લાડકી

ઓલિમ્પિક બેડમિન્ટનમાં ચંદ્રક મેળવનાર પ્રથમ ભારતીય મહિલા સાયના નેહવાલ

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી

બેડમિન્ટન ટૂર્નામેન્ટના પાંચ પ્રતિષ્ઠિત ખેલ છે : ઓલિમ્પિક, વિશ્ર્વ ચેમ્પિયનશિપ, કોમનવેલ્થ ગેમ્સ, એશિયાઈ ચેમ્પિયનશિપ અને એશિયાઈ ખેલો…. આ પાંચેય પ્રકારના ખેલમાં ‘બેડમિન્ટન ગર્લ’ તરીકે ઓળખાતી ભારતીય ખેલાડીએ ચંદ્રક મેળવવાની દુર્લભ સિદ્ધિ હાંસલ કરી છે. કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણચંદ્રક વિજેતા બનેલી એ પ્રથમ ભારતીય ખેલાડી છે અને ઓલિમ્પિક બેડમિન્ટનમાં ચંદ્રક મેળવનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી પણ એ જ છે… ઓળખાણ પડી?

સાયના નેહવાલને મળો… ભારતીય બેડમિન્ટન મહિલા ખેલાડી. ભારતની બેડમિન્ટન ગર્લ વર્ષ ૨૦૧૨માં લંડન ઓલિમ્પિકમાં બેડમિન્ટનમાં કાંસ્યચંદ્રક વિજેતા. ઓલિમ્પિકમાં ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી….! આંતરરાષ્ટ્રીય સ્તરે બેડમિન્ટનમાં ભારતને વિશ્ર્વમાં ઓળખ અપાવનાર શાનદાર સાયના નેહવાલને આ સિદ્ધિ હાંસલ કરવા બદલ ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૦૯માં અર્જુન પુરસ્કારથી સન્માનિત કરાયેલી. રમતગમત જગતના સૌથી મોટા સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન એવૉર્ડથી સાયનાને વર્ષ ૨૦૧૦માં પુરસ્કૃત કરાયેલી. રમતગમત ક્ષેત્રે કરેલા ઉત્કૃષ્ટ યોગદાન બદલ બેડમિન્ટન ગર્લ સાયનાને ૨૦૧૦ના વર્ષમાં ભારત સરકાર તરફથી દેશના ચોથા સૌથી સર્વોચ્ચ સન્માન પદ્મશ્રીથી પુરસ્કૃત કરવામાં આવેલી. વર્ષ ૨૦૧૬માં દેશના ત્રીજા સર્વોચ્ચ સન્માન પદ્મભૂષણથી એને પુરસ્કૃત કરાયેલી.

નાનો પણ રાઈનો દાણો છે સાયના. નાની ઉંમરે સાયના નેહવાલે મોટા વિક્રમ સર્જ્યા. વર્ષ ૨૦૦૩માં જુનિયર સીજેક ઓપન ટૂર્નામેન્ટમાં પહેલી જીત મળી એને. વર્ષ ૨૦૦૪માં કોમનવેલ્થ યુથ ગેમ્સમાં બીજા ક્રમાંકે રહી. વર્ષ ૨૦૦૫માં એશિયન સેટેલાઈટ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં જીત મેળવી. વર્ષ ૨૦૦૬માં જીતનું પુનરાવર્તન. આ જ વર્ષમાં ફોર સ્ટાર ટૂર્નામેન્ટ ફિલિપાઈન્સ ઓપનમાં ભાગ લઈને સોળ વર્ષની કુમળી વયે વિજેતા બની. આ પ્રકારે ખિતાબ જીતનારી ભારતની જ નહીં, એશિયાની પણ પ્રથમ ખેલાડી બની.

પ્રથમની પરંપરા જળવાઈ રહી. વર્ષ ૨૦૦૮માં સાયના નેહવાલ વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બની. આ જ વર્ષમાં સાયના ચાઇનીઝ ટેપી ઓપન ગ્રાન્ડ પ્રિક્સ ગોલ્ડ, ઇન્ડિયન નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ અને કોમનવેલ્થ યુથ ગેમ્સમાં વિજેતા બની. આ જ વર્ષે, ૨૦૦૮માં સાયનાને સૌથી હોનહાર ખેલાડી ઘોષિત કરાઈ. એ પછીના વર્ષે ૨૦૦૯માં, સાયના નેહવાલ વિશ્ર્વની સૌથી મોટી બેડમિન્ટન પ્રતિયોગિતા ઈન્ડોનેશિયાઈ ઓપનમાં ચીનની લિન વાંગને પરાજિત કરીને, ૨૧ જૂન ૨૦૦૯ના રોજ પહેલી ભારતીય વિજેતા ખેલાડી બની. વર્ષ ૨૦૦૯માં સાયના બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનમાં રેન્કિંગમાં બીજા ક્રમાંકે રહી. બીજા વર્ષે ૨૦૧૦માં ભારતમાં આયોજિત દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં સાયના નેહવાલ મલેશિયાની ખેલાડી મુ ચુ વોંગને હરાવીને સુવર્ણચંદ્રક જીતનાર ભારતની પ્રથમ મહિલા ખેલાડી બની. ઇન્ડિયા ઓપન ગ્રાન્ડ પ્રિક્સ ગોલ્ડ, સિંગાપુર ઓપન સુપર સિરીઝ, ઇન્ડોનેશિયા ઓપન સુપર સિરીઝ અને હોંગકોંગ સુપર સિરીઝમાં વિજેતા બની.

જીતનો સિલસિલો આગળ વધ્યો. સાયના નેહવાલે વર્ષ ૨૦૧૧માં સ્વિસ ઓપન ગ્રાન્ડ પ્રિક્સ ગોલ્ડમાં વિજય પ્રાપ્ત કર્યો. મલેશિયા ઓપન ગ્રાન્ડ પ્રિક્સ ગોલ્ડ, ઇન્ડોનેશિયા ઓપન સુપર સિરીઝ પ્રીમિયર અને બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન-બીડબ્લ્યુએફ સુપર સિરીઝ માસ્ટર ફાઈનલ્સમાં બીજા ક્રમે રહી. વર્ષ ૨૦૧૨માં સ્વિસ ઓપન ગ્રાન્ડ પ્રિક્સ ગોલ્ડ, થાઈલેન્ડ ઓપન ગ્રાન્ડ પ્રિક્સ ગોલ્ડ અને ઇન્ડોનેશિયા ઓપન સુપર સિરીઝમાં સાયના વિજેતા બની. ઈન્ડોનેશિયાઈ ઓપનનું ટાઈટલ સાયનાને ત્રીજી વાર મળેલું. આ જ વર્ષે લંડન ખાતે યોજાયેલી ઓલિમ્પિકમાં સાયના કાંસ્યચંદ્રક વિજેતા બની.

ઓલિમ્પિક બેડમિન્ટનમાં ચંદ્રક મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી બની સાયના. સાયના પર પુરસ્કારોનો વરસાદ વરસ્યો. હરિયાણા સરકાર તરફથી એક કરોડ રૂપિયા, રાજસ્થાન સરકાર દ્વારા પચાસ લાખ રૂપિયા, આંધ્ર પ્રદેશ સરકાર તરફથી પચાસ લાખ રૂપિયા અને બેડમિન્ટન એસોસિયેશન ઓફ ઇન્ડિયા તરફથી દસ લાખ રૂપિયા… મંગલાયતન યુનિવર્સિટીએ સાયનાને ડોકટરેટની પદવીથી સન્માનિત કરી.

ઇનામઅકરામોથી પુરસ્કૃત થયા પછી સાયનાએ બમણા ઝનૂનથી રમવાનું જારી રાખ્યું. વર્ષ ૨૦૧૪માં ૨૬ જાન્યુઆરીએ ભારતની જ વર્લ્ડ ચેમ્પિયન પી.વી. સિંધુને ઇન્ડિયા ઓપન ગ્રાન્ડ પ્રિક્સ ગોલ્ડ ટૂર્નામેન્ટમાં પરાજિત કરીને સાયના મહિલા એકલમાં વિજેતા બની. આ જ વર્ષે ચાઈના ઓપન સુપર સિરીઝ પ્રીમિયરમાં વિજેતા બનનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની. વર્ષ ૨૦૧૫માં સાયનાએ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવીને વધુ એક ઈતિહાસ રચેલો. જોકે ફાઈનલમાં તે ચોક્કસપણે સ્પેનની કેરોલિના મારિન સામે હારી ગઈ હતી પરંતુ તેનો રજતચંદ્રક પણ ઈતિહાસ રચવા માટે પૂરતો હતો. આ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનારી તે પ્રથમ મહિલા ખેલાડી હતી. વર્ષ ૨૦૧૫માં તે મહિલા
સિંગલ્સમાં વિશ્ર્વની નંબર વન બનેલી અને આવું ગૌરવ પ્રાપ્ત કરનાર સાયના ભારતની પ્રથમ મહિલા ખેલાડી બનેલી. સાયના પહેલાં માત્ર પ્રકાશ પાદુકોણ જ મેન્સ સિંગલ્સમાં
નંબર વન બની શકેલા. સાયના નેહવાલે વર્ષ ૨૦૧૭માં ઇન્ટરનેશનલ બેડમિન્ટન ફેડરેશન દ્વારા આયોજિત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કાંસ્યચંદ્રક જીતેલો. વર્ષ ૨૦૧૮માં એશિયાઈ ખેલોમાં સાયનાએ એશિયાઈ બેડમિન્ટન ચંદ્રક જીતેલો. કોમનવેલ્થ ગેમ્સમાં સિંગલ્સ અને મિક્સ્ડ ડબલ્સમાં સુવર્ણચંદ્રક જીતેલો….

સાયનાનો જન્મ ઉત્તર ભારતના હરિયાણા રાજ્યમાં આવેલા હિસાર ખાતે ૧૭ માર્ચ ૧૯૯૦ના દિવસે થયેલો. માતા ઉષા રાની રાજ્યકક્ષાની બેડમિન્ટન ખેલાડી રહી ચૂકેલી. પિતા હરવીર સિંહ હરિયાણાના કૃષિ વિશ્ર્વ વિદ્યાલયમાં કામ કરતા. પિતાની વારંવાર બદલીઓ થવાને કારણે એણે ઘણી શાળાઓ બદલવી પડી. માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ હૈદરાબાદમાં. ઉષા રાનીની બેડમિન્ટનની પ્રતિભા સાયનાને વારસામાં મળેલી. સાયના આઠ વર્ષની હતી ત્યારે જ હરવીર સિંહે લાડકી દીકરીને બેડમિન્ટન શીખવવાનો સંકલ્પ કરેલો. એ સાયનાને હૈદરાબાદના લાલ બહાદુર સ્ટેડિયમ લઈ ગયા. પ્રશિક્ષક નાની પ્રસાદના માર્ગદર્શન હેઠળ બેડમિન્ટન શીખવા લાગી.

ઉષા રાની અને હરવીર સિંહ સાયનાને બેડમિન્ટનમાં નિષ્ણાત બનાવવા માંગતા હતાં. સાયનાને સારામાં સારું પ્રશિક્ષણ મળે એ માટે એમણે પોતાની જમા પૂંજીની પાઈ પાઈ ખર્ચી નાખી. સાયના જ્યાં બેડમિન્ટનની પ્રેક્ટિસ કરતી એ સ્ટેડિયમ ઘરથી પચ્ચીસ કિલોમીટર દૂર આવેલું. હરવીર સિંહ રોજ મળસ્કે ચાર વાગ્યે સાયનાને સ્કૂટર પર બેસાડીને સ્ટેડિયમ લઈ જતા. સવારે અત્યંત વહેલા ઊઠવાને કારણે નાનકડી સાયના ઘણી વાર સ્કૂટર પર પિતાની પાછળ બેઠી બેઠી ઊંઘી જતી. પિતાને પુત્રીના પડી જવાનો ડર રહ્યા કરતો. એવામાં કોઈ સંભવિત દુર્ઘટના ટાળવા ઉષા રાની પણ સાથે જવા લાગી. સાયનાએ રોજ બે કલાક પ્રેક્ટિસ કરવાની રહેતી. એ પછી કાંઈ ઘેર જઈને ઊંઘવાનું નહીં, પણ શાળાએ જવાનું. એ પછી સાયના હૈદરાબાદની પુલ્લેલા ગોપીચંદ એકેડેમીમાં જોડાઈ. ગોપીચંદ પાસે તાલીમ લેવા લાગી. સાયના ગોપીચંદને પોતાના ગુરુ અને માર્ગદર્શક માને છે.

ગોપીચંદની શિષ્યા બનીને સાયનાએ ગુરુનું નામ રોશન કર્યું. બેડમિન્ટનમાં અનેક ચંદ્રક જીત્યા. દેશનું ગૌરવ વધારતાં લાંબા સમય સુધી સાયના બેડમિન્ટનમાં વિશ્ર્વમાં પ્રથમ ક્રમાંકે રહી. ઓલિમ્પિક, વિશ્ર્વ ચેમ્પિયનશિપ, કોમનવેલ્થ ગેમ્સ, એશિયાઈ ચેમ્પિયનશિપ અને એશિયાઈ ખેલો…. બેડમિન્ટન ટૂર્નામેન્ટના આ પાંચેય પ્રતિષ્ઠિત ખેલમાં ‘બેડમિન્ટન ગર્લ’ સાયનાએ ચંદ્રક મેળવવાની દુર્લભ સિદ્ધિ હાંસલ કરી… જોકે દેશ અને દુનિયામાં પ્રતિષ્ઠા મળ્યા પછી પણ, આટલેથી સાયનાને સંતોષ નથી. દરેક વિજય એને વધુ એક જીત માટે પ્રેરે છે. શાહરુખ ખાનની પ્રશંસક એવી સાયનાની ચાહ છે આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રત્યેક બેડમિન્ટન ટૂર્નામેન્ટ જીતવાની. સાયનાની મહત્ત્વાકાંક્ષા છે બેડમિન્ટનના શાહરૂખ ખાન બનવાની…શાહરૂખ ખાન બોલીવૂડનો બાદશાહ છે, સાયનાની આકાંક્ષા છે બેડમિન્ટનના બેતાજ બાદશાહ બનવાની…!

Show More

Related Articles

Back to top button
આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન… આ બીજ ખાઇને તમારો બ્રેઇન પાવર વધારો