ખા ખા કરતી છે તે ભોગવહે.. આપરે હું?

લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી
બધા પ્રદેશોની એની લોકબોલી અને લહેકો હોય અને જે તે પ્રદેશને એમની બોલી માટે પ્રેમ અને ગર્વ હોય. ખરું ને? પણ હમણાં કેમ એકદમ બોલી (હુરતી) યાદ આવી ગઈ. અમારા પોતિકા વિચારો હુરતીમાં લખવાના કે બોલવાના આવેતો જાને એમ જ લાગે કે કોઈએ રબડીમાં ચોખ્ખા ઘીની જલેબી અને એ જલેબી ઉપર એકાદ વાડકી જેટલી મલાઈ પાથરી હોય અને સબડકે સબડકે ખાતાં હોઈએ!
અમારા હુરતના નર્મદને તો ગુજરાતી ભાષા પર ને હુરત પર બો અભિમાન હતું. તે અમે કંઈ ઓછા થોરાં છીએ? અમને હો બો (ઘણું) અભિમાન! એટલે નક્કી કરેલું કે મુંબઈવારી બેનપરી આવેત્યારે હુરતીમાં જ બોયલા કરવાનું. એમને હો થવું જોવે કે બેન પોતિકી બોલીને કેટલું માન આપે છે!
મુંબઈની બેનપરીઓ તો આવી. આમ અમે ફેસબુકિયા ફ્રેન્ડ. તે મેં ફેસબુક પર ખાલી ખાલી હારું લગાડવા લખી કારેલું કે ‘હુરત તો કો’ક દી આવો…’ . પણ એ તો એક બે ની, પન દહ-બાર જનીઓ આવી પરી.
એજન્ડા જાને કે એવો હતો કે હાકભાજી અને મરી મસાલા ઉપર નવલકથા જેવું કંઈ હાથ લાગે તો એનો આસ્વાદ કરાવવો. પન તમને કેમ કહું કે એ તો ટ્રેનમાંથી ઊતરાં નથી કે તરત હુરતી ખાવાનાં પર જે તૂટી પરયાં! (પડ્યાં) પછી તો અમે ભેગાં થીયાં ને હીધાં હુરતી ખાવાનાનાં રસાસ્વાદ ઉપર ચર્ચાસભા શરૂ કરી. એકે પ્રશ્ન કર્યો :
‘આ ઊંબાડિયું એટલે શું? એમાં શું શું ઊંધું મૂકવાનું હોય?’ (જોઈ મોટી બધીઓ… શુદ્ધ ભાષા બોલવાવાળી…! હુરતમાં આવીને હુરતી ઝાપટ્યું, તો થોડીવાર ‘શું શું’ ની જગ્યાએ ‘હું હું’ બોલે, તો એમાં કંઈ નીચી પરી જવાની હતી?) મેં ફોડ પાડતાં કીધું, :‘એમાં ખાલી જે માટલામાં હાકભાજી મસાલો કરીને ભરેલો હોય, એ માટલું જ ખાલી ઊંધું કરીને ચૂલા ઉપર મૂકવાનું.’ પછી બીજી બેનપરી પૂછે : ‘એમાં મસાલો કયો નાખવાનો?કોઈ સ્પેશિયલ મસાલો હોય?’
શું શું કરીને માથું દુખવી લાખ્યું (નાખ્યું).મેં કીધું, : ‘એમ બધી ઊંબાડિયા પર પૂછાપૂછ કરી કરીને સાંજ પારી લાખવાની. એના કરતાં એમ જ કેવ ની, કે તમારે ઊંબાડિયું ખાવું છે તો એક કામ કરો. તમને હમી હાંજે ઊંબાડિયું ખાવા લેઈ જાહું. ત્યાં જેઈને ઊંબાડિયું ખાજો હોં અને ઊંબાડિયાવારાને પ્રશ્નો પૂછી પૂછીને ઠેકાણે પાડી દેજો. (જો જો તમે, ઊંબાડિયાવારા હાથે હોં આ બધીઓ શું શું ને શા શા જ કરહે… આપરે હું…)
મેં કીધું (મનમાં) હવે આ લોકો અમે જે મફતમાં મરી- મસાલાવારી નવલકથા હાંભરવા આવ્યાં છે, એ હવે હંભરાવે તો હારું. પણ ત્યાં તો એકે પૂછ્યું :‘સુરતમાં ડુમસ ક્યાં આવ્યું?’ ત્યાં 500 ગ્રામની એક એવી રતાળુની પૂરી, ટામેટાનાં ભજિયાં, આઇસ ભજિયાં મળે છે. જો ત્યાં જઈ શકાય તો કાલે સવારે ત્યાં જ જઈ આવીએ.’ મેં લાગેલું જ ચોપડાવી દીધું : ‘હા, પન અહીંયા તો એ બો લાંબું પરે. ખાસ્સું દૂર… ને પાછું મેટ્રોવારાએ ખોદી ખોદીને આખા હુરતની હકલ (શકલ – ચહેરો) બગારી લાખી છે. મારું જો માનો, તો આમ એકાંતરા (નહીં જોયેલું હોય એમ ખાઉધરા બનીને) થેઈને તૂટી ની પરો. (માંદા પડહો તો પાસા અઠવાડિયાનો ધામો લાખહો.) મેં ટો ટમને ટમારા હારાની હારું કેવ છું. બાકી રેઈ પરો તો હો વાંધો થોરો છે? (નવ્વાણું તો ભર્યા હો) કંટારીને હા કેઈ મેલ્યું.’ (કાલની વાત કાલે)
મેં કીધું : ‘પેલું નવલકથાવારું ક્યારે ચાલુ કરવાનું?’બધીઓએ બે-ચાર બગાસાં ખાધાં. બે- ચારે મોટેથી ઓડકાર ખાધા. બે-ચારે સોફેસ્ટીકેટેડ બગાસાં ખાધાં. (પછી એક્સક્યુઝ મી… એવું પન બોલી.) પછી તો ચા-નાસ્તો આવ્યો. ‘ના… ના…’ કહેતી જાય ને બધી ખાતી જાય. જરાય ભૂખ નથી… પણ ‘સુરતનું જમણ ને કાશીનું મરણ’ જેવી કહેવત યથાર્થ કરવા પણ થોડુંક ખાવું જ પડશે. (હજી ઓડકાર તો બધીઓના ચાલુ જ હતા.) એમ સુરતનું ખાવાનું ધરાર ખાધું જ! બોલો. (આપરે હું… રાતે મથાવહે, તીયારે ખબર પડહે. કરેલાં ભોગવહે. આપરે હું!)
પછી વરી એકને થીયું કે આપણે તો નવલકથા આસ્વાદ કરવાનો છે. ખાલી હુરતી રસાસ્વાદમાં મગ્ન નથી થવાનું. એક પછી એક મરી મસાલા, ને વિવિધ વાનગીઓ ઉપર આસ્વાદ તો હારો કરાવ્યો. પન વચ્ચે વચ્ચે હુરતી ઊંધિયું, તુવેરના ઢોકળા, કાળી પાપડીનું હાક, વાલ, વાલની દાળ, પોંક, પોંકવડા, લસ્સી ને ડુમસનાં ભજિયાં તો વારેવારે યાદ કરીને (મેં કદાચ ખવડાવવાનું ભૂલી જાઉં તો?) બધી મારી તરફ જોતી રહી.
છેલ્લે મને એમ કે હવે મારો ઊઠવાનો ટાઇમ થીયો, તો હો એમાંની એકે એમ નથી કે’તી કે તેં અમારી આટલી લાંબી નવલકથાના આસ્વાદ હાંભળ્યા, તો તું હો કંઈ બોલ. તે મે હો કાસી થોરી’તી? મેં કીધું, ‘ઉં હોં મુંબઈ આવા, તો બધું વસૂલ કરી જવા હોં…’ઉસ્તાદો હમજી ગેઈ. તે કહે: ‘એક કામ કર. તું હમણાં જ બોલી નાખ. આમને સામને સાટુ-બાટુ કરવાનું ઇજન આપી છટકવા… મને કેઈ… હુરતીમાં કંઈ હો બોલી નાખ…’ આખરે તો નર્મદના વંશજ! ની બોલું તો નર્મદનું નાક કપાય. તે મેં તો ધરાધર એવું બોયલી… એવું બોયલી… કે એ લોકો હો હુરતી બોલતી થેઈ ગઈ. ને મને કે, ‘તું બહુ હારું બોયલી… બો ગયમું અમને!’