લાડકી

પ્રથમ મહિલા સરોદવાદક શરણ રાની

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી

સંગીતનો પ્રચાર કરવા સંપૂર્ણ ભૂમંડળમાં ઘૂમેલી એ પ્રથમ મહિલા હતી, એણે સરોદ જેવા મર્દાના સાજને સંપૂર્ણ ઊંચાઈ આપેલી, હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની વિદ્વાન અને પ્રખ્યાત સરોદવાદક હતી એ, સરોદવાદનને કારણે એને વિભિન્ન પ્રકારના સન્માન મળેલાં અને ડોકટરેટની પદવીઓથી નવાજવામાં આવેલી, પંદરમી શતાબ્દી પછી બનેલાં વાદ્યયંત્રો સંગ્રહિત કરનાર પ્રથમ મહિલા એ જ હતી, એ પ્રથમ હતી જેણે યુનેસ્કો માટે રેકોર્ડિંગ કરેલું….. ભારતના વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ એને સાંસ્કૃતિક ‘રાજદૂત’નું બિરુદ આપેલું અને પંડિત ઓમકારનાથ ઠાકુરે એને ‘સરોદ રાણી’નો ખિતાબ આપેલો… કહો જોઉં, એ કોણ છે ?

શરણ રાની બૈકલીવાલ. ભારતની પ્રથમ મહિલા સરોદવાદક… સરોદવાદનને પગલે શરણ રાનીને વિવિધ સન્માનોથી પુરસ્કૃત કરવામાં આવેલી. ૧૯૫૩માં વિષ્ણુ દિગંબર પારિતોષિક, ૧૯૬૮માં પદ્મશ્રી, ૧૯૭૪માં સાહિત્ય કલા પરિષદ પુરસ્કાર, ૧૯૭૯માં આચાર્ય અને તંત્ર વિલાસ, ૧૯૮૬માં સંગીત નાટક અકાદમી પુરસ્કાર, ૧૯૯૩માં વ્યાવસાયિક ઉત્કૃષ્ટતા માટે રાજીવ ગાંધી પુરસ્કાર, ૧૯૯૯માં રાષ્ટ્રીય ઉત્કૃષ્ટતા પુરસ્કાર, ૨૦૦૦માં પદ્મભૂષણ, એ જ વર્ષે, ૨૦૦૦માં લાઈફ ટાઈમ અચીવમેન્ટ પુરસ્કાર, ૨૦૦૪માં મહારાણા મેવાડ ફાઉન્ડેશન પુરસ્કાર, એ જ વર્ષે ૨૦૦૪માં ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય કલાકારનું બિરુદ અને ૨૦૦૫માં ભોપાલનો કલા પરિષદ પુરસ્કાર….

પુરાણી દિલ્હીના રૂઢિચુસ્ત હિંદુ પરિવારમાં ૯ એપ્રિલ ૧૯૨૯ના જન્મ. નામ શરણ રાની માથુર. બાળપણથી સંગીત પ્રત્યે અનોખું આકર્ષણ હતું. શરણે સંગીત સાધના જાળવી રાખી. દરમિયાન, અચ્છન મહારાજ તથા શંભુ મહારાજ પાસેથી કથક અને નાભાકુમાર સિંહા પાસેથી મણિપુરી નૃત્યની તાલીમ લીધી. સાત વર્ષની ઉંમરે રજૂ કરેલા કાર્યક્રમ દ્વારા સારી ખ્યાતિ મેળવી. પછી કંઠ્ય સંગીતનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. આઠ વર્ષની ઉંમરે તો નાટક, રેડિયો-નાટક વગેરેમાં ભાગ લીધો.

દરમિયાન, મોટા ભાઈ રાજેન્દ્ર નારાયણે શરણ રાનીને એક તંતુ વાદ્ય ભેટમાં આપ્યું. શરણે વાદ્યના તારનો સ્પર્શ કર્યો, ત્યારે જાણે એનું જીવન જ બદલાઈ ગયું. તારનો ઝણકાર એના હૃદયને સ્પર્શી ગયો. એને એવું લાગ્યું જાણે એ તંતુ વાદ્ય પોતાના માટે જ બન્યું છે અને પોતે એ તંતુ વાદ્ય માટે બની છે. એ વાદ્ય એટલે સરોદ. સિતાર જેવું સુમધુર તંતુવાદ્ય તે સરોદ.ગુજરાતી વિશ્ર્વકોશમાં જણાવ્યા અનુસાર, સિતાર અને સરોદ આ બંને વાદ્યો નખથી વગાડવામાં આવે છે, પરંતુ આ બંને વાદ્યોમાં તેમની રચનાની દૃષ્ટિએ મહત્ત્વનો તફાવત એ હોય છે કે સિતારમાં પડદા હોય છે જ્યારે સરોદમાં પડદાઓનો સદંતર અભાવ હોય છે. વાદ્યના પ્રથમ સ્પર્શ પછી સરોદ શીખવાની ઈચ્છા જાગી. સરોદવાદનનું શિક્ષણ અને તાલીમ તેણે મેહર સેનિયા ઘરાણાના મહાન સંગીતજ્ઞ પદ્મવિભૂષણ ઉસ્તાદ અલાઉદ્દીન ખાન અને તેમના પુત્ર વિખ્યાત સરોદવાદક ઉસ્તાદ અલી અકબરખાન પાસેથી લીધી. વિષ્ણુ દિગંબર સંગીત વિશ્ર્વવિદ્યાલયમાંથી ‘સંગીત વિશારદ’ની પરીક્ષા પાસ કરી. સાથે શાળા કોલેજનું શિક્ષણ મેળવ્યું. દિલ્હી યુનિવર્સિટીની ઇન્દ્રપ્રસ્થ કોલેજ ફોર વુમનમાંથી હિંદી અને અંગ્રેજી બન્ને વિષય સાથે એમ.એ. ની ડિગ્રી મેળવી.

કોલકાતાની અખિલ ભારતીય તાનસેન વિષ્ણુ દિગંબર પારિતોષિક સ્પર્ધામાં ૧૯૫૨માં પ્રથમ પુરસ્કાર પેટે ૧૧૦૦ રૂપિયા રોકડા અને સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યાં. પ્રથમ ‘અખિલ ભારતીય યુવક સમારોહ’માં દિલ્હી વિશ્ર્વ વિદ્યાલયનું પ્રતિનિધિત્વ કર્યું. વાદ્ય સંગીતનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત કર્યો. હિંદુસ્તાની વાદ્યસંગીતના વધુ અભ્યાસ માટે કેન્દ્રીય સંગીત નાટક અકાદમી તરફથી બે વર્ષની શિષ્યવૃત્તિ પ્રાપ્ત થઈ. દરમિયાન, ૧૯૬૦માં દિલ્હીના દિગંબર જૈન વ્યાપારી કુટુંબના કલાપ્રેમી, વિદ્વાન અને સમાજસેવક સુલ્તાનસિંહ બૈકલીવાલ સાથે લગ્નગ્રંથિથી જોડાઈ. લગ્ન પછી પણ સંગીત સફર સડસડાટ આગળ વધી. શરણ રાની યુનેસ્કો માટે સંગીત રેકોર્ડ કરનારી પહેલી સરોદવાદક હતી. અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સમાં મુખ્ય રેકોર્ડિંગ કંપનીઓ સાથે સંગીત રેકોર્ડિંગ કરનાર પ્રથમ વ્યક્તિઓમાંની એક હતી.

આ ગાળામાં પંદરમી સદીથી ઓગણીસમી સદી સુધીનાં દુર્લભ વાદ્યોનો સંગ્રહ કરવાનું પણ શરૂ કર્યું. કારણ હતું જોખમ સામે ઝઝૂમતી સંગીત પરંપરાઓનું સંરક્ષણ. શરણ રાનીના સંગ્રહના હિંદુસ્તાની અને કર્ણાટક વાદ્યયંત્રોને ચાર ભાગમાં વિભાજિત કરાયાં છે. ટાટા વાદ્ય-કોર્ડોફોન્સ, સુશીર વાદ્ય-એરોફોન્સ, ઘાના વાદ્ય-ઈડિયોફોન્સ અને અવનદ્ય વાદ્ય-મેમ્બ્રાનોફોન્સ. આ વાદ્યો વિભિન્ન રાજ્યો, ક્ષેત્રો અને ઘરાણાઓનું પ્રતિનિધિત્વ કરે છે અને વિભિન્ન કાળના છે. તેમાં ૧૮૦૦ની સાલનું ગુજરાતનું અનોખું સરોદ જેવું વાદ્ય, ૧૮૦૦ની સાલનું જ રાજસ્થાનનું અલંકારિક પેનલવાળું પિત્તળનું ડ્રમ ઉપરાંત ૧૮૨૫ની વીણા સહિતનાં વાદ્યોનો સમાવેશ થાય છે. કાશ્મીરથી મળેલું ૧૮૪૦નું ટાઈગર હેડ રબાબ- વાઘના મસ્તકવાળું એક અલંકૃત રબાબ- વાદ્ય પણ છે. રાજસ્થાનના શાહી પરિવાર પાસેથી મળેલી ૧૮૫૦ની મયૂરી સિતાર છે. તેમાં મોરની ગરદન અને હાથી દાંતની જડાઈ સાથે એક અસામાન્ય ડિઝાઈન છે., ૧૮૫૦નું દરબારી સિતાર અને ૧૮૫૦ની હાથી દાંતના પૂલવાલી સોનાનો ઢોળ ચડાવેલી કછુઆ-કાચબા સિતારનો સમાવેશ થાય છે.

કેટલીક અનોખી રીતે પણ આ સંગ્રહમાં વાદ્યનો ઉમેરો થયો છે. એક વાર શરણ રાની દિલ્હીથી પસાર થઈ રહેલી ત્યારે તેણે જોયું કે એક મેલો ઘેલો, ફાટેલાં વસ્ત્રો પહેરેલો યુવાન અસામાન્ય કહેવાય તેવા વાદ્ય યંત્રની લય પર જોરજોરથી ગાઈ રહેલો અને ભીખ માગી રહેલો. શરણ રાનીએ ગાડી રોકીને ભિખારીને પોતાની સાથે ઘેર લઇ ગઈ. એને જમાડ્યો અને નવાં કપડાં આપ્યાં. પેલા વાદ્ય-ઉપકરણ અંગે જાણવા માટે શરણ રાની કાંઈ પૂછે એ પહેલાં ભિખારીએ બસ્સો રૂપિયામાં એ વેચી દીધું. એ સાથે એક બેનમૂન વાદ્ય શરણ રાનીના સંગ્રહમાં ઉમેરાઈ ગયું. બીજી એક વાર શરણ રાની ગર્ભવતી હતી ત્યારે શ્રીનગરમાં માંચડા પર રહેતા ભિક્ષુકનું કાશ્મીરી સાજ જોવા માટે વાંસની સીડી પર ચડી ગયેલી. એ વાદ્ય પણ એના સંગ્રહનું ઘરેણું બની ગયું. ભારતનાં વડાં પ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ આ સંગ્રહને રાષ્ટ્રીય મહત્ત્વના દુર્લભ સંગીત વાદ્યયંત્રોનો ‘સંગ્રહ’ કહેલો.

શરણ રાની આકાશવાણીની ‘એ’ શ્રેણીની કલાકાર રહી. ૧૯૬૦માં સાંસ્કૃતિક શિષ્ટ મંડળના સભ્ય તરીકે નેપાળ અને પછી મોંગોલિયા અને સોવિયેત રશિયાનો પ્રવાસ કર્યો. ૧૯૬૧માં અમેરિકા. ઓસ્ટ્રેલિયા, ફિજી દ્વીપ, ફ્રાન્સ, બ્રિટન અને સ્વિત્ઝરલેન્ડનો વ્યાપક પ્રવાસ ખેડી સરોદવાદનના અડતાળીસ જેટલા કાર્યક્રમો કર્યા. તેણે પહેલી વાર ભારતીય અને ફારસી સંગીતની જુગલબંધીનો પ્રયાસ કર્યો. સંગીતને સમર્પિત શરણ રાનીએ સરોદ વાદન અને સંગીત કળા ઉપર ‘ડિવાઈન સરોદ’ નામના પુસ્તકની ૧૯૯૨માં રચના કરી. ૧૯૬૮માં ભારત સરકાર દ્વારા ‘પદ્મશ્રી’નું સન્માન મેળવનાર તે પ્રથમ મહિલા વાદ્યકાર બની. ૧૯૮૦માં શરણ રાનીએ વાદ્ય સંગ્રહમાંથી ૩૭૯ ઉત્તમ વાદ્યો રાષ્ટ્રીય સંગ્રહાલય, નવી દિલ્હીને ભેટમાં અર્પણ કર્યાં. તે આજે સંગીત વાદ્યોની ‘શરણ રાની બૈકલીવાલ ગેલેરી’ તરીકે ઓળખાય છે. ભારતના ટપાલ ખાતાએ આ સંગ્રહમાંથી સરોદ, રુદ્રવીણા, પખવાજ અને વાંસળીની ટિકિટો બહાર પાડી છે.

શરણ રાનીને કો’કે એક વાર કહેલું કે, ‘સ્ત્રીઓએ સરોદ નહીં, પણ સિતાર વગાડવી જોઈએ.’ શરણે પ્રત્યુત્તરમાં કહેલું કે, ‘તમે એકને પ્રેમ કરો ને બીજા સાથે લગ્ન કરો, એવું કેવી રીતે બને ?’ આવી હાજરજવાબી શરણ રાનીએ ૮ એપ્રિલ ૨૦૦૮ના જીવનલીલા સંકેલી લીધી. એ વખતે પૃથ્વીરાજ કપૂરે શરણ રાનીના સંગીતને અંજલિ આપતાં કહેલા શબ્દોનું સ્મરણ થવું સ્વાભાવિક હતું : શરણ રાનીનું વાદન સાંભળીને મને એવું લાગ્યું જાણે મા સરસ્વતીએ પોતાની વીણા છોડીને સરોદને પોતાના ખોળામાં બેસાડી દીધી છે !’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button