લાડકીસ્પેશિયલ ફિચર્સ

સ્પોર્ટ્સ વુમન : હવે તો પહેલી વર્લ્ડ કપ ટ્રોફી જીતી જ લાવજો

ભારતીય મહિલાઓ ટી-૨૦ કે વન-ડેનો એકેય વિશ્ર્વ કપ નથી જીતી. આજે યુએઇમાં શરૂ થાય છે ધમાકેદાર વિમેન્સ ટી-૨૦ વર્લ્ડ કપ

-અજય મોતીવાલા

મહિલાઓ આજે દરેક ક્ષેત્રે પુરુષ સમોવડી થઈ ગઈ છે. સ્પોર્ટ્સમાં તો વાત જ શું કરવી! પૅરિસ ઑલિમ્પિક્સ હોય કે દિવ્યાંગ ઍથ્લીટો-ખેલાડીઓ માટેની પૅરિસ પૅરાલિમ્પિક્સ, મેડલ જીતવાની શરૂઆત મહિલાએ જ કરી હતી. જુલાઈમાં સમર ઑલિમ્પિક ગેમ્સમાં ભારતને પ્રથમ મેડલ શૂટર મનુ ભાકરે અપાવ્યો હતો, જ્યારે સપ્ટેમ્બરમાં પૅરાલિમ્પિક્સમાં પહેલો ભારતીય મેડલ શૂટર અવનિ લેખારા (ગોલ્ડ)એ અને શૂટર મોના અગરવાલ (બ્રૉન્ઝ)એ મેળવ્યો હતો. બન્ને ઑલિમ્પિક્સમાં ભારતીયોમાં મહિલા ઍથ્લીટોનું વર્ચસ્વ હતું. જોકે ભારતની સૌથી લોકપ્રિય રમત ક્રિકેટમાં મહિલાઓ હજી પુરુષની બરાબરીમાં નથી થઈ શકી, પરંતુ હવે આજથી એક મોકો મળી રહ્યો છે.

આજે યુનાઇટેડ આરબ અમીરાત (યુએઇ)માં મહિલાઓનો ટી-૨૦ વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે જેની ટ્રોફી જીતવા માટે ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ ઉપરાંત ભારતની ટીમ પણ ફેવરિટ છે. પુરુષોની ક્રિકેટમાં ભારતે વર્લ્ડ કપ જીતવાની શરૂઆત ૧૯૮૩માં કપિલ દેવના સુકાનમાં વન-ડે વિશ્ર્વ કપની ટ્રોફી સાથે કરી હતી. ત્યાર બાદ મહેન્દ્રસિંહ ધોનીના સુકાનમાં ભારતે પહેલાં ટી-૨૦નો (૨૦૦૭માં) અને પછી વન-ડેનો (૨૦૧૧માં) વર્લ્ડ કપ જીતી લીધો હતો. મોટી ટ્રોફી વિનાના ૧૩ વર્ષના લાંબા ગાળા બાદ જૂન, ૨૦૨૪માં ભારતે રોહિત શર્માની કૅપ્ટન્સીમાં ટી-૨૦ વર્લ્ડ કપની ટ્રોફી જીતીને દિગ્ગજ કૅપ્ટનોની પરંપરા ફરી શરૂ કરી હતી.

જોકે ભારતની મહિલા ક્રિકેટરો હજી સુધી વન-ડેમાં કે ટી-૨૦માં વર્લ્ડ કપનું ટાઇટલ નથી જીતી શકી. ભારતે મહિલા ક્રિકેટ જગતને મિતાલી રાજ, ઝુલન ગોસ્વામી વગેરે લેજન્ડ્સ આપી છે, પરંતુ એકેય વર્લ્ડ કપ ટ્રોફી ભારતના હાથમાં નથી આવી. યુએઇમાં શરૂ થતા વિમેન્સ ટી-૨૦ વર્લ્ડ કપમાં હરમનપ્રીત કૌરની કૅપ્ટન્સીમાં અને સ્મૃતિ મંધાનાની વાઇસ-કૅપ્ટન્સીમાં ભારતની ટીમ યુએઇમાં રમવા ગઈ છે અને તેઓ ભારતને ઐતિહાસિક ચૅમ્પિયનપદ અપાવવા માટે સક્ષમ છે.

આ પહેલો વિમેન્સ ટી-૨૦ વર્લ્ડ કપ છે જે તટસ્થ સ્થળે રમાવાનો છે. યુએઇમાં આ ટૂર્નામેન્ટ રમાવાની છે, પણ ૧૦ દેશની ટીમમાં યુએઇની ટીમ નથી. બાંગ્લાદેશમાં રાજકીય ઊથલપાથલ થતાં અભૂતપૂર્વ આંદોલન થયા જેને પગલે આ વર્લ્ડ કપ ત્યાંથી હટાવીને યુએઇમાં રાખવામાં આવ્યો છે. જોકે એમાં બાંગ્લાદેશની ટીમ રમવાની છે. સ્કૉટલૅન્ડની ટીમ પહેલી જ વાર મહિલાઓના વર્લ્ડ કપમાં જોવા મળશે.

વર્લ્ડ કપનો સમય પરફેક્ટ છે, કારણકે ઑક્ટોબરનો મહિનો એટલે યુએઇમાં ઠંડા વાતાવરણની શરૂઆતનો મહિનો. જોકે દિવસે તાપમાન ૩૦-પ્લસ ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.

મહિલાઓના વન-ડે અને ટી-૨૦ વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડનું પ્રભુત્વ રહ્યું છે. વન-ડેના ૧૨માંથી સાત વર્લ્ડ કપ ઑસ્ટ્રેલિયાએ અને ચાર ઇંગ્લૅન્ડે જીત્યા છે અને એક વખત ન્યૂ ઝીલૅન્ડ ચૅમ્પિયન બન્યું છે. વિમેન્સ ટી-૨૦ વર્લ્ડ કપ આઠ વાર રમાયા છે, જેમાંથી છ ઑસ્ટ્રેલિયાએ જીત્યા છે અને એક-એક વાર ઇંગ્લૅન્ડ તથા વેસ્ટ ઇન્ડિઝે વિજેતાપદ
મેળવ્યું છે.

૧૯૯૭માં ભારતની મહિલા ટીમ વન-ડે વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં બે વાર (૧૯૯૭, ૨૦૦૦માં) પહોંચી હતી, પણ ટી-૨૦ વર્લ્ડ કપમાં ચાર-ચાર વાર (૨૦૦૯, ૨૦૧૦, ૨૦૧૮, ૨૦૨૩માં) સેમિમાં પહોંચવા છતાં ભારતની મહિલાઓ ટ્રોફી નથી જીતી શકી. આ અઠવાડિયે બન્ને વૉર્મ-અપ મૅચ જીતી લેનાર ભારતીય ટીમ પાસે આશા રાખીએ કે આ વખતે હરમનપ્રીત કૌર અને તેની ખેલાડીઓ વિમેન્સ ક્રિકેટની પ્રથમ ટ્રોફી સાથે ભારત પાછી આવશે.

ચૅમ્પિયન ટીમને મળશે ૧૯.૬૫ કરોડ રૂપિયા
આઇસીસીએ મહિલાઓને પુરુષો જેટલી જ ઇનામીરકમ આપવાનો નિર્ણય લીધો ત્યાર પછીની આ પહેલી
મહિલા ટૂર્નામેન્ટ છે, જેમાં તેમને પુરુષો જેટલું તોતિંગ ઇનામ મળશે. ચૅમ્પિયન બનનારી ટીમને ૨૩.૪૦ લાખ ડૉલર (અંદાજે ૧૯.૬૫ કરોડ રૂપિયા)નું પ્રથમ ઇનામ આપવામાં આવશે.
કોવિડ-પ્રેરિત લૉકડાઉન પછી ૨૦૨૩માં રમાયેલા ટી-૨૦ વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયાની ટીમ ચૅમ્પિયન બની ત્યારે તેને જે ઇનામીરકમ અપાઈ હતી એની સરખામણીમાં આ વખતની ઇનામીરકમનો ૧૩૪ ટકાનો વધારો કરાયો છે. રનર-અપ ટીમને ૧૧.૭૦ લાખ ડૉલર (૯.૮૩ કરોડ રૂપિયા)નું બીજું ઇનામ મળશે.

ટૂર્નામેન્ટનું ફૉર્મેટ કેવું છે?
બે ગ્રૂપમાં પાંચ-પાંચ ટીમ છે. પ્રત્યેક ગ્રૂપમાંની દરેક ટીમ એકમેક સામે એક-એક લીગ મૅચ રમશે. બેઉ ગ્રૂપની ટોચની બે-બે ટીમ સેમિ ફાઇનલમાં જશે. સેમિ ફાઇનલ દુબઈ તથા શારજાહમાં રમાશે. ૨૦ ઑક્ટોબરની ફાઇનલ દુબઈમાં રમાવાની છે.
નૉકઆઉટ રાઉન્ડની દરેક મૅચ માટે રિઝર્વ-ડે રાખવામાં આવ્યો છે.

ભારતની ટીમમાં કોણ-કોણ છે?
હરમનપ્રીત કૌર (કૅપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ-કૅપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), યસ્તિકા ભાટિયા (વિકેટકીપર), શેફાલી વર્મા, જેમાઇમા રૉડ્રિગ્સ, દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, દયાલન હેમલતા, શ્રેયંકા પાટીલ, સજીવન સજના, આશા શોભના, અરુંધતી રેડ્ડી, રેણુકા સિંહ અને રાધા યાદવ.

કયા ગ્રૂપમાં કઈ ટીમ?
ગ્રૂપ-એ:
ભારત, ઑસ્ટ્રેલિયા, પાકિસ્તાન, ન્યૂ ઝીલૅન્ડ, શ્રીલંકા.
ગ્રૂપ-બી:
ઇંગ્લૅન્ડ, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ, બાંગ્લાદેશ, સ્કૉટલૅન્ડ.

આ વર્લ્ડ કપની વધુ રસપ્રદ વાતો
(૧) પહેલી જ વખત ન્યૂટ્રલ સ્થળે (યુએઇમાં) મહિલાઓનો ટી-૨૦ વર્લ્ડ કપ રમાવાનો છે.
(૨) આ ટૂર્નામેન્ટમાં જે ૧૦ દેશની ટીમ રમાવાની છે એમાંની એક પણ ટીમની ટી-૨૦ મૅચ ક્યારેય દુબઈમાં નથી રમાઈ. આ વખતે પહેલી જ વાર રમાશે.
(૩) શારજાહમાં ૨૪ વર્ષમાં પહેલી વાર ભારતીય ક્રિકેટ ટીમ રમતી જોવા મળશે. ભારતની ટીમ શારજાહમાં રમી હોય એવું છેલ્લે ૨૦૦૦માં બન્યું હતું.

ભારત-પાકિસ્તાનની હાઇ-વૉલ્ટેજ ટક્કર ક્યારે?
ભારતની પ્રથમ લીગ મૅચ ન્યૂ ઝીલૅન્ડ સામે શુક્રવાર, ૪ ઑક્ટોબરે (સાંજે ૭.૩૦ વાગ્યાથી) રમાશે. ભારતની બીજી મૅચ પાકિસ્તાન સામે છે જે રવિવાર, ૬ ઑક્ટોબરે (બપારે ૩.૩૦ વાગ્યાથી) રમાશે. ભારતની ત્રીજી મૅચ શ્રીલંકા સામે બુધવાર, ૯ ઑક્ટોબરે (સાંજે ૭.૩૦ વાગ્યાથી) અને ચોથી મૅચ ઑસ્ટ્રેલિયા સામે રવિવાર, ૧૩ ઑક્ટોબરે (સાંજે ૭.૩૦ વાગ્યાથી) રમાશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત