર્નિયામાં એડવર્ડ્સ એરફોસ બેઝ પર પાછા ફરતાં પહેલાં એસટીએસ-117 ક્રૂએ વિશ્વવિક્રમ સ્થાપ્યો હતો. તેમણે અવકાશયાનની બહાર કુલ 29 કલાક કરતાં વધુ સમય માટે સ્પેસ વોક કર્યું અને 195થી વધુ દિવસો અવકાશમાં વિતાવ્યા, જે એક વિશ્વવિક્રમ બની ગયો.
Also read:ભારતની વીરાંગનાઓ : ઑલિમ્પિક કુસ્તીમાં ચંદ્રક મેળવનાર પ્રથમ મહિલા સાક્ષી મલિક…
તેમણે ફરી 15 જુલાઈ 2012ના રોજ બેકોનુ રકોસ્મો ડ્રોમથી ઈંજજ માટે એક્સપિડિશન 32 પર ફ્લાઇટ એન્જિનિયર તરીકે ઉડાન ભરી. તેમનું અવકાશયાન સોયુઝ ‘ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન’ સાથે જોડાયું. સુનિતા વિલિયમ્સને 17 સપ્ટેમ્બર 2012ના રોજ એક્સપિડિશન 33ની કમાન્ડર બનાવવામાં આવ્યાં અને આ મિશન દરમિયાન તેમણે એકવીસ કલાકથી વધુ સમયમાં બીજા ત્રણ સ્પેસવોક કર્યા હતા. તેમણે સધર્ન કેલિફોર્નિયામાં આયોજિત નૌટિકામાલિબુ ટ્રાયથ્લોન સાથે જોડાણ કરીને ટ્રેડમિલનો ઉપયોગ કરીને ભ્રમણકક્ષામાં એક ટ્રાયથ્લોન પૂર્ણ કરીને પૃથ્વી પર ઇતિહાસ રચ્યો હતો.
નવેમ્બર 2012માં પૃથ્વી પર પાછા ફરતાં પહેલાં તેઓ લગભગ 127 દિવસ સુધી અવકાશમાં રહ્યાં. સુનિતા વિલિયમ્સ 19 નવેમ્બર 2012ના રોજ પૃથ્વી પર પરત ફરેલી. 1998થી નાસા સાથે જોડાયેલા સુનિતાએ અત્યાર સુધીમાં કુલ 30 અલગ-અલગ અવકાશયાનમાં 2770 ઉડાન ભરી છે.
અવકાશી સફરના અવનવા અનુભવોનો ખજાનો ધરાવતી સુનિતાએ અવકાશમાં જવાનું ક્યારેય વિચાર્યું નહોતું, પણ સુનિતા અવકાશયાત્રી બની એટલું જ નહીં, અનેક વિક્રમો સર્જીને અંતરિક્ષ પરી બની ગઈ છે!