લાડકી

કૉંગ્રેસ અધિવેશનનાં અધ્યક્ષ પદ માટે મારું નામ પસંદ કરવામાં આવ્યું


કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય

(ભાગ: 3)
નામ: અરૂણા આસફ અલી
સમય: 1994
સ્થળ: દિલ્હી
ઉંમર: 86 વર્ષ
અમારા લગ્નની પહેલાં 9 ઓગસ્ટ, 1925 ના રોજ એક ટ્રેનની સશસ્ત્ર લૂંટ થઈ. આ લૂંટ ટ્રેનના અંતિમ મુકામ લખનૌના ઉત્તર-પશ્ર્ચિમમાં લગભગ 10 માઈલ (16 કિમી) દૂર કાકોરી શહેરમાં થઈ હતી. હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન (ઇંછઅ), સશસ્ત્ર બળવો સહિત ક્રાંતિ દ્વારા ભારતને બ્રિટિશ શાસનમાંથી મુક્ત કરવા માટે સમર્પિત એક જહાલવાદી સંગઠનના સભ્યોએ આ લૂંટ કરી. હુમલાના એક મહિનાની અંદર, બે ડઝનથી વધુ ઇંછઅ સભ્યોની કાવતરું ઘડવા અને કૃત્ય આચરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. વધુ ધરપકડો થઈ, અને કુલ મળીને લગભગ 40 લોકોને પકડવામાં આવ્યા. ટ્રાયલ લગભગ 18 મહિના સુધી ચાલુ રહી, આખરી ચુકાદો 6 એપ્રિલ, 1927ના રોજ સંભળાવવામાં આવ્યો હતો.બાકીના મોટાભાગના પ્રતિવાદીઓને 14 વર્ષ સુધીની જેલની સજા આપવામાં આવી હતી. આ કેસ આસફ અલી લડ્યા. હું રોજ એમના સમાચારો વાંચતી… ત્યારે કલ્પના નહોતી કે હું આ માણસને મારા જીવનસાથી તરીકે પસંદ કરીશ અથવા એ મને એમના જીવનસાથી તરીકે સ્વીકારશે.

20 વર્ષ મોટા મુસ્લિમ સાથે લગ્ન કર્યાં… માતા-પિતા સાથેનો સંબંધ તૂટી ગયો. એમના સિવાય પણ અનેક સગાં અને મિત્રોએ મને કહ્યું કે હું ભૂલ કરું છું. મારું હૃદય મને કહેતું હતું કે, આસફ અલી જ મારા જીવનસાથી છે. હું એમના વગર નહીં જીવી શકું, એવું મને લાગવા માંડ્યું હતું. આસફે પણ મને સમજાવી હતી. અમારી વચ્ચેના ઉંમરના તફાવતને લઈને એ પણ ચિંતિત હતા. એમને લાગતું હતું કે, હું પરિપક્વ નથી. મારો નિર્ણય, આકર્ષણ અને અણસમજભર્યો છે. જોકે, વર્ષો ગયા એ પછી એમણે સ્વીકાર્યું કે, મેં સમજી-વિચારીને પૂરી જવાબદારી સાથે આ લગ્નનો નિર્ણય કર્યો હતો.

અમારા લગ્નમાં રોમાન્સ ઓછો હતો, એવું કહું તો ચાલે કારણ કે, અમે બંને જણાં સતત સ્વાતંત્ર્ય સંગ્રામની લડતને કારણે જુદાં જુદાં શહેરોમાં પ્રવાસ કરતાં રહેતા. ક્યારેક કૉંગ્રેસની મીટિંગ તો ક્યારેક કેસ માટે આસફ પણ દિલ્હીની બહાર ઘણું રહેતા તેમ છતાં, અમે જેટલો સમય સાથે વિતાવ્યો એ ખૂબ અદભુત અને સ્નેહાળ સમય છે. મારી પાસે એમની ખૂબ સુખદ સ્મૃતિઓ છે.

8 ઓગસ્ટ, 1942. અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિએ મુંબઈ અધિવેશનમાં ‘ભારત છોડો’નો પ્રસ્તાવ પસાર કર્યો. આ એક આંદોલન હતું જેનું લક્ષ્ય ભારતમાંથી બ્રિટિશ સામ્રાજ્યને સંપૂર્ણપણે ખતમ કરવાનું હતું. આ ચળવળની શરૂઆત મહાત્મા ગાંધીએ અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિના મુંબઈ અધિવેશનમાં કરી હતી. ભારતને આઝાદ કરવા માટે તે બ્રિટિશ શાસન સામે સવિનય આજ્ઞાભંગની ચળવળ હતી. મુંબઈ અધિવેશનમાં ગાંધીજીએ જેવો આ પ્રસ્તાવ જાહેર કર્યો એ પછી કૉંગ્રેસના બધા મોટા નેતાઓની ધરપકડ કરી લેવામાં આવી. હવે કૉંગ્રેસ અધિવેશનનું અધ્યક્ષ પદ કોણ સંભાળે એવો પ્રશ્ન ઊભો થયો. મારી અસમંજસ અને સુખદ આશ્ર્ચર્ય સાથે અધ્યક્ષ તરીકે મારું નામ પસંદ કરવામાં આવ્યું. મુંબઈના ગોવાલિયા ટેન્ક વિસ્તારમાં કૉંગ્રેસ પક્ષનો ઝંડો મેં લહેરાવ્યો અને આંદોલનની વિધિવત શરૂઆત કરી. એ સમયે એક પણ મોટા નેતાના પ્રત્યક્ષ નેતૃત્વનો લાભ અમને મળતો નહોતો તેમ છતાં, હવે ભારતીય યુવા જાગી ગયો હતો અને એને પણ આઝાદીની એટલી જ ઝંખના હતી. નાની મોટી તોડફોડ અને ધરપકડના કિસ્સા બન્યા, પરંતુ આઝાદી મેળવવાની ઈચ્છા એટલી તીવ્ર હતી કે, હવે કોઈને ધરપકડ કે અંગ્રેજ સરકારની જેલનો ડર નહોતો રહ્યો.

એ ગાળામાં ઉષા મહેતા સાથે મળીને મેં રેડિયો પણ ચલાવ્યો. જેમાં અમે સૌ ગાંધીજી અને એની સાથે જોડાયેલા તમામ સમાચારો રજૂ કરતા. કેટલાક મહત્ત્વના મુદ્દાની ચર્ચા કરતા. એ જ ગાળામાં ડો. રામમનોહર લોહિયાએ કૉંગ્રેસની માસિક પત્રિકા ‘ઈન્કલાબ’નું કામ મને સોંપ્યું. આ બધું કામ સંપૂર્ણપણે જવાબદારીથી સંભાળીને મેં મહાત્માજીની શાબાશી મેળવી. એ સમયમાં આ બધું કામ કોઈ સંભાળી શકે એમ નથી એવું લાગતા સૌએ મને ગુપ્તવાસમાં રહીને આ કામ કરવાની સલાહ આપી. 1942ના અંતમાં હું ભૂગર્ભવાસમાં ચાલી ગઈ. એ સમયે મારી શોધ એટલી ભયાનક રીતે કરવામાં આવતી હતી કે કેટલાય લોકોના ઘરમાં ઘૂસીને અંગ્રેજ સરકાર મને શોધતી હતી. મહાત્માજીએ મને સંદેશો મોકલ્યો કે, મારે સરેન્ડર કરી દેવું જોઈએ, પરંતુ મારા પતિ આસફ અલીએ મને સરેન્ડર કરવાની ના પાડી. અંગ્રેજ સરકારે મારા ઉપર પાંચ હજાર રૂપિયાનું ઈનામ જાહેર કર્યું. મહાત્માજીએ મને પત્ર લખ્યો કે, મારે સરેન્ડર કરીને એ પાંચ હજાર રૂપિયા હરીજન કલ્યાણ માટે વાપરવા જોઈએ, પરંતુ મેં સ્પષ્ટપણે ના પાડી, જેનાથી મહાત્માજી નારાજ થયા.

1942થી શરૂ કરીને 1946 સુધીનો સમય મારા ભૂગર્ભવાસનો સમય હતો. આ સમય દરમિયાન આસફ અલીએ મને ઘણો સાથ આપ્યો. છુપાવવાનાં સ્થળો, એક સ્થળેથી બીજે સ્થળે જવા માટેની વ્યવસ્થાથી શરૂ કરીને મારા આગોતરા જામીન સુધીની વ્યવસ્થા સાથે એ સતત તૈયાર રહેતા. જયપ્રકાશ નારાયણ એમને વારંવાર મદદ કરતા.

2 સપ્ટેમ્બર, 1946ના દિવસે જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં બનેલી ભારત સરકારના રેલવે અને પરિવહનના પ્રભારી તરીકે આસફ અલીએ જવાબદારી સંભાળી ત્યારે 1946માં જ્યારે મારા ગિરફ્તારીના વોરંટને પાછું ખેંચવામાં આવ્યું ત્યારે મેં ફરી એકવાર જાહેર જીવનમાં પ્રવેશ કર્યો. જોકે, ‘42થી ‘46 દરમિયાન મને ઘણું બધું સમજાયું હતું. જેમને આપણે પોતાના ગણીએ છીએ એ કેટલીકવાર આપણને કઈ રીતે દગો કરી શકે એનો અનુભવ મને આ ભૂગર્ભવાસ દરમિયાન થયો. જોકે, હું હારી નહોતી. જાહેર જીવનમાં પાછા ફર્યા પછી મેં કૉંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો.

આ ભયાનક ક્રાંતિકારી અને લોકોની નજરમાં કૉંગ્રેસને હચમચાવી મૂકનારો નિર્ણય હતો. ‘46થી ‘48ની વચ્ચેના સમયમાં ભારત આઝાદ થયું. કૉંગ્રેસે પોતાની સરકાર રચી અને દેશની બાગડોર સંભાળી. મહાત્માજીના અવસાન પછી કૉંગ્રેસની સ્થિતિ ડામાડોળ થઈ ગઈ. જે લોકોને સ્વતંત્રતાના સંગ્રામ સાથે કોઈ નિસ્બત નહોતી એવા લોકો મંત્રીપદ પામ્યા. ભારતની આઝાદીનો મૂળ વિચાર ખોવાઈ ગયો અને કૉંગ્રેસના મૂળ ધ્યેય પણ ભૂલાવા લાગ્યા ત્યારે મેં પક્ષ છોડી દીધો.

1947ના ફેબ્રુઆરી મહિનામાં આસફ અલીને અમેરિકાના પહેલા ભારતીય રાજદૂત બનાવીને મોકલવામાં આવ્યા. હું પણ સાથે ગઈ. એ સમય દરમિયાન રાજકારણમાંથી થોડો સમય દૂર રહેવાનું મેં નક્કી કર્યું હતું. 1946 પછી મને સમજાયું હતું કે, ભારતીય રાજકારણ હવે ખોટી દિશામાં આગળ વધી રહ્યું છે. 1948માં હું સમાજવાદી પક્ષ સાથે જોડાઈ. ત્યાં પણ એવો કોઈ આનંદદાયક કે પ્રોત્સાહન અનુભવ મળ્યો નહીં. 1949 સુધી હું ભારત અને અમેરિકા વચ્ચે અવરજવર કરતી રહી, પરંતુ ભારતની બગડતી સ્થિતિ અને ગૂંચવાતા જતા રાજકારણમાં મારો અવાજ દબાઈ ગયો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button