લાડકી

સિત્તેર ટકાનું સેલ વાહ ભાઈ વાહ!

લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી

‘શહેરમાં ઠેર ઠેર રક્ષાબંધન સેલનાં મોટાં મોટાં પોસ્ટર જોઈને જેના મોમાં લાળ ના પડે, એ સાચી ગૃહિણી નથી!’ એમ વારંવાર કહી કહીને મારી સુધાબહેન અમારા આખાય મહોલ્લાની બહેનોને પહેલાં તો પતિદેવના ખિસ્સામાંથી કઈ રીતે પૈસા કઢાવવા તેની ટેકનિક શીખવે છે. પછી ઝડપથી એક સેલપ્રિયા બહેનોનું વ્હોટ્સ એપ ગ્રૂપ બનાવે છે. જેને ’ ‘શોપિંગ પ્રિયા’ એવું નામ આપે છે. પછી શહેરમાં સિત્તેર ટકા સેલવાળા સ્ટોર્સ, પચાસથી સાઠ ટકા સેલવાળા સ્ટોર્સ કેટલા? એનાં ઍડ્રેસ, ત્યાં પહોંચવા માટે શું શું કરી શકાય અને ધક્કામુક્કી થાય તો કઈ કઈ બહેનો બાઉન્સર (લેડી ઍથ્લીટ) તરીકે કામ કરશે અને કઈ કઈ બહેનો, ચપળ માનુનીઓ સાડી કે કુરતી સેટ લેતી વખતે કોઈ ડેમેજ પીસ તો ભૂલમાં દુકાનદાર પધરાવતો નથી ને? તેનું ધ્યાન રાખશે. કઈ કઈ બહેનો પેમેન્ટ કરતી વખતે દુકાનદાર કોઈ ગફલો તો નથી કરતો ને? એનું ધ્યાન રાખવા પેમેન્ટ સુરક્ષા બોર્ડર ઉપર કઈ કઈ કોમર્સ ગ્રેજ્યુએટ બહેનો એની નાણાકીય બુદ્ધિનો લાભ આપશે એ પણ વ્હોટ્સ એપ ગ્રૂપ પર લખીને એક આખી શોપિંગ ફોજ ઊભી કરી દે છે. (સુભાષચંદ્ર બોઝે બહેનોની ફોજ બનાવેલી. પણ એમણે પણ કદાચ આટલી તકેદારી રાખી હશે કે કેમ?) સુધાબહેને વ્હોટ્સ એપ ઉપર જે સૂચનો લખ્યાં, એ આ પ્રમાણેનાં હતાં. જેમકે

‘મળસકે રસોઈ કરીને ડાઇનિંગ ટેબલ સજાવીને, ઝડપથી ફરજ પૂરી કરી દેવી અને આગલી રાતે જ પતિદેવ તેમજ ઘરનાને પોતે વર્ષોથી કેટકેટલાં બલિદાનો આપ્યાં છે, એ જાહેર કરીને (યાદ કરાવી કરાવી) એમનાં હૃદયમાં કઈ રીતે આર્દ્રતા અને સહાનુભૂતિની લહેર ઊભી કરવી’ એ સૂચનો વ્હોટ્સ એપ ઉપર સુધાબહેને શોપિંગના બે દિવસ પહેલાં મૂકી દીધાં. ‘બે દિવસ પહેલાં જ પતિદેવ પાસેથી પૈસા લઈ લેવા. જેથી છેલ્લી ઘડીએ ‘બેન્કમાં જવાયું નથી’ એવાં બહાનાં પતિદેવ કાઢી ન શકે અને બની શકે તો ક્રેડિટ કે ગૂગલ- પે વાળું પણ સાથે રાખવું.’ (ન આવડતું હોય તો શીખી લેવું.)

ઘરની બહેનો પોતાના પતિદેવને મીઠાં વચન અને સ્વાદિષ્ટ ભોજન ખવડાવતી થાય એટલે સ્વાભાવિક છે કે ભાઈઓના પેટમાં ફાળ પડવી શરૂ થાય. સુધાબહેને તો સવારથી બ્રેડ પર બટર ચોપડતાં ચોપડતાં મહેશભાઈને પણ ઍકસ્ટ્રા બટર ચોપડવાનું શરૂ કર્યું.

‘સાંભળો છો? હું તમને કહું છું.’ મહેશભાઈએ છાપામાંથી મોં બહાર કાઢી કહ્યું ‘સવાર સવારમાં છાપું વાંચતી વેળા મને હેરાન કરવો નહીં’ થોડીવારે મહેશભાઈએ બ્રેડ-બટર ને ચાનો નાસ્તો કરવાની શરૂઆત કરી, ને ત્યાં જ સુધાબહેને ફરી કહ્યું, ‘હું કહું છું કે રક્ષાબંધનનું સેલ આવ્યું છે અને તે પણ પચાસથી સિત્તેર ટકા જેટલું! આ વર્ષે તો બમ્પર સેલ છે.’ મહેશભાઈએ ચાનો સડાકો મારતાં કહ્યું, ‘એક કામ કર. તું પણ હોલસેલમાં સાડીઓ લાવીને સેલ કાઢ. આખા વર્ષનું કરિયાણું નીકળી જશે. ઘર ચલાવવામાં થોડી મદદ પણ થશે. અને હા, તને મદદ કરવા માટે ઘરની વહુ-દીકરીઓ અને મહોલ્લામાં તારું નવરું ધૂપ સખીમંડળ પણ છે. તે કયા દિવસે કામ આવવાનું?! ’

‘જુઓ, હું તો હમણાં સાડી વેચવાનો ધંધો શરૂ કરી દઉં, પણ એક બેન્ક મેનેજરની પત્ની આવું નિમ્ન કક્ષાનું કામ કરે, તે તમને જ નહીં ગમે. આખરે આપણા ખાનદાનની ઇજ્જતનો સવાલ છે! અને હા, યાદ આવ્યું. તમારી બહેનો પણ રાખડી બાંધવા આવશે. એમને પણ સાડીઓ આપવી પડશે ને? તમે દસેક હજાર આપી રાખો. હું સેલમાંથી એવી સરસ સાડી લાવીશ, કે તમારી બહેનો ખુશ થઈ જશે અને પચાસ ટકાના સેલને કારણે, અડધી કિંમતમાં જ સાડી આવી જશે.’

સુધા, તારી ભદ્ર ભાવનાથી હું ઘણો પ્રભાવિત થયો છું. પણ તને ખબર નથી તો કહી દઉં કે ગઈકાલે મારી ત્રણેય બહેનનો ફોન હતો કે, ‘આ વખતે ભાઈ, તમે ભાભીને કહેજો કે અમારે માટે સાડી લાવે નહીં, કારણ કે સાડીનાં પોટલાં એટલાં બધા વધી ગયાં છે કે માળિયા ઉપર પણ એ મૂકવાની જગ્યા નથી! અને હા, ભાભીને ગમે એવી સાડી અમે જ એમનાં માટે લેતા આવીશું એટલે સુધા, હવે ડિસ્કાઉન્ટના પાટિયા તરફ જોવાનું બંધ કર. અને દસ હજારનો તો સીધો છેદ જ ઊડી જાય છે. સમજી ને?’

સુધાબહેન વિચારવા લાગ્યાં કે, મોટા ઉપાડે વ્હોટ્સ એપ ગ્રૂપ બનાવીને બેઠી! હવે કાલે સવારે બધી બહેનપણી કૂથલી કરશે, એનું શું? (હાથે કરેલાં હૈયે વાગ્યાં! સુધા, હવે કંઈક નવું વિચાર.) શોપિંગમાં જવાની પતિદેવે ના કહી છે, એવું કહેવામાં તો નાક કપાઈ જાય! ના… ના… એ તો નહીં જ બને. મોટા ઉપાડે શોપિંગ કરવા માટે બધી સખીઓને તૈયાર કરી. પતિ પાસે પૈસા કઈ રીતે કઢાવવા તે શીખવ્યું અને હવે ગુરુમંત્ર આપનાર ગુરુ જ હારી જાય, એ કઈ રીતે ચાલે?

બીજા દિવસે પતિદેવ ઑફિસ તરફ
જવા રવાના થયા કે સુધાબહેને મોબાઇલ વ્હોટ્સ એપ ઉપર મેસેજ મૂક્યો:
‘દરેક સખીઓ ગલીના નાકે ભેગાં થાવ. દસ મિનિટમાં દરેક જણા પહોંચી જવા જોઈએ.’

દસ મિનિટથી વીસ મિનિટ પસાર થઈ ગઈ. પણ કોઈ આવ્યું નહીં. છેવટે રમા આવીને બોલી : સિત્તેર ટકાનાં સેલમાંથી ગઈકાલે મારી કામવાળી સાડી લઈ આવી હતી. પણ ખોલીને જોઈ, તો એક જગ્યાએથી સાડી ફસકાઈ ગઈ હતી. એ વળતી ટેક્સીમાં સાડી બદલવા ગઈ. તો દુકાનદારે કહ્યું કે અમે વેચેલી સાડી પાછી લેતા નથી. ખૂબ રકઝક કરી. પણ દુકાનદાર એકનો બે ના થયો. આ વાત આખા મહોલ્લામાં પ્રસરી ગઈ છે. દરેક સખીના પતિદેવે સેલમાંથી ખરીદી કરવાની ચોખ્ખી ના કહી દીધી છે. અને સીમાભાભીના હસબન્ડે તો વ્હોટ્સ એપ ગ્રૂપની બધી વાત પણ જાણી લીધી અને પૂછ્યું કે, કોણ છે એ સુધા? જે બધી બહેનોને બગાડવાનું કામ કરે છે?’

હવે સુધાની ઇજ્જત પર સીધો ઘા પડ્યો અને તરત ઇજ્જત ફરી ઊભી કરવા વ્હોટ્સ એપ ઉપર લખી નાખ્યું: ‘બહેનો, એક કામવાળી, ગરીબડી, બિચારી મંજુને ઇન્સાફ અપાવીને જ જંપીશું. બધી બહેનો આવા મક્કાર અને ધોખેબાજ દુકાનદારને પાઠ ભણાવવા સીધા દુકાને આવી જાવ. આજે મંજુ છેતરાઈ છે. કાલે સુધા, ને પરમ દિવસે એ બીજી કોઈ રમા કે મીનાને છેતરશે.’

આહ્વાન વાંચીને ઘણી બધી બહેનો ગલીને નાકે આવી પહોંચી. (સુધાબહેનની ઇજ્જતનો સવાલ છે!) આખરે મોરચો દુકાને પહોંચ્યો. દુકાનદાર સુધાબહેન કરતાં વધારે જમાનાનો ખાધેલ હતો. ‘બેની લડાઈમાં ત્રીજો ફાવે’ એમ દુકાનદારે સુધાબહેનને ઑફિસમાં બોલાવી, કામવાળી વત્તા સુધાબહેનને ખાનગીમાં બબ્બે બબ્બે સાડી પાછલે બારણેથી સરકાવી દીધી અને સેલનું પાટિયું ઊતરતું અટકાવ્યું. બીજાની રક્ષાબંધન કેવી ગઈ એ રિપોર્ટ હજી વ્હોટ્સ એપ ઉપર આવ્યો નથી. પણ સુધાબહેનની ઇજ્જત તો બચી, અને એમનાં નામનો જય જયકાર
આખા મહોલ્લામાં થઈ ગયો! પતિદેવ સામે કોલર પણ ઊંચા થઈ ગયા એ નફામાં!

Show More

Related Articles

Back to top button
આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન… આ બીજ ખાઇને તમારો બ્રેઇન પાવર વધારો